S ફોર સ્ત્રી… S ફોર સશક્તિકરણ (લેખ) ~ ઉમા પરમાર (સુરત)
‘વિશ્વ મહિલા દિવસ નિમિતે લેખ’
હું માનું છું કે, ‘શિક્ષણથી માંડી સેક્સ સુધીની બાબતો પર એક સ્ત્રી જયારે નિઃસંકોચ અને નીડર બની પોતાની મરજી જણાવી શકે તે સાચું સ્ત્રી સશક્તિકરણ.’
એક સ્ત્રી માટે એનું ‘સ્ત્રી હોવું’ એ સૌથી વધુ ગૌરવની વાત છે. સ્ત્રી વગર વિશ્વ અધૂરું છે અને તેનાં વગર વિશ્વમાં અંધારું પણ છે! એ કોઈ પણ સ્વરૂપે તમારી આજુબાજુ હોઈ શકે છે.

જિંદગીના રંગમંચ પર એ દરેક ભૂમિકા જીવ રેડીને ભજવી જાણે છે. એની હાજરી જીવનને પૂર્ણતાનો અનુભવ કરાવે છે.
સ્ત્રી – સન્માનની સાથે સમાનતા, પ્રશંસા, આદર, કાળજી અને પ્રેમની પણ એટલી જ હકદાર છે. એને ફક્ત મહિલા દિવસની ઊજવણી સુધી જ કેમ સીમિત રાખી શકાય? છતાં જો મહિલા દિવસની ઊજવણીનો અવસર અને તક મળે છે તો આપણે એવું ઇચ્છીએ કે સમાજમાં, ઘરમાં કે પછી ક્યાંય પણ સ્ત્રીને એનો અધિકાર અને માન-સન્માન મળી રહે.
ખરેખર જુઓ તો સશક્તિકરણ એ શહેર કે ગામડાંઓ સુધી મર્યાદિત નથી હોતું. કંઈકેટલાયે મોરચા એક સાથે સંભાળતી સ્ત્રીને જુઓ – સમજો તો એનાં માટે સદૈવ માન અને પ્રેમ જ ઉપજે.
કુટુંબ અને ઑફિસમાં સતત દોડધામ કરતી, પોતાની જગ્યા બનાવવા મથતી સ્ત્રી, શારીરિક તાકાતમાં થોડી પુરુષ કરતાં ઓછી હોવાં છતાંય મક્કમ મનોબળનાં જોરે એ દરેક ક્ષેત્રમાં આગળ વધતી જ રહે છે.

પુરુષનાં આધિપત્ય ધરાવતાં ક્ષેત્રમાં પણ તે બુધ્ધિપ્રતિભાનાં જોરે પોતાની હાજરીનો ડંકો વગાડે છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં તે સૂઝ-બૂઝથી વિચારીને સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.
એ રીતે જોઈએ તો સ્ત્રી માનસિક રીતે તો પુરુષ કરતા ક્યાંય વધુ તાકાતવર કે મજબૂત છે. સ્ત્રી શક્તિનો અખૂટ ભંડાર છે. તે સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. પરિસ્થિતિ ગમે તેવી કપરી હોય, પણ સ્ત્રીઓ એને પહોંચી વળવા સક્ષમ છે. બસ, જરૂર હોય છે ક્યાંક માર્ગદર્શન અને સાથ-સહકારની!
આમ છતાં જ્યારે વાત શિક્ષણ મેળવવાની આવે તો હજી એમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સુધરી નથી. સાંપ્રત સમયમાં શિક્ષણ સ્ત્રી માટે જરૂરી છે અને તેનો અધિકાર પણ! જો સમાજનો અભિગમ બદલવામાં આવે તો ચોક્કસ આ પાયો વધુ મજબૂત થાય.
![]()
મોટાભાગે આરોગ્યની બાબતે પણ સ્ત્રી પોતાનાં માટે વધુ જાગૃત નથી હોતી. પરિવારમાં દરેકનું સ્વાસ્થ્ય જાળવનાર પોતાનાં માટે લાપરવાહ રહે છે. તેનાં માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. નહીં તો તે આગળ જતાં અજાણતાં જ કોઈ અસાધ્ય રોગ, ડીપ્રેશન કે સ્ટ્રેસનો ભોગ બની શકે છે.
હજીપણ સ્ત્રીઓએ વ્યવસાય કે નોકરીનાં સ્થળે પોતાની જાતને સુરક્ષિત રાખવાં માટે સંઘર્ષ કરવો પડે છે. ઘણાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ માસિકધર્મ જેવી કુદરતી પ્રક્રિયામાં અછૂત ગણાતી અને સેનેટરી પેડ્સની જગ્યાએ કપડાંનો ઉપયોગ કરવા જેવી જડ માન્યતાનો ભોગ સ્ત્રીઓ બને છે.
આવી ઘણી બાબતો છે જ્યાં સશક્તિકરણ દૂર-દૂર સુધી નજરે નથી ચઢતું. છતાં આશ્વાસનરૂપ વાત એ છે કે તેઓ આ બાબતે અવાજ ઉઠાવે છે, આક્રોશ અને વિરોધ દર્શાવે છે અને એ જ સ્ત્રીઓની સૌથી મોટી તાકાત છે!

ખરેખર તો હવે સશક્તિકરણને ટકાવી રાખવાનો સમય છે. સ્ત્રીનાં આરોગ્ય અને શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપીને જ તે થઈ શકશે.
જૂની વિચારધારામાંથી સ્ત્રીઓએ જાતે જ બહાર આવવાનું છે અને પોતાની અલગ કેડી કંડારીને પોતાનો રસ્તો બનાવવાનો છે.
‘વિશ્વ મહિલા દિવસે’ દરેક સ્ત્રી માટે એક જ સંદેશ હોઈ શકે કે, ‘કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારો. લક્ષ્ય પર કાયમ રહો. પડકારને આવકારો. હંમેશા દિલનું સાંભળો અને પોતાને ગમતાં કાર્યક્ષેત્રમાં આગળ વધવાની જીદ રાખો.’ નારીશક્તિને વંદન સાથે સલામ… !

~ ઉમા પરમાર
~ ©uparmar473@gmail.com
Very Nice and excellent message.
Nice