પ્રકરણ: ૧૬ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
લાવણ્યને બધા નિષેધો ગમતા નથી પણ આરોગ્યનું જતન કરતાં બંધનો એ સ્વેચ્છાએ પાળે છે. ભારતના ઈતિહાસ વિશે વાત કરતાં રવીન્દ્રનાથે આપેલું એક દષ્ટાંત એને ગમે છે:
‘જે સાહસિક પર્વતારોહકો બરફથી આચ્છાદિત આલ્પ્સનાં શિખરો ચઢવા પ્રયત્ન કરે છે એ પોતાને દોરડે બાંધીને આગળ થાય છે. ચાલતાં ચાલતાં એ પોતાને બાંધે છે અને બાંધતાં – બાંધતાં ચાલે છે. ત્યાં આગળ વધવાનો આ જ સ્વાભાવિક ઉપાય છે.
જે બંધન કારાગૃહમાં મનુષ્યને જકડી રાખે છે એ જ બંધન દુર્ગમ પર્વતમાર્ગ પર આગળ વધવામાં એને મદદ કરે છે. ભારતવર્ષમાં સમાજ દોરડે બંધાઈને આગળ વધ્યો છે. કેમ કે એને આગળ વધતાં લપસી જવાય તો બીજાનો માર્ગ ભૂંસાઈ જવાની ચિંતા રહી છે. આથી અહીં આત્મવિસ્તાર-શક્તિ કરતાં આત્મરક્ષણ-શક્તિનો વિકાસ વધુ થયો છે.’
સિંઘસાહેબ માને છે કે આત્મરક્ષણ વિના આત્મવિસ્તાર સાધવા જતાં એના પાયા ગમે ત્યારે ડગી જાય. વિરાજબહેન અને ચંદ્રકાન્તભાઈ પાયાની કેળવણીનું કામ કરે છે. આ બધાને ભારતીયતાનો એક ખ્યાલ ગાંધીજી પાસેથી વારસામાં મળ્યો છે.
મારે વિરતિ ખંકેરી નાખવી જોઈએ. — લાવણ્યને સંધ્યાના પ્રજ્વલિત રંગોએ રવીન્દ્રનાથની બીજી એક પંક્તિ યાદ કરાવી:
મારો મોહ સળગી ઊઠશે મુક્તિ બનીને,
મારો પ્રેમ ફળશે ભક્તિ બનીને…
ભક્તિ? શું પોતે માને છે ભક્તિમાં? જ્યારે પ્રેમદેવતા હોય જ નહીં ત્યારે – ત્યારે સમર્પણ કોને?
એક જ અનુભવે હું સમગ્ર ભવિષ્ય પ્રત્યે કૃપણ બની ગઈ? જુદાઈની એક પીડા મને પ્રેમના અનુભવ માત્રથી વિમુખ કરી જાય એ કેવું? કવિવરને મેં વાંચ્યા છે પણ આત્મસાત કર્યા નથી. એમણે તો કહ્યું હતું: ‘વેદનાને જીવનદેવતાથી જુદી માનીને જોવામાં જ દુ:ખ છે, બંનેને એકરૂપે જોવામાં જ મુક્તિ છે.’
અતુલ દેસાઈ સાથે પછી મળવાનું બન્યું નહોતું. મળવાની ઇચ્છા પણ લાવણ્યને નહોતી થઈ. છતાં એ માણસ સૂરજમુખીનો દાખલો બનીને એની વિમુખતા દૂર કરી ગયો! કદાચ એ તો અમેરિકા પહોંચી ગયો હશે. એની સરખામણીમાં વિનોદ શાન્ત અને વ્યવહાર-ડાહ્યો લાગે. પોતાની કારકિર્દીથી સંતુષ્ટ અને ભવિષ્ય માટે આશાવાદી….
લાવણ્યે આ વખત આવીને જોયું તો વનલતાનો કાયાકલ્પ થઈ ગયો છે. પળવાર માટે પ્રશ્ન થાય: આ એ જ પેલી સાર્થ ભીરુ જુનવાણી વનલતા?
સગાઈ પછી એ વધુ ખુશમિજાજ રહે એ સ્વાભાવિક હતું, પણ આ તો અમેરિકાવાસી વિનોદ કરતાં પણ વધુ આધુનિક બની ગઈ છે! જમુનાબેન ટીકા કરે છે: લતાડી રાતોરાત ફેશનેબલ બની ગઈ! આ બધું એણે ક્યારે શીખી રાખ્યું હતું?
