‘મારી વિદ્યાયાત્રા’ ~ ડૉ. સુમન શાહ – એક પરિચય ~ લેખિકાઃ ચૈતાલી ઠક્કર

(લેખિકા પરિચયઃ  યુવા લેખિકા, ડૉ. ચૈતાલી ઠક્કર, એમ.એ., એમ.ફિલ. NET, પી.એચ.ડી., હાલમાં શ્રી. આર. આર. એલ. કૉલેજ, ભુજ, કચ્છમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. એમણે એમની કારકિર્દીની શરૂઆત લાલન કૉલેજ ખાતે મુલાકાતી  અધ્યાપક તરીકે કરી હતી. એમણે ‘સંપાદન પ્રવૃત્તિમાં અભિગમનું મહત્વઃ બે સંપાદનોના સંદર્ભમાં’ વિષય પર એમણે એમ.ફિલ. પર ૨૦૦૯ અને ‘જ્યોતિન્દ્ર દવેના હાસ્યસાહિત્યમાં નિરૂપણરીતિઃ એક અભ્યાસ” વિષય પર પી.એચ.ડી. ૨૦૨૦માં કર્યું છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના તથા અનેક નામી સંસ્થાઓ તરફથી યોજાતા પરિસંવાદ અને વ્યાખ્યાનમાળામાં એમને ખૂબ આદરથી વક્તવ્ય માટે બોલાવવામાં આવે છે. એમના અભ્યાસલેખો અને વાર્તાઓ અનેક પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે. ચૈતાલીબહેને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના પરિસંવાદોમાં સંશોધનપત્રો રજૂ કરીને ગુજરાતીભાષાનું ગૌરવ વધાર્યું છે. ચૈતાલીબહેન, “આપણું આંગણું”ની સમસ્ત ટીમ વતી સ્વાગત કરતાં આનંદ અનુભવું છું. અમારા વાચકોને,આપના તરફથી સુંદર લેખો અને વાર્તાઓનો લાભ મળતો રહેશે એવી આશા સાથે, વિરમું છું. )

“A journey through and for VIDYA, અર્થાત્, એક યાત્રા: વિદ્યા દ્વારા વિદ્યા માટે.”

ગુજરાતી સાહિત્યમાં આત્મચરિત્રાત્મક લેખન વિશેની વાત માંડીએ, તો નર્મદે પોતાની વાત પોતે કરવાનો જે ચાલ શરૂ કર્યો, ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં આત્મકથા અંગેનાં કેટલાંક પુસ્તકો યાદગાર બન્યાં છે. મોટે ભાગે  સર્જકોએ આત્મકથાલેખનમાં પોતાના જીવનની, સંઘર્ષોની, પોતાને થયેલી પ્રાપ્તિની વિગતોનું નિરૂપણ કર્યું છે. સુમન શાહ લિખિત ‘મારી વિદ્યાયાત્રા’ પુસ્તક એપ્રિલ, ૨૦૨૨માં પ્રગટ થયું છે, જે આયુષ્યના અવશેષે મળેલી દીકરી દર્શિની દાદાવાલાને અર્પણ થયું છે. શીર્ષકમાં જોઈ શકાય છે કે અહીં ‘વિદ્યાયાત્રા’ શબ્દ પ્રયોજાયો છે. પોતાની જીવનસફર એ કઈ રીતે વિદ્યાની ‘યાત્રા’ બની છે, એ વિચાર અહીંયા કેન્દ્રસ્થ થયો છે. નિવેદનમાં સર્જક સુમન શાહ કહે છે કે આ મારું આત્મકથન છે. સમજી શકાય એવી વાત છે કે મોટેભાગે આત્મકથામાં જે વિષયવસ્તુ અને વાસ્તવજગતને કથનાત્મક રૂપે રજૂ કરવામાં આવે છે તે અહીં ચોક્કસ એક દિશામાં રજૂ થયું છે, વ્યક્ત થયું છે. તેઓ નિવેદનમાં કહે છે :

આ નિવેદનાત્મક પુસ્તકને હું સાહિત્યકારજીવનું સાચકલું આત્મકથન પણ કહું છું. પુસ્તકમાં બધે હું જ બોલ્યો છે, મારે વિશે જ બોલ્યો છું. સચ્ચાઈથી બોલ્યો છું. આયુષ્યનાં ઘણાં વર્ષ હું સાહિત્યના અધ્યાપકરૂપે જીવ્યો છું. છતાં મને લાગ્યું છે કે હું સાહિત્યનો આજીવન વિદ્યાર્થી છું. એ રૂપે પણ બોલ્યો છું.”

