|

આજની તારીખની વાર્તા ~ (ઉડિયા) ~ મૂળ લેખકઃ ભીમ પૃષ્ટિ ~ અનુવાદકઃ ડૉ. રેણુકા સોની

“દરિદ્રતાની સીમારેખા શુ છે, તને ખબર છે?” આંધળાએ પૂછ્યું.

એ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફીસના વરંડામાં ભીડ જામી હતી. બાઘો હથેળીમાં પાન મસળતો હતો અને કોર્પોરેશન ઓફીસના પગથિયાં ચઢી વરંડામાં મોટી સંખ્યામાં ભેગા થયેલાં  ઓળખીતાં પાળખીતાં પર નજર ફેરવતો હતો, જાણે કે એ કોઈને શોધી રહ્યો હોય!

બાઘાએ જોયું કે આજની તારીખે કેટલાય અંધાળા, લૂલા-લંગડા લોકો અહીં આવી રહ્યાં છે. કોઈ વ્હીલચેરમાંથી ઉતરી ઢસડતાં ઢસડતાં પગથિયાં ચઢે છે, કોઈ બીજાની સાઇકલ પાછળની સીટ પરથી નીચે ઉતરે છે. પણ એને થયું આ બધાંમાં, ઠૂંઠી હજુ સુધી કેમ દેખાઈ નહીં? એને  શું  સમાચાર નહીં  મળ્યાં હોય કે છ મહિના પછી આજે પૈસા મળવાનાં છે?  આમ તો એ મહાહોશિયાર છે અને બધી વાતોની ક્યાંકથી ને ક્યાંકથી એને  ખબર તો મળતી જ હોય છે.

ઠૂંઠીની રાહ જોવામાં બાઘાનું મગજ ઠેકાણે ન હતું – અને આ બાજુ આંધળો ‘દરિદ્રતાની સીમારેખા’ કરતો માથું ખાય છે ! તે મનોમન આંધળા પર ચિડાયો.

એટલામાં એણે ઠૂંઠીને પગથિયાં ચઢતી જોઈ. બાઘો ખૂંધ  હલાવીને ચંચળ બન્યો. હથેળીમાં મસળતા પાનનો ડૂચો મોમાં નાખ્યો. બે હાથ ખંખેરતા ખંખેરતા આંધળાની પરુથી ચોંટેલી આંખો તરફ જોઈ બોલ્યો – ‘મોટાભાઈ! તમે દ્દરિદ્રતાની ‘સેમારેખા, ફીમાંરેખા’ એવું કંઈ પૂછતા હતાને? તો સાંભળો, એ તો મોટા લોકોએ દોરી છે. એમાં મારે કે તમારે મગજ દોડાવવું નહીં. તમે અહીં બેસો. હું પૂછી લાવું એ લોકો કેટલા આપશે? પાછલા છ મહિનાના છસો કે મહિનાના સો…!”

“તને તો બસ પૈસાની પડી છે!” આંધળો ચિડાયો, “આંખો હોવા છતાં તું આંધળો છે. આપણા માટે સેન્ટર જેટલી ગ્રાન્ટ મોકલે, રાજ્ય અડધી ખાઈ જાય, અને થોડીક બીજા કામોમાં વાપરી નાંખે. એમાંથી જે થોડું ઘણું વધે તે આપણને આપે. તને કંઈ સમજાય પણ છે?”

આ સેન્ટર, આ ગ્રાન્ટ, – આ બધું બાઘાને કંઈ સમજાય નહીં. એને તો બસ, ‘હા એ હા’ કરતા આવડે!

“હા, મોટાભાઈ. તમે જે કહો છો તે સાચું.”

“હા, જે આપવું હોય તે આપે. આપણું શુ આ સો રુપિયાથી ચાલે છે? ભથ્થું જાય ખાડામાં. આ ભથ્થા માટે આ ઓફીસમાં થતો આપણો આ મેળો, ઓળખીતાં પાળખીતાં જોડે સુખ દુઃખની વાતો – આ ભથ્થું શું આ બધાથી કંઈ વધારે છે?”

અંધાળાની આ દાર્શનિક વાતો સાંભળવા બાઘો ત્યાં ન હતો. ઠૂંઠી પોતે લૂલી લંગડી, બહેરી, બોબડી, આંધળી એ બધાં સાથે બેઠી હતી. બાઘો ત્યાંથી પોતાના  ખૂંધવાળા શરીરે વાંકો વાંકો ચાલતો નીકળ્યો. અને, સીધો ઓફીસની બારી સામે જઈ ઊભો. બારણા સામે સ્ટુલ પર, પટાવાળો બેઠો હતો, જાણે કે મહાદેવનો પોઠિયો ! દેખીતી રીતે, પટાવાળો ભલેને, બારણાંની બહાર બેઠો હોય પણ અંદરના બધાં ભેદભરમ જાણે.

