ધાર્મિક પર્વો અને સિને-ગીત ~ શ્રીકાંત ગૌતમ

સિનેમાને સમૃદ્ધ કરવામાં આપણા ધાર્મિક તહેવારો, પર્વો અને ઉત્સવોનું યોગદાન સર્વવિદિત છે અને એટલે જ નિર્વિવાદ છે.

ગણેશ ચતુર્થીથી થતાં ગણેશ આગમનથી લઈને ગણેશ વિસર્જન અને ગણેશવિદાય સુધીના ગણેશોત્સવના દિવસો, જેમ આપણી હિન્દી ફિલ્મોનાં કથાનકનો અંશ બનતા રહ્યા છે તેવી જ રીતે નવરાત્રીના નવ દિવસો દરમિયાન રમાતી રાસગરબાની રમઝટ તથા દુર્ગા માતાના આગમનથી લઈને દુર્ગા માતાની મૂર્તિના વિસર્જન સુધીની ઘટનાઓ સમયાંતરે આપણી ફિલ્મોનાં કથાનકોના નાટ્યાત્મક સિને-પ્રસંગો બનતા રહ્યા છે.

આ દૃષ્ટિએ આપણા ધાર્મિક પર્વોની ઉજવણી સિને-ગીતોના સ્વરૂપે કે પછી સિને-પ્રસંગોની નાટ્યાત્મકતાના સ્વરૂપે આપણી ફિલ્મોને લોકપ્રિયતાના સંદર્ભે સમૃદ્ધ કરતા રહ્યા છે.

ગણેશોત્સવ અને સિને-ગીત આ બંનેના સંયોજનની વાત જ્યારે થાય ત્યારે સૌ પ્રથમ ‘‘હમસે બઢકર કોન’’ ફિલ્મનું આ અત્યંત લોકપ્રિય નીવડેલું અને ગણેશોત્સવના દરેક પ્રસંગે જાણતાં-અજાણતાં થીમ સોંગ બની ગયેલા આ ગીતનો ગુંજારવ આપમેળે થવા માંડે, (જેમ ‘‘બ્લફ માસ્ટર’’નું ગોવિંદા આલા ગીત જન્માષ્ટમી પર્વનું થીમ સોંગ થયું છે.)

‘‘દેવા હો દેવા ગણપતિ દેવા
તુમસે બઢકર કૌન
સ્વામી તુમસે બઢકર કૌન,
ઔર તુમ્હારે ભક્તજનો મેં
હમ સે બઢકર કૌન.’’

આવી જ રીતે ‘‘અગ્નિપથ’’ (અમિતાભ અભિનીત) અને બીજી ‘‘અગ્નિપથ’’ ઋતિક રોશન અભિનીત એ બંને ફિલ્મોમાં ગણેશ સ્તુતિ તથા ગણેશ આરતી આ બંને ફિલ્મોનાં કથાનકના સંદર્ભે ફિલ્મની પટકથાનું અનિવાર્ય અંગ બની ગઈ હતી.

અમિતાભ અભિનીત ‘‘અગ્નિપથ’’માં ગણેશ વિસર્જનના સિને-પ્રસંગ વખતે ગણપતિને વિદાય આપતી જે સ્તુતિ ગવાઈ હતી એ આ હતી :

‘‘ગણપતિ અપને ગાંવ ચલે
કૈસે હમ કો ચૈન પડે,
જિસને જો માંગા,
ઉસને વો પાયા,
રસ્તે પે હે સબ લોક ખડેં
ગણપતિ બાપ્પા દુઃખ હરતા
ગણપતિ બાપ્પા મોરિયા…’’

આવી જ રીતે ઋતિક રોશન અભિનીત ‘‘અગ્નિપથ’’માં ગણપતિની વિશાળકાય મૂર્તિની આરતી ઉતારતાં ગવાયેલી સ્તુતિ પણ આ ફિલ્મની પટકથાના સંદર્ભે અગત્યનો સિને-પ્રસંગ બની ગયો હતો. આ સ્તુતિ હતી,