પોતાને ‘વાર્તાનો માણસ’ કહીને ઓળખાવતા સર્જકે અહીં કથનાત્મક શૈલીમાં કુલ પાંચ ખંડમાં સમગ્ર આત્મકથા રજૂ કરી છે, જે આ પ્રમાણે છે :

ખંડ ૧. શુભારંભ
ખંડ ૨. ચાલો, અમેરિકા
ખંડ ૩. વાચન, લેખન, વ્યાખ્યાન
ખંડ ૪. સર્જકતા, ભાવકતા, વિવેચના અને
ખંડ ૫. મારા વિશે, મારાં મંતવ્યો વિશે

સમગ્ર કથન એક યાત્રાની કથાસ્વરૂપે, એક વાતસ્વરૂપે આરંભાય છે. કૃતિના આરંભે જ સર્જક કુલ આઠ વસ્તુઓ વિશે, એટલે કે પોતાના જીવનના આઠ પડાવો વિશે વાત માંડે છે, એનો નિર્દેશ કરે છે અને આ જ પડાવોને એ સમગ્ર કૃતિમાં ખૂબ ચીવટપૂર્વક અને સજાગતાથી વાચકોને સાથે જોડતાં જઈને રજૂ કરે છે. સાતમા ધોરણથી, એટલે કે લગભગ ૧૨ વર્ષથી લઈને હાલ ત્રયાંશી વર્ષ સુધીના પટ પર ફેલાયેલી આ જીવનકથા વાસ્તવને વફાદાર રહીને વ્યક્ત થઇ છે. સર્જકે પોતાની વિદ્યા કે વિદ્યાની પ્રવૃત્તિ વિશે ચોક્કસ ઉદ્દેશથી આ આત્મકથન કરેલું છે એ જોઈ શકાય છે. મોટે ભાગે આત્મકથામાં કે આત્મચરિત્રમાં જે પ્રકારનાં આલેખનો સહજ સંભવિત હોય, તેના કરતાં અહીં થોડું જુદા પ્રકારનું આત્મકથન થયું છે. અથવા તો એમ કહી શકાય કે એમાં પોતાની વાત તો છે જ પણ વિદ્યા અને વિદ્યાની ઉપાસના અને વિદ્યા દ્વારા થયેલી પ્રાપ્તિ એ જ જાણે જીવનની મુખ્ય ઘટના હોય, તેમ તેનું પ્રભુત્વ સમગ્ર કૃતિ ઉપર જોઈ શકાય છે. અને આમ પણ અધ્યાપક તરીકેની પોતાની કારકિર્દીમાં સમગ્ર જીવનમાં અધ્યયન અને અધ્યાપનનું કાર્ય જ વિશેષત: થયું છે; ત્યારે આમ વિદ્યાની આસપાસ જીવનઆલેખનનું હોવું એ સ્વીકાર્ય બાબત છે. જોકે આ પ્રકારની માત્ર વિદ્યાપ્રવૃત્તિને સાંકળતી આત્મકથનની કૃતિ મોટે ભાગે ગુજરાતી સાહિત્યમાં કશે જોવા મળતી નથી. ત્યારે આ પુસ્તકનું મહત્ત્વ વિશેષ વધી જાય છે અને સહૃદય  ભાવકે જરૂરથી એમાંથી પસાર થવું ઘટે.