બાઘાએ હાથ જોડીને આવડે એટલા વિનયથી પૂછ્યું, – “સાહેબ! એક મહિનાના મળશે કે છ મહિનાના?”

“લાગે છે કે આ ભથ્થા ભિખારી મને આ ઓફીસમાં બીજું કંઈ કામ ક્યારેય કરવા નહીં દે…!” સ્ટુલ પર બેઠેલો પટાવાળો મનોમન ગિન્નાયો અને એને ગુસ્સો પણ આવ્યો, પછી એક પાઉચ તોડી ગુટકાને ગલોફાંમાં દબાવ્યો અને એ ‘કેમિકલની’ સુગંધ લેતાં લેતાં બાઘાને  પૂછ્યું,

“તે હેં  છ મહિનાના છસો જો આજે મળી જાય તો તમે  શું કરવાના? દસ પંદર દિવસમાં નશો કરી ઉડાડી દેવાના, ખરુંને? કે પછી બીજું કંઈ? અરે તમે બધાં લૂલા લગંડા અંધાળા. બી.પી. એલ. કાર્ડ પણ મળ્યું હશે. ઇન્દિરા આવાસમાં મફતમાં રહેતા હશો. તો પણ  ભથ્થાનો લોભ!”

બાઘાનું મોં પડી ગયું. ત્રાંસી નજરે તેણે  બૈરાઓ તરફ નજર નાખી. તે અપમાનથી લાલચોળ થઇ બોલ્યો, “સાહેબ ! બી. પી. એલ.ની યાદીમાં મારું નામ નથી. અમારા વિસ્તારનાં પૈસાવાળાઓએ ઇન્દિરા આવાસ પડાવી લીધા છે.”

“રહેવા દે, હવે! તમારા એ એરિયા પોલિટીકસની વાત અહીં નહીં કરવાની. જા, ત્યાં બેસ. નામ બોલાય ત્યારે આવજે. કાઉન્ટર પરથી અંગુઠો કરીને પછી ભથ્થું મળશે. રૂપિયા ગણશો એ વખતે ખબર પડશે એક મહિનાનું છે કે છ  મહિનાનું! મારો જીવ નહિ ખા. જા, અહિંથી!” સ્ટુલ પર બેઠેલા પટાવાળાએ એને ધુત્કારીને કાઢી મૂક્યો.

બાઘો પણ પૂંછડી દબાવી વાંકોચુંકો ચાલતો, ઠૂંઠી વગેરેની સામેથી પોતે જાણે મોટું તીર માર્યું હોય એમ કહેતો, કહેતો નીકળ્યો, “હું પૂછી આવ્યો. ખૂબ જલદી ઓફીસમાંથી નામ  બોલાશે.”

બૈરાઓના ટોળામાં ગર્વભેર ઘોષણા કરી પાછો ફરતો હતો ત્યારે તેમાંથી એક દોઢડાહ્યી લંગડીએ એનાં ચાળા પાડ્યા- “લ્યો, માન બોલશે અને આપણે જઈશું. એમાં શું નવું કહ્યું?” બાઘાએ આ સાંભળ્યું, ન સાંભળ્યું કર્યું અને પછી બાઘો ‘થપ્’ દઈને આંધળાની બાજુમાં જઈને બેઠો. તેની ગંધ પારખી આંધળાએ પૂછ્યું – “બોલ, ઓફીસનાં શું હાલચાલ છે?”

“-નામ બોલશે!”

“-નામ છે કે પછી નીકળી ગયું છે?” એવું બોલીને આંધળો પોતાના હાડકાંનો માળો હલાવતા હસી પડ્યો. બાઘો પણ હસી પડ્યો, “– મોટા ભાઈ તમે હમેશાં મશ્કરી કરતાં હોવ છો. તમારે તો સાંજે મંદિરે થોડી ઘણી આવક થાય  છે. મારે તો ધૂળ અને ઢેફાં. દીકરો છે એ તો સાવ નક્કામો છે. મારી એકલાની બસો અઢીસો રૂપિયાની ઉધારી છે.”

બાઘો પોતાની નાણા ભીડની  દુઃખની વાત કરતો હતો પણ એના કાન તો ઓફીસ તરફ જ હતા, ક્યારે એનું નામ બોલાશે.

લાઈનમાં જેનું નામ પહેલું બોલાયું તે કાખમાં ઘોડી દબાવી ઓફીસમાં ગયો. ત્યાંથી ભથ્થું લઈ બહાર આવ્યો. બાઘો ઉંદરની જેમ તેની પાછળ દોડ્યો.

