|

જેનાં છે સૌ દિવાના, એ રંગમંચ છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતી મિડ-ડેમાં સરસ સ્ટોરી વાચકોએ વાંચી જ હશે. એમાં વ્યાવસાયિક રંગભૂમિનો ચહેરો ઉપસી આવ્યો. કવિ હોવા છતાં સતત એ લાગ્યું છે કે સાહિત્ય અને ભાષાના સંવર્ધન માટેનું ઉત્તમ માધ્યમ નાટક જ છે.

આ સ્વરૂપમાં લાખો લોકો સુધી પહોંચવાની પ્રત્યક્ષ ક્ષમતા છે.

Sakharam Binder (2020) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

જેમણે જિંદગી રંગભૂમિને સમર્પિત કરી છે તેઓ મિતા ગોર મેવાડાના વિચાર સાથે સંમત થશે…

છે કલ્પનાની દુનિયા, સપનાનો અંશ છે
જેનાં છે સૌ દિવાના, રંગમંચ છે
લીધો નથી અનુભવ જેણે મંચનો
સમ્રાટ હો જગતનો તો પણ રંક છે

What India's Anti-Colonial Theatre Tells Us About Artful Dissent in Times of Intolerance

બોલીવૂડમાં દામ-માન મેળવ્યા પછી પણ ઘણા કલાકારો રંગભૂમિ સાથેનો નાતો જાળવી રાખે છે.

Naseeruddin and Ratna play gets a standing ovation - Ismat Apa ke Naam | - Times of India

થિયેટર એક નશો છે એ વાત કલાકાર અને કસબી સિવાય વધારે કોણ અનુભવી શકે. પૈસા અને પ્રસિદ્ધિ પછી પણ સંતુષ્ટિની ઝંખના કલાકારોના જીવને ધબકતો રાખે છે. વિવિધ પ્રકારની પડકારજનક ભૂમિકા ભજવીને એ આંતરસમૃદ્ધ થતો હોય છે. રશ્મિ જાગીરદાર લખે છે…

પાત્ર જે ફાળે તમારે આવતું હો
નિભાવો જ્યાં તમે તે રંગમંચ
નાટ્ય, નાટિકા, પ્રહસન, એક અંકી
સૌ સ્વરૂપો સાચવે છે રંગમંચ

વિવિધ ઘટકો નાટકને ઘડે છે. કથાબીજને લેખક-દિગ્દર્શક વિસ્તારે છે. નાના પિંડમાંથી એક આકાર બનાવે છે. મંચસજ્જા, વેશભૂષા, પ્રકાશ, પાર્શ્વસંગીત, અભિનય, નેપથ્યના કસબીઓ આ આકારને ચહેરો આપે છે.

Marrzipan Drama - The 6 Elements of Drama And How To Use Them

નિર્માતા, નાટ્યનિયામક, પ્રચારક આ ચહેરાને લોકો સુધી લઈ જાય છે. આ આખી પ્રક્રિયામાં કેટલા બધા લોકોનો ફાળો હોય છે. પરદેશમાં પ્રયોગો સમયે ભલભલા કલાકારોએ નેપથ્ય પણ સંભાળવું પડે છે. શ્વેતલ શાહ `સંકેત’ જે નિષ્ઠાની વાત કરે છે એ કોઈ પણ કલાક્ષેત્ર કે કાર્યક્ષેત્રને લાગુ પડે છે…

કોઈ હસી રડે છે ને કોઈ રડી હસે છે
કિરદાર બસ ઘડીનો કેવી અસર કરે છે
થોડા સમયમાં ખુદને પૂરવાર જે કરી દે
પડદો પડ્યા પછી પણ એની કલા જીવે છે

રંગભૂમિને સમર્પિત કલાકારો રંગભૂમિને પોતાની જિંદગી બનાવે છે.

Pravin Joshi - Wikipedia
પ્રવીણ જોશી

આ ક્ષણે પ્રવીણ જોશી, કાંતિ મડિયા, શૈલેષ દવે જેવા અનેક નામો યાદ કરીએ તો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીમાં સાર્થકતા ઉમેરાય.

