ગઝલ પંચવટી (૧) ~કવિઃ ગૌરાંગ ઠાકર
1) પડ્યો નહીં…..!
વંટોળની મુરાદનો પડઘો પડ્યો નહીં;
ભીંતો વગરનાં ઘરને ઘસરકો પડ્યો નહીં.
વર્ષાની લાગવગ લઈ ટીપું પડ્યું હતું;
મોતી થવાની વાતમાં દરિયો પડ્યો નહીં.
ફૂલો અને પતંગિયા આવ્યા વધુ નજીક;
માળી વગરનાં બાગમાં ઝઘડો પડ્યો નહીં.
ઝાકળની લ્હાયમાં મેં સૂરજ અવગણ્યો, પછી
મારી કશીય વાતમાં તડકો પડ્યો નહીં.
આખું જગત હરાવીને હું મંચ પર ગયો;
ફોટા ઘણાં પડ્યાં છતાં હસતો પડ્યો નહીં.
જીવન સળંગ વાક્યની જાણે કિતાબ છે;
વાંચુ છું ક્યારનો હજી ફકરો પડ્યો નહીં.
– કવિ ગૌરાંગ ઠાકર
– કવિ ગૌરાંગ ઠાકર
2) “….હ્રદયદાબડી સુધી….!”
આવ્યું કશું ન હાથમાં અંતિમ ઘડી સુધી.
આવી ઊભા છે શ્વાસ હવે હાંસડી સુધી.
સમજી જવાય જીવતાં, તો મોજથી જીવાય,
આ મોજડી ને પાઘડી છે ઠાઠડી સુધી.
મારી હથેળીને વધુ ભણતરની છે જરૂર;
સ્પર્શે છે હમણાં તો તને બસ ચામડી સુધી.
બાળક નિશાળમાં ગયું, પાટી ને પેન લઈ;
લાગ્યું કે જાણે ફૂલ ગયું છાબડી સુધી.
સંગાથે જેને આપણે હંકારતા હતાં;
દરરોજ જાઉં છું હજી એ નાવડી સુધી.
એક જ જગાએ કેટલું બેસી શકાય બોલ?
લઈ જા તું આંખડીથી હ્રદયદાબડી સુધી.
– કવિ ગૌરાંગ ઠાકર
3) “……જાણ થઈ બાપ ક્યારે થવાય!
પિતાની જગા જ્યાં મને મેં મૂક્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
અને જો સમય સામે થોડું લડ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
ઘરે આવીને એક વંટોળિયો,અચાનક ઉડાડી ગયો છાપરું,
ને હું એકદમ ઘરનો મોભી બન્યો ,પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
બધી આપદા એકલો જોંઉ ને, સતત ધ્યાન રાખું ન દીકરા જુએ,
ખૂણામાં જઈ જે ઘડી હું રડ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
મેં યત્નોના સિક્કા ઉછાળ્યા કર્યા, છતાં છાપ ગમતી ન એકે પડી.
ને દીકરોય એવું જ કરતો મળ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
પ્રથમ હું પિતા દીકરીનો થયો, ને વર્ષો પછી એક ઘટના ઘટી,
હું દીકરી વળાવી જ્યાં પાછો ફર્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
મેં પહેલેથી ઘર મોટું લીધું હતું, બધાં એક સાથે રહે એટલે,
એ ઘરમાં નવી ભીંતો જોતો રહ્યો, પછી જાણ થઈ બાપ ક્યારે થવાય!
– કવિ ગૌરાંગ ઠાકર
4) “….તો મજા પડી જાય….!”
પ્રથમ તમે આ બધાંથી થોડા, અલગ પડો તો મજા પડી જાય.
તમે મને જે કહ્યા કરો છો, તમે કરો તો મજા પડી જાય.
આ પીળા પર્ણો સ્વયં ખસીને, નવાંની ડાળે જગા કરે છે.
હવે આ પહેલી હરોળમાંથી, તમે ખસો તો મજા પડી જાય.
ઝરુખે બેસી તમે લખેલી, સૂરજની ગઝલો સરસ છે કિન્તુ;
કદીક તડકો ઉઘાડા બરડે, ઝીલી લખો તો મજા પડી જાય.
રમું છું, એ જોઈને કહો છો, તમારે તો બસ મજા મજા છે,
તો મારા બદલે રમો આ બાજી , પછી કહો તો મજા પડી જાય.
પતંગમાં જો પવન ભરાશે, પછી વજન દોરનુંય લાગે.
રમત આ સમજી પતંગ નીચે, ઉતારી લ્યો તો મજા પડી જાય.
– કવિ ગૌરાંગ ઠાકર
5) “…..મજા નહિ આવે…!”
જેને ખુદને મળી ભીતરમાં મજા નહિ આવે
એને બીજે કશે કે ઘરમાં મજા નહિ આવે.
પાંખ કાપ્યા પછી, મારો તમે સોદો કરજો.
પાંખ સાથે મને પિંજરમાં મજા નહિ આવે.
દુનિયા બદલાઇ છે, તો આપણે શું કરવાનું?
ગાંધીનાં એ ત્રણે બંદરમાં મજા નહિ આવે.
બાગમાં પાલતુ ભમરા તમે લાવ્યા છો પણ
ફૂલને એમના હુન્નરમાં મજા નહિ આવે.
કૈ વધારે નહીં બસ દિલનાં ખૂણે રહેવા દો
આમે તરસ્યાને સમંદરમાં મજા નહિ આવે.
મોજ ગમતી મળે તો શિસ્તને નેવે મૂકજો,
હોય વરસાદ તો શાવરમાં મજા નહિ આવે.
સંભવામિ ભલે સંભવ નથી એ તો સમજ્યા,
પણ હવે અમને નવા વરમાં મજા નહિ આવે.
– કવિ ગૌરાંગ ઠાકર
વાહ કવિ હંમેશની માફક સુંદર રચના ઓ આપી છે. બંને મિત્રોનો આભાર.