“ભાઈ, આખા છ મહિનાનું મળ્યું છેને?”

“-નારે ભાઈ. બે મહિનાના બસો જ મળ્યા.” એવું બોલીને કાખ ઘોડી દબાવતા તે ડોસાએ બાઘા તરફ નજર નાખી. પણ ડોસાની ચશ્માંવાળી આંખો સામે જોવા બાઘો ત્યાં ન હતો., એ તો આંધળા પાસે પહોંચી ગયો હતો.

“અલ્યા, પેલાને કેટલાં મળ્યા?

“ભાઈ, ખાલી બસો રૂપિયા.”

” શું થાય? સત્તા પાસે શાણપણ નકામું! અરે, રડતો જજે અને જે મળે તે બાંધતો આવજે.” આ બધી દાર્શનિક વાતો સંભળવાનો બાઘાાને વખત નહોતો. વારાફરતી બધાનાં નામ બોલાતાં ગયાં અને સૌ પોતપોતાનું ભથ્થું લઈને નીકળવા માંડ્યા હતાં

બાઘાએ પણ બે મહિનાનું મળેલું ભથ્થું સાચવીને મૂક્યું અને પછી એનું ખૂંધવાળું  શરીર હલાવતો ઠૂંઠી તરફ ચાલ્યો. એ ચતુર બિલાડીની આંખોમાં આંખો નાખી પૂછ્યું, “ચાલ, જઈશું?”

“હા ભાઈ, જવું તો પડશે. સાડાત્રણ માઈલ ચાલવામાં તમારો સંગાથ રહેશે.” ઠૂંઠી ઉમરમાં તેનાથી મોટી હતી. વરસ છૂપાવી બાઘાને ‘ભાઈ, ભાઈ’ કહી વળગતી. આ બાઈની જુવાની પણ આ રીતે દેખાડો કરીને વીતી છે એવો વિચાર કરતા બાઘો મનોમન હસ્યો.

“હું આંધળાને ચાર રસ્તા પર કરાવું છું, તું પાછળ પાછળ આવ.”  દરેક વખતે કોર્પોરેશન ઓફીસમાંથી ભથ્થું લઈ ઘરે પાછા જતી વખતે બાઘો આંધળાને ટ્રાફિકમાંથી રસ્તો કાઢીને દોરી જતો. પછી બન્ને ફૂટપાથ પર રાહ જુવે. ગાડી-મોટર વચ્ચેથી ઠૂંઠી માંડમાંડ ટ્રાફિકવાળો રસ્તો ઓળંગે અને બાઘા-આંધળાનો સંગાથ કરે. પછી ત્રણેય ચાલવા માંડે.

ચાલતા ચાલતા, એક જગ્યાએ આંધળો પોતાની લાકડી ‘ઠક્, ઠક્’ કરવાનું બંધ કરીને ઊભો રહ્યો. હોટલની સુગંધથી આકર્ષાઈને બોલ્યો, “કેટલાય મહિના પછી બે મહિનાનું ભથ્થું મળ્યું છે! આમીષ ઘણાં દિવસોથી ચાખ્યું નથી. ચાલો આજે બધાં ભેગા મળી ખાઈએ. પછી આગળ જઈએ.”

આંધળાની વાતનો બન્નેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં. અને, બસ, પાછું એનું ડહાપણ શરુ થઇ ગયું, “અરે ! આત્મ કુશળે સર્વ સિદ્ધી. આ જીવન પાણીના પરપોટા જેવું છે. ખાવા માટે મફતના પૈસા મળ્યા છે. પેટ ન  ભરીને સંઘરશો તો ભૂત ખાશે.”

આંધળાની દાર્શનિક વાતોમાં આવી જઈ સૌથી પહેલે બાધો સળવળ્યો,  “મોટાભાઈ, તમારી વાત સાચી. પણ એક ભાણું ખાવ તો ઘણા પૈસા થાય. ઘેર જે પખાળ-પાણી  ઢાંક્યાં હશે તે મને તો ચાલશે.”

“અરે ગાંડા. આમ એકાદ દિવસ જ હોટલમાં ખાવાની ઈચ્છા છે. ઘરના પખાળપાણી તો કાયમનાં છે! ચાલ હવે, ભથ્થું મળ્યું છે તો મજા કરી લઈએ.”

