કિશિંગ ~ વાર્તા ~ મધુ રાય

હરિભાઈની ડોટરને એરલાઇનમાં જોબ મળી અને હરિભાઈના ઘરમાં આનંદ વ્યાપી ગયો. ડોટરનો હસબન્ડડોટરનાં ચિલ્ડ્રનોફાધરમધરબ્રધરસિસ્ટરો ને ઓફ કોર્સ હરિભાઈની ડોટર પોતે જીયાં જીયાં એરલાઇન જાતી હોય ત્યાં ફ્રીમાં ફ્લાય થઈ શકે! ને ડોટરનો વિડિયો વોટસેપ આવ્યો કે બેગું બાંધો ડેડીદિવાળી આયાં કરજોને હરિભાઈએ તો મિશિસને કીધું કે કમોન ડીયરવી ગોઇંગ કેનેડા. આમ તો હરિભાઈના ફેમિલીને કેનેડાની હવે કોઈ નવાઈ નહોતીકેમકે ડોટર ને સન્ન બોથનું ટોટલી સેટિંગ પીઆરબીઆર એવરીથિંગ કેનેડામાં  પ્રોપરલી થઈ ગયેલું ને વરસે બેવરસે સહ–ફેમિલી હરિભાઈ આંટો મારી આવતા. પણ ફ્રીમાં જાવાનો આ પેહલો ચાન્સ હતો.

અરે! હરિભાઈની મિશિસ ચીટિયો ભરીને ધીમા સાદે તતડાવતાં હતાંકે તમને હજાર વાર કહ્યું છે કે ડીયરડીયરની રાડું પાડો છો ઈ જરાય સારા નથી લાગતા. પાડોસના છોરાંવે મસકરી કરે છેને મનેય સરમ આવે છે બધા સાંભરતા હોય તયેં.

હરિદાદાએ સ્માઇલ આપ્યું ને કહ્યું શોરી. દાદાને ખબર હતી કે ડીયર કિયો ઈ મિશિસને મેન્ટલી–મેન્ટલી ગમતુંતુંકેનેડીયામાં તો બધા સામસામે ઓ ડીયર! ઓ ડીયર! કરતા હોય છે. ને હશબનવાઇફ તો નફ્ફટ થઈને કિશિંગ બી કરી નાખે. પણ ઓકે છેમિશિસની ખીજ ને ચિટિયો ને એવરીથિંગ. પણ આ વાત  મિશિસ કે કિશિસની નથીઆ વાત બીજી. છે.

ટિકિટને બદલે ડોટરે ટિકિટનો ઇમેઇલ મોકલેલો પણ ઇ કનફમ ટિકિટ નહોતી. જે તારીખે જાવાનું નોંધવેલ હોય તે દિવસની ફલાઇટમાં જિગા એમટી હોય તો જાવા મલેને ન હોય તો ઈ પછીની ફ્લાઇટમાં. પણ ઈ તો ધરમની ગાય કહેવાય. બીજી તો બીજી ફ્લાઇટમાં એમાં સું. જોકે આમેડાબડથી એક દિવસની એક જ ફ્લાઇટ હતી.

એટલે સરદ પૂનમ પછીના બીજા દિવસે હરિદાદા મિશિસ ભેરા રિક્સો કરીને ગયા એરપોટસામાન બામાન ચેકઇન વગેરે કરી વાટ જોતા બેઠા હરિદાદા અને એમનાં ડીયર. ફલાઇટ ઊપડવાને વીસ મિનિટ હતી ત્યાં સુધી કાંઈ મેળ ન ખાધો ને હરિદાદા રિક્સાના પૈસા માથે પડ્યા એવો વિચાર કરતા હતા ત્યાં રાડ આવી હરિભાઈના નામની ને દોડ્યા બેય વરવહુ. એક છોકરડા જેવા ટિકિટમાસ્તરે કીધું ગુડ આફ્ટરનૂન સરતમને ઇકોનોમીમાં સીટ નથી. સોરીઓલા એરલાઇનવારાએ સાન્ત્વન આપવાના સૂરમાં જણાવ્યુંપણ ઇફયુ ડોન્ટ માઇન્ડ હું તમને ફર્સ્ટ ક્લાસમાં બે જિગા કરી આપું.

હરિભાઈએ કહ્યુંકર ને ભાઈએમાં પૂછવાનું સું હોયડોટરે જણાવેલું કે કોઈવાર થર્ડ ક્લાસમાં જગ્યા ન હોય તો ફર્સ્ટ ક્લાસમાં બેસાડેને એના કાંઈ ઓન્નમાં ન માગે.