કારકિર્દીના મોટા વળાંક અંગેની વાત કરતાં લેખક સાતમા ધોરણની વર્નાક્યુલર સોસાયટીની પરીક્ષામાં ડભોઇ તાલુકામાં પ્રથમ આવેલા તેમજ એમ. એસ. યુનિવર્સિટી વડોદરામાં એમ. એ. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ અને ક. મા. મુનશીને હાથે ચંદ્રક મેળવવાનો રાજીપો વ્યક્ત કરે છે. પ્રથમ વિવેચનલેખ ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયાનું નોંધી આચાર્ય શ્રી યશવંત શુક્લની પ્રશંસા પામ્યાનું સ્મરણ વર્તમાનમાં પણ તેમને રોમાંચિત કરે છે એમ સાનંદ નોંધે છે.  ત્યારબાદ ‘પ્રોબ્લેમ ઓફ લિટરરી મિનિંગ’ રિસર્ચ પ્રોજેક્ટ સાથે અમેરિકાની યુનિવર્સિટીમાં જવાનું થાય છે અને ત્યાં જગવિખ્યાત સાહિત્યચિંતક જ્યોફ્રે હાર્ટમેન સાથેની મુલાકાત થઈ તે વિશે જણાવે છે. તે સમયના એ સંશોધન અંગે વિસ્તારથી વાત કરે છે. નિવૃત્તિ બાદ ‘પ્રોફેસર ઈમેરિટ્સ’ નિમિત્તે ‘ઉમાશંકરની પદ્યરચના’ પર એમણે જે કામ કર્યું, એને પણ જીવનના મહત્ત્વના વળાંકોમાં તેઓ સમાવે છે. ૨૦૦૩માં ‘રાઇટર ઇન રેસિડેન્ટ’ નિમિત્તે યુનિવર્સિટી ઓફ પેન્નસેલ્વેનિયા જવાનું થાય છે. આ બધી જ ઘટનાઓ સમગ્ર રીતે લેખક સુમન શાહના સર્જકચિત્ત પર ખૂબ પ્રભાવ પાડનારી બની રહે છે. એક મહત્ત્વની ઘટના એ બને છે કે લેખકને આ અમેરિકા નિવાસ દરમિયાન પોતાના ગમતા અને પ્રિય એવા સર્જક સુસાન સોન્તાગ સાથે મુલાકાત થાય છે. સુસાનના લેખોના સર્જકે કરેલા અનુવાદ અને મુલાકાતનું અહીં મુગ્ધ સ્મરણ છે. ICCમાં ‘પીડા અને સુખપરિશીલન’ એ વિષય પર કેપ્સુલ કોર્સને વિશે પણ ઊંડાણપૂર્વક વાત થઈ છે અને આ નિમિત્તે શિક્ષણ અંગેના વિશ્વવ્યાપક વિચારોને એક અધ્યાપકની નજરે તેમણે જોયા છે, પ્રગટ કર્યા છે. આ સમગ્ર ઘટનાઓથી પોતાની વિદ્યાયાત્રા કેટલી સફળ રહી છે તેની રસપ્રદ વિગતો છે,  તેમ વિદ્યાયાત્રાના આ સુખદ પડાવો એમણે અહીં રજૂ કર્યા છે. લેખકના મતે આ પડાવો શિરમોર બની રહ્યા છે. પેન્નના બુક સ્ટોરની વાત હોય કે ત્યાંના વસવાટના અનુભવોની – એ સામાન્ય વ્યક્તિના અનુભવો તરીકે નહીં પણ, એક સાહિત્યકારના વિદ્યાકીય અનુભવો તરીકે વર્ણવાયા છે એ પ્રકારનો દૃષ્ટિકોણ વિશેષ રુચિકર બની રહે છે. પોતાના ઘડતરને માટે તેઓ આ ઘટનાઓને શિરમોર ગણાવે છે. ૨૦૦૮માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમના વાર્તાસંગ્રહ ‘ફટફટિયું’ને પુરસ્કાર મળે, ‘પ્રેમાનંદ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત થાય, ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ પ્રાપ્ત થાય, ‘વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સમીક્ષા પારિતોષિક’ વડે લેખનપ્રતિભા પુરસ્કૃત થાય એનું વિશેષ સ્થાન છે. આ બધા જ માન-અકરામો એક સાહિત્યકારને ઘડનારાં તેમજ પ્રોત્સાહક પરિબળો બની રહે છે તે અહીં જોઈ શકાય છે. તેઓ સુરેશ જોષી અને વડોદરાને આ સંદર્ભે ભાવપૂર્ણ રીતે યાદ કરે છે. તો સાથેસાથે બાળપણમાં ભાગ લીધેલ સ્પર્ધાઓ અને તે અંગેનાં સંસ્મરણોને યાદ કરતાં કરતાં તેઓ પોતાના લેખનના આરંભની વાત કરે છે. તો વળી સ્વજનોને યાદ કરીને શોધનિબંધ સુધીની સફર વિશે સ-રસ વાત મૂકી આપી છે. પોતાનો શોધનિબંધ સ્વજનોને અર્પણ કરતાં કહે છે :

જેમણે મને એ કાળા દિવસો અને સફેદ રાતો દરમિયાન ઊછળતા-ઊછરતા વિયોગ-અશ્વને ઝાલ્યો, પડકાર્યો.”

