| |

બોલો, આવું બધું છે ! ~ વાર્તા ~ હસમુખ કે. રાવલ

ચોમાસું છે. એટલે વાદળ અમળાય છે ને વીજળી ચમકે છે, પણ હુકમના એક્કા જેવો વરસાદ ક્યાં છે? જો કે સાવ એવુંય નથી. કાણું કાણું તો ય ચોમાસું. હેલી નહીં તો ઝાપટું, ને ઝાપટું નહીં તો ઝરમર, ક્યારેક વરસે તો ખરું, પણ એથી કંઈ ધરવ થાય? સાંબેલા ધારે હેલી જામે તો મોરલાનેય ગહેંકવાના ટેસડા પડી જાય. પણ આ તો પીળો પચરક તડકો ને ફીકીફચ ફરફર ! બોલો, આવું છે! મન રાતત હિજરાયા કરેછે : ચોમાસા જેવું ચોમાણું છે, પણ વરસાદ કયાં છે!

બળ્યું, એકલી હોવાના આ બધા ધખારા છે. નવરા બેઠાં ગમે તેવું વિચારવાની ટેવ પડી ગઈ છે. મૂળે ખાટલે ખોડ એ કે હું થોડેથી ક્યારે ય ન ધરાનારી. હંમેશાં આખો લાડવો ખાનારી. ભાઈ-બહેન નહીં એટલે બધું મારું જ મારું. કોઈનો કશામાં ભાગ નહીં. પપ્પા-મમ્મીય આખેઆખાં મારાં ને હું એમની. લાડ તો એવાં પામી છું કે માનોને એક હાથમાં મીઠાઈભરી સોનાની તાસક ને બીજા હાથમાં ચાંદીનો રીમોટ લઈ જન્મી છું. દીવાનખાનું મારી રાજધાની અને ટીવી સામેની ઝૂલણ ખુરસી મારું સિંહાસન. એકચક્રી શાસન. જો કે પપ્પાજી ટોકે, પણ કેટલું? આમે ય તે મહેમાન જેવા. ઘરમાં ઝાઝું ટકે નહીં ને ધંધા સિવાયનું કંઈ દેખે નહીં, મમ્મીને પણ નહીં. એટલે મમ્મીને કકળાટ બહુ વહાલો, તે યથાશકિત આખો દિવસ મારી સાથે કકળાટ કર્યા કરે. વાસણનો કકળાટ, કપડાંનો કકળાટ, રસોઈનો કકળાટ… વગેરે… વગેરે… પણ એ બધું સાંભળવા મારો કાન કંઈ ઓછો નવરો હોય!

મને વહાલો સેલફોન. તે હું ય મારે ટીવી જોતી ‘હેલો હેલો’નાં ગાણાં ગાયા કરું. શાળા-કૉલેજમાં જવા ખાતર ગઈ, પણ ભણવાનો કંટાળો. વાંચવા-લખવાનો ભારે કંટાળો. ઉપરથી ચિકણા સાહેબોની સુફિયાણી શિખામણો તો ત્રાસ. વર્ગમાં ગોઠે નહીં ને લાઈબ્રેરીમાં થોથાં જ થોથાં. જીવ ગભરાય. પણ મારે સન્મિત્રો ઘણા. એમણે મુક્તિમંત્ર પાકો ગોખાવેલો. : કેન્ટીનં શરણં ગચ્છામિ, ગોસિપં શરણં ગચ્છામિ, થિયેટરં શરણં ગચ્છામિ. નહીં માનો, પણ દિવસના દિવસ નહીં, મહિનાના મહિના, અરે વરસનાં વરસ, બંક. ફીલ્માર્પણ!
યુનિવર્સિટીવાળાઓને ય નાપાસ કરવાનો કંટાળો આવ્યો હશે, તે પાસ કરી ડીગ્રી આપી. ને આપણે તો બુન, ગોઠવાઈ ગ્યાં, આ બે માળની બેઠાઘાટની બંગલીમાં, ‘અશોક-વાટિકા’માં, ખોટું નહીં બોલાય.

સાસુ-સસરા સારાં. મીઠાબોલાં. કહોને પેલા સાહેબો જેવાં. હાલતાંને ચાલતાં નાક દબાવી શિખામણ-ગુટિકા પાયે જાય. વળી કરમની કઠણાઈ એવી કે વેરી થોથાં. માળાં આગળનાં આગળ. ટેબલ પર, સોફામાં, બારીમાં, અરે કીચનમાં ય થોથાં ઠેબે ચડે. તે હું તો ભૈ, એક દિવસ ખરેખરાની કાઠી થઈ. વાળ્યો કાછોટો, ને કાન પકડી-પકડી નાખ્યાં બધાં ઊંચી છાજલીમાં. શ્રવણકુમાર તો તાળિયો પાડતા જે હસ્યા ! ને સાસુ-સસરા ય પહોળી આંખે મારું પરાક્રમ જોતાં જ રહી ગયાં.! પણ એમના નવરા ચશ્મા મારા એક નંબરના દુશ્મન. આખો દિવસ વાંકીને વાંકી રાખે. વારે વારે ટેબલ પર ચડાવે ને એક પછી એક બધાં થોથાં નીચે ઉતરાવે ત્યારે જંપે. અમારી સંતાકૂકડી ચાલતી રહે. હું એક એક થોથું સંતાડે રાખું ને મારા વાલા ચશ્મા યાદ કરી કરી એકેએક થોથું ગોતાવે રાખે.

