કરીએ મ્યુનિકને અલવિદા ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:42 ~ ઉત્કર્ષ મઝુમદાર
ત્રીજા દિવસની સવાર થઇ. આજે પહેલા ભાગમાં અમે બે દંપતીએ અલગ કાર્યક્રમો કર્યા. યોગાનુયોગ બધા સાથે પાછા ફર્યા. થોડો વખત આરામ કરીને અમે ઉબર મંગાવી અને ઉપડ્યા શહેરની મધ્યમાં આવેલો અને ગઈ કાલે બસ ટુરમાં બહારથી જોયેલો ઈંગ્લિશ ગાર્ડન જોવા.
બગીચામાં હવે શું જોવાનું એવું વિચારી તમે જો અહીં ન જાવ તો બહુ મોટી ભૂલ કરો છો. અદ્દભુત બગીચો છે. વિચાર કરો એક બે એકર નહિ પરંતુ 910 એકરમાં આ પથરાયેલો છે અને વિશ્વનો મોટામાં મોટો શહેરી બગીચા માંહેનો એક છે.
મને તરત જ પૂછવામાં આવ્યું. “આનું નામ ઇંગ્લિશ ગાર્ડન કેમ છે?”. બંદા તૈયાર હતા ધાણી ફૂટે એમ બોલવા લાગ્યા.

“ઈંગ્લિશ લેન્ડસ્કેપ ગાર્ડન એટલા માટે કહેવાય છે કે આ લેન્ડસ્કેપ ગાર્ડનની શૈલી છે, જે ઈંગ્લેન્ડમાં અઢારમી સદીની શરૂઆતમાં વિકસી ને પછી સમગ્ર યુરોપમાં ફેલાઈ. આ શૈલીમાં સરોવર, વૃક્ષોના ઝુંડ વચ્ચે આવેલી હરિયાળી લોન. ગોથિક અવશેષો, પુલ અને બીજા રમણીય સ્થાપત્ય જેના થકી ખૂબસૂરત, ગામ બહારનો, ગ્રામીણ પરિવેશ ઊભો કરી દેવાય. કેપેબિકીતય બ્રાઉન નામના સ્થપતિએ આની શરૂઆત કરેલી.
ઈલેકટોર મેક્સમિલિઅન વારસ વગર મરી ગયો. તેથી ગાદી ચાર્લ્સ થિયોડોર પાસે આવી એને આમ પ્રજામાં રસ ન હતો તેથી અહીંની પ્રજા નારાજ થઇ ગઈ.
આવું અણગમતું વાતાવરણ સુધારવા ચાર્લ્સે મ્યુનિકમાં સુધારો કરવાનું વિચાર્યું અને તેથી હોફગાર્ડનમાં આર્ટ ગેલેરી બનાવી અને આ ઇંગ્લિશ ગાર્ડન બનાવડાવ્યું જે 1789માં ખુલ્લું મુકાયું. અહીંના રાજવંશનું આ શિકાર કરવાનું સ્થળ હતું જે બગીચામાં ફેરવાયું.
અમે દાખલ થયા અને તેની વિશાળતા અને હરિયાળી જોઈને આભા થઇ ગયા સરસ મઝાની ચાલવા માટે કેડી હતી ને ચાલવાનું શરુ કર્યું જે સરોવરને કિનારે કિનારે હતું.
“આ સરોવરની વચમાં જાપાનીસ બાંધકામ જેવું લાગે છે.” કોઈકે કહ્યું.
મેં કહ્યું “હા એ એ જાપાનીસ ટી હાઉસ છે.”
“પણ અહીંયા જાપાનીસ ટી હાઉસ શું કામ? નિશ્ચિત પૂછવા લાગી.
મેં કહ્યું, “1972માં જયારે મ્યુનિકમાં ઓલમ્પિક્સનું આયોજન થયું ત્યારે એક જાપાનીસ કંપનીએ આની ભેટ આપેલી. અહીં નિયમિત રીતે જાપાનીસ ટી સેરિમની યોજાય છે.”
“આની પાસે આવી છે એક જગા, જેને જોઈને ચોખલિયા લોકો નાકનું ટીચકું ચઢાવશે. એ છે સૂર્યસ્નાન માટેનું સ્થળ. અહીં સંપૂર્ણ નગ્ન થઈને લોકો સૂર્ય સ્નાનની મઝા માણે છે.

જર્મનમાં આ વસ્તુ સામાન્ય છે. આપણે ન્યૂડ સ્પા વિષે જાણ્યું. આ વિભાગ જયારે ખુલ્યો ત્યારે એણે તહેલકો મચાવી દીધો હતો અને એની ખ્યાતિ મ્યુનિકની બહાર પણ પહોંચી ગયેલી.”
અહીંની બીજી વિશિષ્ટતા છે સર્ફિંગ. એ કેવી રીતે? અહીંયા દરિયો ક્યાં છે? સામાન્ય રીતે સર્ફિંગ દરિયામાં થાય છે. માણસ શું નથી કરી શકતો, સરજી શકતો?
પાસે વહેતી ઇસર નામની નદીમાંથી એક બે કિલોમીટરની ઈસબખ તરીકે ઓળખાતી ઉપનદીનો ફાંટો બનાવ્યો જે આ ગાર્ડનમાંથી નીકળે છે. ત્યાં એક ઠેકાણે માનવસર્જિત વિશાળ મોજું બનાવવામાં આવ્યું છે.

