પાંચ ગઝલ ~ લક્ષ્મી ડોબરિયા ~ (૧) મજબૂરી છે (૨) કૃપાદૃષ્ટિ કરે છે (૩) જોજે (૪) રસ પડ્યો (૫) માતબર

(૧) મજબૂરી છે

નામજોગી ક્યાં બધી મજબૂરી છે.

સૌને સૌની પોતિકી મજબૂરી છે.

કોઈનું કંઈ તું છુપાવી નહિ શકે,

આયના, તારી જુદી મજબૂરી છે!

સાચવી લ્યો છો સમય, સગપણ તમે,

શક્ય છે એમાં છૂપી મજબૂરી છે.

રાવ લીધાની, દીધાની ક્યાં કરું?

જ્યાં ખબર પણ પૂછવી મજબૂરી છે.

કેમ એને અવગણી આગળ વધું?

પગમાં આવી ને પડી મજબૂરી છે.

હાથ એણે કોઈ દી છોડ્યો નથી,

મજબૂરીની પણ કશી મજબૂરી છે.

કામ કેવાં કેવાં થ્યા એના થકી,

કેમ કહેવું કે બૂરી મજબૂરી છે.
(૨) કૃપાદૃષ્ટિ કરે છે

એક હું ભીતર કૃપાદૃષ્ટિ કરે છે.

ને, બીજો બાહર કૃપાદૃષ્ટિ કરે છે.

વાયરા, વાદળ, નદી, પર્વત અને વન,

આમ સચરાચર કૃપાદૃષ્ટિ કરે છે.

કાન ખેંચે, આંગળી ચીંધે કદીક એ,

એક બે સહિયર કૃપાદૃષ્ટિ કરે છે.

રોજ ઊગતા પ્રશ્નનો ઉત્તર છે એક જ,

“આ સમય સાદર કૃપાદૃષ્ટિ કરે છે”

જોઈને શિખર, તળેટી એમ લાગ્યું,

કોણ કોની પર કૃપાદૃષ્ટિ કરે છે!

ક્યાંક પથ્થર, ક્યાંક પાણી થઈ જવાયું,

કોઈ વેળાસર કૃપાદૃષ્ટિ કરે છે!

શું કરે બીજું વડીલો ઘરમાં રહીને?

કૂંપળો ઉપર કૃપાદૃષ્ટિ કરે છે.
(૩) જોજે

સમય, તારા બધા હથિયાર, લેખે લાગશે જોજે.

આ મારો આગવો હુંકાર, લેખે લાગશે જોજે.

ભર્યું પગલું તેં તારી સામે એ શિરપાવ સમજી લે,

પછી તો જીત હો કે હાર, લેખે લાગશે જોજે.

જવાબો હર વખત ઊતરે ગળે, એવું નથી હોતું,

સવાલોના ય સારાસાર, લેખે લાગશે જોજે.

વલોવી નાંખશે હૈયું ને નવનીત તારવી લેશે,

શબદ કે મૌનના ઉપચાર, લેખે લાગશે જોજે.

અધૂરી વાત મૂકી છે ને તડકે જાત મૂકી છે,

સ્વયં સાથેની એ તકરાર, લેખે લાગશે જોજે.

નજરની બ્હાર છે એવું ઘણું દૃષ્ટિમાં ઝીલાશે,

મુસીબત હો કે હો અંધાર, લેખે લાગશે જોજે.

તને તું જોઈ લે એ શકયતા તો સો ટકાની છે,

ઉમળકા આમ અંદર-બ્હાર, લેખે લાગશે જોજે.
(૪) રસ પડ્યો

પોતીકા તેજ માટેના નુસખામાં રસ પડ્યો.

એ કારણે મને હવે મારામાં રસ પડ્યો.

એવું નથી કે ખાલી ઉજવણાંમાં રસ પડ્યો,

સંજોગને સમયના ઉઝરડામાં રસ પડ્યો.

કહેવું’તું એ બધું તો કહેવાઈ ગ્યું પછી,

મારા, તમારા મૌનના પડઘામાં રસ પડ્યો.

વહેવારમાં જરૂરી છે, એવું સુણી-સુણી,

ચર્ચામાં રસ પડ્યો ને ખુલાસામાં રસ પડ્યો.

જીવાતી જિંદગીના સવાલો છે એટલે,

ઉત્તરમાં જે કરું છું એ કરવામાં રસ પડ્યો.

જે થાય છે ને જે થશે એના વિચારમાં,

ઘટના પછી ઘટી છે એ ઘટનામાં રસ પડ્યો.

હળવા થવાની વાતને હળવી જ રાખવા,

ટાણાં ઉપર પડે છે એ પડદામાં રસ પડ્યો.
(૫) માતબર
અરીસો પ્રશ્ન પૂછે, એ દશા છે માતબર.

અનુભવ રોજના છે, તે છતાં છે માતબર.

તમે તમને જડો એવા ખૂણા છે માતબર.

ઘણી ઘટનાના ઝીણાં દીવડા છે માતબર.

પ્રભાવિત બુદબુદા કરશે, જરા ચેતી જજો,

અહી પાંખો વગરની વાયકા છે માતબર.

ફરી ઊભા થવાની હામ એ આપ્યા કરે,

મને મારામાં છે એ આસ્થા છે માતબર.

નવી દૃષ્ટિ, નવી દિશા જડે એવું બને,

અચાનક આવનારી આપદા છે માતબર.

પ્રશંસા, વાહવાહી, દાદ પણ પાણી ભરે,

શબદની, મૌનની સોળે કળા છે માતબર.

ઘણું ભૂલાવશે, સંભારશે, સ્વીકારશે,

સ્મરણ છે ને સ્મરણની ઊર્જા છે માતબર.
~ લક્ષ્મી ડોબરિયા (રાજકોટ)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. લક્ષ્મીબહેન, બધી રચનાઓ સરસ. લાગશે જોજે, “જવાબો હર વખત ઊતરે ગળે, એવું નથી હોતું,

    સવાલોના ય સારાસાર, લેખે લાગશે જોજે.” વિશેષ ગમી. સરયૂ