માનસી (વાર્તા) ~ શિવાની દેસાઈ

માનસી – વાર્તા

માનસી પહેલેથી જ હોંશિયાર દરેક બાબતમાં, ભણવામાં, ડાન્સમાં, રમત-ગમતમાં, બોલવામાં અને સ્કૂલનાં નાટકો તો એનાં વિના થાય જ નહીં! એ પાછી જિદ્દી પણ ખરી…એટલે ધારેલું કરીને જ રહે…..!! માનસીમાં નાનપણથી  એક કલા હતી. માનસી  જ્યાં જતી ત્યાં સહુનાં દિલ જીતી લેતી. સ્કૂલમાંથી હવે કોલેજમાં જવાનું થયું ત્યારે એણે કહ્યું કે એને તો એક્ટિંગનો કોર્સ કરવો છે. માનસીના પપ્પાએ કહ્યું, “બેટા, એક ડિગ્રી, કોઈ પણ એકેડેમિક ફિલ્ડમાં લઈ લે અને પછી એક્ટિંગનો કોર્સ કરવા જ્યાં જવું હોય ત્યાં જજે.”
મને હજી યાદ છે કે માનસી આ સાંભળીને દોડીને એના પપ્પાને ભેટી પડી હતી.
“પ્રોમિસ, પપ્પા? હું અમેરિકા ભણવા જઈ શકું?”
“એક ડિગ્રી પ્રોપરલી લઈ લે. પછી હું તને અમેરિકા પણ મોકલીશ.”
માનસીના મોઢા પર ત્યારે છવાઈ ગયેલી આનંદની આભાએ અમારા ઘરમાં સો સો સૂરજનું અજવાળું કરી નાંખ્યું હતું.

તે રાત્રે અમે સૂવા ગયાં ત્યારે મેં માનસીના પપ્પાને પૂછ્યું, “તમે એને અમેરિકા ભણવા મોકલાવાની હા તો કહી દીધી પણ પાંચ વરસ પછી, ૧૯૯૬માં તમે આ સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થવાના છો. છોકરીને અમેરિકા ભણાવશો, લગ્ન કરાવશો, આપણી નિવૃત્તિ પણ ફંડ કરશો… કેમનું થઈ શકશે આટલું બધું? હા, તમે સરકારી નોકરીમાં ઓફિસર ગ્રેડમાં છો પણ નિવૃત્તિ પછી આગળનું પણ વિચારવાનું કે નહીં? કે પછી, બસ, તમારી લાડલીનો બોલ પડે એટલે પૂરો કરવાનો જ..! તમે જ એને આમ જિદ્દી બનાવી છે!”

એ એમની હંમેશની સ્ટાઈલમાં બોલ્યા, “અરે, માનસીને આગળ ભણાવીને હું આપણું રિટયરમેન્ટ જ ફંડ કરું છુંને? તું તારે મોજ કર, ચિંતા ન કર.”

મેં મોઢું ફુલાવીને કહ્યું, “બેઉ બાપ-દીકરી જેમ ફાવે તેમ કાયમ કરો છો! મારી વાત તો કોઈને સાંભળવી જ નથી!” અને કાયમની જેમ એમણે હસીને, મારે ગાલે ટપલી મારી. અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.
*****

આમ ને આમ, માનસી મોટી થતી ગઈ અને હવે તો કૉલેજનું છેલ્લું વરસ પણ પૂરૂં થવા આવ્યું હતું. એણે એક દિવસ અમને કહ્યું, “મમ્મી, પપ્પા, મારે અમેરિકામાં એક્ટિંગનો કોર્સ ભણવા જવું છે. તમે કહ્યું હતું એમ, બી.કોમ. તો હું ફર્સ્ટ ક્લાસ લઈને પૂરું કરીશ. હવે તમે મને આપેલું પ્રોમિસ પૂરૂં કરો.!”
અમારે સંતાનમાં એક જ દીકરી હતી એટલે અમેરિકા ભણવા મોકલતાં મારો  જીવ નહોતો ચાલતો. પણ, અમે જ એને પ્રોમિસ કર્યું હતું! માનસીને નવી દુનિયા જોવી હતી જાતમેળે, નવાનવા લોકોને મળવું હતું અને પોતાની દુનિયા પોતે વસાવવી હતી.

