લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 1: ગુજરાતી ગઝલના દમામની દાસ્તાન ~ કલાપી યુગની ગઝલો ~ રઈશ મનીઆર
આપણું આંગણું પર ‘ગઝલગુર્જરી’ના આ સોહામણા ઉપવનના પ્રત્યેક લેખમાં આપણે ગુજરાતી ગઝલની વિરાસતને સાકાર કરીશું. શાયરોની ગમતીલી ગઝલો, એમની યાદો અને એમના ખટમધૂરા કિસ્સાઓ સાથે સરળ શબ્દોમાં આપની સાથે સંવાદ સાધવાની નેમ છે.
તો આજે અને આજથી શુભ શરૂઆત કરીને અનેક હપ્તાઓ સુધી તમને ટાઈમ મશીનમાં બેસાડી ગુજરાતી ગઝલના સુવર્ણ યુગની સફર કરાવવી છે.
શાયરોના નામ સીધેસીધાં લીધા વગર કહું તો એવા શાયરો સાથે તમારી મુલાકાત કરાવવી છે જે ‘સૈફ’ લિમિટની બહાર, શાયરીનું ‘બેફામ’ ‘અમૃત’પાન કરી કરાવીને, પોતે ‘મરીઝ’ થઈને બીજાના હૈયાને ‘ઘાયલ’ કરીને છેવટે ‘શૂન્ય’ થઈ ‘અસીમ’માં ભળી ગયા છે,
જી હા, સમયની આંખે જોઈએ તો થોડા દાયકાઓ દૂર છે અને હૃદયની આંખે જોઈએ તો કદી આપણાથી અળગા થયા જ નથી, એવા શાયરોની દાસ્તાન માંડવી છે.
આ શાયરો ભલે મૃત છે, પણ વિસ્મૃત નથી.એમની કૃતિઓ આપણી સ્મૃતિઓનો હિસ્સો છે. એમની વાણીની વિરાસત આપણે માટે રોમાંચની રિયાસત છે.
ગઝલના એ સુવર્ણયુગના મોટાભાગના શાયરો આજે તો દિવંગત થયા છે, સ્વર્ગસ્થ થયા છે, જન્નતનશીન થયા છે. આ નશ્વર જગતની માયાથી મુક્ત થયા છે.
એમની સાથેસાથે એમને ચાહનારા, એમના સાચાં ચાહકો પણ ક્યાંક સ્વર્ગમાં એમની આજુબાજુ જ સરસ સ્થાન લઈ મહેફિલ જમાવી બેઠા હશે. પણ આ પરંપરાને જીવતી રાખવાની જાળવવાની આપણી કોઈ જરૂરિયાત ખરી? જવાબદારી ખરી?
એ વિચારણામાંથી આ લેખમાળા નિર્માણ પામી છે જેનું નામ છે ‘ગઝલગુર્જરી’.
ભાષાના જે થોડા ઘણા ભાવકો શેષ છે એમને માટે આ ખજાનો છે. નવી પેઢીના ભાષાના અને ગઝલના નવા અને યુવા રસિકોને ગઝલનો સંગ અને રંગ લગાડવાનો પણ આ પ્રયાસ છે. તેથી મારા તરફથી કોઈ અઘરી કે અટપટી વાત નહીં થાય, થોડું દસ્તાવેજીકરણ પણ થાય પણ સાથેસાથે વાતરસીલી અને ચટપટી રહે એની તકેદારી રહેશે.
શરૂઆત રાજવી કવિ કલાપીની એક રચનાથી કરીએ.

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
લગભગ એકસો પચીસ વરસ પહેલા લખાયેલી આ રચના છે. ગુજરાતી ભાષાના શરૂઆતી તબક્કાની એક મોભાદાર ગઝલ તરીકે આ રચના સ્થાન પામે છે. ગુજરાતીઓની દરેક પેઢી શાળામાં આ રચના ભણી હશે.
મિત્રો, કવિતા અને ગીતો તો દરેક સંસ્કૃતિમાં પાંગર્યા છે. આપણે જેને શ્લોક કે સુભાષિત કે મુક્તક કહીએ, બીજી સંસ્કૃતિમાં એને માટે કદાચ શેર, કતઆ કે રૂબાઈ શબ્દ વપરાય.