શોધનિબંધ બાદ સર્જનની વાત કરતાં સુમન શાહે કરેલા કાવ્યસર્જન અને એ સર્જન છપાવવા ન મોકલવા અંગે, તેમજ કાવ્યસર્જન અંગે પોતાના અસંતોષ અંગે વાત કરે છે. તટસ્થ વિવેચક તરીકે, એક સાક્ષી તરીકે, મૂલ્યાંકનકાર તરીકે તેઓ નોંધે છે કે પોતાનાં લખાણો એ એવી લુખ્ખાસથી વાંચે છે જાણે એ ઓરમાયાં ન હોય! અને એ રીતે સર્જક તરીકે તેમની જે મથામણ છે એ અહીં વ્યક્ત થઈ છે. ઉત્પ્રેક્ષાથી ઉમેરે પણ છે : “…પણ સુધરેલું વાક્ય અને સરવાળે આખું લખાણ, જેને ફાઈનલ ડ્રાફ્ટ કહે છે, જોઉં તો બહુ ગમે. રૂડુંરૂપાળું લાગે. જાણે સજેલી ધજેલી કોડીલી કો કન્યા પરણવાને નીસરી.”

જોઈ શકાય છે કે ચીવટનો એમનો એ ગુણ કઈ રીતે સર્જકને ‘પ્રતિભાવંત’ બનાવવામાં નિમિત્ત બન્યો છે. બાળપણની પોતાની સ્મૃતિઓને યાદ કરતાં કરતાં પોતાના કોઈ કાવ્યની એ નોંધ લે છે, તો પુસ્તકપ્રીતિ કઈ રીતે થઈ અને અભ્યાસ કરતાં કરતાં પોતાના અધ્યાપકો અને તેમના માર્ગદર્શનને યાદ કરે છે. એકવાર તેમનાં બા તેમના વક્તવ્યને સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે છે એ વાત પણ સ-રસ રીતે રજૂ થઈ છે. સાથે સાથે અધ્યાપનકાળ અને સર્જન આ બંને વિશે સમાંતરે તેઓ વાત કરતા ચાલે છે, જેમાં ભૂતકાળના અનુભવોને સાથે જોડતા જઈને પોતાની અધ્યાપકીય કારકિર્દીની વાત કરે છે. યશવંત શુક્લ, ઉમાશંકર જોશી, સુરેશ જોષી જેવા અધ્યાપકો સાથેનાં સ્મરણો; તો વળી એ કાળના અનુભવની સુખદ-દુ:ખદ વાતો કરે છે.  તેને છોડી પોતે સંશોધન અર્થે અમેરિકા જાય છે ત્યારે ભાવકને સાથે લેતા જાય છે એ સ્મરણલોકમાં… પોતાના એ અનુભવને ક્રમશઃ ઘટનાઓના સુરેખ આલેખન સાથે મૂકી આપે છે. ‘રાઇટર-ઇન-રેસીડેન્સ અને ફિલાડેલ્ફીયા’ અને પેન્નમાં વ્યાખ્યાન વિશે વાત કરતાં પોતાની કારકિર્દીમાં પોતે અનુભવેલી શિંગડાંભીડ વિશે વાત કરે છે, તો ક્યાંક વ્યક્તિગત જીવનના દાંપત્યની મીઠાશ અને વિરહ પણ ડોકાઈ જાય છે.

યુનિવર્સિટી ઓફ પેન્નસિલ્વેનીઆમાં લેખકનું વ્યાખ્યાન એક યાદગાર ઘટના ગણી શકાય. તેમના આ વ્યાખ્યાનમાં પાશ્ચાત્ય દેશોમાં સાહિત્ય અને શિક્ષણ અંગેના પોતાનાં નિરીક્ષણ, અનુભવો અને તે પરથી તારવેલાં મૂલ્યાંકનો રજૂ થયાં છે. ‘Fate of a Regional Writer in the Days of Globalisation’ શીર્ષક હેઠળ આ વ્યાખ્યાનમાં સાહિત્ય અને એ નિમિત્તે સર્વવ્યાપી ચર્ચા થયેલી જોઈ શકાય છે. અહીં સાહિત્યને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક વાત થઈ છે તે વિચાર માંગી લે તેવી છે. આ પ્રકારનું નોખી તરેહનું સંશોધનકાર્ય પુસ્તિકારૂપે ‘સાહિત્યિક અર્થનો કોયડો’ શીર્ષકથી પ્રકાશિત થયું છે. આ કાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાનરૂપે જોઈ શકાય છે. પ્રસ્તુત પુસ્તકમાં પરિશિષ્ટમાં ભાવકોને માટે મૂળ અંગ્રેજીમાં અપાયેલું આ વ્યાખ્યાન મૂકવામાં આવેલ છે, જેમાંની  બે વાત નોંધવી વિશેષ ગમશે :