અંતે,  મેં કમને અને એના પપ્પાએ મનથી, એને અમેરિકા જવાની હા પાડી. માનસીએ કોલેજની પરીક્ષા પૂરી થતાં જ અમેરિકા જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. કોલેજના એડમિશનથી લઈને, પાસપોર્ટ, વિસા વગેરેની બધી જ દોડધામ એ એકલી જ કરતી. માનસીનો આત્મવિશ્વાસ જ એની મોટી મૂડી હતી.

જોકે, માનસી જ્યારે પાસપોર્ટ અને કોલેજના ફોર્મ ભરતી હતી ત્યારે મેં એનાં પપ્પાને કહ્યું પણ ખરું. “આટલી બધી રજાઓ તમારી વાપર્યા વગરની પડી છે. તો, રજા લઈને, જરાક દીકરી સાથે બેસો, ફોર્મ બરાબર ભરે છે કે નહીં, કઈ કોલેજમાં જવાનું,  વગેર જરાક જુઓ તો ખરા! બની શકે તો એની સાથે પાસપોર્ટ ઓફિસ જાવ!”

ત્યારે એ માનસીને માથે ગર્વથી હાથ ફેરવીને કહેતા, “માનસી એક જવાબદાર, કોન્ફિડન્ટ અને હોશિયાર દીકરી છે. એની આંખોમાં જ એનો આત્મવિશ્વાસ ચમકે છે તે તને નથી દેખાતો? એને જ્યાં નહીં સમજાય ત્યાં મને પૂછશે. આમ પોતાના નિર્ણયો જાતે લેતાં પણ શીખવું તો પડશેને? હું અને તું કંઈ અમરપટ્ટો લઈને તો આવ્યા નથી! એ આજના જમાનાની સ્વતંત્ર રીતે રહી શકે એવી કાબેલ છોકરી છે. ખરુંને , દીકરા?”

માનસી હસી અને કહે, “ડેડી, આઈ લવ યુ ડેડી!” અને મારી સામે ડિંગો બતાવ્યો!
*****

પાસપોર્ટ થઈ ગયો, અમેરિકાનું એડમિશન પણ કોલંબસ, ઓહાયો સ્ટેટમાં થઈ ગયું, અને વિસા પણ મળી પણ ગયા. જવાની તારીખ નજીક આવી ગઈ. મા-બાપ તરીકે એકની એક દીકરીને અજાણ્યા દેશમાં મોકલતાં, એક બાજુ હું આશંક હતી,  તો બીજી બાજુ, ખાસ કરીને એનાં પપ્પા તો ગર્વથી ફુલાતા હતા. જે મળે એને કહેતા કે, “અમેરિકા જવાની બધી જ તૈયારી માનસીએ એકલે હાથે કરી છે!”

માનસીને નવા આકાશમાં ઊડવા માટે  હવે કોઈ રોકી શકે એમ નહોતું.  માનસી તો એકદમ ખુશ……!! અને,  આખરે, અમેરિકા જવાનો દિવસ આવી પણ ગયો. માનસી એની પાંખોમાં નવા અનંત આકાશને આંબવાનો થનગનાટ ભરીને પરદેશ ઊડી ગઈ…..!

અમારી બાહોશ દીકરીએ ત્યાં જઈને ફોન કરી દીધો કે એ સહીસલામત પહોંચી ગઈ છે અને કોલેજના ડૉર્મમાં એનું રહેવાનું સરસ છે, માટે કોઈ ચિંતા કરતાં નહીં.

માનસી નિયમિત પત્રો  લખતી, ઈમેલ કરતી અને વચ્ચે વચ્ચે એ ફોન કરતી. એ ત્યાંની દુનિયાની વાતો કરતી, એના એક્ટિંગ કોર્સની વાત કરતી, નવા મિત્રોની વાત કરતી અને એને ત્યાં કેટલી મજા પડી રહી છે એની વાત કરતી।

ધીરે ધીરે એનાં પત્રો આવતાં ઓછાં થવા માંડ્યાં, ઈમેલ પણ નહીંવત્ અને પછી તો ફોન આવવાના પણ ઓછા થઈ ગયા…..ફોન આવે ત્યારે કહેતી કે એ વ્યસ્ત રહે છે ભણવામાં અને કોલેજની પ્રવૃતિઓમાં…..વગેરે, વગેરે. પણ કંઈ વધુ વાતો થતી નહોતી.