Gujarati Theatre’s Genius Maker: Shailesh Dave | Angikam | Mangrol Multimedia

પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેંકડો લોકોએ રંગભૂમિ પર પોતાનું યોગદાન આપ્યું છે. નાટક એક વ્યવસાય હોવા છતાં આવી તક મળવી એ નાની વાત નથી. ભારતી ગડા ઋણ અદા કરવામાં માને છે…

હર યુગે ઈશ્વર જગતનો,
દિગ્દર્શક હોય છે
જિંદગીની રંગભૂમિનો
નાયક હોય છે
શ્રદ્ધા માનવીને,
સહીસલામત લઇ જશે
જ્યાં ભૂલું છું માર્ગ ત્યાં
, માર્ગદર્શક હોય છે

મુંબઈની રંગભૂમિ પર સમયાંતરે નવા નાટકો આવતા જ રહે છે. કોરોના પછી સામાજિક મંડળો તૂટવાના કારણે પ્રયોગોની સંખ્યા ખાસ્સી એવી ઓછી થઈ છે. બૉક્સ ઓફિસ છલકાઈ જશે એવા ખયાલોમાં હવે કોઈ નિર્માતા રાચતો નથી.

આર્થિક રીતે ટકવા કથારસને ઈજા પહોંચાડી રમૂજરસ ઉમેરવો પડે છે. પ્રેક્ષકોની તાળી ઝીલવા થતી કેટલીક ચેષ્ટાઓ રંગમંચને અનુરૂપ નથી હોતી છતાં ભભરાવવી પડે છે. પ્રયોગાત્મક રંગભૂમિની કુંડળીમાં તો પહેલેથી કપરા ચડાણ લખાયેલા છે.

Manoj Shah takes you behind his 'top class programme' festival - Hindustan Times

જૂની રંગભૂમિના ગીતો પ્રેક્ષકોને ગમે છે પણ એ છૂટકમૂટક કાર્યક્રમો પૂરતાં જ સીમિત રહી ગયાં છે.

ગુજરાતી રંગભૂમિ - વિકિપીડિયા

વિવિધ કારણોસર હર્ષ અને રોષ મિશ્રિત અનુભૂતિ જન્મે એ સ્વાભાવિક છે. રશ્મિ અગ્નિહોત્રી ઉદાસી અને આક્રોશ મિશ્રિત અભિવ્યક્તિ કરે છે…

બંધ કરો હેલોજનનાં ઝળહળ થાતાં અજવાળાં
મેં રડતાં જોયાં છે પડદા પાછળ હસવાવાળાં
ભીતર પીડા, ભભકે લાવા, તોયે ધબકે તખ્તો
છેવટ જીવન જાણે એક્શન, કટ, ઓકેના સરવાળા

લાસ્ટ લાઈન

તમાશો જુએ છે આ દુનિયાના લોકો
અને હું ઊભો છું જીવનના તખત પર
દબાવીને દુઃખો હું દેખાઉં હસતો
ને લોકો હસે છે જો મારા વખત પર
~ અશોક પટેલ

હસે છે, રડે છે, જીવે છે, મરે છે
બધાં બસ કરાવાય એવું કરે છે
ખરો કર્તા-હર્તા છે પડદાની પાછળ
એ ચાવી ભરે ને રમકડાં ફરે છે
~ અમિત ટેલર

કલમમાં કશો પણ ચમત્કાર ન્હોતો
હજુ ઘાવ પૂરો અસરદાર ન્હોતો
મને સાવ સીધો આ દુનિયાએ માન્યો
કહ્યું કોણે કે હું અદાકાર ન્હોતો?
~ સૂરજ કુરિયા

થાક્યો છું અભિનય ખૂબ કરી
આ દુનિયાના રંગમંચ મહીં
પડદો પાડીને જાવ હવે
કિરતાર પળેપળ બોલાવે
~ શાંતિલાલ કાશિયાની

****
મને એવું લાગે અભિનય કરું છું
અમુક કામ જ્યારે સવિનય કરું છું
કરું ‘ના’, પરાણે ઘણી વાતમાં; ને
ઘણી વાતમાં ‘ના’, અતિશય કરું છું
~ હર્ષ સવઈવાલા સુરત

આ જગત કેવી ગજબ છે રંગભૂમિ
પાત્ર ભજવીને તરત ચાલ્યા જવાનું
~ અતુલ દવે, વડોદરા

ઈશ્વર થકી લખેલી, જીવનની નાટિકામાં
કિરદાર જે મળ્યો તે ભજવાય, તો મજાનું
~ ભૂમિ પંડ્યા, રાજુલા

ભજવી રહ્યા છે પાત્ર બધા, જેને જે મળ્યા
ઈશ્વર સિવાય ખેલને જોનાર કોણ છે?
~ અંકિતા મારુજીનલ’, મુંબઈ  

લાગણીના રંગમંચે પાત્ર એક એવું મળે
એ હૃદયની પાસ હો ને શ્વાસનો પડદો પડે
~ દિક્ષિતા શાહ

પડદો જાશે જો પડી; સઘળું ખતમ
રોજ એવો ડર ડરાવે છે ફરી
ભાગ લેવો ક્યાં જરૂરી છે અહીં
ખેલ કુદરત પણ કરાવે છે ફરી
~ સ્વરા

