ફાધર્સ ડે નિમિત્તે ~ બ્લોગની વિવિધ શિબિરના ||૧૧|| શિબિરાર્થી કવિઓ રચિત કાવ્યોનો ગુચ્છ
1. મયુરિકા લેઉવા-બૅન્કર
પપ્પા મારા જીવતરનો આધાર
જીવનરૂપી ઝંઝાવાતે
એક જ તારણહાર
પપ્પા મારા જીવતરનો આધાર
પાંખો આપી ઊડવા કાજે,
ચીંધ્યું ગગન વિશાળ
કઈ ડાળ પર કરવો માળો,
સમજણ કેરી નિશાળ
તોય ભૂલ્યા જો મારગ,
આપ્યો સદાયે આવકાર
પપ્પા મારા જીવતરનો આધાર
‘દીકરી-ગાય સરખાં,
એને દોરો ત્યાં એ જાય’
પપ્પાને મન, ‘દીકરી મારી
વાઘ સરીખી થાય.’
પા પા પગલી થઈ પગભર,
સઘળાં સપનાં સાકાર
પપ્પા મારા જીવતરનો આધાર
આજ નથી પપ્પા ને
ના કોઈ વ્હાલપનો વરસાદ
કાલીઘેલી વાતોને
હવે કોણ આપશે દાદ!
આંખ કરું છું બંધ
ને સંભળાતો મીઠો રણકાર
પપ્પા મારા જીવતરનો આધાર
2. કમલેશ શુક્લ (સુરત)
પિતાની યાદ કાયમ દિલમાં મેં એમ રાખી છે.
સમયસર કામ કરવાની હમેશા નેમ રાખી છે.
તમે સાથે રહો ઘરમાં રહી એ કામના મારી,
નજર સામે જ તેથી તો મેં ફોટો ફ્રેમ રાખી છે.
ઘરે આવે કદી કોઈ, જમી ને ભાવથી જાતું,
દયા, આદર અને મમતા તમારી જેમ રાખી છે.
સતત મથતા રહ્યા જીવન બને સુંદર અને લાયક,
બનાવી જિંદગી જે હેમની એ હેમ રાખી છે.
હતી એ રાત લાંબી ને વળી ચાદર ઘણી ટૂંકી,
છતાં પૂછ્યા નથી પ્રશ્ર્નો દશા આ કેમ રાખી છે?
3. ડૉ. માર્ગી દોશી
ઈશ્વર ,ખુદા, અલ્લાહ, પરમાત્મા.. બધાં સાક્ષાત છે,
જ્યારે વિષય, કિરદારમાં “પપ્પા”ની માંડી વાત છે.
લખવા કહ્યું ભગવાન વિશે કોઈએ જ્યારે મને,
ટાંક્યું જે મેં કાગળ ઉપર, ‘પપ્પા’નું એ દૃષ્ટાંત છે.
ખિસ્સે ખુમારીનાં ભરી સિક્કા સતત ખર્ચે વજૂદ,
પપ્પાનાં જીવનથી જ સમજ્યા લાગણી, જઝબાત છે.
એ દૂરથી પણ દીકરીની કેટલી પરવા કરે!
પપ્પાનું આંગણ આજ પણ લાગે સુરક્ષિત પ્રાંત છે.
છંદો અને બંધારણો ટૂંકા પડે અહીંયા જુઓ,
પપ્પા ગઝલમાં હોય જો, હર એક ગઝલ વેદાંત છે!
4. ભાવના “પ્રિયજન”
મઝધારે જો ફસાઈ, તરાપો બની ગયા
થાકી હું જ્યારે, પપ્પા સહારો બની ગયા
ડગતા નથી જોયા કે નથી હારતા કદી
દુઃખ, દર્દના બનાવ હજારો બની ગયા
અઘરો હતો એ કાળ છતાં પાર થઇ ગયો
“મા” ની જગા એ લઇને દિલાસો બની ગયા
સપના હજી તો આંખથી હું દોરતી હતી
ને રંગ પૂરી પપ્પા ચિતારો બની ગયા
જીવનનો માર્ગ જો જરાક આકરો થયો
વડલા સમાન પપ્પા, વિસામો બની ગયા
બેઠા એ ભીંત પર બની તસવીર આખરે!
સામે હતા, હવે એ વિચારો બની ગયા
પીડાની ગાંસડીને હવે ક્યાં ઉતારવી?
આકાશમાં એ જઇને સિતારો બની ગયા
5. ભારતી ગડા (મુંબઈ)
છે પિતાનો એ જ ખોળો ખાસ તો
સ્વર્ગનો જ્યાં થાયછે અહેસાસ તો
જ્યાં દુઆની એજ હૂંડી પાસ તો
ના કશું થાશે મને વિશ્વાસ તો
છે અમાસી રાત, ઘરમાં તે છતાં
ક્યાંકથી પણ લાવશે અજવાસ તો
સૌની ઈચ્છા પોષવા ફરશે બધે
કેમ કંઇ મળતી હશે નવરાશ તો?
ના કરું ,મંદિરમાં જઈને પ્રાર્થના
જ્યાં પિતામાં છે, પ્રભુનો વાસ તો઼
6. ડૉ. સેજલ દેસાઈ, સુરત
પપ્પાની યાદ આવી, ફાધર્સ ડે નિમિત્તે
મીઠો જુવાળ લાવી, ફાધર્સ ડે નિમિત્તે
સંબંધમાં અચાનક આવી હતી જે વચ્ચે
એ વાડને કપાવી, ફાધર્સ ડે નિમિત્તે
પપ્પા બની ગયો તો,પપ્પા શું હોય જાણ્યું
એ લાગણી વધાવી, ફાધર્સ ડે નિમિત્તે
સંતાનની ખુશીમાં,જેની ખુશી રહે છે
એને ખુશી અપાવી, ફાધર્સ ડે નિમિત્તે
પપ્પા સ્મરી ગયા તો આ હાથ પણ ન અટક્યા
આખી ગઝલ લખાવી, ફાધર્સ ડે નિમિત્તે!
