આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૪ ~ વિસ્મૃતિ ~ “તને સાંભરે રે..!” ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર
વિસ્મૃતિ ~ “તને સાંભરે રે?”
લેખકનું નામ સૌપ્રથમ વિસરી જવાય છે,
પછી શીર્ષક, પછી વાર્તાનો પ્લોટ,
પછી હ્રદય-વિદારક અંત, છેલ્લે નવલકથા આખી-
જાણે વાંચી જ ન હો.
તમે સાચવેલાં સ્મરણો
સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચાલ્યાં જાય છે,
એક પછી એક,
મગજના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા, માછીમારોના
ફોન વિનાના નાનકડા ગામમાં.
સપ્તર્ષિના તારાનાં નામોને તો
ક્યારની ય વિદાય આપી દીધી હતી,
ક્વોડ્રિએટિક ઈક્વેશન બેગ-બિસ્તરા બાંધીને
થયાં હતાં ચાલતાં
આજે તમે ગ્રહોના ક્રમાંકનું રટણ કરી રહ્યા છો ત્યારે
ઊડી જાય છે બીજું કશુંક,કદાચ રાષ્ટ્રીય પંખી,
કોઈ પિતરાઈનું સરનામું,પેરેગ્વેની રાજધાની.
તમે જે સંભારવા ફાંફા મારી રહ્યા છો,
તે જીભની ટોચે નથી, કે નથી
બરોળના અંધારખૂણે,
તે વહી ગયું છે કાળી પૌરાણિક નદીમાં,
જેનું નામ- તમને યાદ છે ત્યાં સુધી-
‘વ’થી શરૂ થાય છે.
તમે શૂન્ય તરફ ગતિ કરી રહ્યા છો,
જ્યાં તમે જોડાશો એ વ્યક્તિઓ સાથે,
જે ભૂલી ગઈ છે તરવાનું અને સાઈકલ ચલાવવાનું.
તમે મધરાતે જાગી જઈને ફંફોળો છો પુસ્તકમાં,
પ્લાસીના યુદ્ધનું વર્ષ.
બારીએ દેખાતો ચંદ્ર વહી આવ્યો છે પ્રેમગીતમાંથી,
જે કદીક તમને કંઠસ્થ હતું.
-બિલી કોલિન્સ
(અંગ્રેજીમાંથી અનુવાદ~ ઉદયન)

વર્ષ ૨૦૦૧થી ૨૦૦૩ સુધી ‘પોએટ લોરિયેટ’ રહેલા બિલી કોલિન્સને ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકાના સૌથી વધુ લોકપ્રિય કવિ ગણાવ્યા છે.
વૃદ્ધાવસ્થામાં સ્મૃતિકોષો ઘસાતા જાય, ક્યારેક સ્મૃતિભંશનો રોગ પણ થાય. ક્યારેક વાર્તાનો પ્લોટ યાદ હોય પણ લેખકનું નામ ભૂલી જવાય, ક્યારેક નવલકથા વાંચી હતી તેનુંય સ્મરણ ન રહે. જીવનભર વૈતરું કર્યા પછી માણસ એન્ટાર્ટિક સમુદ્રના ગામે નિવૃત્તિમય જીવન ગાળે તેમ સ્મરણો મગજના સંપર્ક ન કરી શકાય તેવા ભાગમાં જતાં રહે છે. ઋષિઓ સાત હતા કે નવ એ પણ યાદ ન હોય, ત્યાં નામોની વાત શી કરવી? શુક્ર અને મંગળની વચ્ચે શું આવે? બુધ-ગુરુ? કે પૃથ્વી? પંખી, પિતરાઈ અને પેરેગ્વે એકમેકમાં ભળી જાય.
કવિએ રોજિંદી જિંદગીનાં ઉદાહરણો લીધાં હોવાથી, વાચક તન્મય થઈ જાય છે-અરે, આ તો મારા કુટુંબીજનની કે પડોશીની જ વાત છે. ઉર્દૂ શાયર ‘દાગે’, હોશહવાસ અને શક્તિ ઓસરવા માંડે તે સ્થિતિને આમ વર્ણવી છે-
“હોશ-ઓ-હવાસ,તાબ-ઓ-તવાં ‘દાગ’ જા ચુકે
અબ હમ ભી જાનેવાલે હૈં, સામાન તો ગયા!”
સ્મરણથી વિસ્મરણ અને ત્યાર પછી મરણ. બધું તણાતું જાય છે એ નદીમાં જેનું નામ ‘વ’થી શરૂ થાય છે. (વૈતરણી હશે?) માણસ તરવાનું અને સાઇકલ ચલાવવાનું શીખ્યા પછી કદી ન ભૂલે.

બે આવડત પણ જતી રહે તે પરિસ્થિતિ કેવી વિકટ હશે. એવોય રોગ થાય છે જેમાં માણસ શ્વાસ લેવાનું ભૂલી જાય!
**
ડર લાગે તેવી વાતને માણસ હંમેશા હસવામાં ઉડાવી દે. જુઓ-
છગન: ડોક્ટર, મને બીમારી લાગુ પડી છે. હું બધું જ ભૂલી જાઉં છું. શું કરું?
ડોક્ટર: પહેલાં મારી ફીના પૈસા ચૂકવી દો!
***
ચિંતન: તને ભગવાન કહે કે બેમાંથી એક બીમારી પસંદ કર, આલ્ઝેમર્સ કે પાર્કિન્સન્સ, તો તું કઈ પસંદ કરે?
મનન: પાર્કિન્સન્સ!
ચિંતન: કેમ?
મનન: થોડી વ્હીસ્કી શર્ટ પર ઢોળાય એનો વાંધો નહિ, પણ બાટલી ક્યાં મુકાઈ ગઈ છે તે જ ભુલાઈ જાય,તે ન પરવડે!
******
બિલી કોલિન્સે કેવો નવતર વિષય પસંદ કર્યો….! આ વિષય પર કોઈ ગુજરાતી કવિતા લખાઈ હોય તેવું….. યાદ તો નથી!
~ઉદયન ઠક્કર
ખૂબ સરસ કવિતા અને આસ્વાદ. મારી આ જ વિષય પર એક કવિતા છે. વિસ્મૃતિ: નેહલ એની link અહીં મૂકી છે કોઈને વાંચવામાં રસ પડે. https://inmymindinmyheart.com/2016/12/23/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%ab%83%e0%aa%a4%e0%ab%80/