એક સવારે તો મને પાછી ચડી દાઝ. તે છાનાંમાનાં બંનેના ચશ્મા ઉઠાવી ભોંય પર પટક્યા ને ચંપલ નીચે ચગદી નાખ્યા. પણ સાંજે તો મૂંઆ ચશ્માની દુકાનેથી નવો અવતાર લઈ આંખો પટપટાવતા પાછા આવી ગયા. નવા નકોર ! હવે તો મૂઆં ચકા-ચકી પણ (એ ય મૂઆં જોડિયાં છે.) નવરાં પડે કે તરત અંગુઠો ચૂસતાં ઓશિકા નીચેના થોથાની સોડમાં ભરાય છે. ને સહેજ થોથું ખસે તો : ચોપડી… ચોપડી… કરતાં કાગારોળ કરી ઘર ગજવે છે! બોલો, આવું છે !

શ્રવણકુમાર પણ આમ તો સારા પણ હંમેશાં પગ વાળે પેટ તરફ. સાંજે ગામના પાદરે મંદિરે જવું હોય તો એમનાં બા-બાપુજી માટે રિક્ષા ને દિવસભરના કામથી થાકીને મારે પગે ઢસરડા કરવાના. ઉપરથી કાન કડવા કરી મૂકે એવું ઉપદેશનું ઈન્જેક્શન ખમવાનું. : વોકિંગ ઈઝ ધી બેસ્ટ એક્સરસાઈઝ. હું કહું : એ નિયમ એમને લાગુ ના પડે? તો સામે તલવાર વીંઝાય. : એ તો વૃદ્ધ છે. મનેય વાર કરવાનું મન થાય : તો શું જુવાનોએ રિક્ષામાં બેસી ક્યારે ય મંદિરે ના જવું, એવો કાયદો છે? પણ છેવટે તો પિયર એ પિયર અને સાસરું એ સાસરું, મારે જ તલવાર મ્યાન કરવી પડે. ને ઘરમાં ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ઉજવાય.

એ શ્રવણકુમાર, એમનાં બા-બાપુજી સાથે સ્વચ્છાએ અપહૃત થઈ, પવિત્ર શ્રાવણ માસમાં જાત્રાએ ઉપડી ગયા છે, છેક હરદ્વાર ! સેકંડ ક્લાસમાં ઠેબાં ખાતા નહીં, હોં. સાહ્યબી ભોગવતા પવિત્ર ફર્સ્ટ એસી કોચમાં! અમને રેઢાં મૂકીને.! પૂરા એક મહિના માટે! બોલો, આવું છે! જાય. લઈ જાય એમનાં બા-બાપુજી છે. મારે કેટલા ટકા? ના. હું કંઈ ઈર્ષાથી બળી મરું એવી નથી.  મારે તો ઉલટાની રાહત થઈ. કમબપ્ત ચશ્માની પનોતી ટળી, ઘરમાંથી. સાથે પાંચ-સાત થોથાં ય ઉપાડી ગયાં છે, મહિનાભરના નાસ્તા માટે ! હું તો કહું છું, બધાય ઉપાડી જવાં હતાંને સાથે ! આખા હરદ્વારના ભક્તોને મહિનાભર મમળાવા ચાલત!

એમના ગયા પછી આ ગુલ બંકાવલીના એક જ હાકોટે થથરતાં થોથાં છાજલી પર ચડી ગયાં છે! બોલો, છે હવે કોઈની અણ કે ખણ! હવે બચ્યાં હું ને ચાર વેંતનાં કાયામા મારાં બે છોકરાં. એમનેય  સ્કૂલ-રિક્ષા ખેંચી જાય. છે ને લીલાલહેર ! બે માળની ‘અશોક-વાટિકા’માં પીસ્તાલીસ ઈંચના જાયન્ટ ટીવીનું હોમ થિયેટર ને સામે એક અઠંગ પ્રેક્ષિકા, પાંસઠ કીલોની કાયામાં પ્રસરેલી હું. ત્રાટકમય અમારી બેઠક એવી જામે કે જાહેરાતો થાકે, સિરીયલો થાકે પણ અમે ના થાકીએ. એવાં અમારાં આકરાં તપ ચાલે.