  • “સહભાગીતા વૈશ્વિકીકરણમાં ચાવીરૂપ સંજ્ઞા છે. એટલે મેં મારા એ પબ્લિક લેક્ચરમાં સભાને એવા મતલબનો પ્રશ્ન કરેલો કે પશ્ચિમ આજે પૂર્વ સાથે સહભાગી થવા ચાહે છે કે કેમ. પૂછેલું કે પશ્ચિમને માનવવિદ્યાઓ અને તેમાંયે સાહિત્ય અને કલાઓ પરત્વે પૂર્વ પાસેથી કશું પામવાની નવતર ઈચ્છા છે ખરી-? એમ પણ પૂછેલું કે તમારામાંથી કોઈ ગુજરાતી સાહિત્યને, મારા એ પ્રાદેશિક સાહિત્યને, જાણવા-માણવા ઈચ્છે છે-? ગુસપુસ કે મૌનથી જુદો કયો ઉત્તર મળે?
  • “આપણે ગુજરાતીઓએ શેક્સપિયરને કે રવીન્દ્રનાથને સામે ચાલીને આપણી ગરજે માતૃભાષામાં અવતાર્યા એવું કંઈ આપણા લેખકોનું થતું નથી. લેખક જ્ઞાનપીઠ પામ્યો હોય તો પણ એવું ન બને કે પરભાષામાં પહોંચીને ત્યાંની પ્રજાની વાચન-ગરજથી તેમનો થઈ ગયો હોય. ગુજરાતીમાં ચેખવ આપણને પોતીકો લાગે છે એમ મલયાલમમાં ઉમાશંકર કે રાજેન્દ્ર શાહ નથી લાગતા. આ એક ચર્ચામુક્ત હકીકત છે.”

વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને આપણા સાહિત્યને વિશ્વભરમાં પહોંચાડવાની ઝંખના અને તે માટેના ઉકેલો અહીં વ્યક્ત થયા છે॰ તો એ સાહિત્ય કેવું હોવું જોઈએ તેની ચર્ચાઓ, દાખલાદલીલો પણ આ સાથે તેમણે આગળ જતાં મૂકી આપ્યાં છે.

ખંડ-3 માં પોતાના વાચન, લેખન અને વ્યાખ્યાન સંદર્ભે સુમન શાહે વાત માંડી છે અને તે નિમિત્તે તેમણે સાહિત્યકલાનાં દૃષ્ટાંત આપીને કેટલી સ્પષ્ટતાઓ કરેલી છે. જેમાંનાં કેટલાંક વિધાનોની નોંધ લેવી જરૂરી છે.

સાહિત્ય પાસે વાચકો ત્રણ હેતુથી એમને જતા દેખાયા છે, જેમાં ત્રીજા હેતુ વિશે જોઈએ.

  • વાચન અંગે…:
    “…લેખકો પોતે વાચકો, જેઓ ખૂબ જ અંદરની કોઈ અનામ વ્યથાથી દોરવાઈને ઉત્તમ લેખકોના સર્જનાત્મક લેખનોને વાંચતા હોય છે. એમને ખબર ન હોય કે હેતુ શો છે અને શાથી છે. એવી હેતુ વગરની હેતુ-તા. માણસને રોમથી ઓળખાવનારી જે જાદુઈ રીત, નામે કલા, તેનું એને ઘેલું હોય. કદાચ એને જ એ જીવનનું પરમ સત્ય સમજતો હોય.”
  • લેખન અંગે…
    શરૂમાં તો ભૂરી લીટીવાળા સફેદ ફૂલસ્કેપ પર લખતો, પછી સન્લિટ બૉન્ડજેવા પાતળા અને મુલાયમ પર. એ સાથે જ મનમાં એમ પણ ઊગેલું કે સીધી લીટીને આધારે લખવા કરતાં સીધી લીટીનું લખવું એ કસોટી છે.”

આત્મકથાકાર સજાગતાપૂર્વક અને સભાનતાથી અહીં કબૂલાત પણ કરે છે કે
વક્તા તરીકેની પોતાની વિશેષતા એ કે શૈલી માટે તેઓ પહેલેથી સભાન હતા. એક વાર એમના ધ્યાનમાં આવેલું કે એમનાં વ્યાખ્યાનોમાં તેઓ સુરેશ જોષીની લઢણમાં બોલતા હતા. આમ તો ત્યારે એમને સારું લાગેલું પણ તરત થયેલું કે આમાંથી મુક્ત થવું જોઈએ અને પછી તેઓ એમ કરી શકેલા. આ જાતતપાસ તેમણે આ યાત્રા દરમિયાન કરી છે અને કરીને માત્ર અટકી નથી ગયા, તેનામાં બદલવાજોગ બદલ્યું પણ છે.