અમે પણ, ‘એ જવાબદાર છોકરી છે અને ખરેખર વ્યસ્ત હશે’ એમ માનીને મન મનાવતાં થઈ ગયા…..બીજી ચોઇસ પણ ક્યાં હતી? અમે જ એને એ સ્વતંત્ર ઊડી શકે એવી પાંખો આપી હતી!

આ વખતે  તો માનસીનો ફોન લગભગ બે મહિને આવ્યો અને એણે જે સમાચાર આપ્યા એનાથી અમારા પગ તળેની જમીન સરકી ગઈ.

માનસીએ ફોનમાં કહ્યું કે, એ કોઈ રોકી નામના છોકરા સાથે ‘લિવ-ઈન રિલેશન’માં છે.

“પણ બેટા, આ રોકી છે કોણ? આમ એકદમ અજાણ્યા છોકરા સાથે, અજાણ્યા દેશમાં…..” અમે માંડ હજી વધુ કંઈ સમજીને કહીએ એ પહેલાં જ અમને વચ્ચે રોકતાં બોલી.

માનસી બોલી, “રોકી મારા માટે માટે અજાણ્યો નથી. એ હાફ બ્લેક અને હાફ વાઈટ છોકરો છે અને બહુ જ ટેલેન્ટેડ સંગીતકાર છે. એટલું જ નહીં, રોકી મારી સાથે ભણે છે. હું અને રોકી ગળાડૂબ પ્રેમમાં છીએ અને સાથે રહીને જિંદગીને ‘એક્સપ્લોર’ કરવા માંગીએ છીએ.”

એ જવાબદાર છોકરી છે અને જિંદગીના પડકારોને પહોંચી વળે એટલા સંસ્કાર અને આવડત અમે આપી છે એમ કહીને, અમે અમારી ફિકરોને અમારા ઉછેરના આવરણ હેઠળ ઢાંકી દીધી અને અમારું  મન મનાવી લીધું. જોકે હું ત્યારે ખૂબ રડી હતી અને મારા પતિને સંભળાવ્યું પણ ખરું. “હું કહેતી રહી તમને, કે એ શું કરે છે તે જુઓ તો ખરા! પણ મારું સાંભળે જ કોણ?” મારા પતિ પણ ચિંતામાં હતા, છતાં મને કહ્યું, “બધું સરખું થઈ જશે!” એમના અવાજનો બોદો રણકો મારા કાન સુધી તો પહોંચી જ ગયો હતો.

અને પછી તો માનસીનાં ફોન ઘટતા જ ગયા. છેલ્લા ચાર મહિનાથી નહોતો એનો કોઈ ફોન, પત્ર કે ઇમેઇલ. અમે ફોન કરીએ તો ફોન બંધ આવે! ન અમારી ઈમેલના જવાબ કે ન પત્રોના જવાબ. હવે અમને બેઉને અફસોસ થયો કે અમે એની કોઈ બહેનપણીના ફોન નંબર કે રોકીનો નંબર કેમ ન માંગ્યો? અમારી પાસે ચિંતા અને પ્રાર્થના કરવા સિવાય બીજા કોઈ વિકલ્પો હવે નહોતાં! અમારાં કોઈ સગાં કે મિત્રો પણ કોલંબસમાં રહેતા નહીં કે જેને તપાસ કરવાનું કહી શકીએ. પછી અમને થયું કે કદાચ એણે ઘર બદલ્યું હોય! તો, હવે એ  નવું સરનામું ક્યાંથી મેળવવું?