આવી શબ્દાવલિના અને સાહિત્યપ્રકારોના આદાનપ્રદાનથી ભાષાઓ સમૃદ્ધ બને છે. સોનેટ અને હાઈકુ જેવા પરદેશી પ્રકારને ગુજરાતી બનાવનારી આપણી ભાષા તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગઝલનો પોતાનો ઈતિહાસ એવો છે કે ગઝલ અરબસ્તાનમાં સાતમી આઠમી સદીમાં લખવાની શરૂ થઈ. એમાં ગઝલ છેલ્લી દોઢ સદીથી ગુજરાતને સદી ગઈ છે.
પણ ગઝલ શરૂ ક્યાંથી થઈ?
પહેલા રાજા મહારાજાઓની શાનમાં જે કસીદા લખાતા, ભાટ ચારણો લખે એવું, આવું શાયરો લખતાં. આજીવિકા માટે, ભેટ સોગાદની આશાથી. એને કસીદા કહેવાય.. કસીદા એટલે વખાણ.. તારીફ.. પ્રશંસા..
પણ ભેટ માટે ભાટાઈ કરીકરીને થાકેલા શાયરોને જ્યારે સામાન્ય માણસના સુખ-દુ:ખ, દર્દ-ગમ, મિલન-વિરહના ભાવોને વ્યક્ત કરવાનો વિચાર આવ્યો ત્યારે કસીદાની અંદર જ એમણે ગઝલના શેરો દાખલ કરવા માંડયા.
શાયરોની આ જુર્રત માટે દુષ્યંત કુમારના શબ્દો યાદ આવે…
મૈં જિસે ઓઢતા બિછતા હૂં
વો ગઝલ આપકો સુનાતા હૂં
તો.. આમ કવિઓએ રાજા મહારાજાઓ માટે લખવાને બદલે સામાન્ય માણસ માટે લખવાનું શરૂ કર્યું અને એમાંથી ગઝલના સ્વતંત્ર કાવ્યપ્રકારની શોધ થઈ.
રાજાઓને બહુ ખબર ન પડી અને લોકોને મજા આવવા માંડી. આમ ધીરેધીરે કસીદામાંથી ગઝલની શરૂઆત થઈ..
તો અરબસ્તાનથી વાયા ઈરાન થઈને, અરબી ભાષામાંથી વાયા ફારસી અને ઉર્દુ થઈને ગઝલ ગુજરાતમાં આવી.. અને આજે તો એ ગરવી ગુજરાતણ બની ગઈ છે. એટલે ગઝલશાયરી શબ્દથી આપણે સૌ સુપેરે પરિચિત છીએ,
તો ગઝલ ગુજરાતમાં કેવી રીતે આવી?
એની વાત પણ મજાની છે.
ગુજરાતમાં લાંબો સમય સુલતાનોનું રાજ ચાલ્યું. એમનો રાજકારભાર ફારસીમાં ચાલતો, હવે આ કારભાર શબ્દ પણ ફારસી શબ્દ કારોબાર પરથી આવ્યો છે.
હજુ આજેય ‘સેલડીડ’ને આપણે દસ્તાવેજ કહીએ છીએ. દસ્ત એટલે હાથ, અવેજ એટલે બદલો. દસ્તાવેજ એટલે મિલ્કતનો હાથ બદલો.
ફારસી તાઅલ્લુક પરથી તાલુકો શબ્દ આવ્યો અને મુઆમલા પરથી મામલતદાર આવ્યો. વકીલાત અને વહીવટના આવા ઘણા શબ્દોના મૂળ ફારસીમાં છે.
આ વહીવટની, કારોબારની ભાષા શીખવી ભારતીય દીવાનો માટે ખૂબ જરૂરી હતી. તેથી દોઢસો-બસો વર્ષ પહેલા નાગરો અને અનાવિલોએ કાયદા, કાનૂન, વહીવટ અને લખાપટ્ટીમાં પારંગત થવા માટે ફારસીનો અભ્યાસ શરૂ કર્યો.
એ ફારસી ભાષાના અભ્યાસના ભાગરૂપે શેખ સાદી, હફીઝ, રૂમી વગેરે ફારસી કવિઓની રચનાઓ પણ એમણે વાંચી અને એમની ફારસી કવિતાની અસર નીચે ગઝલકારોની પહેલી પેઢી આવી. આ કવિઓ એટલે બાલ, મસ્ત, સંચિત, કલાપી વગેરે કવિઓ.