સૌથી વધુ રસપ્રદ, રસસ્થાનો તરીકે આ કૃતિનું કઇંક ગણાવવું હોય તો એમાં આ બે વ્યાખ્યાનોની નોંધ લેવી યોગ્ય ગણાશે : જો આ હોય મારું અંતિમ પ્રવચન… અને શાંતરસ વિશે-‘. આ બે વક્તવ્યો અહીં લિખિત સ્વરૂપમાં મળે છે. જ્યારે સહૃદય ભાવક એ વાંચે, એમાંથી પસાર થાય, ત્યારે સહજ એક અધ્યાપકના વર્ગખંડમાં બેસીને મુખોમુખ – પ્રત્યક્ષ સાંભળવાનો અનુભવ કરી શકે એટલાં રસપ્રદ આ વ્યાખ્યાનો છે. એમાં જીવન અંગેની અનુભવોથી ભરીભરી વાતો નોખો સંવાદ રચે છે; જેમાં સચ્ચાઈ, નિખાલસતા અને પ્રામાણિકતાનો સર્જકે વિનિયોગ કર્યાનું નોંધ્યું છે. તે માનવા વાચક સંમત થાય એ પ્રકારે આ સમગ્ર વક્તવ્ય વાંચ્યા બાદ કહી શકાય. કોફીમેટ્સે આ પ્રકારનાં પ્રવચનો યોજીને સર્જકોને બહુ સરળતાથી ભાવકોની નજીક લાવી મૂક્યા છે. આ વક્તવ્યમાંથી પસાર થતાં એમ પણ કહી શકાય કે તેમાં સામાન્ય આત્મકથનની જેમ જીવનકથા નિમિત્તે વિદ્યાકથા નથી, બલ્કે વિદ્યાકથા નિમિત્તે જીવનકથા આલેખાઈ છે.

શાંતરસની વાત કરતાં કરતાં સાહિત્યની સૃષ્ટિનો એક આગવો લોક તેમણે રચી આપ્યો છે. ‘શાકુંતલ’ના ઉદાહરણ સાથે રસમય સૃષ્ટિ ખડી કરી એમણે આખરે તો જે કહ્યું છે, ફલિત કર્યું છે તે રસની બાબતમાં જોવું અનિવાર્ય છે :

  • “…સર્ગ પ્રકરણ અંક કે આદિ મધ્ય અંત તો સ્થૂળ વ્યવસ્થાઓ છે. પ્રારંભેથી ભાવકચેતના મધ્યે પહોંચે તો વળી પાછી, પાછી ફરે ને વળી તરત આગળ વધે. વર્તુળાતી રહે. વાચન ક્રમાનુસારી હોય છે પણ ભાવનાવ્યાપાર તો નિજ લીલાએ વિલસતો હોય છે…”

વકતાની કે સર્જકની પ્રતિભા હોવા માટે ભાવકની પ્રતિભા હોવા અંગેની અનિવાર્યતા અહીં તરત જ વરતાય છે. સર્જકતા, ભાવકતા અને વિવેચના વિશેની વાત આગળના ખંડમાં રસાતી જાય છે. સર્જકતાને પોષક પ્રવૃત્તિઓની વાત માંડતાં આપણી શિક્ષણપદ્ધતિમાં વ્યાકરણની સાથે સર્જકતા શીખવવા અંગે તેમણે હિમાયત કરી છે. એ જ રીતે સર્જકતા અંગે સર્વાશ્લેષી મત વ્યકત કરતાં કહે છે કે દલિત અને નારીપરક તત્ત્વો સાથે કામ પાડનારા સાહિત્યકારને કે દુલા ભાયા કાગને સર્જક કહેતાં કે લોકસાહિત્યમાં કે ચારણી-માં સર્જકતા જોતાં, આપણા પેટમાં ચૂંકો ઊપડે છે! – આ પ્રકારનાં સ્પષ્ટ વિધાનો સર્જકતા અંગે તેમણે કરેલાં છે, તો સાથેસાથે સર્જક અને સર્જકતા અંગે, આપણા માનસ અંગે વિચારણીય મુદ્દા મૂકી આપ્યા છે. એ નિમિત્તે સર્જન વિશેના તેમના વ્યાપક ખયાલો પણ એમણે અહીં ઠોંસ રીતે રજૂ કર્યા છે. એ માટેની એમની મથામણ અહીં જોઈ શકાય છે. એ અર્થમાં અહીં જે મુદ્દાઓની ચર્ચા થઈ છે તેમાં પૂર્વ અને પશ્ચિમના સર્જકો અને તેમના વિચારોને આલેખતાં જઈને ઉદાહરણથી કોઈ વાતને પુષ્ટિ આપી છે, તો સાથેસાથે ક્યાંક પ્રશ્નો ઊભા કરીને ભાવકને સજાગ પણ કર્યા છે; તો વળી પોતાના પુસ્તકોમાં થયેલી ચર્ચાને જોવાનો નિર્દેશ પણ તેમણે કરેલો છે. જેમ કે ‘સિદ્ધાંતે કિમ?’, ‘સાહિત્યમાં આધુનિકતા’ વગેરે… આ ચર્ચાઓમાં સર્જન, ભાવન અને વિવેચન વિશેની વાત સહજ અને સચોટ રીતે વણાતી જણાય છે. આખરે તો આમ કરીને લેખકે સહૃદય ભાવક સુધી પહોંચવાની મથામણ જ તો કરી છે.

