હું ગુજરાતી ભાષા (ગીત) ~ કૃષ્ણ દવે
હું ગુજરાતી ભાષા
કવિ તમારી પાસે રાખું છું
બહુ મોટી આશા
હું ગુજરાતી ભાષા
મુક્ત કરાવો ત્યાંથી
જ્યાં બસ ચાટૂક્તિના ચટકાં
ફરી મને ત્યાં પહોંચાડો
જ્યાં બ્રહ્મ કરે છે લટકાં
બહુ બાઝી ગઈ લીલ
હવે તો વહેવાના પણ સાંસા
હું ગુજરાતી ભાષા
સાચું કહું આ લબુક્ ઝબુકિયા
મને નહીં અજવાળે
ફરી કલમ એ લાવો
કે જે પોતાને પ્રજ્વાળે
કવિ તમે શું જોયા કરશો
બેસી આમ તમાશા?
હું ગુજરાતી ભાષા
કવિ તમે તો અંધકારમાં
છો ટમટમતી જ્યોત
રચો કવન કંઈ એવા
જેમાં પ્રગટે મારું પોત
શબદ શબદમાં ઊગે સૂરજ
ભાગે દૂર નિરાશા
હું ગુજરાતી ભાષા
~ કૃષ્ણ દવે
તા-૧૨-૧૧-૨૦૨૪
અખાના ચાબખા યાદ આવ્યા. દવે સાહેબ તમે દિલની વાત લખી.