ગઝલ ત્રિવેણી ~ અનિલ ચાવડા

૧. કેવો જીવાયો શ્વાસ

એક દી સાહેબ ખુદ ઑફિસમાં બોલાવશે,

ને પછી તારી કને તારાં કરમ જોખાવશે.

મોક્ષ માટે જે લખાવી છે તેં મોંઘા ભાવની,

ધર્મગુરુની ભલામણ ચીઠ્ઠીઓ સળગાવશે.

એક સૂકા વૃક્ષને પણ જળ કદી પાયું હશે,

એની પણ ખાતાવહીમાં નોંધ એ ટપકાવશે.

આંખ તારી ભીંજવીને ચેક કરશે એ પ્રથમ,

તે છતાં જો નીકળે નહિ મેલ તો ધોકાવશે.

એક ક્ષણ સુધ્ધાં ગણતરી બ્હાર જઈ શકશે નહીં,

ક્યાં, કયો, કેવો જિવાયો શ્વાસ એ બતલાવશે.

         

૨.  ભીંજાઈએ નહીં.

ના ગાઈએ કશું ય કે રંગાઈએ નહીં;

ખુદને જ કોઈ દી અમે સમજાઈએ નહીં!

આથી કરૂણ બીજી તો બરબાદી હોય કઈ?

બરબાદ હોઈએ અને દેખાઈએ નહીં!

એવું ઘણીય વાર આ વરસાદમાં થતું;

પલળી તો જઈએ પણ અમે ભીંજાઈએ નહીં!

ચુપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું;

માએ કહ્યું‘તું એકલા કંઈ ખાઈએ નહીં!

તૂટ્યું ફૂટ્યું હૃદય છીએ બસ આપણે અનિલ;

આકાશ તો નથી જ કે સંધાઈએ નહીં!       

૩.  કોના પર…?

નથી વિક્રમ, ઊડીને બેસશે વેતાળ કોના પર?

અને એ વારતાનો મૂકશે રસથાળ કોના પર?

ન લઈએ તો મળે છે પત્ર મોકલનારને પાછો,

ન લઉં હું તો તમે દીધેલ જાશે ગાળ કોના પર?

અરે દુર્ભાગ્ય! તારો પાડ માનું એટલો ઓછો!

તું જો ના હોત, નિષ્ફળતાનું ઢોળત આળ કોના પર?

મને વરસાદનું ના આપ આશ્વાસન ઓ ચોમાસા!

હું તો જાણું જ છું પડવાનો છે દુષ્કાળ કોના પર

તણખલા ઘાસના ઝઘડી પડ્યા છે અંદરોઅંદર,

ફકત એક વાત ઉપર કે ઝૂકી છે ડાળ કોના પર!

મળ્યા છે બે જણા એવા મુકામે એવી હાલતમાં,

નથી સમજાતું ઢોળાશે કયો ભૂતકાળ કોના પર!
~ અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment