ખ્યાલ રાખે કોઈ આજે બે ઘડી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
કોઈને ખિસ્સામાં રાખવા અને કોઈને હૃદયમાં રાખવા એ બંને વાતમાં ફેર છે. એકમાં અંકુશ હોય અને બીજામાં સ્નેહ હોય. સંબંધોમાં આવતા ઉતાર-ચડાવને કારણે બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. વૃદ્ધાવસ્થામાં જરૂર હોય ત્યારે સંતાનો સાથેનું આ અંતર અકળાવનારું બની જાય.
અશોક જાની ‘આનંદ’ સખેદ લખે છે…
પાનખરનો અર્થ છે ખરવાપણું
કૂંપળો ફૂટે તો એને શું ગણું?
જો પ્રતીક્ષા બારીએ ડોકાય છે
પણ ઉદાસી બંધ રાખે બારણું
બારીએથી લંબાતી નજર લંબાય એકવિધતા તોડવા માટે, પણ આખરે ઉદાસ થઈને પાછી ફરે. જેની અપેક્ષા હોય એ ન દેખાય. મનને મનાવવાનું કામ પાકિસ્તાનને મનાવવા જેટલું અઘરું છે. તાજેતરમાં ચૂંટણીના નામે પાકિસ્તાનમાં જે રાજકીય ખેલ ખેલાયો એમાં આખરે ચાલ્યું તો લશ્કરનું જ. પાકિસ્તાનના આર્થિક રીતે ખાડે જવાનાં અનેક કારણોમાં આંતકી આંધણ ઉપરાંત ત્યાંના લશ્કરનો ખર્ચ અને લશ્કરી અધિકારીઓ દ્વારા થતું આર્થિક શોષણ છે.

સરવાળે ભોગવવાનું તો પ્રજાના માથે જ આવે. કિરીટ ગોસ્વામી ધાર્મિક ઝનૂનને સાચા રસ્તે વાળવાનું કહે છે…
પોતપોતાના ધરમનો એકડો ઘૂંટે બધા
ક્યાં ખરા પ્રેમે મરમનો એકડો ઘૂંટે બધા
વાત નોખી હોઠ પર રાખે હૃદયથી સાવ ને
જિંદગીભર કૈં ભરમનો એકડો ઘૂંટે બધા
આપણને ભરમમાં જીવવાનું ગમે છે. એ આવશે, કંઈ કરશે, આપણને ઉગારશે એવી બધી કલ્પના રેશમી લાગે. મસીહા પ્રત્યેનો આદર સારી વાત છે, પણ મસીહાપણાને તાબે થઈ જવાની વાત ખોટી છે. લાલુ પ્રસાદ જેવા નેતાઓ મસમોટાં કૌભાંડો કરીને છૂટા ફરે તોય તેમની લોકપ્રિયતા અકબંધ હોય એ નવાઈની વાત છે.

એક તરફ આવા લેભાગુઓ છે તો બીજી તરફ ધર્મ, ધ્યાન, સંસ્કાર પ્રત્યે જાગૃતિ ફેલાવતા ધર્મગુરુઓ છે. આખરે તો જે સનાતન ચેતના છે એની સાથેનું અનુસંધાન આપણી સાધનાનો હિસ્સો બનવું જોઈએ. સુધીર પટેલ આ ચૈતન્યને વંદન કરે છે…
ક્યાંય ના આવે નજર સાહેબ મારો
ને છતાં રાખે ખબર સાહેબ મારો
રૂપ ક્યાં? આકાર ક્યાં? ને તોય પાડે
સૌ ઉપર ધારી અસર સાહેબ મારો
એક તરફ ભારતમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો મહાઅવસર યોજાયો તો બીજી તરફ અબુ ધાબીમાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું. અયોધ્યાથી આરબ દેશ સુધી વિસ્તરેલી આ શાખ નાનીસૂની નથી.

અબુ ધાબીના મંદિરમાં સર્વધર્મને સાથે લઈને ચાલવાની ભાવના રાખવામાં આવી છે એ સ્તુત્ય છે. આ પ્રકારના મહાનિર્માણ માટે સંબંધનો રખરખાવ, સંકલ્પશક્તિ, સૌહાર્દપૂર્ણ વ્યવહાર અને એકમેક પર વિશ્વાસ જોઈએ. ભિન્ન ધાર્મિક સંસ્કૃતિ ધરાવનાર દેશોના સંબંધો વેપાર અને ટેક્નૉલૉજી ઉપરાંત ધર્મના માર્ગે પણ મજબૂત બને એ આવકાર્ય છે. પરમ ચેતનાને તમે કોઈ પણ નામે પોકારો; એમાં ભાષા બદલાઈ શકે, ભાવ નહીં. આશ્લેષ ત્રિવેદી એ સમજાવે છે…
કોઈ ગહન છે મર્મ એના સંવિધાનમાં
રાખે જમીન પર ને રહે આસમાનમાં
શ્રદ્ધા મળી છે જેને ભીતરના અવાજની
એને શું હોય ભેદ ગીતા કે કુરાનમાં

ધર્મના નામે ધજાઓ ફરકે તો એનું સ્વાગત છે, પણ ધર્મના નામે થતાં ધતિંગો ચલાવી ન લેવાય. ઉપાસનાના નામે પોતાની વાસના સંતોષતા બાવાઓ જેલમાં સબડે એ અનિવાર્ય છે. જમીન પર અવૈધ કબજો જમાવીને ધર્મસ્થાનકો ઊભાં કરી દેવાનું ષડ્યંત્ર વર્ષોથી ચાલે છે. સમય જતાં જડને રૂઢ કરી દેવામાં આવે અને આ રીતે ધર્મ-વિસ્તાર કરાય. ઉત્તરાખંડમાં થયેલાં તોફાનો આંખો ખોલવા પર્યાપ્ત છે.

વાતાવરણમાં અમૃત ભરવાને બદલે ઝેર ઉમેરવાનું કામ ભલે ધર્મતરફી લાગે, પણ હકીકતમાં દેશવિરોધી છે. અમૃત ઘાયલ લખે છે…
નથી એ રાખતાં કૈં ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?
જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું
છતા હિંમત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે
લાસ્ટ લાઇન
એ કશું બોલ્યા વગર બેચેન રાખે છે મને
કોક તો મારી ભીતર બેચેન રાખે છે મને
હું હવે વ્યક્તિ મટીને ભીડ છું ને તે છતાં
ચાંપતી કોઈ નજર બેચેન રાખે છે મને
એટલે ઊંઘી શક્યો ના હું કદાપિ મોજથી
કાલ ઊઠવાની ફિકર બેચેન રાખે છે મને
છે દીવાલો ખૂબ આઘે ને કદી દેખાય ના
એક એવું કાચઘર બેચેન રાખે છે મને
કાફલો મંઝિલ ઉપર પ્હોંચી જશે નક્કી જ છે
તે છતાં આખી સફર બેચેન રાખે છે મને
કૈંક તો ચાલ્યું જશે સાવ જ અચાનક દેહથી
એ હકીકત ઉમ્રભર બેચેન રાખે છે મને
~ ઉર્વીશ વસાવડા
સરસ આલેખન, અભિનંદન હિતેનભાઈ તથા સર્વ કવિમિત્રોને