પોતાના લેખન અંગે વાત કરતાં સુમન શાહ કહે છે કે પ્રેમ અને અસંગતતા એ એમને મન ધ્યાનપાત્ર વિષયો રહ્યા છે. તો પોતા વિશેની અફવાઓની પણ વાત જોડે છે અને પોતાને વિવેચક તરીકે ઓળખાવાની વાતને અફવા ગણે છે. તો પણ એમના આ પુસ્તકમાં એક પ્રકારના વિવેચનનું ગદ્ય પણ ભાવક જોઈ શકે છે એ વાતને નકારી શકાય નહીં. હા, એટલું ચોક્કસ કે વિવેચનને સાહિત્યના સ્વરૂપોમાં કઠિન અને ક્યારેક દુર્બોધ કે ક્લિષ્ટ ગણવામાં આવ્યું છે એ પ્રકારનું વિવેચકીય લખાણ આ આત્મકથનમાં નથી. સાહિત્યકાર જીવની આત્મકથાની રીતિમાં વિચારોનો ભાર કશે વર્તાતો નથી, કેમ કે એમાં સહજ અને સ્વાભાવિક વાતચીતનો દોર જળવાયો છે. અસંમતિને પોતાની ઓળખ ગણાવતા, આ સર્જક સારા લેખનથી સર્જક અને ભાવક ઉપર કેવો પ્રભાવ પડે છે એની વાત કરતાં કરતાં સમાજજીવનની સંસ્થાઓની કેટલીક સારી-નરસી બાબતોને પણ સાહિત્ય સાથે જોડતાં જઈને પોતાને કહેવાના મુદ્દાઓ અને તેના ઉકેલોનું સૂચન કરે છે. વક્તા તરીકેની છબીથી સભાન એવા લેખક ‘સન્નિધાન’ અને ‘સુજોસાફો’ નિમિત્તે અને ફેસબુક ઉપર હાલના સમયે જે સાહિત્યિક પ્રવૃત્તિ કરી રહ્યા છે એની વાત સુપેરે કરે છે. એ સંદર્ભે તેઓ જે મત રજૂ કરે છે તે મનનીય છે :

 “‘સન્નિધાન’ અને ‘સુજોસાફો’ દરમિયાન અને હવેના સમયમાં ‘ફેસબુક’ પર મને એવા મિત્રો મળ્યા છે, જેઓએ હું શું કહું છું ને કેમ કહું છું એ જાણવાની હંમેશા દરકાર રાખી છે; મારી સાથે શેરિન્ગની મજાઓ લીધી છે; ને મને લેવા દીધી છે. વળી મારી એમને અવારનવાર શુભેચ્છાઓ હોય છે કે જેમ એઓ મને મળ્યા એમ એમને પણ એમનાં જેવા મળો. પ્રિયતાથી પ્રગટેલું આ વર્તુળ નાનું છે પણ મારા જેવા સાહિત્યકાર માટે એને નાનું ન કહેવાય – પર્યાપ્ત કહેવાય. માટે મને લોકપ્રિય ન  જ ગણશો, ગણશો તો નહીં ચાલશે…”

હાલના સમયમાં સાહિત્યકળાના કહેવાતા ઉપાસકોએ આ બાબત પ્રત્યે જાતતપાસ કરવાની જરૂર નથી શું? કળા અને કસબ તેમજ ભાષા વિશે તેમણે વ્યક્ત કરેલા ખ્યાલો એક સાહિત્યના સર્જકે જાણવા અનિવાર્ય થઇ પડે તેમ છે.

