પાંચ કાવ્ય (ગઝલ, સૉનેટ, ગીત) ~ કમલેશ જેઠવા ‘અમર’, જૂનાગઢ (પ્રાથમિક શાળામાં શિક્ષક)
- પછીનું છે સર્જન
છતાં ખળખળે; છો કિનારાનું બંધન.
કરું છું નદીને હું એથી જ વંદન.
તને તારી જાહોજલાલી મુબારક,
અમારા નસીબે લખ્યું હો ભલે વન.
પ્રભુ, દેહ આપ્યો ભલે સાવ નશ્વર,
ઉદાસી મને કેમ આપી સનાતન?
ખભે કેટલો ભાર ઊંચક્યો સ્મરણનો!
છતાં જિંદગી તું કરાવે છે નર્તન?
તરત કંઈ કવિતા રચાતી નથી ભૈ!
જખમ, દર્દ, આંસુ પછીનું છે સર્જન.
- ગજું નહીં આપણું
છે હૃદય ધબકાર એ સંભારણું,
વ્હાલસોયી દીકરીનું પારણું.
ખાસ કંઈ મિલકત નથી મારી કને,
ચાર ભીંતો, છત અને આ બારણું.
કેમ અટકાવું કહો આ ઠારને?
દ્વાર સળગાવી કર્યું છે તાપણું.
તું કહે તો તોપને મોઢે ચડું,
શબ્દની સામે ગજું નહીં આપણું.
એટલે ફેરો થયો પાછો ‘અમર’,
કોઈનું બાકી હશે કંઈ માગણું.
- સમજી જવાનું
વગર કારણે ભેટ આપે તને કોઈ, સમજી જવાનું.
બધી બાબતોના ખુલાસા કદી હોય? સમજી જવાનું.
હતા કેટલા ભાઈબંધો તમારા, એ સુખના સમયમાં!
કઠણ કાળમાં આંખ કોની હતી રોઈ? સમજી જવાનું.
પ્રબુદ્ધો ને વીરોની ભરચક સભામાં હરાયાં હતાં ચીર,
છતાં કેમ ના ઊકળ્યું એમનું લોહી? સમજી જવાનું.
ઘણાં સ્નેહથી સાચવ્યાં’તા પિતાજીએ સંબંધ સઘળાં,
તને વારસામાં શું અમથી મળી સોય? સમજી જવાનું.
હમેશાં ન પૂછ્યા કરો વૃદ્ધ ‘મા’ને કે શું જોઈએ છે?
ઘણું તો ‘અમર’ એમની આંખમાં જોઈ સમજી જવાનું.
- પાનખર મધ્યે લીલું પર્ણ (છંદ : શિખરીણી)
વને જોને કેવી ભ્રમણ કરતી પાનખર આ,
અને વેરંતી એ ચહુદિશ ઉદાસી સફરમાં,
ગયાં પર્ણો ઝાઝાં મરણશરણે આ તરુ તણા,
જરા શી વાયુની લહર હળવી ના સહી શક્યા.
બધી બાજુએથી, ભયપ્રદ દિસે આ વન હવે,
છતાં વૃક્ષે લીલું વિહગ સરખું પાન દિસતું,
પચાવી છે એણે અસર ઉરથી પાનખરની,
ઉદાસીને પાસે, કદી ફરકવા ના તક મળી.
અરણ્યે ઊભું એ વદન હસતું છે હરખથી,
ઉરે આશા ધારી નવીન ઋતુના આગમનની,
હતું ઘેરાયેલું બિહડ વનથી ચોગમ છતાં,
ભરી શ્વાસો હૈયે અવિરત જીવે પાનખરમાં.
નથી ચિંતા સ્હેજે મરણ થતું છો થાય પળમાં,
વિસારી પીડાને, અવિચલ જીવે પાનખરમાં.
- ગીત : હું ગરવો ગિરનારી
હું ગરવો ગિરનારી.
સાવજ જેવું હૈયું મારું,
મનથી છું અલગારી.
હું ગરવો ગિરનારી.
જંગલ વચ્ચે ધૂણી ધખાવી,
ભભૂત ચોળું અંગે.
સાથી ના સંગાથી કોઈ;
ચીપિયો રાખું સંગે.
આંખો મીંચી ધ્યાન ધરી
હું ઊતરું ભીતર મારી.
હું ગરવો ગિરનારી.
રટયા કરું છું હરતાં-ફરતાં
હર હર, બમ બમ, શંભુ!
તાપ, ટાઢ કે મેઘો વરસે;
ના ક્યારેય હું થંભું,
ડમરુંના નાદે દુનિયાનો
નાખું કેફ ઊતારી.
હું ગરવો ગિરનારી.
ભૂખ્યાં-તરસ્યાં, દીન-દુઃખી
સૌ પ્રત્યે પ્રેમ વહાવું.
ભોજન, ભજન અને ભક્તિનો
હેતે રસ પીવડાવું.
કામ-ક્રોધની અગ્નિને હું
પળમાં નાખું ઠારી.
હું ગરવો ગિરનારી.
~ કમલેશ જેઠવા ‘અમર‘, જૂનાગઢ
+91 95588 46571
અભ્યાસ: પી.ટી.સી. એમ.એ.
વ્યવસાયે પ્રાથમિક શાળામાં શિક્ષક.
સુંદર રચનાઓ, અભિનંદન કવિને.
Thanks