ટિકટ ચેકરે માથે સહેજ ચળ કરવાનો ચાળો કીધો. ઓન્લી થિંગ ઇઝ સર કે બે જગ્યા પાસેપાસે નથી. તો વિલ ડૂ?  મિશિસ કદાચ અજાણ્યા ફિરંગી પાસે એકલી ન બેસે. પણ હરિભાઈએ ધડાધડ ડિસિસન લઈને કહ્યું કે હા ભાઈ હાને ટિકિટચેકરે કાંઈક ટાઇપ કર્યું ને ચાપું દબાવી ને સરસર બે બો્ર્ડિગ પાસ હાથમાં આપી દીધા. કહે કે અંદર જઈને નાઇસલી કહેશો તો બાજુવાળો પેસેન્જર સીટ બદલી આપશેઓલ ગુડ?

ફર્સ્ટ ક્લાસમાં બેસવાનો આ પહેલો પ્રસંગ હતોને ટોટલ ઇંગ્લિસમાં સીટ બદલવાનું કહેવાનું હરિભાઈને ફાવ્યું નહીં કેમકે ફર્સ્ટ ક્લાસમાં બધા ફોરેનર હતાકોઈ ગુજરાતી નહોતું. મિશિસે કહ્યું કે ગાડી ઊપડે પછી વાતહમણાં બેસી જાઓ. હરિભાઈએ ખોંખારીને કહ્યું કે આને પ્લેન કહેવાયમાય ડીયરનોટ ગાડી. ડીયર કહ્યા પછી એક મિનિટ તો કિશિંગનો બી આઇડિયા આવ્યો કે બધા ફોરેનર સામે કિશિંગનોયે વાંધો નહીં પણ ટેમ્પરરી કિશિંગનું લેટગો કર્યું.ને ફટફટ ડોટરને ફોનના મસેજમાં ખુશાલીના સમાચાર આપી દીધા કે બેસી ગયા છીએંને ઓલ વેલ. બસપછી જેને કેવાય ને કે ગાડી ઊપડી.

૨–

ફર્સ્ટ ક્લાસમાં સું ટેસડા હતાસું સાહ્યબી હતી! ફાઇન ફાઇન ગાદીપક્તી સીટતમારે લાંબો વાંસો કરવો હોય તો તેય થઈ શકે મારા ભાઈ. ઓઢવાપાથરવાના બનુસને દાતણબાતણ કરવા માટે એક ફાઇન પ્લાસ્ટિકનું પાકીટએમાં વળી અત્તરની નાની શીશી ને હજામતનો સમાનબધું હોલમસેલ. કાનમાં નાખવાના પૂમડાંટીવી સાંભળવા માટે હેડફોનબેડફોનકંપલેટ. આ બધું થર્ડ ક્લાસમાંયે મલે પણ સાહેબ ફર્સ્ટ ક્લાસ ઈ ફર્સ્ટક્લાસ. ક્વાલિટી ક્વાલિટીનોય ફરક હોય ને. આ બધો વૈભવ તપાસીને સેટલમેન્ટ કરે તે પહેલાં તો આવી ઓલી બાઈને કાજુ ને દ્રાક્ષ ને એવો સૂકો મેવો આપી ગઈ. એને નિયાય આપે ત્યાં તો ફાઇન સરબતનો ગ્લાસને બસ એમ ભારી મજા આવવા માંડી. મલકતા જાય હરિદાદા ને પાછું વળી વળીને મિશિસને સાયલન્ટ સાયલન્ટ હલો કહેતા જાય.

ત્યાં વળી લંચ આવ્યું. વેજિટેરિયન. ખાવાનું તો ટોપમાં ટોપ હતું જપણ હરિદાદા એની ડિશું ને ચમચીયું ઉપર ફિદા થઈ ગયા. ગધની ચમચીયું જાણી ચાંદીની હોય એવી ચમકદાર. યાદગીરી માટે એકાદી ચમચી લેતા જવાય કેકોને ખબર.