બાઘાએ જોયું કે આંધળો એને ખર્ચો કરાવ્યા વગર છોડશે નહીં. તેની જોડે જ પાછા જવાનું છે. તેની  વાત નહીં માનું તો આખે રસ્તે ગુસ્સો કરશે, મોટીમોટી દાર્શનિક વાતો કરીને જ્ઞાન ઝાડ્યા જ કરશે ને સુખેથી ચાલવા નહીં દે. એના કરતાં ભાણું ખાઈ નાખવું સારું.

એણે ઠૂંઠી સામે જોયું. ઠૂંઠીએ બહાનું કાઢ્યું- આજે મારે સોમવાર છે. આમીષ તો શું આજે બહારનો એક નીરામીષ દાણો પણ મોંમાં નહીં નાખું. તમે બન્ને જાવ હું અહીં બહાર બેઠી છું. પછી સાથે જઈશું. બરાબરને ?

ચાલાક અને કંજૂસ ઠૂંઠી પર આંધળો મનોમન ચીડાયો અને હોટલમાં ઘૂસ્યો. તેની પાછળ પાછળ બાઘો પેઠો.

હોટલનો છોકરો ઓર્ડર લેવા આવ્યો. “શું લાવું ?”

“આમીષમાં શું છે?”

“મટન ચીકન, માછલી – બધું ય છે.”

“અમારા માટે બકરીનું માંસ અને ભાત, બસ એટલું જ.” આંધળાએ ઓર્ડર આપ્યો. તો, બાઘાએ ઓર્ડર રોક્યો. “ના, મોટાભાઈ, મારા માટે માંસ નહીં. વધારે પૈસા થાય. હું માછલી ખાઇશ.”

આંધળાએ ધીમેથી સમજાવ્યો, “અરે, માંસ માછલીમાં વળી કેટલો બધો ફેર છે? છ મહિના પછી ભથ્થું મળ્યું છે. હવે ક્યારે મળશે કોણ જાણે? આપણે ત્યારે જીવતાં હોઈશું કે નહીં કોને ખબર છે? બન્ને ભાઈ સાથે મળીને માંસ-ભાત ખાઈએ.”

આંધળાની વાતોમાં નહીં ભોળવાઈ જવાનું બાઘાએ નક્કી કર્યું. એણે મનોમન પોતાના દેવાનો હિસાબ કર્યો. તેણે પોતે આંધળો આગળ કંઈ બોલે તે પહેલા ઓર્ડર આપી દીધો.-“આમના માટે  માંસ અને મારા માટે માછલી. અને સાથે, બન્ને માટે ભાત.”

પૈસા વસુલ કરવા બાઘો વારંવાર રસો માંગી ખાવા લાગ્યો. માંસ ખાતી વખતે આંધળો ખુશ ન હતો. તે ઘણીવાર લૂલા લગંડા રક્તપીતિયાઓ જોડે પગંતમાં જમવા બેઠો છે. બધાંની સાથે એક સરખી આઈટમ સબડકા લઈને ખાવાની જે મજા આવતી, તેના પર, બાઘાએ અહીં પાણી ફેરવી નાખ્યું.

બન્ને જયારે હોટલમાંથી બહાર આવ્યાં ત્યારે ઠૂંઠી એક આધેડ જોડે ગપ્પાં મારતી હતી. બાઘાએ ઠૂંઠીને ઉતાવળ કરાવી, “જલદી ચાલ- મોડું થાય છે.”

ફૂટપાથપરથી ઘર બાજુ ચાલતાં રસ્તામાં આંધળાએ કહ્યું, “આમીષ ખાધું છે તો મીઠું- મસાલાવાળું એકએક પાન થઈ જાય.”

તેને પાન માટે ખિસ્સામાંથી  ફંફોળી છુટ્ટા પૈસા કાઢતો જોઈ બાઘાને થયું મફતમાં મળે છે તો ઠુંઠી પણ ભલે એક ખાતી. તેણે ડાહ્યા થઈ કહ્યું, “મોટાભાઈ,  પાન માટે જો પૈસા કાઢતા હો તો ત્રણ પાનના પૈસા કાઢજો.”

“ના, ના મોટાભાઈ રહેવા દો. મારી પાસે ઘરેથી લાવેલું પાન છે, હું એ ખાઈશ.” ઠૂંઠીએ કહ્યું.

આંધળાને થયું ઠૂંઠીને બહારનું પાન ખાવાનું મન છે, પણ મારી બેટી નખરાં કરે છે. “ઘરનું પાન તો રોજ ખાય છે. આજે મસાલાવાળું ખા ને! કઈ મોટી વાત છે? પૈસા શું સ્વર્ગમાં લઇ જવાના છે?”