આખરે એની યુનિવર્સિટીનો ફોન શોધીને, ફોન કર્યો ત્યારે ખબર પડી કે માનસી તો ત્રણ મહિનાથી કૉલેજ જ નથી આવી. આ સાંભળીને હું તો સાવ જ ભાંગી પડી! અમારી વહાલી, એકની એક દીકરીને કંઈ થઈ તો નહીં ગયું હોય?  અમે  માંડ માંડ યુનિવર્સિટીને અમારા સંજોગો સમજાવ્યાં અને કેટલી બધી વિનંતીઓ પછી અમને યુનિવર્સિટી પાસેથી માનસીના ઘરનું સરનામું મળ્યું. સરનામું તો અમારી પાસે હતું એ જ હતું. હવે અમારી ફિકરનો પાર ન રહ્યો અને માનસીની શોધમાં અમે અમેરિકા જવાનું નક્કી કર્યું।

મારું મન શંકાકુશંકાથી ભરાઈ ગયું હતું. ખબર નહીં, આમારી દીકરી કેવી હાલતમાં હશે, ક્યાં હશે…..! આખી ફ્લાઇટમાં આ જ વિચારો મારો પીછો નહોતાં છોડતાં! એના પપ્પા સ્ટ્રોંગ રહેવાની કોશિશ કરતા હતા પણ અંદરથી એમને પણ હવે કંઈક અમંગળ તો નહીં થયું હોય એની બીક લાગતી હતી. આખી ફ્લાઇટમાં અમે બેઉ એકબીજાને સમજાવતાં હોઈએ એમ વારેવારે એકબીજાનો હાથ સહેલાવતાં રહ્યાં.
*****

આખરે અમે માનસીના ઘરનાં સરનામે પહોંચી ગયાં. મારી પ્રાર્થનાઓ એકસરખી ચાલુ હતી કે ભગવાન કરે ને મારી દીકરી અહિંયા જ હોય! જો એ ત્યાં ન હોય તો પારકા દેશમાં એને ક્યાં શોધીશું એ માટે અમારી પાસે કોઈ બીજો પ્લાન પણ  નહોતો!

ઈશ્વરનું સ્મરણ કરીને અમે ડોરબેલ વગાડી.

ડોરબેલ વગાડવાથી દરવાજો ખૂલતાં સુધીનો એ સમય મને મારી જિંદગીનો સૌથી લાંબો સમય લાગ્યો અને દરવાજો ખૂલ્યા પછીનું દૃશ્ય માટે તો કંઈ પણ કહેવા જેવું રહ્યું નહોતું! હજુ તો કાલે જ હસતાં રમતાં ઘરેથી નીકળેલી મારી નાનકડી માનસી અત્યારે પ્રેગનન્ટ હતી!

અમને જોતાં જ, એ મને વળગી પડી ને ધ્રુસકેધ્રુસકે બારણાંમાં જ રડી પડી…..!! અમે એને ઘરની અંદર લઈ ગયા. પાણી આપ્યું અને શાંત કરી. એના ઘરની અને એની બંનેની હાલત સરખી હતી….બંને અસ્ત-વ્યસ્ત અને વિખરાયેલાં!

“મમ્મી, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ, રોકીના પ્રેમમાં પડીને…..! મારા અને એનામાં કંઈ જ કોમન નથી. એની આદતો, એનો ખોરાક, એનું કુટુંબ, બધું જ બધું જ બહુ અલગ છે. પણ, આ બધી મને ખબર પડે એ પહેલા હું પ્રેગનન્ટ થઈ ગઈ. હું પ્રેગનન્ટ છું, એ જાણ્યા પછી એ ગભરાઈ ગયો અને મને છોડીને જતો રહ્યો…..!!

“પણ દીકરા, તારે અમને જણાવવું તો હતું કે તારા પર શું વીતી રહી છે? અમે તરત જ તારી પાસે આવી જતે અને આપણે સાથે મળીને કોઈ રસ્તો વિચર્યો હોત….!”

“મમ્મી, તમે એટલો વિશ્વાસ રાખીને મને અજાણ્યા દેશમાં મોકલી હતી? પપ્પાએ પોતાના રીટયરમેન્ટ ફંડમાંથી જરા પણ વિચાર કર્યા વિના, મારા પર ભરોસો મૂકીને મોકલી હતી.  હું શું મોઢું લઈને તમને કહેતી કે એ વિશ્વાસને લાયક હું નહોતી?”