એ સપનાઓના સાગરની
મોજાર પળેપળ બોલાવે
ઓછાયાનો કો’ અણદીઠો
આકાર પળેપળ બોલાવે
~ શાંતિલાલ કાશિયાની

મંચસજ્જા, વેશભૂષા,
દૃશ્ય ને સંવાદ સઘળું
થાય નેપથ્યે એ નક્કી
ને કહું હું વેશ ભજવું
~ કિલ્લોલ પંડ્યા  

હરઘડીએ કેટલાયે વેશ કંઈ પે’રાવે છે
જિંદગી પણ ખેલ જુદા ને નવા ખેલાવે છે
અંક છેલ્લો આખરી, પડશે પછી પડદો અહીં
કેમ સંવાદો અમારા હર ઘડી બદલાવે છે?
~ કેતન ભટ્ટ, અમદાવાદ

આ મંચ જગતનો જાણીતો
આ હું છું ને આ પડદો છે
લ્યો એક કદમ, ને ખોલો તો
આ હું છું ને આ પડદો છે

કંઈ દાદ મળી! લીલા સઘળી!
વરસાવે દિશાઓ તાળી! પણ
એ પાત્ર ખરેખર કોણ હતું?
આ હું છું ને આ પડદો છે
~ પૃથા મહેતા સોની

જિંદગી તખ્તા ઉપર છે
ને ક્ષણેક્ષણ ખાસ છે
દૃશ્ય જે ભજવાય છે એ
સાચું નહીં આભાસ છે
એ રીતે ધબક્યાં કરે છે,
એકસાથે સૌ અહીં
પાત્ર, પરદા, મંચ, વાર્તા,
રોશની પણ શ્વાસ છે
~ મેધાવિની રાવલહેલી’, સુરેન્દ્રનગર

રંગમંચો કેટલાં બદલાય છે
પાત્ર તોયે એક બસ ભજવાય છે?
જિંદગી છે એક નાટક જીવનું
જો પડે પડદો, બધાં અકળાય છે
~ પલ્લવી ચૌધરી

એક હું ને એક પડદો,
જંગ જામી છે બરાબર
પાત્ર મોટું કે હું મોટો,
જંગ જામી છે બરાબર
હું જુદો કિરદારમાં ને
હું જુદો પડદા પછીતે
કોણ સાચો કોણ ખોટો,
જંગ જામી છે બરાબર
~ ડો. અપૂર્વ શાહ, નવાપૂર

આંખ સામે દ્રશ્ય તો પરખાય છે
સાચાજુઠ્ઠા ભેદ સૌ ઢંકાય છે
સુત્રધારક બેસતો નેપથ્યમાં
પાત્રની સાચી કસોટી થાય છે
~ તનુ પટેલ, કેનેડા

અશ્રુને છુપાવી હસતા રહો છો
કલાકારી ક્યાંથી તમે તો શીખો છો?
હસીને જ જખ્મો વધાવો છો હરદમ
પૂછે કોઈ હાલત ‘મજામાં’ કહો છો
~ વિદ્યા ગજ્જર

પાઠ કોઈ નાટકે ગમતો મળે
સ્ટેજ પરથી શક્ય છે રસ્તો મળે
~ કમલેશ શુક્લ

રોજ જૂનાં ને નવાં આ નાટકો ખેલાય છે,
રોજ પડદાં કાળાં નેપથ્ય ઉપર ઢંકાય છે,
સ્વ ને હુંની આ રમત નાટકગૃહે મંડાય છે,
રોજ હારી જાય છે સ્વ, હું જ જીતી જાય છે
~ હેતલ મોદી જોષી, સુરત

આમ આખી જિંદગી બસ
પાત્ર છે ભજવ્યા છતાં,
છેવટે કામ આવતી
કોઈ અદાકારી નથી.
~ પ્રણય વાઘેલા
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. સરસ, રસપ્રદ સંપાદન.
    મારા આ જીવનના પરદાના ખેલ,
    નીત નવા પાત્રો ને પત્તાનો મહેલ. સરયૂ પરીખ.

  2. ખૂબ જ સરસ સંકલન, અભિનંદન શાયરોને, આપને.

  3. ખૂબ જ સરસ સંકલન. સૌ મિત્રોને અભિનંદન.

    ધન્યવાદ 🙏

  4. જિવતરની રંગભૂમિમાં તમે પૂરો રંગ હજાર,
    ઉમદા અભિનય એનો જે નિભાવે છે કિરદાર
    – રાજેશ પટેલ. મુંબઈ થિયેટર આર્ટિસ્ટ..