મધુકરભાઈ સ્મિત કરીને ખસી જાય છે. જાણે એમને કશો વાંધો નથી. એથી જમુનાબેન વધુ અકળાય છે. વનલતા રાત્રે ઘેર પાછી આવવામાં ક્યારેક બે વગાડે છે. કોઈક વાર પ્રેમલથી પણ મોડી આવે! જાણે ભાઈ સાથે હરીફાઈમાં ઊતરી ન હોય!
મા થઈને કહે તો કોને કહે? અડોશપડોશમાં કોઈની આગળ દીકરી વિશે ઘસાતું બોલીએ તો એ પછી મરચુંમીઠું ભભરાવીને પ્રચાર કરે! વનલતાની વિરુદ્ધ એક આખો મોરચો ઊભો થઈ જાય. જ્યારે પોતાને તો ચિંતા છે. તેથી તો અસંતોષનો ઊભરો તાળવે તોળી રાખ્યો હતો.
લાવણ્ય જેવી આત્મીય શ્રોતા મળતાં જ જાણે જિંજરની બાટલીનું ઢાંકણું ખસી ગયું! થોડીક ક્ષણોમાં જ જમુનાબેન શાંત થઈ ગયાં. લાવણ્ય મલકાતી રહીને સાંભળતી ગઈ. છેવટે એની ધીરજનો અંત આણ્યો. હોઠ ખોલ્યા:
‘જુઓ આન્ટી, લતાની સગાઈ બાકી હતી ત્યારે તમે જ એને વધુ પડતી અંતર્મુખ અને રીતભાતમાં લુખ્ખી માનતાં હતાં. એના સ્વભાવને કારેલા સાથે સરખાવતાં હતાં.
મારી આગળ બળતરા ઠાલવતાં: ‘આવી ને આવી રહેશે તો કોઈ એની સામેય નહીં જુએ. અને પાછું જવું છે અમેરિકા! ઇંગ્લેન્ડ પણ નહીં, અમેરિકા! યાદ છે આન્ટી, તમે એને કોઈક વાર ખીજવતાં પણ ખરાં!’
‘ત્યારે મને ક્યાં ખબર હતી કે હરિયાળી ટેકરીમાંથી જ્વાળામુખી ફાટી નીકળશે? આ તો જાણે અમે કોઈ હોઈએ જ નહીં એમ બસ વિનોદ, વિનોદ ને વિનોદ —’
‘એ વિનોદનું નામ રટ્યા કરે એનો તો તમને વાંધો નહીં જ હોય. એ વિનોદ સાથે આડેધડ રખડે છે, ઉજાગરા કરે છે એથી તમે જીવ બાળો છો, ખરું ને! પણ એના મોં સામે જુઓ! કેવી સ્ફૂર્તિને ખુશી વરતાય છે? બસ, તમારે બીજું શું જોઈએ?’
‘એ ખરું પણ અમારું કુટુંબ જરા મરજાદી ગણાય. અમારે ત્યાં —’
‘એમ તો વનલતા ને વિનોદ બંને મરજાદી છે. તમને કદાચ ખબર નથી. આજકાલ તો સગાઈ થતાંની સાથે જ યુગલો બહારગામ નીકળી જાય છે. જ્યારે એ લોકો તો અમદાવાદની હોટલોમાં બે ઘડી બેસીને પાછાં આવી જાય છે. એમણે લગ્ન પછી હનીમુન માટે જે આયોજન કર્યું છે એ પણ સિમલા કે શ્રીનગરનું નહીં, આબુ અને અંબાજીનું છે. વચ્ચે બંને જણ મારે ત્યાં આવ્યાં ત્યારે તો ભારે સંકોચથી વાત કરતાં હતાં.’
‘પ્રેમલ સાથે હોય પછી નાની બહેનને સંકોચ તો થાય જ ને! બાકી જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ —’
લાવણ્યે જોયું કે જમુનાબેન વાતનો તંત મૂકવા રાજી નથી, તેથી આડેધડ દલીલો કર્યે રાખશે. અત્યારે એમને પ્રેમલ વખાણવા જેવો લાગે છે. એની હાજરી બીજાને મર્યાદાથી વર્તવા પ્રેરે એવી લાગે છે! એમને ક્યાં ખબર છે કે —
જમુનાબેન ઊઠીને કામે વળ્યાં અને લાવણ્યને પ્રેમલના શારદા સાથેના વિલક્ષણ વર્તનનો પ્રસંગ યાદ આવી ગયો.
લાવણ્યના આમંત્રણથી વનલતા-વિનોદ ઈડર આવ્યો. સાથે પ્રેમલ પણ હતો. મહેમાનો આવ્યાં જાણી લલિતા અને શારદા મેડી ઉપર આવી. શારદા હમણાં લલિતાની સાથે રહેતી હતી. એની ઈડર નજીક બદલી થાય એ માટે લાવણ્યના કહેવાથી જ વિરાજબેને ભલામણ કરી હતી.