વિચારમાં ને વિચારમાં ભોજન પૂરું થયુંઓલી ફરાકવાળી છોકરી થાળી લઈ ગઈને હરિદાદાની આંખ મળી ગઈ. ને અચાનક ખૂલી ગઈ! ફર્સ્ટ ક્લાસનું સપનું તો નથી ને નો. નો. બધું રીયલમાં છે. એકાદવાર મિશિસ નંબર વન કરવા ઊભાં થયેલાં ને પાસેથી નીકળ્યાં તોયે ભારમાં હોવાનો દેખાવ કરીને જેજે કરીને ટોયલેટમાં ચાલ્યાં ગયાં. ને આમ રમતાં રમતાં જાણે આવી ગયું ફ્રાન્કફર્ટ! પાયલોટે કહ્યું કે હવામાન ખરાબ છે, આયાં રાત કાઢવી પડશે. બધાને માટે એરપોટ ઉપર હોટલની એરેજમેન્ટ થઈ ગઈ છે, તમારો કેરીઓન સમાન લઈને બહાર ઊભા રહો, અમારા માણસ તમને હોટલ ઉપર લઈ જશે.

–૩–

બહાર નીકળ્યા ને બસમાં બધા પેસેન્જરોને લઈ આવ્યા હોટલમાં, વિમાનવારા. તારી ભલી થાય, શું હોટલ હતી! દાદરા ઉપર ઝુમ્મર! એમને મળેલી રૂમમાં પણ ઝુમ્મર. સન્નના ફ્રેન્ડ આલુવાલિયાને ઘરે હતો એવો પગ લાંબા કરીને સહેજ ઝોકું ખાઈ સકો તમે એવો ફાઇન સુંવાળો સોફો, ફકત એક ચાંપ દબાવવાની. ને સોફો થાય લાંબો. ને ત્યાં હરિદાદાનું ધ્યાન ગયું મિશિસ તરફ?  હરિદાદાએ મિશિસ તરફ હસીને જોયું, મિશિસે રિટન સ્માઇલ આપ્યું. ને ઓઢેલી શાલને બેય ખભે બરાબર ગોઠવી.

વોટ? આ શાલ ક્યાંથી આવી?

મિશિસે શાલ ઓઢેલી! યસએરલાઇનવારાની ફર્સ્ટ ક્લાસમાં મળેલી શાલ. મિશિસે કહ્યું કે મને ટાઢ પડી તો વિમાનવારી ઓઢાડી ગઈને બહાર નીકળતાં પાછી લેવાનું ઈ ભૂલી ગઈ ને હુંયે ભૂલી ગઈ. મિશિસે દાંત કાઢ્યા. આપણે ક્યાં સંતાડીને લીધી છેહરિદાદાએ સાયલન્ટલી આર્ગ્યુમેટ કરીબધાના દેખતાં મિશિસ શાલ ઓઢીને બહાર નીકળ્યાં છેકોઈ ચોરી થોડી કરી છે! કદાચ એવુંયે હોય કે દાતણબાતણના પાકીટની જેમ આ શાલબાલ પણ ઘરે લઈ જવાની છૂટ હશે. હરિદાદાને યાદ આાવ્યું કે પોતે લીધેલી ચમ…ચી…? અરે કાંઈ બહાર નીકળો ત્યારે હાથમાં ચમચી પકડીને નીકળો તો જ સાહુકાર કેવાઓરહી ગઈ ખિસ્સામાં તો રહી ગઈ ખિસ્સામાં. એરલાઇનવારાને સું ફેર પડે! ને આટલી મોંઘી ટિકિટું લ્યે છે તો એકાદી ચમચીની સું પડી હોય? ઈ વાત અલગ છે કે હરિદાદાને ટિકિટ નહોતી લાગી, પણ આ એક સિધ્ધાનની વાત છે.

ને રૂમમાં પાછો ફાઇન ફાઇન ગાદલાવારો પલંગ. જાણે તકિયાની દુકાન હોય એમ ડઝનબંધ તકિયા! ને હાથ ફેરવો ત્યાં નીંદર આવી જાય એવું સોફ્ફ સોફ્ફ ઓઢવાનું. ને બાથરૂમમાં સાહેબ, તમે જોયું હોય તો ફુવારો એક, પણ ચારચાર જાતની ધાર થાય એવો! પ્લસ ધકધક ધકધક માણસના ધબકારાની જેમ ધબકારાવાળી ધારુંયે થાય. ને મેમાન આયવા હોય તો સગવડે અગવડે સુવડાવી સકાય એવડું મોટું નાહવાનું ટબ! ત્રણ જાતના સેમ્પુ, બે કંડિસનર ને ટનબંધી  બેબી સાઇઝના સોપ! પાછું હોટલમાંયે સેવિંગનો અસ્તરો ને સાબુના ફીણનો ડબો ને ફાઇન દાઢી કરી લીધા પછી ગાલે ચોપડવાનું લોસન વરી અલગથી! ને સેઇમ ટુ સેઇમ પાછું બધું લેડીઝ લોકો માટે.

