દિવાળી કાવ્યો ~ (૧) દિનેશ પોપટ (૨) શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

૧. એક દીવાનું આત્મનિવેદન

છો ને સાવ નજીવો છું,
હું ય બળતો દીવો છું.
બિરાદરી સૂરજની છે
ને મિજાજનો મરજીવો છું.
હું ય બળતો…..

ઝંઝાને ઝૂલે ઝુલું ને
ખેલ ખેલતો અગ્નિથી,
છેલ્લું ટીપું હોય ત્યાં લગી
લડતો રહું છું લગનીથી,
દિવાળીનો છડીદાર ને
ઘરઘરનો માનીતો છું,
હું ય બળતો….

ભીતિનું સિંહાસન ડોલે,
રણ છોડે અંધારું,
સમી સાંજનો સૂરજ ઢળતો
આશ્વાસન લઈ મારું,
રાત ઉજાળું ફના થઇને
મતવાલો મોજીલો છું.
હું ય બળતો…..

નથી કોડિયું, શગ, ઇંધણ હું ,
જન્માવે છે કોણ મને,
વિસ્મય થાતું કોના તેજે
અજવાળે છે કોણ મને,
સંદેશો લઈ મહા-અનલનો
ફરતો રહું ફરિસ્તો છું,
હું ય બળતો….

~ દિનેશ પોપટ
~ કાવ્યસંગ્રહ: ભીતરનાં ખેતરમાંથી

૨. દિવાળી આપણી….

સદા માબાપ સાથે જિંદગી પણ ઝળહળી કાયમ.
દિવાળી આપણી જાહોજલાલીમાં રહી કાયમ.

નથી પૈસા, નથી મિલકત, નથી કઈ વૈભવી ઠસ્સો ,
બધા સાથે જમ્યાને.. રાત લાખોની બની કાયમ.

મને વિક્રમ અને સંવત સદા મારા જ લાગ્યા છે.
નવા વર્ષે અ….અંગ્રેજી બિચારી સમસમી કાયમ.

અમે માબાપ બે સંતાનના હમણાં બન્યા છીએ,
અમે માબાપ જેવી રાખશું આંખો ભરી કાયમ.

તહેવારો કરે ‘ભીનાશ’સૌને બસ તરોતાજા ,
પરમ જ્યોતિ જુઓ ભીતર સદાયે ટમટમી કાયમ.

~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.