તમને થશે ગિરા ગુર્જરીમાં પ્રથમવાર ગઝલની બાની અને ગઝલનો લહેજો કઈ પંક્તિઓ સ્વરૂપે આવ્યો? એની વિગતે વાત કરતાં પહેલા બાલાશંકર કંથારિયા યાદ આવે…
જેમને આપણે સ્કૂલમાં ભણી ગયા એ જે કહે છે…
ગુજારે જે શિરે તારા જગતનો નાથ તે સહેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિપ્યારું ગણી લેજે
આ દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે,
જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે
કચેરીમાંહિ કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું વહોરી ના પિડા લેજે
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે જે દૂર માગે તો
ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે
પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે
ગઝલની નજીક કહી શકાય એવી રચના ગુજરાતીમાં સદીઓથી લખાય છે.
હવે પછી જે રજૂ કરવા જઈ રહ્યો છું, એમાંથી ઘણી માહિતી જૂના પુસ્તકો અને સંપાદનોમાં ઉપલબ્ધ છે. ગુજરાતી ગઝલના ઈતિહાસની વાત કરીએ તો ગરબીઓના રચયિતા દયારામની એક રચનાનો આ સંદર્ભે ખાસ ઉલ્લેખ થાય છે. તમને થશે ગરબી અને ગઝલ? એમાં સામ્ય શું?
તો સામ્ય એ કે બન્ને ગથી શરૂ થાય અને ગરબી અને ગઝલ, બન્નેને ઝીલવા પડે. દયારામે લખ્યું…

એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા!
તારીફ ક્યા કરું ઉસકી? હૈ સબ ભાંત સે ભલા !
પણ આ રચના ન તો ગુજરાતી છે, ન તો ગઝલના છંદોને સંપૂર્ણ અનુસરે છે.
ત્યારબાદ કવિ નર્મદની એક રચના મળે છે.

આહા! પૂરી ખીલી ચંદા.
શીતળ માધુરી સુખકંદા.
તે પાણી પરર હી પ્રસરી,
રૂડી આવે લહર મંદા.
શશીલીટી રૂડી ચળકે,
વળી હીલે તે આનંદા.
ઊંચે ભૂરું દીપે આસમાન
વચે ચંદા તે સ્વછંદા.
તો છંદ અને રદીફ કાફિયા આમાં દેખાય છે.
આ સમયગાળામાં પારસી રંગભૂમિ પણ શરૂ થઈ, એમાં પણ ક્યાંક ગઝલનો ભાસ કરાવે એવી રચનાઓ દેખાઈ.
પારસી કવિઓમાં રૂસ્તમ ગુસ્તાપજી ઈરાની, મંચેરજી લંગડાના જેવા કવિઓના નામ મળે છે પણ પહેલી શુદ્ધ રચના ફિરોઝ બાટલીવાલા નામના કવિની મળે છે
નથી હું માંગતો માલેક તમ પાસે ખજાનો રે.
મને બક્ષો તમે માફી અરે આ અર્જ માનો રે.
અરે દાતાર મુજ બંદા ઉપર રહેજો તમે રહેમી,
નથી મુજને કશી દરકાર જો રૂઠે જમાનો રે.
ગઝલ એનાથી વધુ શુદ્ધ સ્વરૂપે બહેરામ મલબારી નામના કવિ પાસેથી મળે છે.સને 1870માં “નીતિશતક” નામથી એમનો સંગ્રહ આવ્યો હતો. એમની ગઝલ રચનાઓ લગભગ ક્ષતિરહિત છે.
બહેરામ મલબારી કહે છે..

નવી યુક્તિઓ નેં નવા ખેલ ખાસા, નવા નાટકો નેં નવા જે તમાસા;
ખરી એવી પેદાશ તો ધામની છે, કવિની કવિતા ઘણી કામની છે
ખરા નાટકો તો પ્રજાને રિઝાવે, બળાપે બળાપે ખુશીથી હસાવે;
કથા શ્રેષ્ઠ જોડી સીતારામની છે, કવિની કવિતા ઘણી કામની છે.
સુખી હો, એ સૌનું રૂડું ઈચ્છનારા,દુ:ખી માનવી જાતના માત્ર પ્યારા;
ખરી આ ખુબી સ્વર્ગપેગામની છે, કવિની કવિતા ઘણી કામની છે.