‘ખડકી’ અને ‘બાજબાજી’ નવલકથાના આ સર્જક ‘ફાર્મહાઉસ’ નામે ત્રીજી નવલકથા કરવા ધારે છે અને પોતાની ટૂંકીવાર્તાના સર્જન અંગેની મનોકામના વ્યક્ત કરે છે. વાચક કે ભાવક સાથે આ વહેંચણી નહીં તો બીજું શું ? તેઓએ ટૂંકીવાર્તા સંદર્ભે, તેના સર્જન સંદર્ભે સિદ્ધાંતલક્ષી ચર્ચા કરી છે તો વાર્તાસર્જનની પોતાની પદ્ધતિ વિશે પણ અહીં નિવેદન કર્યું છે. નિબંધ સ્વરૂપક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન વિશે મંતવ્યો પણ આપ્યાં છે અને પોતાના વિવેચન અંગે વાત માંડતા વિવેચન અંગેના તથા ‘વિવેચન કોણ કરી શકે?’ એ અંગેના મુદ્દા સ્પષ્ટ કર્યા છે. આ રીતે સાહિત્યસ્વરૂપના સર્જનમાં તે તે સ્વરૂપોની સર્જકો દ્વારા થતી અભિવ્યક્તિના સિદ્ધાંતો અને એ અંગેનાં પોતાનાં મંતવ્યો અહીં એમણે રજૂ કર્યાં છે. સ્પષ્ટ કથન એ એમની એક ખાસિયત છે,  તો વળી વિવેચન અંગે વિવેચન કરતાં અંતમાં કહે છે :

“સાહિત્યકૃતિ એક સ્વાયત્ત અને સ્વશક્તિએ ઊભેલી છે, એનું સમુચિત મૂલ્ય કરીને એનો માનમરતબો જાળવવો, મનુષ્યનું કર્તવ્ય છે. કશું ન બોલો તો પણ એ કર્તવ્ય બજાવ્યું કહેવાશે. નહિતર એ, મા સરસ્વતીનું અપમાન ગણાશે.”

સાહિત્યકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, અધ્યાપક, તંત્રી-સંપાદક, કોલમનવીસ અને અનુવાદક – આ રીતે સાહિત્યકાર સુમન શાહનું વર્ગીકરણ પોતે કરી અને એ વિશેની કેફિયત અહીં રજૂ કરી છે. આમ તો આત્મકથાલેખનનો ખયાલ પશ્ચિમના સાહિત્યમાંથી આપણે ત્યાં આવ્યો અને વિકસ્યો, પણ એક ચોક્કસ કળાપ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિએ જાણે કે પોતાને અને પોતાના ભાવકોને અહીં પોતાની ‘વિદ્યાયાત્રા’ની વાત માંડીને એક હિસાબ આપ્યો છે, એક જવાબ આપ્યો છે એમ આ કૃતિમાંથી પસાર થતા કહી શકાય. અહીં ક્યાંક સ્પષ્ટ કથન છે, ક્યાંક વસવસો છે, ક્યાંક સર્જકપ્રતિભાને એના સર્જન અંગેના ભાવકો નથી મળ્યાનો રંજ પણ છે.  આખરે સમગ્ર પુસ્તક એક સંવાદ છે અને તેની ભાષા રસાળ ને સરળ છે. પોતાની કારકિર્દીમાં અનેક વાર અઘરા વિષયો સોંપાયા બાદ જે શિંગડાંભીડ તેઓ વેઠી ચૂક્યા છે કે વેઠી રહ્યા છે એ નિમિત્તે એટલું ચોક્કસ કહી શકાય કે તેમણે જમણા કે ડાબા એકેય શિંગડાં ન વાગે એવા વચલા રસ્તા લીધા છે અને આ પુસ્તક નિમિત્તે આત્મકથન કરતાં કરતાં તેઓ ભાવકને સાહિત્યાનંદની અનુભૂતિ કરાવી શક્યા છે.

(* ‘મારી વિદ્યાયાત્રા’ લેખક : સુમન શાહ, પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022)

(નોંધઃ ડૉ. સુમન શાહ ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાનોમાં મોખરાનું નામ છે. ડૉ. સુમન શાહનો નવેમ્બર ૧ ને રોજ જન્મદિન હતો. આ લેખ એમના જન્મદિન નિમિત્તે અમારાથી સંજોગોવશાત્ મૂકાયો નહીં. ડૉ. સુમન શાહને “આપણું આંગણું”ની સમસ્ત ટીમ તરફથી જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.)


આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.