“વધાવી દીધો છે….!” ~ ગઝલ ~ દેવિકા ધ્રુવ

(કવયિત્રી, શ્રી દેવિકા ધ્રુવની “વધાવી દીધો છે…!” ગઝલનું સ્વરાંકન, શ્રી કર્ણિક શાહે  કર્યું છે અને એને સ્વર, ગાયિકા, શ્રી સંગીતા ધારિયાએ આપ્યો છે. જેની લિંક ગઝલની નીચે મૂકી છે.) 

સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.

હતો ભાર એને કળીનો  હ્રદય પર,
મૂકી એક પથ્થર હટાવી દીધો છે.

કહ્યું પાંખ કાપી હવે ઊડ આભે,
વફાનો શિરસ્તો નિભાવી દીધો છે.

હતું અશ્રુ પાંપણની કોરે લટકતું,
ન ખાળ્યું તો દરિયો વહાવી દીધો છે.

જરા કળ વળી ત્યાં પૂછે લોક આવી,
‘ખુશી છે’ કહી ગમ છુપાવી દીધો છે.

વળી જઈને પાછાં કાં ઉછળે છે મોજાં?
હતો જે મિનારો ઉડાવી દીધો છે.

ખુશી દે કે લઈ લે, ફિકર ક્યાં હવે છે?
કહી દો કે ગમને વધાવી દીધો છે.

—દેવિકા ધ્રુવ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. વાહ! સર્જન અને સંગીત રચના ખૂબ સરસ છે. બન્ને બહેનોને અભિનંદન.
    સરયૂ પરીખ.