વહેણ એટલું તેજીલું છે કે સર્ફિંગ માટે નવા નિશાળિયાઓને પરવાનગી નથી. 2007થી 2017 સુધીમાં 7 જણના મોત થયા છે. અહીં આમ તો તરવાની મનાઈ છે પણ એને અવગણીને તમને ઘણા તરતા જોવા મળશે, ખાસ કરીને ગરમીના દિવસોમાં કારણ કે એનો ચુસ્તીપૂર્વક અમલ થતો નથી.
ચાલતા હતા ને એક વસ્તુ દેખાઈ નિશ્ચિન્ત કહે “આ પેગોડા જેવું અહીં શું કરે છે”. મેં કહ્યું “એ ચાઈનીઝ ટાવર છે…

25 મીટર ઊંચા, પાંચ માળવાળા આ લાકડાનું સ્થાપત્ય 1790માં પહેલી વાર બંધાયું. 13 જુલાઈ 1944માં ભારે બોમ્બમારામાં આ લાકડાનો પેગોડા સંપૂર્ણપણે બળી ગયો. હતો 1951માં જૂની ડિઝાઇન અને ફોટાઓ પરથી એ પુન: બંધાયો.”
અહીં રેસ્ટોરન્ટ પણ આવેલી છે. 7000ની ક્ષમતા ધરાવતું મ્યુનિકનું બીજા નંબરનું મોટામાં મોટું બીયર ગાર્ડન છે. અહીં ખુલ્લી જગમાં 19મી સદીમાં પાંચેક હજાર જેટલા નોકરો, મજૂરો સૈનિકો, વિધાર્થીઓ ડ્રાઈવરો સવારે આવી બ્રાસ બેન્ડના સુરે- તાલે નૃત્ય કરતા.
આ સાંભળી નવાઈ પામતા નિશ્ચિંત કહે, “શું વાત કરે છે? આટલા બધા? એમને રજા મળતી કામમાંથી?”
જવાબમાં કહ્યું, ”એક તો રવિવારે બધાને રજા હોય અને કોઈને કામે જવું હોય તેથી સવારે પાંચ વાગે નૃત્ય શરુ થતું ને આઠ વાગ્યા સુધીમાં બધું સમેટાઈ જતું એટલે નોકરો ઘરે પાછા જઈને ઘરધણી માટે નાસ્તો બનાવી શકે અથવા ચર્ચમાં જઈ શકે. તેથી આનું નામ પડી ગયેલું ‘કોચેરબોલ ‘એટલેકે ‘રસોઇયાઓનું નૃત્ય‘.
એમને માટે તો આ વગર પૈસાનો આનંદનો અવસર રહેતો. જોકે 1904માં પોલીસે આ નૃત્ય બંધ કરાવ્યું. બધા એકસાથે બોલી ઉઠ્યા, “પણ શું કામ?”
“નૈતિકતાના પૂજારી એવા પોલીસોને ઉચિત નહિ લાગ્યું એટલે નૈતિકતાને આગળ કરી આ નૃત્યની પરંપરા બંધ કરાવી, પણ 1989માં જયારે આ બગીચાને બસ્સ્સો વર્ષ પૂરા થતા હતા ત્યારે આ ફરીથી યોજવામાં આવ્યું. એ વખતે 4000 જેટલા લોકો નૃત્ય માટે આવેલા. બસ ત્યારથી દર જુલાઈએ આ યોજાય છે.” આ સાંભળી બધાએ હાશકારો અનુભવ્યો.
અહીં બીયર મળતો હતો. આવા નયનરમ્ય, ખુલ્લી જગામાં બિન્દાસ રહીને બીયર પીવા મળતો હોય તો એવો અવસર છોડાય ખરો?
બીયરની સાથોસાથ અહીં ખાવા માટે વિવિધ સામગ્રીઓ પણ મળતી હતી. તમારે કતારમાં પ્લેટ લઈને ચાલવાનું, જે જોઈતું હોય તે એમાં ભરી આગળ નીકળવાનું ને છેલ્લે કેશિયર આવે ત્યારે થતા પૈસા ચૂકવી બહાર આવી તમારી મનપસંદ જગ્યાએ ગોઠવાઈ મહેફિલની મઝા માણો.
બીયર અહીં કાચની બોટલમાં આપતા હતા તેથી બોટલની ડિપોઝિટ આપવી પડતી જે બોટલ પરત કરતા પછી મળતી. અમને તો ભાઈ ખરા અર્થમાં જલસો પડી ગયો જલસો.
બે ભાગમાં વહેંચાયેલો બગીચો એટલો તો વિશાળ હતો કે એને માટે એક આખો દિવસ ફાળવવો પડે. જેટલું જોવાય એટલું જોઈ મે ઉબર કરી ઉતારે આવવા નીકળ્યા. રસ્તામાં સહસા નિશ્ચિંત પૂછવા લાગી, ”ઓક્ટોબરફેસ્ટ મેદાનકે પીછે હમને છોટેસે ટીલ્લે કે પીછે કુછ દેખા થા વો ક્યા થા?
મે કહ્યું, “અવશ્ય એના વિશે જણાવતા મને આનંદ થશે. ત્યાં હૉલ ઓફ ફેમ આવેલું છે ને એના પ્રાંગણમાં જ આવેલી છે સ્ત્રીના રૂપમાં સજીવારોપણ પામેલી બાવેરિયાની મૂર્તિ જે એની શક્તિ અને કીર્તિની ગાથા કહે છે.