શારદાને એક વિષમ પરિસ્થિતિમાંથી ઉગારી લેવાનો બંને બહેનોને સંતોષ હતો. લલિતાને સરખી સાહેલીનો સંગ સાંપડ્યો હતો.
વિનોદના માનમાં લલિતા-શારદાએ રૂઠી રાણીના માળિયાનું પર્યટન ગોઠવ્યું. વહેલી સવારે લલિતા-શારદા ઉપર આવી ગઈ હતી. પુરી-શાક બનાવી લેશે, શ્રીખંડ ખરીદી લેશે. પ્રેમલ વહેલો જાગી ગયો હતો. એને શારદા સાથે વાત કરવાનું મન હોય અથવા કોણ જાણે એ શાક સમારવા બેઠી હતી ત્યારે એના પગની પિંડીઓનું ખેંચાણ હોય તેમ પ્રેમલ રસોડા બાજુ ડોકાતો રહેતો હતો. એણે એક વાર કૉફી તો પીધી હતી.
બીજું કાંઈ? લાવણ્યે પૂછ્યું હતું. એણે દીવાસળીની પેટી માગીને સિગારેટ સળગાવી હતી. પછી ગેલેરીમાં જઈને ઊભો રહ્યો હતો. શારદા ઊભી થઈને ફરીથી બેઠી ત્યારે એણે પગની પાનીઓ ઢાંકવાની સભાનતા દાખવી હતી. લલિતાને પ્રશ્ન થયો હતો: દીદી બેસે છે ત્યારે સ્વાભાવિક રીતે જ એમના પગની પાનીઓ ઢંકાયેલી હોય છે.
વનલતા મહેમાન હતી પણ મદદ કર્યા વિના ચેન પડતું ન હોય એમ રસોડાના ઉંબરે આવી પાટલે બેઠી. તૈયાર થયેલી રસોઈ ટિફિનમાં ગોઠવવાનું એણે શરૂ કર્યું.તૈયાર થઈને નીકળતાં વાર ન થઈ.
પ્રેમલ અને વિનોદ બંને પાસે કેમેરા હતા. ચાંપો દબાવી દબાવીને એમણે જાણે કે આખો ઈડરિયો ગઢ જીતી લીધો હતો. શારદાએ કેમેરાની કળા વિશે કુતૂહલ દાખવ્યું હતું. પ્રેમલે એને પોતાની છાતી આગળ ઊભી રાખીને દશ્ય અને એનું ફોક્સ નક્કી કરવાનું સમજાવ્યું હતું.
ભોજન માટેની જગા લાવણ્ય અને લલિતાએ પસંદ કરી હતી. પાણી ઉપાડી લાવવાનું પણ એમણે બંનેએ જ માથે લીધું હતું. શારદા મહેમાનની જેમ વર્તતી હતી. લલિતાએ લાવણ્યનું ધ્યાન ખેંચ્યું હતું: દીદી, શારદાને પ્રેમલભાઈ સાથે ઠીક ઠીક ગોઠી ગયું લાગે છે!
‘એમ તો પ્રેમલે પણ શારદાના ફોટા પાડવામાં ક્યાં કશી મણા રાખી છે?’ — લાવણ્યે કહ્યું અને લલિતાના ખભે હાથ મૂક્યો. એને ખોટું લાગે એટલી હદે આજે એની ઉપેક્ષા થઈ હતી. જે કંઈ બની રહ્યું છે એ અંગે પ્રેમલ સહેજે સભાન લાગતો નથી.
શારદાનાં ઊપસેલાં અંગો એની છબિકલાને વધુ અનુકૂળ લાગ્યાં હોવાં જોઈએ! શારદા પણ ઓશિંગણની જેમ વર્તી રહી છે. ભલે. આ પર્યટન એમને બંનેને પણ ફળે તો સારું! શુભેચ્છાઓ આપણી! લાવણ્યે મૌન દ્વારા શક્ય હતું એ સૂચવ્યું હતું.