બાઘો આંધળા પાસેથી પૈસા લઈ પાન લેવા ગયો. આંધળાને ગંધ પરથી ખબર પડી ગઈ કે ઠૂંઠી તેની પાસે ઊભી છે. એકાંતમાં આ ચિબાવલી પોતાની હોય એવો ઢોંગ કરે.- “તમે મને જોઈ નથી શકતા પણ આ ભથ્થા વખતે તમને જોઈ મારું પેટ ભરાઈ જાય. તમારો પરિવાર નથી, પોતાનું ઘર નથી. માંગી યાચીને ચલાવો છો, પણ તમારું મન મોટું છે…વગેરે, વગેરે.”

આંધળાએ જોયું એક પાન માટે આ ચાંપલી એના પર ઓળઘોળ થઈ છે. આંધળાએ ભાવુક બની કહ્યું, “જો, આ આપવું લેવું કંઈ મોટી વાત નથી. દુનિયામાં સૌથી મોટી વાત પારકાને પોતાના કરવા. બીજા માટે ઘસાવું.”

આ પ્રેમભરી વાતો બન્ને વચ્ચે હજી ચાલત. ત્યાં તો બાઘો પાન લઈ આવી ગયો. બધાંના હાથમાં એક એક પાન પકડાવીને જવા માટે અધીરો બન્યો. “ચાલો, હવે જઈએ.”

બધાંએ પાન મોમાં નાખ્યું. સાડા ત્રણ માઈલ દૂર ઘેર જવા નીકળ્યા. આંધળો લાકડી ‘ઠક્, ઠક્’ કરતો આગળ અને આ બે તેની પાછળ. ત્રણ જણા જયારે સાથે ચાલતાં હોય ત્યારે એમાંથી એક તો વાત કરવા આતુર હોય. બાઘો ઠૂંઠીને ચીડવવા બોલ્યો, “અમે બે જણે તો હોટલમાં ખાઈ પૈસા ખર્ચ્યા. મોટાભાઈએ પાનના પૈસા પણ આપ્યા. તારો તો એક પૈસો પણ ખર્ચાયો નહીં. તું ભથ્થાનું કરે છે શું ?”

“હા, ભાઈ. આજકાલ પૈસા વગર કોઈ કોઈનું ક્યાં કરે છે? વળી મારે તો સાવકા દીકરો વહુ છે. શાક પાંદડામાં ખર્ચાઈ જાય. આ તો મારી દીકરી તેના સાસરેથી છૂપાઈને મોકલે એટલે વળી હાથ છૂટો રહે. બસ, આમ ને આમ ચાલ્યા કરે છે! પણ મેં તો કહી દીધું છે, દાળભાત મુઠ્ઠી ખાવા આપો છો એટલે મારા ભથ્થા પર ડોળો નહીં નાખતા. મારા એ પૈસા હું ફાવે એમ ખર્ચીશ.”

બાઘો એની બડાઈ સાંભળી ચુપ રહ્યો. “મોટાભાઈ, તમે કહો તમારા ભથ્થાનું શું કરો છો?”

અંધાળાને ચૂપચાપ ચાલતો જોઈ, ઠૂંઠીથી સહન ન થયું. તેણે આંધળાને પૂછ્યું. આંધળાએ પોતાની દાર્શનિક ઢબે  સમજાવ્યું, “મારા ભથ્થા વિષે હું શુ કહું? આપણા ત્રણ જણાનું ભેગું કરો, તેટલું તો મારા ઘરભાડામાં જાય. વીસત્રીસ જણાનું ભથ્થું જો મને મળે તો કંઈ હિસાબ આપી શકું. આ પૈસામાં મારા ભીખના પૈસા જોડે ભેળવી મારું ચાલી જાય છે. બીજું શું?”

ત્રણે જણા ચૂપ થઇ ગયા. આંધળાની લાકડીનો ‘ઠક્, ઠક્’ અવાજ રસ્તાનું અંતર માપતો હોય એવું લાગતું હતું.

“અરે આપણે ઝાડખાઉ  પીપળા પાસે પહોંચ્યા કે નહીં?”

“હા મોટાભાઈ. “

“હવે દોઢ માઈલ બાકી રહ્યા. અહીં થોડીવાર પોરો ખાઈએ. પછી આગળ વધીએ.”

આમ કહી, આંધળો ઓટલો ફંફોસીને બેઠો. એને જોઈ આ બે જણ પણ બેઠા.  ત્રણ ભેગા બેઠાં પછી કોઈ એક વિષય પર વાતચીત શરુ થઈ શકે. જેમ કે, આ પીપળા પર!