એ અમને વળગીને ખૂબ રડી. મારી સાડીના પાલવમાં મોં સંતાડીને, જાણે એના ચૂરચૂર થઈ ગયેલાં આત્મવિશ્વાસને શોધવા મથતી રહી…..!!

માનસીને આ હાલતમાં છોડીને ભારત પાછાં જવાનો તો સવાલ જ નહોતો ઊભો થતો. એના પપ્પાએ એમની ઓફિસમાં ફોન કરીને જણાવી દીધું કે એમને છ મહિનાની ફેમિલી લિવ લેવી પડશે. એનાં પપ્પા ઊંચી પોસ્ટ પર ઓફિસર હતા એટલે લીવ લેવામાં બહુ મુશ્કેલી ન પડી. અમે એની ડિલિવરી સુધી ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું. સમય વીતતો ગયો અને એ દિવસ પણ આવી પહોંચ્યો. માનસીને લેબરપેઈન ઉપડ્રયાં. અમે એમ્બ્યુલન્સ બોલાવી. માનસીને હોસ્પિટલમાં લઈ ગયાં.  બાર કલાકની લેબર પછી એને એક તંદુરસ્ત બેબી જન્મી. બેબી મેં એના હાથમાં મુકવાનો પ્રયત્ન કર્યો અને એણે  બેબી પર નજર નાખી અને બેબીને લેવાનો ઈન્કાર કરી દીધો…

“મમ્મી, આ તો મારાથી કેટલી અલગ દેખાય છે? આ તો બિલકુલ રોકી જેવી દેખાય છે…! મને નથી જોઈતી!” અને એણે મોઢું ફેરવી લીધું.

“બેટા, જો તો ખરી! કેટલી રૂપાળી અને હેલ્ધી બેબી છે? એનું સ્માઈલ તો બિલકુલ તારા જેવું છે! શું નામ પાડીશું એનું?” મેં મારા હાથમાં લીધેલી બેબી સામે મમતાથી જોઈને કહ્યું.

“મમ્મી,  તને કહ્યું ને કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સી હર અને મારે એને મારી પાસે રાખવી જ નથી?  હું એને દત્તક આપી દઈશ. મેં એડોપ્ટેશન એજન્સી સાથે વાત પણ કરી લીધી છે. એ એક મહિનાની થઈ જશે પછી એને એ લોકો આવીને લઈ જશે. એમણે મને એડોપ્શન કરવા માંગતાં ફેમિલીઓનાં પ્રોફાઈલ પણ મોકલી દીધાં છે.  એ સતત મને રોકીની યાદ અપાવે છે! આ બેબીના કારણે જ મારી આ હાલત થઈ છે!” અને માનસી મોં ફેરવીને સૂઈ ગઈ. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહીને ઘરે પાછાં  આવ્યાં ત્યાં સુધી માનસી એની દીકરીને અડી પણ નહીં….! એનું નામકરણ, મીરાં, પણ હોસ્પિટલમાં અમે જ કર્યું.

એક દિવસ મેં અને માનસીના પપ્પાએ, માનસીને બેસાડીને વાત કરવાનું નક્કી કર્યું. હું મારાં વ્હાલનાં પાલવમાં વિંટાળેલી મીરાંને લઈને બહારના રૂમમાં આવી. માનસી લિવિંગ રૂમમાં બેઠીબેઠી કંઈ વાંચતી હતી. માનસીના પપ્પા પણ મારી સાથે જ હતા. અમે માનસીની બાજુમાં બેઠાં.

મેં વાત શરૂ કરતાં કહ્યું, “માનસી, આજે અમારે ખૂબ અગત્યની વાત કરવી છે.”

માનસી એનાં હાથમાંનું મેગેઝિન બાજુમાં ફેંકતાં બોલી, “તું ઘડીઘડી આ છોકરીને મારી સામે કેમ લાવે છે? મેં તને એકવાર કહ્યુંને કે મને આ છોકરી નથી જોઈતી! મને એબોર્શન જ કરાવવું હતું ,પણ હું કંઈ સમજી શકું અને કરી શકું એમાં તો એબોર્શન માટે મોડું થઈ ગયું. મારા જ નસીબ ખરાબ! હવે એક વધુ અઠવાડિયું જ છે. પછી એડોપ્શનવાળા એને લઈ જશે!” અને, માનસી ઊભી થવા ગઈ.