7. આરતી આંત્રોલિયા
તમને યાદ છે?
મેં તમને મોકલેલી તુષાર શુક્લની કવિતા,
‘પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં.’
અને તમે પણ ખરા!
આ વખતે મને મૂકવા આવ્યા જ નહીં.
આખે રસ્તે બાજુની સીટ પર હાથ ફેરવતી હું,
તમને ખોળતી રહી,
મારી આસપાસ, ચોપાસ,
ઉપરે આકાશ પણ
તમે ક્યાંય નજર આવ્યા જ નહીં.
કવિઓ તો આવું લખ્યા કરે ને
દીકરીઓય ખોટુંખોટું બોલ્યા કરે,
પણ તમારે મનમાં લાવવાનું નહીં.
પપ્પા, મને મૂકવા
તમારે આવવાનું નહીં???
8. હિરેન મહેતા
પાણા જેવા પાણા ભીતર
ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું
ઝગમગતું અજવાળું…
પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું,
ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું…
ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે
ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું…
પપ્પાની એ કરડી આંખે
થર થર થર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે
પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું…
8A. શર્મિષ્ઠા હિરેન કોન્ટ્રાકટર
ધીરે ધીરે કરતાં તમે તો
સઘળું આપી દીધું.
પપ્પા છો કે જાદુગર?
માંગું એ હાજર કીધું.
હૈયે હામ ને ધૈર્ય દીધા,
શીખવી જીવતર લિપિ.
હાથની બે રેખાની વચ્ચે
ખેચી સમજણ લીટી.
અરે! તમે આ જગથી
સુંદર દિલ શણગારી દીધું
પપ્પા છો કે જાદુગર?
માંગું એ હાજર કીધું.
જ્યારે જ્યારે સમય પજવતો,
પીડ બધી ઓગાળી.
રણ વચ્ચે કે ભરબપોરે
અમે કદી તરસ ના ભાળી
વડલા સરખી છાંય ધરી
ને ઝરણ વહાવી દીધું.
પપ્પા છો કે જાદુગર?
માંગું એ હાજર કીધું.
આજ કહોને! શાને પપ્પા?
ઓઝલ થયા અચાનક
જાણું, સમજું, કહેશો
કે છે: રીતિ આવન-જાવન
દીલમાં અમારાં શ્રદ્ધા કેરું
દહેરું સ્થાપી દીધું.
પપ્પા છો કે જાદુગર?
માંગું એ હાજર કીધું.
8B. શર્મિષ્ઠા હિરેન કોન્ટ્રાકટર
ગંગાનીરે..
અસ્થિ વહાવી;
પુષ્પો સાથે
જ્યોત મૂકી
પડિયાને
વહેતો કર્યો
પછી, અંજલિમાં
થોડું પાણી લઈ
સમર્પિત કર્યું’તું
આપને..
પપ્પા!
આપના સ્નેહનો
આખેઆખો
દરિયો
ખળભળે છે મુજમાં..
કહો..
હું કેટલી અંજલિ
ધરું?
આપના
સ્નેહાળ કર્જને
ચૂકવવા!
9. મિતુલ કોઠારી
કે…વી?
દૂ…રદર્શી
નજર
રાખે છે
એક બા…પ!
.
સંતાનનું
ભાવિ જોઇ લે છે
ફા…ટેલાં
ગં…જીની
આ..ર પા..ર
10. ડો. અપૂર્વ હેમંતકુમાર શાહ, નવાપૂર
જો કદી જોયા નથી ઈશ્વર પિતાને જોઈ લો,
સ્નેહનો છે એ મહાસાગર પિતાને જોઈ લો
હોઠની મુસ્કાન પાછળ આંખમાં આંસું હશે,
ઝેર પીશે એ બની શંકર પિતાને જોઈ લો
જ્યાં કડક થાવું ઘટે ત્યાં એ બને પથ્થર સમાં,
છે છતાં કોમળ હૃદય ભીતર પિતાને જોઈ લો
વાર સંતાનો ઉપર જે થાય એ ઝીલી જશે,
છે સહનશક્તિ તણો સાગર પિતાને જોઈ લો
બે ભુજાઓમાં જનકની છે વસ્યું આખું જગત,
એ જ છે ધરતી અને અંબર પિતાને જોઈ લો
11. જીગ્નેશ ક્રિસ્ટી “સંગત”
જગતમાં માન રાખું છું અને સન્માન રાખું છું.
અહીં હું એમનું સૌથી વધારે ધ્યાન રાખું છું.
પિતાજીનું સદા ભગવાન સાથે સ્થાન રાખું છું,
ઘરે મારા હવે એક જ હું તો ભગવાન રાખું છું.
ગમે ત્યારે હું જે માગું તરત હાજર કરી દેતા,
મને કહેતા ન કર ચિંતા ખીસે દુકાન રાખું છું.
હજી પણ એમ સમજે છે, સમજતો હું નથી કાંઈ,
અને તેથી જ હું ખુદને અહીં નાદાન રાખું છું.
ફરી પાછા પિતા રૂપે મળે એ આવતાં જન્મે,
હું તો “સંગત”ફકત બસ એટલું અરમાન રાખું છું.
***
(વાચકોના પ્રતિભાવ આવકાર્ય છે. Please Comment)
પપ્પાને જીવંત કરી દીધા.
ખૂબ સરસ સંકલન. બધા સર્જકોને ખૂબ ખૂબ અભિનંદન!