દ્રૌપદી: એક પ્રતિશોધ (એકોક્તિ) ~ જિગીષા કિરીટ ત્રિવેદી, અમદાવાદ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૬
ભજવણી માટે કલાકાર: સ્ત્રી
હું દ્રૌપદી પાંચ પતિની પત્ની. છતાં કેટલી અસહાય, લાચાર. બુદ્ધિશાળી છતાં બેબસ, અસલામતીથી પીડાતી, અપમાન અને તિરસ્કૃત દશામાં જીવતી. આ વેરનો બદલો તો લઈને જ જંપીશ. મારા સ્વાભિમાનનો બદલો તો લઈને જ જંપીશ. હું અગ્નિ છું, અગ્નિમાંથી પ્રગટેલી… અગ્નિનો અંશ… અગ્નિ જેટલી જ તપ્ત… અગ્નિ જેટલી વિશુદ્ધ,… અગ્નિ જેટલી જ દાહક… અને અગ્નિ જેટલી જ પાવક. હું પ્રગટી ત્યારે… જન્મ નહીં, પણ પ્રાગટ્ય હતું મારું.
મારી અંદર અગ્નિ ભરીને મને પૃથ્વી પર મોકલી દેવામાં આવી હતી. એમ કહેવામાં આવ્યું હતું કે હુ જેને પણ સ્પર્શ કરીશ, એ સર્વે મારા ભીતરની આગથી ભસ્મ થઈ જશે.
જ્યારે હું અગ્નિકુંડમાંથી પ્રગટ થઈ ત્યારે પુષ્પો નહોતાં વરસ્યાં આકાશમાંથી. દશેય દિશાઓ ત્રાહિમામ પોકારી રહી હતી. સૂર્યનારાયણ પ્રખર તેજથી પૂર્ણ પ્રકાશિત થઈને જાણે અગ્નિવર્ષા કરી રહ્યા હતા. વૃક્ષ સ્થિર થઈ ગયાં હતાં. પૃથ્વીમાંથી અગ્નિ નીકળતો હોય એમ ઉષ્ણશિખાઓ આકાશ સુધી પહોંચતી હતી. વાયુ સ્થિર થઈને અપલક દૃષ્ટિથી મને નિહાળી રહ્યો હતો.
અગ્નિના આહ્વાન મંત્રો સાથે એક અતિભયંકર વાતાવરણનું નિર્માણ થયું હતું. યજ્ઞવેદીમાં પ્રજ્વલિત અગ્નિનો તાપ એટલો ભયાનક હતો કે ઋષિગણ શ્વાસ લેવાનું ભૂલી ગયા હતા ઘડીભર.
અસ્તિત્વ તો સ્ત્રીનું હતું, પણ સર્જન કરવું મારા ભાગ્યમાં ન હતું, મારે તો વિધ્વંસ કરવાનો હતો. એ જ મારું કર્તવ્ય હતું, એ જ મારું લક્ષ હતું.
શા માટે મારે આ બધું કરવાનું હતું?
મારા સર્જન પૂર્વે કોઈએ મારો અભિપ્રાય નહોતો પૂછ્યો, અનુમતિ પણ નહીં! ન મને કોઈએ મારું કર્તવ્ય કે કાર્યકારણ સમજાવ્યું. મારે માટે તો એક માર્ગ નિશ્ર્ચિત કરી દેવામાં આવ્યો હતો. જેના પર ડગલાં માંડતાં મારે સર્વેનું રક્ત વહેવડાવાનું હતું.
જેમણે મને જન્મ આપ્યો, જે મારા સહોદર હતા. જેમણે ક્યારેક મારી કામના કરી. જેમણે મને ક્યારેક સન્માન આપ્યું, જેમણે મારી સાથે પ્રણય કર્યો, જે મારા ઉદરમાંથી જન્મ્યા…. સહુ જેને મેં પ્રેમ કર્યો, તે એક પછી એક મારા અગ્નિમાં હોમાઈ જવાના હતા. મારા ભીતરનો દાવાનળ તેમને તહસનહસ કરી નાખવાનો હતો. સર્વે મારા સ્વજનો હતા. મારી સાથે જોડાયેલા હતા. તેમાંથી કોઈએ મારું કશું બગાડ્યું ન હતું, પરંતુ મારા કાર્યને, મારા લક્ષને સિદ્ધ કરવા સર્વેનું રક્ત મારી હસ્તરેખામાં લખાયેલું હતું.
હું સ્વયં સર્વનાશ થઈને જન્મી. મારાં માતા-પિતા, મારા ભાઈ… એક નહી, બે-બે. એક ધૃષ્ટદ્યુમ્ન અને બીજો… ભાઈ હતો કે બહેન.?… ‘‘શિખંડી’’ કહેવાય છે. મારા જન્મસમયે આકાશવાણી થઈ હતી. મારાં માતા-પિતા સહિત યજ્ઞની દીક્ષા લેવા બેઠેલા તમામ ઋષિગણ દિગ્મૂઢ થઈને સાંભળતા હતા તે ભવિષ્યવાણી.
