પર્ણલીલા (લલિત નિબંધ) ~ ડૉ. નિરંજના જોશી
આંગણામાં મર્મર ધ્વનિને સાંભળતાં જ હું વડના ઝાડ પાસે પહોંચી. જોયું તો પહેલા વરસાદે નવીન કૂંપળો પ્રગટાવી હતી; તો કેટલાક પર્ણોમાં વાહનોના ઉચ્છ્વાસથી છિદ્રો પડી ગયા હતા.
તે છિદ્રોને થીંગડું મારવા કોઇ આવવાનું હતું? જો કે કાગડા, ચકલી, કોયલ, ખિસકોલી વગેરેનું તો તે આશ્રયસ્થાન હતું. તેમને પર્ણોની આવી અવદશાથી કોઇ ફરક નહોતો પડતો.
લીલાંછમ પર્ણો પીળાં પડતાં જ ધરતીને ચૂમવા ચાલ્યા જતા. ધરણી પણ તેમને પોતાની ગોદમાં વ્હાલ કરી પોઢાડી દેતી. વળી લિંબોડી આવે ત્યારે તો ચામાચીડિયાની ફોજ ધસમસતી ક્યાંથી આવી પહોંચે, તેમને કોણ સંદેશો પહોંચાડતું હશે? પણ તાજી લિંબોડી તેમને જ સ્વાદિષ્ટ લાગે બાકી માનવી તો તેને પાકે ત્યારે ખરી પડવાની રાહ જ જોતો હોય.
ખરી પડતાં પહેલાં પોતાની જન્મજાત કડવાશ ત્યજી જો વડનું ફળ મિષ્ટસ્વાદમય બની જતું હોય તો માનવી અંત કાળ સુધી ભલા કેમ રાગદ્વેષને વિસારે નહીં પાડતો હોય?
પાન તો કેટકેટલાં પ્રકોરનાં! કોને ભૂલું ને કોને સ્મરૂં? નાગરવેલનું પાન કદાચ નાગરોની લોકપ્રિયતા થકી જ આ નામધારી બન્યું હશે.
મેંદીનું પાન લીલું હોવા છતાં નવવધૂની હથેળીનો શૃંગાર બની રક્તવર્ણું બની સૌંદર્યવૃદ્ધિ કરે છે. તો પ્રવાસશોખીનોને રોમમાં રસ ને પેરીસમાં પાતરાં ખવડાવવાનું પ્રલોભન બતાવી આકર્ષણ જન્માવનાર પ્રવાસન કંપનીઓ પતરવેલિયાનાં પાનનું પણ મહત્વ સમજી જ ગયા હોવા જોઇએ.
આંબાનાં કે આસોપાલવનાં પાન તો શુભ શુકન રૂપે આંગણું શોભાવી આગંતુકને આવકારવા કેવા તત્પર બની જાય છે!
કેળનાં પાન પર ભોજન પીરસનાર દક્ષિણી પ્રજા પ્રકૃતિ જોડે અતૂટ સંબંધ પ્રગટાવે છે.
ચૈત્ર માસમાં લીમડાનાં પાનનો રસ પીને આરોગ્યની જાળવણી કરવાનું સૂચવનાર આયુર્વેદાચાર્યોનું પણ સ્મરણ થઇ આવે. નાળિયેરી કે તાડનાં પાન પણ માનવીમાટે બહુ ઉપયોગી સિદ્ધ થયાં છે. તો પીપળાનાં પાન તો સૌથી સદ્ભાગી ગણાય; કારણ
मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे अग्रतः शिवरूपाय अश्वत्थाय नमो नमः।
તો સંસારને અશ્વત્થવૃક્ષ જોડે સરખાવનાર ભગવદ્ગીતા પણ અવશ્ય યાદ આવે.
ऊर्ध्वमूलमध;शाखम् अश्वत्थं प्राहुरव्ययम्
छंदांसि यस्य पर्णानि यस्तं वेदः स वेदवित्।।
મૂળ વાત સંસારી જીવને વૃક્ષ કહે છેઃ સંબંધ ધરતીને વૃક્ષ જેવો હોવો જરૂરી. તેથી જ તો તેને સંસ્કૃતમાં पादप કહેવાતું હશે.
મૂળિયાં ધરતીમાં ઊંડે સુધી લઇ જઇને તેને મળતું પાણી ઉપર પર્ણો ,પુષ્પો, ફળોને વિકસવા માટે લઇ જઇને પણ અદ્રશ્ય રહે છે. યશના અધિકારી થવા માગતા નથી.
હરીન્દ્ર દવે જેવા ઋજુ કવિ તેથી જ ગાઇ ઉઠ્યા હશેઃ “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા!”
~ ડૉ. નિરંજના જોશી