‘‘દેવા શ્રી ગણેશા,
દેવા શ્રી ગણેશા,
જ્વાલાસી જલતી હૈ
આંખો મેં જિસકે ભી,
દિલ મે તેરા નામ હૈ,
પરવા હી ક્યા ઉસકા
આરંભ કેસા હૈં…’’

આવી રીતે ફિલ્મ ‘વિરુદ્ધ’માં પણ એક સિને-પ્રસંગ ગણેશ આરતીના સંદર્ભે હતો. અમિતાભ અભિનીત પ્રસ્તુત ફિલ્મ હતી.

ગણેશ સ્તુતિ,

‘‘ગણનાયક ગણ દૈવત્ય ગણધ્યક્ષ
એકદંતાય, વક્રતુંડે, ગૌરી તનયાધિમહી.’’

‘‘બાજીરાવ મસ્તાની’’ ફિલ્મની કથા મહારાષ્ટ્રના પેશવા બાજીરાવનાં જીવન-કવન ઉપર આધારિત હોવાથી આ ફિલ્મમાં ગણેશ વંદના આ ફિલ્મ માટે અનિવાર્ય બની ગઈ હતી. ‘‘જયદેવ જયદેવ મંગલમૂર્તિ શ્રી મંગલપૂર્તિ….’’

આ વાત તો થઈ ગણેશ સ્તુતિ અને ગણપતિની આરતીની જે સિને-ગીતના સ્વરૂપે ફિલ્મોમાં આમેજ કરવામાં આવી હતી, પરંતુ ગણેશ આગમન અથવા ગણેશ વિસર્જન અને એ જ રીતે નવરાત્રીના દિવસો વખતે દુર્ગા માતાનું આગમન અને એમની અંતિમ વિદાયના જે પ્રસંગોને જે ફિલ્મોમાં નાટ્યાત્મક રીતે વણી લઈને એ સિને-પ્રસંગો થકી જે ફિલ્મોની કથાઓ વધારે નાટ્યાત્મક બની હતી એ ફિલ્મોની વાત કરીએ.

‘‘અમર પ્રેમ’’ ફિલ્મનો પરાકાષ્ઠાનો પ્રસંગ અદ્‌ભુત જ નહીં સાથોસાથ અનેરી નાટ્યાત્મકતાની અસર ઊભી કરતો પ્રસંગ હતો.

આ ફિલ્મના આ પ્રસંગ વખતે આનંદ બાબુ (રાજેશ ખન્ના)ને જ્યારે જાણ થાય છે કે પુષ્પા (શર્મિલા ટાગોર), જે પણ હવે પોતાની જેમ વૃદ્ધત્વના આંગણે ઊભી છે, એને લોકોના ઘરકામની સાથે લોકોનાં પોતા માટે બોલાતાં એલફેલ વચનોને પણ મૂગે મોઢે સહન કરતી જોઈ ત્યારે આનંદ બાબુની ગ્લાનિ અશ્રુ બનીને વહે છે અને એ જ વખતે નંદુ જેને નાનપણમાં પુષ્પાએ પોતાના ધર્મપુત્ર તરીકે માતાનું વાત્સલ્ય આપ્યું હતું એ નંદુ હવે મોટો (વિનોદ મહેરા) થઈ ગયો છે, એ પણ આ જ શહેરમાં છે ત્યારે આનંદ બાબુ નંદુનો અને પુષ્પાનો મેળાપ કરાવી આપે છે અને નંદુને અનુરોધ કરે છે કે એ પોતાની આ ‘મા’ને પોતાના ઘેર લઈ જાય.