દશેય દિશામાંથી એક ભયાવહ ગૂઢ અવાજ કહી રહ્યો હતો કે આ કન્યા તમારા અપમાનનો પ્રતિશોધ લેવા માટે પ્રગટ થઈ છે. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેનો આવિર્ભાવ થયો છે. તેના જ દ્વારા પૃથ્વી પર મહાયુદ્ધ થશે, ધર્મની સંસ્થાપના થશે અને એક નવા યુગનું નિર્માણ થશે.
પ્રતિશોધ સાથે મારો સંબંધ જન્મ પહેલાંથી બંધાઈ ગયો હતો. દ્રુપદની પુત્રી તો પછી બની, પ્રથમ તો હું પ્રતિશોધની પુત્રી છું. મારું અસ્તિત્વ કોઈ ઉત્સવનું પ્રતીક નથી. હું સ્વયં એક વિધ્વંસ છું. પરાસ્ત, ધ્વસ્ત, નષ્ટ કરવું મારી પ્રકૃતિ છે. છતાંય મને સતી કહીને મારી પૂજા કરવામાં આવી, પરંતુ આ સતીત્વને પામવા મેં શું સહ્યું છે એ કોણ જાણે છે?
સ્વયંવર યોજાયો. મત્સ્યવેધ કરનાર મને વરી શકે. સ્વયંવર એટલે સ્વયંની ઇચ્છા!
પરંતુ મને કોઈએ પૂછ્યું નહીં ને પાંચ પતિઓમાં વહેંચી દેવામાં આવી. ભારતવર્ષના પરમવીર, મહાનીતિજ્ઞ અને ધર્મ આચરણ કરનારા પતિઓએ મને વસ્તુ સમજીને દ્યુતમાં દાવ પર લગાડી. રાજ્યસભામાં મને ઢસડીને લાવવામાં આવી. મારાં વસ્ત્ર ઉતારવામાં આવ્યાં. મને વેશ્યા કહેવામાં આવી. કુરુકુળની કુળવધૂને ભરસભામાં જંઘા પર બેસવા આમંત્રિત કરાઈ. એ વાત સાંભળીને મારું અપમાન જોઈને લજ્જિત થવાને બદલે હસ્તિનાપુરની સભાના કહેવાતા વીર રાજનીતિજ્ઞો અને ધર્મપુરુષો હસતા રહ્યા. તો કેટલાક મસ્તક નમાવીને ચૂપ રહ્યા.
આ બધા પછી પણ મને સતી કહેવામાં આવે તોપણ શું? સન્માન મળે તોપણ શું? ભારત વર્ષની મહારાજ્ઞી બનાવીને સિંહાસન પર પ્રસ્થાપિત કરે તોપણ શું?
સમય વીતી ગયા પછી ન્યાય મળે તો તે તેનું મહત્ત્વ ગુમાવી બેસે છે.
પીડા અને પ્રતાડનામાંથી પસાર થયા પછી મળનારું સન્માન ફરીફરીને એ જ પીડાનું સ્મરણ કરાવે છે.
“અધિકાર કે ન્યાય માટે મારે ઝઝૂમવું પડે કેમ?” એવો પ્રશ્ન મેં મારા સખા એટલે કે કૃષ્ણને પૂછ્યો હતો. મને એટલું જ જોઈએ જે મેળવવાને હું પાત્ર છું. જે મેળવ્યા વિના મારું મૃત્યુ સંભવ નથી, મારો જન્મ જાણે મૃત્યુના સંદેશ તરીકે થયો હતો. અન્યો માટે મહાવિનાશની દૂત બનીને અવતરી હું!
તદ્દન અસહાય બનીને મારે એ જ કરવાનું હતું જે મારા માટે નિશ્ચિત થઈ ચૂક્યું હતું. પહેલાં મારા શરીરને અગ્નિને સમર્પિત કરાયું, પછી મારા પુત્રો… પ્રતિવિંદય, સુતસોમ, શ્રુત્કીર્તિ, શતાનિક અને શ્રુત્કર્મા… એમને પણ સળગાવીને મારી નાખવામાં આવ્યા. એ તો બાળક હતાં. શિબિરમાં ઊંઘતાં હતાં, પણ એમને પણ પ્રતિશોધનું માધ્યમ બનાવવામાં આવ્યાં.
ત્રણ પેઢીથી ચાલ્યો આવતો આ પ્રતિશોધ… પહેલાં મારા પિતા, પછી હું અને મારી પશ્ચાત્ મારા પુત્રો…. પ્રતિશોધને બલિ ચડી ગયાં છતાં… પ્રતિશોધ અતૃપ્ત જ રહ્યો…
***

jigisha.trivedi61@gmail.com
~