એક યાદગીરી તરીકે હરિદાદાએ ઈ બધું એક ઝોરીમાં ભરી લીધું. આ તો વેવારિક વાત કેવાય, આપણો એક દિવસ બગડ્યો તેના બદલામાં એરલાઇને આપણને રૂમ આપ્યો. તો રૂમની ચીજું બી આપણને વાપરવા માટે જ આપી ને? ને આપણે હોટલમાં ન વાપરી ને ઘરે વાપરસું એમાં કોઈને સું સાડાબારી?

ને સવારે બ્રેકફાસ્સ કરીને પાછાં ઊપડ્યાં બેય જણ બસમાં ને પ્લેનમાં ને પાછો સરબત ને દ્રાક્ષ ને કાજુનો વૈભવ ને વેજિટેરિયન ભોજન. ને આવ્યું ટોરન્ટો.

પહેલાં કેરીઓન બેગ ઘસડતાં ઘસડતાં હરિદાદા બહાર નીકળ્યાને પાછળ મિશિસને બેય બહાર વ્હીલચેરમાં બેઠાંને ફર ફર કરતા વ્હીલચેરવાળી બાયું લઈ આવી ઇમિગ્રેશનમાં નેઇમિગ્રશન માસ્તરે કાંઈ પૂછ્યાગાછ્યા વિના હાથ હલાવી જવા જણાવ્યું ને વ્હીલચેરું ઊભી રહી લગેજ ક્લેમના ચકેડા પાસે. ને ધબ્બ કરતી ડોટરે આવીને એની મધરને બથ ભરી લીધી. હરિદાદાને પગે લાગી ને માદીકરીની વાતું ચાલુ થઈ. હરિદાદાને ખબર હતી કે એકાદ કલાક સુધી આપણો ટર્ન નહીં આવે વાત કરવાનો.

–૪–

એટલે હરિભાઈએ સામે એક બેન્ચ ખાલી હતી એમાં જિગા લીધી, ત્યાં તો એણે જોયું કે એક ફાટલા પાટલૂન ને અરધા મૂંડેલા માથાવારી એક ગોરી બાઈ એના બોઈફ્રેન્ડને વળગીને બકિયું ભરતીતી, જાણે દુનિયા જખ મારે છે, મારો મરદ છે ને હું એને બકી ભરું છું. હરિદાદા જોઈ રહ્યા. નજર હટે જ નહીં.

પણ હરિદાદાએ મન કઠણ કરીને વારી પલાંઠીને સુવાસ કરી લીધો અધ્ધર ને કીધું દ્વારકાના ધીસનું ધ્યાન. ને પ્રત્યક્ષ થયા લક્ષ્મીનારાયણ. ફરક ફક્ત તે હતો કે આજુખેલે ભગવાનની ભેરા એનાં બેટરહાફ બી આવેલાં. ને બંનેનું ડ્રેસિંગ પણ ફોરેનર જેવું હતું. લક્ષમીજીએ ફાટેલું તો નહીં પણ બ્લુ જિન્સનું પાટલૂન પહેરેલું ને ભગવાને મોરમુકુટને બદલે ઘાસની હેટ પ્લસ આઈ લવ ટોરન્ટો લખેલું કોલર વગરનું બાંડિયું.

બોલ, માય સન્ન, ભગવાને કહ્યું. સું મુંઝાણો છો? હરિદાદા કહે કે સર, તમે તો અંતરના જામિ કેવાઓ, તમને બધી ઇનસાઇડ ઇન્ફો હોય એડવાન્સમાં. આમ તો મને ખ્યાલ છે કે તમે પોતે માખણની ચોરી કરતાતા. પણ ઈ કદાચ બચપણનાં તોફાન કેવાય. પણ આ ગૈઢી ઉમરે મેં વિમાનમાંથી દાતણની કિટ ને કાનનાં પૂમડાં સામાનમાં મૂકી દીધાં ને  હોટલમાંથી બધી ચીજુંની ઝોરી ભરી લીધી ને મિશિસે એરલાઇનવારાની શાલ પેરી લીધી, ઈ ચાલે કે પાપ કેવાય?