લલિતાએ કાગળની છ ડિશ તૈયાર કરી, ત્યાં પ્રેમલ એકાએક કેમેરાનું ઢાંકણ શોધવા ઊભો થયો. ‘ક્યાં રહી ગયું?’ કહેતાં ચાલ્યો. શારદાએ કહ્યું કે છેલ્લે તો એણે કેમેરા પકડીને અધીરાઈથી પ્રેમલનો એક ફોટો પાડી લીધો હતો, જ્યારે એણે કેસૂડાના નાના છોડને મુઠ્ઠીમાં પકડીને મૂળસોતો ખેંચી નાખવા જોર કર્યું હતું…
કેમેરાના લેન્સનું ઢાંકણ કદાચ ત્યાં જ હશે, જગા કંઈ એટલી દૂર નથી. એક શિલાની છાયા છે ને બીજીની આડશ છે… પોતાની પણ ફરજ તો ખરી જ ને! પ્રેમલ કરતાં પોતે આ પ્રદેશની વધુ ભોમિયણ છે જ…
લલિતાએ શારદાની ચમકતી પીઠ પરથી નજર પાછી વાળી લીધી. વિનોદ અને વનલતાને અનુસરીને ભોજનની ડિશ પર નજર ટેકવી. ફરજ બજાવતી હોય એમ ખાવા લાગી. લાવણ્ય પ્રેમલ-શારદાની રાહ જોઈ રહી હતી. એની ધીરજ ખૂટી. એ લોકોને કહું કે પહેલાં જમી લો પછી જ શોધજો… એનું અંત:કરણ ના પાડતું હતું છતાં એ આગળ વધતી રહી, વધતી રહી… નીચે ઊતરતી ગઈ.
ત્યાં પ્રેમલ-શારદા લેન્સનું ઢાંકણું શોધતાં શોધતાં અણધારી રીતે જ વિષયાન્તર કરી બેઠાં હતાં…
શારદાને થયું કે પ્રેમલના પેન્ટના ગજવામાં ઢાંકણ છે. એણે હાથ લંબાવ્યો, પ્રેમલે સાહી લીધો. શારદાને શિલાની છાયામાં ખેંચી. એ પાણીના રેલાની જેમ ઢળી આવી. થોડીક ક્ષણોના આ અણધાર્યા સાથને હું આવકારું છું, નજીકથી…
લાવણ્ય ત્યાં પહોંચી ત્યારે શિલાની પેલી બાજુથી સાપના ફૂંફાડા શો શ્વાસોશ્વાસ સાંભળવા મળ્યો. અટકી જવા માટે એ અવાજ પૂરતો અર્થસૂચક હતો. પણ એ એક ડગલું આગળ વધી ગઈ. શિલા પર હાથ મુકાયો. એણે ઝૂકીને જોયું. એક પડછાયા જેટલું જ અંતર રહ્યું. સૂર્યની પ્રખર ઊર્જા નીચે બે આકારનાં અધરાંગ ઓગળીને એક થઈ ગયાં હતાં.
લાવણ્યનો શ્વાસ અટકી ગયો. નજર ફેરવી લેતાં વાર થઈ. એ પાછી વળી, ચોરપગલે. ઝડપથી ચાલી શકી નહીં. બેઠા પછી પણ બેસવા જેવું લાગ્યું નહીં. લલિતા તાકી રહી, કશું પૂછી ન શકી. વનલતા અને વિનોદ એકમેકના મોંમાં કોળિયો મૂકવાની રમતે ચડ્યાં હતાં. એ જોઈ લાવણ્યે કંઈક હળવાશ અનુભવી. એણે પણ હાથમાં કોળિયો લીધો. ભૂખ મરી ગઈ હતી છતાં ખાવાનું ચાલુ રાખવાથી થોડુંક ખાઈ શકાયું. દીદીના મોંની રેખાઓ સ્વાભાવિક લાગતાં લલિતાએ પૂછ્યું:
‘બહુ દૂર નીકળી ગયાં છે?’
‘ના, નજીક હતાં.’ — લાવણ્યને થયું કે પોતે વગર વિચાર્યે બોલી બેઠી છે. સારું છે કે વનલતા-વિનોદ ચાંચમાં ચાંચ પરોવી ગટરઘૂ કરતાં કબૂતરોની જેમ પોતાનામાં મશગૂલ છે. નહીં તો વનલતા જરૂર હસી પડી હોત. એ કંઈ લલિતાની જેમ આમન્યા રાખી હાસ્યને દાંત તળે દબાવી રાખે એવી નથી.
લાવણ્ય કોઈની સાથે નજર મેળવ્યા વિના ગંભીર ચહેરે ખાતી રહી. કોણ જાણે હવે રહી રહીને ભૂખ ઊઘડી ન હોય!
આ બાજુ પાંચેક મિનિટ સુધી લાવણ્ય-લલિતા વચ્ચે મૌન ઘૂંટાતું રહ્યું, સામે વનલતા-વિનોદ વચ્ચે સ્મિતરેખાની ફ્રેમ રચાતી રહી.