Classics revisited: Of Amar Prem's immortal ma, melodies & saline water - Rediff.com

વર્ષોનાં વહાણાં વહી ગયાં પશ્ચાત્‌ પોતાની ‘‘પાલક માતા’’ સાથે થયેલા આવા આકસ્મિક મેળાપથી ભાવવિભોર બની ગયેલો નંદુ જ્યારે વયસ્ક પુષ્પાને પોતાના ઘેર લઈ જતો હોય છે, તે જ વખતે સામે રસ્તેથી પસાર થતી દુર્ગા માતાની મૂર્તિને ધામધૂમ સાથે લઈ જતા ભાવિકો પણ પસાર થતાં દર્શાવાયા છે, આમ ‘‘અમર પ્રેમ’’માં માતાનું આગમન એક પ્રતીકાત્મક તથા નાટ્યાત્મક પ્રસંગ બની જાય છે.

‘‘અતિથિ તુમ કબ જાઓગે’’ ફિલ્મમાં ગણેશ વિસર્જનના સંદર્ભે આવો એક સિને-પ્રસંગ ફિલ્મની પરાકાષ્ઠા વખતે આવે છે.

ઘેર પધારેલા કહેવાતા કાકા (પરેશ રાવળ) જેઓ જવાનું નામ નથી લેતા તેથી જેને ઘેર આ વણનોતર્યા મહેમાને ધામો નાખ્યો હતો એ યુવાન દંપતી (અજય દેવગણ અને કોંકણા સેન) આ ‘અતિથિ’ ક્યારે રવાના થાય અને એમને કેમ કરીને રવાના કરવા એના સઘળા અજમાવેલા નુસખાઓમાં નાસીપાસ થયા હોય છે.

Ganesh Chaturthi In Bollywood: 7 Films That Capture the Spirit of the Festival - News18

ત્યારે ગણેશ વિસર્જન વખતે થયેલી ભીડમાં એ વયસ્ક અતિથિ ‘ખોવાઈ’ જતાં એ જ દંપતી એકદમ ગ્લાનિ અનુભવે છે, કારણ કે જ્યારથી પોતાને ઘેર ગણપતિની પધરામણી થઈ હતી ત્યારથી પેલા અતિથિની ભાવભક્તિથી પ્રભાવિત થયેલા એ દંપતીને આ વણનોતર્યા મહેમાન મનોમન ગમવા માંડ્યા હતા, પરંતુ ગણેશ વિસર્જનના દિને જ એ મહેમાનનું આમ અચાનક ક્યાંક ચાલ્યા જવું, એ ગણપતિ વિદાયની સાથે અતિથિના પણ જતા રહેવાનો પ્રસંગ આ દૃષ્ટિએ પ્રતીકાત્મક પ્રસંગ બની જતાં ફિલ્મમાં એક સરાહનીય લાગણીની નાટ્યાત્મક પળ અસ્તિત્વમાં આવે છે.

અને અંતે ‘કહાની’ ફિલ્મના ક્લાઇમેક્સમાં દુર્ગા માતાના આગમનના ઉત્સવ વખતે સફેદ સાળું અને રક્તરંગી લાલ બૉર્ડર ધરાવતી સાડીના પરિધાનયુક્ત નારીવૃંદના સમૂહમાં સામેલ થયેલી વિદ્યા બાગચી (વિદ્યા બાલન) જ્યારે પોતાની સાચી ઓળખ પ્રગટ કરીને દુર્જનનો ખાતમો બોલાવે છે ત્યારે અત્રે પણ આતતાયીઓનો સંહાર કરતાં દુર્ગા માતાની મૂર્તિની હાજરી આ ફિલ્મની સિને-કથાના સંદર્ભે પ્રતીકાત્મક બની જતી હતી.

Movie review: <em>Kahaani</em> - India Today

આમ સમયાંતરે આપણી ફિલ્મોમાં આપણા ધાર્મિક પર્વો સિને-ગીત અથવા સિને-પ્રસંગના સ્વરૂપે આમેજ થતાં રહ્યાં છે, જે સિનેમાને સમૃદ્ધ કરવામાં નિમિત્ત ઠરતાં રહ્યાં છે.

~ શ્રીકાંત ગૌતમ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.