બાઘાએ વાત શરૂ કરી. “લોકો કહે છે કે ઘણા વર્ષો પહેલા કોઈએ વડ અને પીપળો અહીં વાવી, ઝાડ જોડે ઝાડના લગ્ન કર્યા હતા. લગ્ન પછી જોયું પીપળો ખુબ જલદી વધે છે અને વડ વધતો નથી. પીપળા નીચે વડ સુકાઈ નામોશેષ થઇ ગયો. એટલે લોકો અને ‘ઝાડખાઉ પીપળો’ કહે છે.”

“ઓહો! આ ને કેટલાં વર્ષ થયા હશે, કહો તો!” આંધળાએ પૂછ્યું.

જવાબમાં બાઘાએ કહ્યું, “મોટાભાઈ, આ ઝાડ હું નાનપણથી જોઉં છું. મારા બાપાએ જોયું છે. મારા બાપાના બાપાએ પણ જોયું છે. અત્યારે જેવડું છે. ત્યારે પણ એવડું જ હતું. ભયાનક વાવાઝોડામાં પણ આ ટકી રહ્યું.”

“ઝાડને સો દોઢસો વર્ષ થયાં હશે, બીજું શું?  આ જરી એક શરમજનક ઘટના બની હતી. આ હું કુંવારી હતી ત્યારની વાત છે.”

ઠૂંઠીની રસીલી જૂની શરમની વાત સાંભળવા બાઘાના કાન સરવા થયા. ઠૂંઠીએ જરા ખચકાઈને વાત શરુ કરી.

“એકવાર, અમે ચાર પાંચ જણ બાજુના ગામે કામ માટે જતાં હતાં. જોયું કે બીજા લોકો જરા આગળ નીકળી ગયા છે, હું ઝાડની આડસે પેશાબ કરવા બેઠી. આજુબાજુ કોઈ નહોતું – મારી પાછળ કોઈ આવી ઊભું. હું ડરીને પેશાબ કરતાં કરતાં ઊભી થઇ ગઈ. એણે મારો હાથ પકડ્યો.

મેં કહ્યું ‘-ભાઈ આ શું કરો છો?’ એ મારા દૂરના બનેવી થાય. મારી તે દૂરની બહેન વર્ષ, બે વર્ષ પહેલાં અઢી વર્ષનો બાબો મૂકીને ગુજરી ગઈ હતી. એ બનેવી રડતાંરડતાં કહેતા હતા – ‘હું જાણું છું કે તારા ઠૂંઠા હાથના કારણે તારા લગન નથી થતાં તારીયે ઉંમર વધતી જાય છે. તું મારા ઘરે આવ. તારી બહેનની જગ્યાએ મારા દીકરાની મા બન અને મારો ઘરસંસાર સંભાળ.

એટલા મોટા માણસનું રડવું જોઈ મારું હૃદય પીગળી ગયું. એ ગાંડો કહેતો હતો  કે, ‘તું નહીં માને તો હું આ પીપળા પર લટકી જઈશ!’ તેની આ ધમકી સાંભળી મેં હા પાડી દીધી અને બીજી થઈને તેનું ઘર સંભાળ્યું. મારે એક દીકરી પણ થઈ. પણ એ મુઓ મને છોડીને પહેલો જતો રહ્યો.”

ઠૂંઠી હિબકે ચઢી. તેને શી રીતે ચૂપ કરવી એ  બાઘાને સૂઝતું ન હતું. આંધળાએ વાત બદલવા માટે ઊભા થઈ લાકડી હાથમાં લીધી અને કહ્યું, “ચાલો ! ચાલો ! જઈએ હવે?”

“હા ભાઈ, જવું તો પડશેને?” ઠૂંઠી પોતાની ભારે કમર લચકાવી ઊભી થઈ. ગોધૂલિ ટાણે ચરીને આવતી ગાયની જેમ, એ ઘર તરફ ઝડપથી ચાલવા લાગી. ખિસ્સામાં ભથ્થું, સાથે આ લટકાળી ઠૂંઠી. આટલી જલદી રસ્તો પૂરો થઈ જાય એવું બાઘો ઈચ્છતો ન હતો.

દોડી જતી ઠૂંઠીને અટકાવીને કહે, “આમ ઘોડીની જેમ શું દોડે છે? તારી સાથે મોટાભાઈ કેવી રીતે ચાલી શકે?”

આંધળાનું નામ લઈ બાઘાએ ઠૂંઠીને પોતાની સાથે ને સાથે ચલાવી. પવનથી ઊડતા પોતાના અડધા ધોળા અને અડધા કાળા વાળને સરખા કરતી ઠૂંઠીએ ફરીથી લહેકાવીને વાતો શરુ કરી, “તમારી સાથે મને શું ચાલવું નહીં ગમતું હોય? પણ મારે કેટલી જંજાળ છે, શું કહું!”