મુહબ્બત બડે કામ કી ચીઝ હૈ – એ ફિલ્મી ગીત યાદ આવી જાય એવી રચના છે, છંદ પણ એવો જ છે અને આ ગઝલ દોઢસો વર્ષ જૂની હોય એવી ગઝલ લાગતીય નથી.
આ રચના મજાની છે, એને અપવાદ જ ગણી શકાય. કેમ કે આ સમયગાળાના બધા શાયરોને ગઝલનો સંપૂર્ણ પરિચય નહોતો. ફારસી શબ્દોના ઉપયોગનો મોહ હતો પણ માહિતી નહોતી. ઉર્દુનું પણ જ્ઞાન મર્યાદિત હતું. છતાં આ પ્રાંભિક શાયરોની હઠ એવી હતી કે શુદ્ધ ગુજરાતી વાપરવાને બદલે, જેમ ભેળ ઉપર કે પૌઆ પર કોથમીર ભભરાવાય એમ ઉર્દૂ ફારસી શબ્દો આ શાયરોએ ભભરાવ્યા.
એક ઉદાહરણ આપીશ,
કંઈ લાખો નિરાશામાં…. અમર આશા છુપાઈ છે
આવી સુંદર ગુજરાતી પંક્તિની નીચેની પંક્તિ આપણને જલદી યાદ નથી આવતી કેમ કે એ અટપટી છે.
કંઈ લાખો નિરાશામાં…. અમર આશા છુપાઈ છે
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે
ખફા એટલે કે નારાજ સનમ.
કવિ કોણ? કહે છે કે નારાજ થયેલ સનમ ભલે ખંજર ઝીંકે, એટલે કે ઈશ્વર ભલે દુ:ખ આપે પણ એમાંય એની કૃપા છે. પણ શબ્દોના અટપટા ઉપયોગને કારણે આ રચનાઓ ન તો ગુજરાતી રહી, ન ફારસી.
હવે પછીના શેરમાં ‘વસ્લ’ એટલે મિલન એમ ખબર હોય તો ઠીક, નહિતર તકલીફ! આગળના શેરો સહેલાઈથી સમજાય એવા નથી.
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે…

મણિલાલ નભુભાઈ દ્વિવેદીની ઉપરની રચનાના પ્રમાણમાં મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ની આ ગઝલ ઘણી સુશ્લિષ્ટ છે.

તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?
સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે ?
સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?
ઓગણીસમી સદીના અંત ભાગે એક તરફ પારસીઓએ ગુજરાતી ગઝલ લખવી શરૂ કરી તો હજાર વર્ષ પહેલા ગુજરાતી શિષ્ટ ભાષા અને વ્યાકરણનો પાયો નાખનાર જૈન મુનિઓએ પણ આગળ જતાં આ જ સમયગાળામાં ગઝલ લખી.
યશોભદ્ર મુનિજીની ગઝલના બે શેર સંભળાવીશ,
માયામહીં લપેટાયલા ભવપાર શું કરે?
ચરણો ખુએ તાકાત ત્યાં પગથાર શું કરે?
છે દંભ ને કપટથી, જેનું જીવન ભરેલું
પ્રભુપ્રેમ તેના દિલ મહીં સંચાર શું કરે?
આ જ અરસામાં ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’, કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ દામોદર ખુશાલદાસ બોટાદકર, અરદેશર ફરામજી ખબરદાર જેવા કવિઓએ ગુજરાતી ભાષામાં અવતરી રહેલી ગઝલને લાડકોડ કરાવ્યા.
વીસમી સદીના ઉદયકાળમાં એ સમયે જૂની રંગભૂમિના નાટકોમાંય લિરિક્સ તરીકે ગઝલની બોલબોલા રહી, એમાં બે નામ ખાસ લેવા પડે, અમૃત કેશવ નાયક અને પ્રભુલાલ દ્વિવેદી.
અમૃત કેશવ નાયકની એક ગઝલ થોડો પાઠ સરખો કરીને રજૂ કરું છું.

આંખોથી વ્હે છે ધારા, તોયે જિગર બળે છે;
ચોમાસું ભારે તોયે, આકાશ ઘર બળે છે!
તેજસ્વી ઘર શું જોશે કોઈ વળી સનમનું?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે!
ફુરકતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફરિયાદજો કરું તો જિહ્વા અધર બળે છે!
તો પહેલા નાટકોમાં અને પછી મુશાયરાઓમાં ધીરેધીરે ગઝલ ગુજરાતી બની રહી હતી.