ભગવાન લક્ષમીજીની સામે જોઈને દાંત કાઢવા માંઈડા. ગાંડા, તું હજી એવો ને એવો જ રહ્યો. દાતણની કિટ લીધી ઈ તો તારા માટે જ એરલાઇને મૂકીતી, ને હોટલમાંથી ચીજું લીધી ઈયે હોટલે તારા વાપરવા માટે મૂકીતી. કરવાવારા કરોડો મલ્ટીપ્લાય બાય કરોડોની ચોરી કરીને આરામથી વિલયતમાં વિલાયતી લેડિઝો ભેરા જલસા કરે છે ને એના પેટનું પાણીયે નથી હાલતું. કોઈ બીજાના હકનું તેં ઝંટી લીધું હોય તો એક્ચુલી ઈ ચોરી કહેવાય.

હરિનો જીવ હેઠો બઠો, ને ભગવાન ફરીથી હશવા માંયડા. પછી જાણે આ ટોરન્ટોનું એરપોટ નહીં ને ગોકુળિયું ગામ હોય એમ ભગવાનેયે લક્ષમીજીને બથ ભરી લીધી!

એવામાં સામાનની બેગું આવી ગઈ ને મિશિસ તથા ડોટર બેય વાતું કરતા કરતા હરિની પાસે આવ્યાં ને હરિદાદાનું ધ્યાન ઊડી ગયું. અંતરના જામિ અલોપ હતા. હરિનેયે ઓલી ફાટેલા પાટલૂનવારીની જેમ મિશિસને વરગવાનું મન થઈ આવ્યું, પણ એક તો ડોટર સામે હોય ને બીજું કેનેડીયણ કરે ઈ ચાલે ને ભગવાન કરે ઈ લીલા કેવાય, આપણાથી બીજાના વાદ ન થાય. અને હરિદાદાએ આંખું બંધ કરી તો બંધ આંખે પાછા લક્ષમીનારાયણ દેખાણા. ને લક્ષમીજીને બદલે ઓલી કેનેડીયણ જાણે ભગવાનને વરગીને ઊભીતી ને હરિને આંખ મારતીતી!

–૪–

ટોરન્ટોમાં સન્ન બધાયને એક એવી હોટલમાં જમવા લઈ ગયો કે તમારે જે વસ્તુ જેટલી ખાવી હોય, ને જેટલી વસ્તુઉં ખાવી હોય, ને જેટલી વાર ખાવી હોય, ઈ ટેસથી ખાઓ, નો પોબલેમ. ને સન્ન ને ડોટર ને હરિદાદા પ્લસ મિશિસ બધાનું ટોટલ ફેમિલી સવારના ગયેલું ને રેસ્ટોરન્ટમાં જ છોકરાંવને રમવાની લપસણી બપસણી બધું હતું. સાંજ સુધી ખાધા કરવાનો પોગરામ હતો, નો પોબલેમ. ટેબલ ઉપર ડિશું, નેપકીન ને છરી કાંટા ને બધી કટલરી ગોઠવેલાં હતાં, હાઇ ક્લાસ.

ઓક્કે, હરિભાઈનો માંહ્લલો બોલ્યો, આ તો જમવાની લોજ કેવાય આયાંના થાળીવાટકા કાંઈ ઘરે ન લઈ જવાય. ચમચી ભલે ગમે એટલી નકશીકામવાળી ને કદાચ સોનાના વરખવાળી હતી પણ ઈ આંયાં ખાવા પૂરતી જ હોય, ખિસ્સામાં ન મુકાય.

ત્યાં જે વિચારને હરિભાઈ છેટો ને છેટો રાખતા હતા, ઈ ફેણ ફેલાવીને જાણે સામે આવ્યો. આપણે વિમાનમાંથી ચમચી ખિસ્સામાં મૂકી દીધી ઈ વાત ભગવાન પાસે ઓપનલી પૂછી નહોતી, કદાચ ભગવાન કહે કે ઈ તો ચોરી કહેવાય તો? કે કદાચ ભગવાન કહેત કે ચાલ્યા કરે, એવી ચમચીફમચી લીધી ઈ ચોરી ન કહેવાય. ભગવાન જાણે ભગવાન શું ચુકાદો આપત. પણ આપણે ઈ વાત જ ઉચ્ચારી નહીં, વાત કરવાની સરમ આવી ને કાં તો હિંમત ચાલી નઈં. એટલે ઈયે અમુક ટાઇપની ચોરી ન કહેવાય? યસ ઓર નો?

આજુખેલા હરિભાઈને વરી સું ઘુરી ચડી કે હરિભાઈએ ઈ વાત મૂકી તમારી પાસે, યસ, તમે વાંચો છો ઈ વાચક પાસે, ચમચીની વાત ન ઉપાડી ઈ ચોરી કેવાય? યસ ઓર નો?

સમાપ્ત

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment