આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૧ ~ઘરઝુરાપો, જૂનું મુંબઈ : ઇમ્તિયાઝ ધારકર ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

(કવિ પરિચયઃ ઈમ્તિયાઝ ધારકરનો જન્મ ૩૧, જાન્યુઆરી ૧૯૫૪માં લાહોર, પાકિસ્તાનમાં થયો હતો અને ઉછેર યુ.કે. ના ગ્લાસગો શહેરમાં થયો હતો. એમની ઉંમર એક વરસની હતી ત્યારે એમના માતાપિતા યુ.કે. સેટલ થવા આવ્યાં અને પછી ગ્લાસગોમાં રહ્યાં. એમનાં લગ્ન, “પોએટ્રી લાઈવ” નામની સંસ્થાના સ્થાપક, સાઈમન પોવેલ સાથે થયાં હતાં, જેમનું મૃત્યુ ઓક્ટોબેર ૨૦૦૯માં કેન્સરને કારણે થયું હતું. એમની પુત્રી આયેશા, (જેનાં પિતા, ભારતીય મૂળના, અનિલ ધારકર છે) ઈન્ટરનેશનલ ફિલ્મોનાં જાણીતા અભિનેત્રી છે.
ઈમ્તિયાઝ ધારકરને યુ.કે.ની ક્વીન તરફથી, “ક્વીન’સ ગોલ્ડ મેડલ ફોર ઈંગ્લીશ પોએટ્રી” એનાયત કરવામાં આવ્યો છે. ૨૦૨૦, જાન્યુઆરીમાં ન્યુકેસલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. ૨૦૧૯ માં એમને “પોએટ લોરિયેટ” તરીકે નિમવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પણ આ માટે એમણે વિનયથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું કારણ કે એમને પોતાની સર્જક તરીકેની સફર આગળ વધારવી હતી. ૨૦૧૧ માં એમને “રોયલ સોસાયટી ઓફ લિટરેચર” ના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. એ જ વર્ષે એમને “સોસાયટી ઓફ ઓથર્સ” તરફથી, “Cholmondeley Award” એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૧૬ માં એમને Honorary Doctorate ની ડિગ્રી, SOAS University of London તરફથી અર્પણ કરવામાં આવી હતી.
તેઓની કવિતામાં મુખ્યત્વે ઘર, કુટુંબ, સ્વાતંત્ર્ય, મુસાફરી, સાંસ્કૃતિક અસામંજસ્ય, ધર્મ અને જાતિ વચ્ચેની અસંવાદિતા અને જેન્ડર પોલિટિક્સ જેવા વિષયો હોય છે. તેમણે અનેક વિડીયો ફિલ્મ બનાવી છે, જેને પોતે જ લખીને, પોતે જ ડાયરેક્ટ કરી છે.
પેન અને શ્યાહીથી તેઓ ચિતો બનાવે છે અને એક પ્રતિભાવાન અને પ્રતિષ્ઠિત કલાકર પણ છે. તેમનાં અગિયારેક એક્ઝિબીશન ભારત, અમેરિકા અને યુ.કે. તથા ફ્રાંસમાં થઈ ચૂક્યા છે. એમનાં સાત સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેમાં “પોસ્ટકાર્ડસ ફ્રોમ ગોડ”, “ધ ટેરરિસ્ટ ઓન માય ટેબલ” અને “આઈ સ્પીક ફોર ધ ડેવિલ” મુખ્ય છે.)
ઘરઝુરાપો, જૂનું મુંબઈ
હું તને લઈ જતે નાઝ કાફે
જો એ ના પડી ગયું હોતે બંધ
હું તને લઈ જતે નાઝ કાફે
નગરનાં ઉત્તમ દર્શન અને નિકૃષ્ટ ભોજન માટે
આપણે ચુસકીઓ લેતે ફ્લેટ બિયરની, આઇસક્રીમ સોડાની
પરસેવો વળતે આપણને, નાઝ કાફેની પ્લાસ્ટિકની ખુરશીઓ પર
રજોટાયેલાં વૃક્ષોની પેલે પાર જોતે આપણે
ગાડીઓ, સરકતી સાગરકાંઠે, મરીનડ્રાઇવથી
ઇરોસ સિનેમા અને ટોક ઓફ ધ ટાઉન
મેજ પરના ચાના કપનાં ચીકણાં વર્તુળો પર, નાઝ કાફેમાં
હાથમાં હાથ પરોવતે આપણે
ઘૂંટણમાં ઘૂંટણ
બિરદાવતે દૂર દેખાતાં શેરબજાર,
તાજ મહાલ હોટેલ,સસૂન ડોક,ગેટવે
આપણે મમળાવતે પીણું, નાઝ કાફેમાં
તું મારી પાસેથી ચોરી લેતે ચુંબન
આપણે બેસી રહેતે નાઝ કાફેમાં
દિવસ નકશા પરથી સરીને અરબી સમુદ્રમાં ડૂબી જાય, ત્યાં સુધી
હું તને લઈ જતે બોમ્બે
જો એનું નામ સમુદ્રમાં સરકી ના ગયું હોતે, તો
હું તને લઈ જતે બોમ્બે નામની જગાએ
જો એ ત્યાં હોતે તો, જો તું અહીં હોતે તો
હું તને લઈ જતે નાઝ કાફે
– ઇમ્તિયાઝ ધારકર
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)
આસ્વાદઃ ઘરઝુરાપો, જૂનું મુંબઈ ~ ઉદયન ઠક્કર ~ કાયમ માટે બંધ પડી ગયેલી કાફેમાં કઈ રીતે જવાય?