સંપૂર્ણપણે કાસ્ટ બ્રૉન્ઝમાં બનેલી આ મૂર્તિ એના કદને લીધે ટેક્નોલોજીકલી માસ્ટરપીસ ગણાય છે. 60 ફિટ અને 9 ઇંચ ઊંચું અને 87.36 ટન વજન ધરાવતું આ શિલ્પ 28 ફૂટ પથ્થરના બેઝ પર મુકવામાં આવ્યું છે.”
“એ શિલ્પની અંદર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ અંદરથી ગોળાકાર દાદરા છે જે ચઢીને એના મસ્તિષ્કમાં આવેલી ચાર ખુલ્લી જગાએથી તમે મ્યુનિક દર્શન કરી શકો છો.

લુડવિંગ પ્રથમે આ આખુંય સંકુલ બનાવવાનું નક્કી કરેલું અને એને માટે સ્પર્ધા રાખેલી. લુડવિગ ગ્રીસ સાથે માનસિક તાદાત્મ્ય અનુભવતો હતો. પ્રાચીન ગ્રીસનો એ પૂજારી હતો અને એને એની રાજધાની મ્યુનિકને ‘ઇસર નદીને કાંઠે વસેલું ગ્રીસ‘ની ઓળખ આપવા ઈચ્છતો હતો. અધૂરામાં પૂરું એનો બીજો પુત્ર ઓટ્ટો 1832માં ગ્રીસનો રાજા બનેલો એટલે તો આ બનાવવું જ રહ્યું.
શિલ્પી શ્વાનથાલેરે લિઓની ડિઝાઇનમાં ફેરફાર કર્યા અને એક યુવતીને જર્મન પહેરવેશ પહેરાવ્યો. માથે ઓક વૃક્ષના પાંદડા વિંટાળ્યા ને હાથમાં પણ ઓક વૃક્ષનું વલય મૂક્યું કારણ ઓક વૃક્ષ જર્મનીની ઓળખ છે.
શિલ્પના જુદા જુદા ભાગ બનાવીને પછી એને જોડવામાં આવ્યા. પૈસા ખૂટી પડ્યા ત્યારે લુડવિંગે પોતાના અંગત ખજાનામાંથી પૈસા કાઢીને આપેલા. નવમી ઓક્ટોબર 1850ના રોજ એ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
બાવેરિયાના શિલ્પની પાછળ બંધાતું હતું ‘હોલ ઓફ ફેમ’ જે હજુ પૂરું થયું ન હતું. અહીં ગ્રેટર બાવેરિયાના બસ્સો વિવિધ ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓ જેમણે બાવેરિયાને ગૌરવ બક્ષ્યું છે તેમના બાવલા મુકવાના હતા. આ 1853માં ખુલ્લું મુકાયું.

નાઝી પક્ષ સત્તા પર આવતા તેઓએ ‘હોલ ઓફ ફેમ’ અને બાવેરિયા સ્ટેટ્યૂ ને જમીનદોસ્ત કરવાનું નક્કી કર્યું, તેઓ ઓક્ટોબરફેસ્ટના મેદાનમાં પણ અસંખ્ય ફેરફરો કરવા માગતા હતા પણ પછી એ નિર્ણય અમલમાં નહિ મૂકાયો. જે થયું તે સારું થયુ.”
આ કથા પૂરી તથાં સુધીમાં અમે એપાર્ટમેન્ટ પાછા ફર્યા ને પેકીંગ શરુ કરી દીધું. બંનેની પત્નીઓ લોન્ડ્રીમાં પરોવાઈ ગઈ.
હું હવે જનારી જગ્યા વિષે વાંચવામાં ને કેપ્ટનસાહેબ પૂરતો આરામ કરી ફરી કાર ચલાવવા તૈયાર થવા સૂઈ ગયા. સવારે અમારે નીકળવાનું હતું રોથનબર્ગ, વાયા ડચાઉ. અલવિદા મ્યુનિક.
(ક્રમશ:)