બે ગઝલ – રઈશ મનીઆર ~ ૧. ભાવિ જુઓ ૨. મજા આવતી નથી
૧. ભાવિ જુઓ
આમ બીજાથી શું પુછાવી જુઓ!
હાલ શું છે અમારો, આવી, જુઓ!
પહેલાં એ સ્મિત આછું આપે, પછી..
કે’ છે, ગઝલોમાં આને લાવી જુઓ
એ છલોછલ છે, એને કેમ કહું?
હું છું ટીપું, મને સમાવી જુઓ
સેલ્ફીઓ બહુ લીધી છે દોસ્ત હવે
એક એક્સ રે તમે પડાવી જુઓ
જોયા? તોતિંગ કેવા દરવાજા?
કેવી નાની છે એની ચાવી જુઓ
પળની ટગલી આ ડાળે સ્થિર રહો,
ન સરો ભૂતમાં, ન ભાવિ જુઓ
૨. મજા આવતી નથી
આ બાગની હવામાં મજા આવતી નથી
અમને હવે કશામાં મજા આવતી નથી
અત્યારના મુકામથી સંતુષ્ટ પણ નથી,
આગળ હવે જવામાં મજા આવતી નથી
એવું નથી કે વેચવા માટે નથી કશું
અમને કદી નફામાં મજા આવતી નથી
લાગે તો છે, લગાવ છે એને હજી જરાક
અમને જરાતરામાં મજા આવતી નથી
નર્તન ત્યજી રડી પડે, કહી દઉં તો, જિંદગી
કે “એની કો’ અદામાં મજા આવતી નથી”
પ્રેક્ષકની તાળીઓથી ટક્યો છે આ ખેલ, પણ
નાયકને ખુદ કથામાં મજા આવતી નથી
ખાલીપો જોઈ એક દિવસ શ્વાસ કહી ઊઠ્યા
આ આવવા-જવામાં મજા આવતી નથી
સૌ દુન્યવી ને દિવ્ય મજાઓ છે ચોતરફ
પણ, કોઈપણ મજામાં મજા આવતી નથી
ભાળી ગયો છે દર્દમાં એવી મજા ‘રઈશ’
એને હવે દવામાં મજા આવતી નથી
~ રઈશ મનીઆર
ખૂબ સરસ. અમને મજા આવી ગઈ.
બંને ગઝલો સુંદર..