ઇમ્તિયાઝ ધારકર અંગ્રેજીમાં લખતાં કવયિત્રી છે. જન્મ્યાં પાકિસ્તાનમાં, થોડો સમય વસ્યાં મુંબઈમાં, પછી અંગ્રેજ સાથે લગ્ન કરીને ઈંગ્લેંડમાં સ્થાયી થયાં. મુંબઈના હેંગિંગ ગાર્ડનની ટેકરી ઉપર બંધાયેલી, અને અમુક વર્ષ પહેલાં હંમેશને માટે બંધ પડી ગયેલી નાઝ કાફે, કવયિત્રીના ઘરઝુરાપાનું નિમિત્ત બને છે.
કાવ્યના પહેલા ચાર શબ્દો છે, ‘હું તને લઈ જતે…’ અધૂરી રહી ગયેલી, અને અધૂરી રહેવા જ સર્જાયેલી ઇચ્છાનું આ કાવ્ય છે. કાયમ માટે બંધ પડી ગયેલી કાફેમાં કોઈને કઈ રીતે લઈ જવાય? વાસ્તવમાં જવાય એવું નથી, માટે કવયિત્રી કલ્પનામાં વિહરે છે. નાઝ કાફેમાંથી દેખાતાં હતાં- અરબી સમુદ્રને ઝળહળતા હાર જેમ પહેરાવાયેલો મરીન ડ્રાઈવનો માર્ગ (ક્વીન્સ નેકલેસ), ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ મહાલ હોટેલ. પુરાણાં વૃક્ષો- કદાચ ટ્રાફિકથી- રજોટાયેલાં લાગતાં હતાં. આ સર્વ દ્રષ્યો વિગતવાર વર્ણવાયાં છે, કારણ કે આ કાફેમાં ખાવા કરતાં જોવાની જ વધુ મજા હતી. (કવયિત્રીને મન જૂનું તેટલું સોનું નથી. કાફેના બેસ્વાદ ભોજન પર, પ્લાસ્ટિકની સસ્તી ખુરશીઓ પર, ચાનાં ચીકણાં ધાબાં પર અને ગરમીથી વળતા પરસેવા પર તેમણે હસી લીધું છે.)
આ કાફેમાં ઘણાં પ્રેમી પંખીડાં બેસતાં હતાં. હાથમાં હાથ પરોવવાની વાતથી સમજાય છે કે કવયિત્રી પ્રિય વ્યક્તિને સંબોધન કરી રહ્યાં છે! ન માણી શકાયેલા ચુંબનની વાત કરીને કવયિત્રી તેનો આનંદ તો માણી જ લે છે. ‘દિવસ નકશા પરથી સરીને અરબી સમુદ્રમાં ડૂબી જાય’ એમ કહી, કવયિત્રી સમયને સ્થળમાં ઝબકોળી લે છે. કવયિત્રીએ પ્રણયરંગી વાતાવરણ શું કામ ચીતર્યું? અંતિમ બંધમાં તેનો ખુલાસો મળે છે.
કવયિત્રી પ્રેમીને કહે છે, ‘હું તને લઈ જતે બોમ્બે નામની જગાએ, જો એ ત્યાં હતે તો…’ ‘બોમ્બે’ નામ રદ કરાયું, તે સાથે જાણે જૂનાં સ્મરણો પણ ગયાં. પછી કવયિત્રી, નિશ્વાસ નાખતાં હોય તેમ, ઉમેરે છે, ‘જો તું અહીં હોતે તો.’ કવયિત્રીએ બધું ખોયું- બોમ્બે ગયું, નાઝ કાફે ગઈ,પ્રેમી પણ ગયો. કવયિત્રીનો સંયમ જુઓ. પ્રેમી ક્યાં ગયો, શું કામ ગયો, એ વિશે કશું કહેતાં નથી.
મૂળ કાવ્યનું શીર્ષક છે,’હીરેથ, ઓલ્ડ બોમ્બે.’ ‘હીરેથ’ વેલ્શ ભાષાનો શબ્દ છે, તેનો અર્થ ‘ઘરઝુરાપો.’ કવયિત્રીના પતિ વેલ્શ હતા, તેમનું અકાળે અવસાન થયું હતું. વેલ્શ શબ્દ ખપમાં લીધો છે એટલે ઝુરાપો પતિ માટેનો હશે. કાવ્યમાં સાત વાર આવતું પદ ‘નાઝ કાફે’ કવયિત્રીનો અતીત માટેનો તલસાટ દર્શાવે છે.
ઢાંકી-ઢાંકીને પ્રકટ કરાયેલી વેદનાની ધાર આપણને કોરી ખાય છે.
-ઉદયન ઠક્કર
……………