પ્રભુલાલ દ્વિવેદીની આ રચના નાટકના ગીત તરીકે આવી હતી. ગઝલના તમામ માપદંડોને સંતોષે છે.

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે.
તરી જવું બહુ સહેલું છે, મુશ્કિલ ડૂબવું જેમાં,
અરે એ રસ સરિતાથી તો ગંગાસ્નાન ઓછાં છે.
પ્રણય કલહે વહે આંસુ ચૂમી ચાંપી હૃદય સ્વામીન,
અરે એ એક પળ માટે જીવનનાં દાન ઓછાં છે.
પરંતુ સરવાળે આ સમયની ભૂલભરેલી કહી શકાય એવી ગઝલને ફારસી-ઉર્દૂના અતિરેકની મર્યાદામાંથી બહાર લાવવા માટે, ગઝલના સ્વરૂપને બરાબર સમજીને એની તમામ શક્યતાઓને સો ટચના સોના જેવી ગુજરાતી ભાષામાં ઉજાગર કરવા માટે એક મોટા શાયરના આગમનની જરૂર હતી.
એવો શાયર જે ગુજરાતી ભાષાની મધુરપને જાળવી રાખે અને ગઝલને કોઈ પણ અધૂરપ વગર ગુજરાતીમાં લઈ આવે.
શિષ્ટ અને શાણી છતાં સરળ, સોંસરી અને સચોટ ગુજરાતી ભાષામાં પ્રથમ ગઝલ લખનાર ગઝલકારની વાતો જાણવા માટે ઈન્તેજાર કરીએ, પ્રતીક્ષા સેવીએ, રાહ જોઈએ.
~ રઈશ મનીઆર
(ક્રમશ:)
સાહેબ અતિત ના ઊંડાણમાં ડૂબકી મારી. ભાષામાં વૈવિધ્ય માણ્યું. બીજો ભાગ જલ્દી પ્રસ્તુત કરો એવી ભાવના
સૌરીન સુબોધચંદ્ર રાબડુ
. saurinrabdu@yahoo.com
GREAT I DON”T KNOW SOME BEST AUTHOR REAL YOUR HARD WORK FOR DIFFERENT COLLECTION> THANK YOU MANIAR SAHEB>
An information with thorough research. A beautiful start for a GAZAL. It was never before! Afreen. Buck up.
Yogendra Jani.
ગઝલ વિશે ખૂબ જ સરસ માહિતી પીરસવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન… 🌹🌹🙏🙏👍👍
સરસ અભિનંદન.. બહુ જ સારી શરૂઆત કરી છે તમે સર..
વાહ.. બહુ જ મજાનો ઉપક્રમ. પ્રથમ લેખ રસપ્રદ , અભ્યાસપૂર્ણ અને સરળ શૈલીમાં લખાયો છે. બીજા લેખોની ઇન્તેજારી રહેશે. અભિનંદન અને સ્નેહકામનાઓ રઈશભાઈ.
ગઝલનો ઈતિહાસ અને આવતા પરિવર્તન વિશેની સરસ લેખમાળા.
” ગઝલગુર્જરી ” લેખમાળાના આ પ્રથમ મણકાએ જ મન મોહી લીધું છે…સતત ઇન્તજાર રહેશે …ખૂબ જ અભ્યાસપૂર્ણ લેખ…અભિનંદન રઈશ મનીઆરસર…આપની પાસેથી આવા લેખોની અપેક્ષા રહે. એમાં આવનારી ગુજરાતી ભાષાનું પણ ભલું જ થવાનું છે…ખૂબ જ ગમ્યો લેખ…આવનારા અન્ય લેખો માટે શુભેચ્છાઓ અને સપ્રેમ વંદન…
સ્તુત્ય વિચાર સાથે રસપ્રદ લેખમાળાની શરૂઆત કરવા માટે અભિનંદન અને આભાર.
સુંદર આલેખન. ગઝલોના આ ઉપવનમાં સેર કરવાની મજા પડશે. આગળના હપ્તાની આતુરતા પૂર્વક રાહ. 💐
ગઝલ અંગે અભ્યાસ પૂર્ણ લેખમાળા બદલ આદરણીય શ્રી રઈશ ભાઈ અને ‘આપનું આંગણું’નો હાર્દિક આભાર.
આનંદ, આવકાર, અભિનંદન. 🌹