પહેલાં શારદા આવી. ‘કવર ગયું!!’ બોલી. પણ એમાં કશો વસવસો નહોતો. મોં પર કશુંક પામ્યાનો સંતોષ હતો. પછી પ્રેમલ આવ્યો. એનાં કપડાં વધુ વ્યવસ્થિત હતાં. ચાલમાં ઈડરિયો ગઢ જીત્યાની ખુમારી હતી. જમતી વખતે શારદા-પ્રેમલ નિ:સંકોચ સાથે બેઠાં. લલિતા હાથમોં ધોઈને શારદાની જોડાજોડ બેસી, એને આંખથી સૂંઘતી હોય એ રીતે જોવા લાગી.
પોતે ડુંગરની ઊંચાઈએ બેઠી છે એ અભિમાન તો લાવણ્ય ક્યારનુંયે ગુમાવી બેઠી હતી. આસપાસની શિલાઓ પર નજર ટેકવવા જતાં એને પ્રશ્ન થયો: પથ્થરની જડતાનો માણસ ઉપહાસ કરે છે એ યોગ્ય છે? જો આ જડતાને બદલે સંવેદનશીલતા હોત તો આંતરે દહાડે એમાં તિરાડો પડ્યા કરતી હોત….
પણ પશુ-પક્ષીઓને તો છાયા-પ્રકાશ કે ચંદ્ર-સૂરજની મર્યાદા નડતી નથી… એ ખરું પણ પશુ વિલાસ નથી કરતાં, એ સંતતિ માટે ઋતુઓના નિયમને વશ વર્તે છે.
મનુષ્ય ભોગવૃત્તિથી પ્રેરાય છે. એ જરૂરિયાત અને તૃષ્ણા વચ્ચે ભેદ કરતો નથી, તેથી મનુષ્યોના સમાજે નિયમ ઘડ્યા છે, જે મર્યાદાઓ કલ્પી છે એ એનું હિત સાધવા… કદાચ યુગો પહેલાં પ્રજોત્પત્તિ માટે જ સ્ત્રી-પુરુષ એકમેકની નજીક ખેંચાતાં હશે… પણ હવે તો —
પોતે આ ક્ષણે શેનો ન્યાય તોળવા બેઠી છે? પોતાની જવાબદારી માત્ર આતિથ્યની હતી. એ ખરું પણ આ શારદા —
હા, આ શારદા એ જ છે જેની બદલી એણે કરાવી છે. આ શારદા એ જ છે જેને ખાતર લડી લેવા પોતે તૈયાર થઈ ગઈ હતી, એ આવી નીકળી?
આવી એટલે? પ્રેમલને એણે પચાવી પાડ્યો હશે કે પ્રેમલે કુશળતાથી એને વશ કરી હશે? જો એ બંને આ રીતે સુખ પામ્યાં હોય તો એથી જગતમાં તો કશો ક્ષોભ ઊભો થયો નથી. પોતે એ દશ્યની પ્રેક્ષક બની જ ન હોત તો એ દશ્યનું ત્રીજી વ્યક્તિ માટે અસ્તિત્વ નહોતું… હું મારી જાતને રોકી ન શકી, જોવાની વાસના પર કાબૂ રાખી ન શકી….
લાવણ્યને લાગ્યું કે પોતાની અંદર બેઠેલું એક બીજું વ્યક્તિત્વ શારદાનો બચાવ કરે છે. શારદા પ્રથમ નજરે જ પ્રેમલથી અભિભૂત થઈ હતી. પછી સતત ખેંચાતી લાગી છે. એને ચેતવવા જેવું લાગ્યું નથી. શક્ય છે કે એમની વચ્ચેનો કાયિક સંબંધ કાયમી સંબંધની ભૂમિકા બની રહે.
પણ આ રીતે? સૂર્યની સાક્ષીએ થતું સમર્પણ સૂર્યની આમન્યા ઉવેખીને થાય ખરું? માત્ર સૂર્યની જ નહીં, સૃષ્ટિના પ્રત્યેક તત્ત્વની આમન્યા રાખવી જોઈએ. શારદાએ લીધેલી કેળવણી ક્યાં ગઈ?
એકાએક પ્રશ્ન થયો: પોતે ફક્ત શારદાનો જ વાંક કેમ જુએ છે? પ્રેમલ માટે છૂપો પક્ષપાત તો નહીં હોય? નહીં તો આમ શારદાનો જ વાંક કેમ દેખાયા કરતો હશે? પહેલ તો પ્રેમલે જ કરી હશે ને? કોણ જાણે. પોતે એ અનુભવથી અજાણ હતી.
(ક્રમશ:)