“જંજાળનું તો એવું છે, વિચારો તો વધે અને ન વિચારો તો કંઈ નહીં.” આંધળાની આ દાર્શનિક વાણી ઠૂંઠીને ગમી નહીં. તેણે બાઘાને કોણી મારીને કહ્યું, “તમે કહો તમારે જંજાળ નથી?”

“સંસારમાં જંજાળ જેને  વળગી છે  તે જ જાણે! મોટાભાઈ, તમે તો એકલા ભૂત જેવા છો. બધાંને પરપોટાની જેમ જ ગણો છો.” બાઘો બોલ્યો.

“હવે અડધો માઈલ પછી તમારી જંજાળ શરુ થશે. પછી તો સૌ સૌના રસ્તે. કોણ જાણે, ફરી ક્યારે ભથ્થું મળશે! ત્યારે આપણાંમાંથી કોણ કોણ જીવતું હશે કોણ નહીં! જેટલો વખત સાથે ચાલતા રહીશું, શું આવી રીતે રોદણા રડતાં રડતાં ચાલીશું? હસતાં રમતાં ચાલવા શું આપણે જનમ્યા નથી?” આંધળાએ પોતાનું ડહાપણ ડોહળ્યું!

સાથે ચાલતા ચાલતા હસવું, મજાક મસ્તી થાય પણ કેવી રીતે  મજા કરવી એ બાઘાને ખબર ન હતી. આ ઠુંઠી જોડે મજાક મસ્તી કરું તો કેવું ?

બાઘાએ મસ્તી કરતાં ઠૂંઠીને કહ્યું, “અચ્છા, તે દિવસે તું જયારે ઝાડ નીચે પેશાબ કરતી હતી ત્યારે તારા બનેવીની જગ્યાએ મેં કે મોટાભાઈએ તારો હાથ પકડ્યો હોત તો તું અમારા બે માંથી કોને હા પાડત?”

“જાવને. બેશરમ! આ ઉંમરે  આવી મશ્કરી શોભે?” બાઘાની આવી વાત પર ઠૂંઠી ખડખડાટ હસી પડી.

બાઘો એમ કંઈ પોતાની વાત છોડે એવો ન હતો. તેણે કહ્યું, “કહેને હવે! કંઈ પાપ નહીં લાગે!”

“ત્યારે મારા બનેવીને જોયા હોત તો કુંવારો હોય એવું જ લાગતે. આપણા મોટાભાઈ જેવો જ હટ્ટોકટ્ટો લાંબો પહોળો. તે વખતે હું કુંવારી. તારા જેવા ખૂંધવાળાને કોણ પસંદ કરે?”

ઠૂંઠીનું આ મહેણું સાંભળી બાઘો ગંભીર થઈ ગયો. પછી પોતાની ખૂંધ ખંખેરી આંધળા બાજુ વાત વાળી લીધી, “જુઓને મોટાભાઈ, આ શું કહી રહી છે?”

આંધળો બોલ્યો, “ભઈ, હું રહ્યો બાળબ્રહ્મચારી. મને તમારી આ બધી કાલ્પનિક વાતોમાં ક્યાં નાખો છો?”

આંધળો પોતાની દાર્શનિક અદામાં લાકડી “ઠક્, ઠક્’ કરતો ચાલતો હતો. ઠૂંઠીનું ઘર સાવ નજીક આવી ગયું હતું. આંધળો અને બાઘો આગળ ચાલવા માંડ્યા હતા ત્યાં તો પાછળથી ઠૂંઠીની ચીસ સંભળાઈ. “ઓ મા! મારા પૈસા…!. પાલવમા બાંધેલા હતા એ ખોલીને લઈ ગયો, મૂઓ.”

“શું થયું ?” બોલીને આંધળો ઊભો રહી ગયો. બાઘો પણ ઊભો રહ્યો. એક મિનિટમાં આ શું બની ગયું એ જાણવા બેઉ પાછળ ફર્યા..

ઠૂંઠી પાસે તેના પોતારાએ સાઇકલ ઊભી રાખી. અને તેના પાલવની ગાંઠ ખોલી રૂપિયા લઈ જતા બોલ્યો, “દાદી! મને તારા ‘ભત્તા’માંથી ક્યારેય પાંચ પૈસા તેં આપ્યા નથી. મેં સેકેંડહેંડ ફોન જોયો છે. રૂપિયા લઇ જઉં  છું. મારે સીમ કાર્ડ વિના ચાલે એવું નથી.” તેના પોતરાએ કહ્યું. પછી સાઇકલ લઈને છૂ થઈ ગયો! ઠૂંઠી રડતી કકળતી ગાળો આપતી એના ઘર તરફ ચાલી.