ત્યારે મેં એનો હાથ પકડીને એક માતાના સત્તાધારી અવાજે કહ્યું, “તારે આજે અમારા મનની વાત સાંભળવી જ પડશે. આ તે કેવું કે આજ સુધી તારી બધી જ વાતોમાં અમે તારી સાથે પણ તારે તો અમારી વાતને સાંભળવી પણ નથી?” કદાચ, પહેલીવાર આટલા કડક અવાજે મેં માનસીને કંઈ કહ્યું હશે. માનસી આ સાંભળીને સહેજ પાછી પડી હોય એવું લાગ્યું. મેં એનો હાથ છોડીને કહ્યું, “બેસ, અહીં.” એ ચૂપચાપ બેઠી તો ખરી, પણ એનાં મોઢા પર ગુસ્સો તરવરતો હતો.

“જો બેટા, અમેરિકા આવવાનો નિર્ણય તારો હતો, રોકી સાથે ‘લિવ ઈન’નો નિર્ણય તારો હતો, મીરાંને જન્મ આપવાનો નિર્ણય પણ તારો જ હતો. તારા દરેકે દરેક નિર્ણયને અમે મને કમને સ્વીકાર્યાં પણ ખરાં! અને, આમ આ નિર્ણયોને સ્વીકારીને હસતાં મોઢે જીવવાનું અમારા માટે પણ સહેલું નથી! છતાં પણ, ‘જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, તો એને તું પહોંચી વળીશ” એવો અમને તારા પર અને અમારા ઉછેર પર વિશ્વાસ હતો અને આજે પણ છે. એના માટે અમે સમાજની પણ પરવા ક્યારેય નથી કરી. જરૂર પડે તો અમે મીરાંને પણ ઉછેરી શકીએ. કારણ, એ તારું લોહી છે, અમારું લોહી છે.” હું સહેજ ગળગળી થઈ ગઈ.

માનસીના પપ્પાએ, મારું બોલવાનું પૂરૂં થતાં જ, પોતે વાત આગળ વધારતા કહ્યું, “જો બેટા, તું અમારું પ્રાઇડ છે. સમાજની કે લોકોની પરવા કર્યા વગર,  અમે તને બહુ જ ગર્વપૂર્વક મોટી કરી છે. અને, આજે જરૂર પડે તો એટલાં જ ગર્વથી મીરાંને પણ ઉછેરીશું. પણ આમ તું  વિપરીત સંજોગોથી હારી જઈને, તારી જવાબદારીઓથી હાથ ધોઈ નાંખે, એનો અમને રંજ છે. અમે અમારી એકની એક દીકરીને આટલી નબળી પડી જતાં કેમ જોઈ શકીએ? અમારો ઉછેર આટલો અશક્ત ક્યારે બન્યો, બેટા? આવું તે કેમ ચાલે?”

“પપ્પા, મારે આ વિષે તમારી સાથે કે મમ્મી સાથે વધુ વાત નથી કરવી!”

“એ તો ચાલવાનું નથી બેટા. વાત કરીને એનો તોડ તો લાવવો જ રહ્યો!” એના પપ્પા પણ ખૂબ મક્કમ અવાજે બોલ્યા.

હું પણ બોલી, “તું જ વિચાર કર, આ બધાંમાં મીરાંનો શું વાંક? છતે મા-બાપે છોકરીને આમ કોઈને આપી દેવાની…..!!”

“મમ્મી, કેટલીવાર કહું  કે મારે આ વિષય પર કોઈ વાત નથી સાંભળવી..?”