આગળના વળાંકમાં ડાબી બાજુ બાઘો જશે. તે પછી થોડે દૂર આંધળાની વસ્તી આવે. ઠૂંઠી પાસેથી એનો પોતરો કેમ પૈસા ઝૂંટવીને લઈ ગયો એ બાઘાને સમજાતું નહોતું. પોતાના રસ્તે જતા એણે પૂછ્યું, “અચ્છા! મોટાભાઈ, આ સીમકાર્ડ શું બલા છે?”

“તું ખરેખર મુરખો છે! તું જે દુનિયામાં છે એ જ દુનિયામાં રહે!” આંધળાની દાર્શનિક વાતોમાં પોતાની ચાંચ નહીં ડૂબે એમ વિચારી બાઘો પોતાના નક્કામાં ખર્ચા અને દેવા વિશે વિચારતો વિચારતો પોતાની શેરી તરફ ચાલ્યો.

આંધળો એની ઝૂંપડી પર આવી ગયો. ઝૂંપડીનો દરવાજો ચાવીથી ખોલવાની આંધળાને  જરૂર ન હતી. કાટ લાગેલા તાળાને દાબો તો વસાઈ જાય અને ખેંચો તો ખૂલી જાય.

તાળું ખેંચીને આંધળાએ બારણાંની સાંકળ ખોલી. પછી પોતાનો કાથીનો ખાટલો ફંફોસ્યો. સાડાત્રણ માઈલ ચાલીને એની કમર અને પગ દુખતા હતા. તેણે પહેલા માટલામાંથી પાણી પીધું. પછી દબાયેલા ખાટલાના ખાડામાં બેઠો, “હંમ્, આજે ‘ભત્તું’ મળ્યું છે તો આજે ક્યાંય નહીં જઉં. હોટલમાં ખાધું છે અને એટલું બધું ચાલ્યો છું તો થોડો આરામ કરી લઉં!”  પોતાને આમ સમજાવી ઊંઘી ગયો.

“ભાઈ, સાંજે કેમ સૂતા છો, આજે સોમવાર છે તે? મંદિરમાં ભીડ ઓછી થઈ જશે! ઊઠો, ઊઠો.” આંધળો અવાજ સાંભળીને ઊંઘમાંથી જાગી ગયો. એની બાજુની ઝૂંપડીમાં રરહેતો લંગડાનો એ અવાજ હતો!

સપનું જોતા આંધળાની ઊંઘ ઊડી ગઈ. મંદિર સામે બેસતો, રક્તપીતીયા લંગડાને ‘એ શેઠિયા. હે માડી. દયા કરો. તમારું ભલું થશે –” એમ  ચીસો પાડી પાડી મોટેથી બોલવાની ટેવ પડી ગઈ હતી. તે રોજની જેમ, આજે પણ મંદિરની ડ્યુટી માટે આંધળાનો સાથ શોધતો આવી પહોંચ્યો.

પણ પછી લંગડાને યાદ આવ્યું. “અરે હા, આજની તારીખે તો ‘ભત્તું’ મળ્યું છે. તું તો આજે આવીશ નહિ..! તારે ક્યાં આમેય પૈસાની એટલી જરૂર કે ‘ભત્તું’ મળે તોયે ભીખ માગવા તો જવું જ પડે, અમારી જેમ! ઠીક છે. એ..ય ને.. ‘બાદશાહી ઠાઠ’થી આજની રાત ઊંઘી લે! હું તો આ ચાલ્યો!”

લંગડાનું  આ મેણું સાંભળી  આંધળો ખાટલાના ખાડામાંથી ઉઠ્યો. પહેલા પોતાની લાકડી ફંફોસીને શોધી, અને એ પછી ખંજણી શોધી રક્તપિત્તિયા લંગડા સાથે મંદિરે જવા બહાર નીકળ્યો !
****
(લેખક પરિચયઃ
ભીમ પૃષ્ટિ (૧૯૫૯) – જન્મ સ્થળ: ગામ કાએમા, જિ: જાજપુર. વાર્તાકાર, નવલકથાકાર. વાર્તાસંગ્રહ: પ્રથમ બહિ, હો મણિષ માને, અધે મણિષ, પેટ ઓ પેટતળ, લછમનિઆ વગેરે. નવલકથા: મુહાણ, કબિતાર ઉપન્યાસ, પ્રિય નારી, કુઆડે ચાલીછ, વગેરે. પુરસ્કાર: ઓડિશા સાહિત્ય અકાદમી, અખિળ મોહન કથા સન્માન, ઓડિશા યુવા લેખક સમ્માન, ગોપબંધુ સાહિત્ય સન્માન, વગેરે. )

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.