એનાં પપ્પાથી હવે રહેવાયું નહીં. અને એમણે પણ અવાજ વધુ મક્કમ બનાવ્યો, “જો દીકરા, વાત તો સાંભળવી પડશે અને સમજવી પણ પડશે! એમાં તારી જીદ નહીં ચાલે. અમે ગમે તે દુઃખ સહન કરી લઈએ પણ તું તારી જાતને, તારા આત્મવિશ્વાસને  ખોઈ બેસે, એ  દુઃખ અમારાથી નહીં સહન થાય. અમારી મીરાં તું છે. અને આ મીરાંમાં તારો જ અંશ છે. સાચા કે ખોટાં, સારા કે ખરાબ,  આ બધાં નિર્ણયો તારા પોતાનાં છે અને એનાં પરિણામોની જવાબદારીમાંથી ભાગી જનાર અમારું સંતાન છે, એ અહેસાસ અમને તો જીવતેજીવ મારી નાખશે!  તને એ રીતે મોટી કરી છે કે નિર્ણયો લેવાની સ્વતંત્રતા સાથે, એનાં પરિણામોને પણ સ્વીકારવાની જવાબદારી પણ તું ઊપાડી શકે! પણ આ તારા આ વર્તનથી થાય છે કે ક્યાંક તો અમારી, ખાસ કરીને મારી જ ભૂલ થઈ છે…!” અને એમની આંખોમાં ગળામાં ભરાયેલો ડૂમો ડોકિયાં કરતો હતો.

એમને આમ, આ રીતે મેં કદી જોયાં નહોતાં. અને, મારી આંખોમાં રોકી રાખેલી આંસુની જલધારાનો અભિષેક મારા હાથમાં રહેલી મીરાં પર થઈ રહ્યો હતો.

માનસી પણ એનાં પપ્પાને આ રીતે જોઈને ભાંગી પડી અને પપ્પાને વળગીને  ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. “પપ્પા, મમ્મી, મને માફ કરો. મેં ઘણી ભૂલો કરી છે. તમારો વિશ્વાસ તોડીને તમને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે.  પણ મને ખૂબ ડર લાગે છે. આગળ શું થશે? હું ક્યાં રહીશ? લોકો શું કહેશે..? તમારું શું થશે?”

એનાં પપ્પા બોલ્યા, “લોકોને જે કહેવું હોય તે કહે, એની ચિંતા અત્યારે ન કર. આપણે સાથે છીએ, એટલું જ બસ છે! બેટા, આપણું સત્ય આપણે જ જીવવાનું છે અને જીરવવાનું પણ આપણે જ છે. તો, ડર શેનો ને કોનો? આ નાનાં જીવને આમ રઝળતો તો મૂકી ન જ દેવાય, જ્યારે એની આ સ્થિતિમાં કોઈ ભૂલ નથી! તું જો, કેવી મજાની દીકરી ભગવાને આપી છે!”

હું બોલ્યાં વિના ન રહી શકી. “અને, રહેવા માટે આપણું ઘર ભારતમાં છે જ ને? બેટા, આપણે ઘેર જ જઈશું. બાકી લોકો શું કહેશે અને આગળ શું કરવું, એ બધું તો પછી થઈ રહેશે!”

હવે માનસીએ મારા હાથમાંથી  મીરાંને ઊંચકી લીધી. મીરાં એની  મોટી, કાળી કાળી આંખો ખોલીને માનસીને જોઈ રહી……! માનસીએ આંસુવાળાં પોતાના ગાલ મીરાંના નાજુક રેશમી રજાઈ સમા ગાલ સાથે ઘસ્યાં અને મીરાંને ચુંબનોથી નવડાવી દીધી. મીરાં માનસીના હાથમાં જ  જાણે અથાક પરિશ્રમ પછી વિશ્રામ પામી હોય એમ આંખ બંધ કરીને સૂઈ ગઈ હતી.

“થેંક્યુ, મમ્મી, થેંક્યુ, પપ્પા!” પોતાનાં આંસુ લૂછતાં માનસી બોલી. અને પછી એનાં સિગ્નેચર સમા આત્મવિશ્વાસથી અમારી સામે જોયું….!!

અમને મીરાં નામના વ્યાજ સહિત અમારી ખોવાયેલી દીકરી માનસી પાછી મળી……!!

~ શિવાની દેસાઈ (California) 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સાંપ્રત સમયની સચોટ રીતે વાત કહેતી સરસ વાર્તા.