ત્યાં ડોર-બેલ રણક્યો. રણક્યો જ નહીં ધણધણ્યો. અડધી સિરીયલે મને તપોભંગ કરી. મારો પિત્તો તો એવો ગયો કે… સાલ્લી સેલ્સગર્લ હોય તો તો ઝાાટકી જ નાખું.
પણ વાહ ! આ તો રેશમી ખાદીની બે સુંવાળી સાડીઓ ! પાતળી ને પાછી ઊંચી! આંખે કાળા ગોગલ્સ ને ખભે ભરત ભરેલા થેલા. એક જાજરમાન ને બીજી તેની પાછળ લપાતી, ખૂંધ નીકળેલી, કાળી-કુંબડી. ક્યાંક જોઈ હોય એવી લાગે. બેહોશ યાદદાસ્ત પર હથોડા પર હથોડા ઝીંકું, પણ કંઈ યાદ ના આવે. તપોભંગ થયાનો ગુસ્સો તો એમના દર્શનથી જ ઓગળી ગયેલો. ઉપરથી મારો અનઘડ દુપટ્ટો ચીવટથી ઠીક કરવો પડયો.

“-નમસ્તે, અમે ‘શક્તિપીઠ’ સંસ્થામાંથી આવીએ છીએ. કેમ આટલાં લેવાઈ ગયાં છો?”

મને જોતી હું ગુંચવાઈ. આ બે મારી સાથે વાત કરે છે કે અંદરોઅંદર વાતો કરે છે! મારા ઉત્તરની પરવા કર્યા વગર એ તો અંદર સરકી ને અધિકારપૂર્વક સોફા પર પધરામણી કરી.

હાથનો પંખો હલાવતાં પહેલીએ શરુઆત કરી.

“-પ્લીઝ, ફેન ઓન કરોને.”

મેં યાદ દેવડાવ્યું : એસી ચાલુ છે.

બીજી ટીસ્યૂ પેપરથી પોચા હાથે મોં પરનો પરસેવો સાવધાનીથી લૂછવામાં રોકાઈ હતી. એ ઠાવકું હસી.  “- ઓહ, સોરી. કેટલો બધો ઉકળાટ છે ! ને વરસાદ?… મેડમ, અમે તમારી પાંચ-પંદર મિનિટ લેવાનાં છીએ. તમારા જ ભલા માટે .”

“- સ્યોર, સ્યોર.” ઉમળકાથી હું તેમની વાતોમાં ભળી. એકલી અકળાતી હતી તે તેમની સોબત ગમી. પછી તો એ બંનેની જુગલબંદી ચાલતી રહી. ખપ પૂરતી હું વચ્ચે ક્યાંક બોલું. બાકી હોંકારા ભણું.

“-ટીવી જરા ઓફ થાય તો… “પહેલીએ બીજી તરફ જોયું ને બીજીએ સિફતથી પહેલીનું વાક્ય પૂરું કર્યું. : “આપણી વાત ઓન થાય.”

મેં હથેળીના રીમોટને ઈશારો કર્યો કે આંખ મિચકારતું ટીવી ઓફ.

“–થેંક યુ. યુ આર સો કો-ઓપરેટીવ. -આપણે એક ફોર્મ ભરવાનું છે. નામ?…”

હું નામ બોલી. પેલીએ ફોર્મમાં ટપકાવ્યું. “-આમ તો અમારા સંગઠનના આર. એન્ડ ડી. વિભાગે તૈયાર કરેલો તમારો ડેટા અમારી પાસે છે. જરા ક્વેરી માટે…”

અને એમની ક્વેરી ચાલી.

“-ઘરમાં કોણ કોણ છો? કયાં છે બધાં ? ઓહો.. જાતરાએ? વેરી ગુડ. હસબંડ પણ કામધંધો છોડીને? એક માસ માટે ? ઓ માય ગોડ મોસ્ટ ઈરીસપોન્સીબલ પરસન. ઓ.કે. ઓ.કે. એટલે આવડા મોટા ઘરનો ઢસરડો તમારા એકલાંના નાજુક ખભા પર? નોકર પણ નથી?. સાચ્ચે જ? … ને ગળાનો આ ચંદનહાર ? પિયરનો ? દહેજમાં? શું વાત કરો છો ?…” ને એકાએક મારી દયા ખાતી બંને જણીઓ અંદરોઅંદર નિસાસા નાખવા માંડી. : અરેરે, બાઈ બિલકુલ ભોળી છે! -સો ઈનોસન્ટ! -પ્યોર ઈન્ડિયન વુમન! – શોષણનો શિકાર ! ને બિચારી એને જ ખબર નથી ! -એઝ યુઝયુઅલ ! ને થોડો પોરો ખાઈ મને રહ્યું : બહેન, તમારું ‘આકૃતિ ફોર્મ’, મંડળના પ્રાથમિક સભ્યપદનું ફોર્મ, ભરવું જ પડશે. મંડળે રાજસૂય યજ્ઞ માંડયો છે. આકૃતિ જેટલી વધારે તેટલો યજ્ઞનો ભડકો ય મોટો. પતિના જ નહીં, પાર્લામેન્ટના આંખ-કાન ખૂલી જાય એવો ભડકો. તમારે તો સભ્યપદના માત્ર પાંચસો આપવાના. પણ પણ કહ્યુંને યુ આર સો ઈનોસન્ટ., બહેન, ભોળાંનો જમાનો નથી. ચેતો. ઈશ્વરનો આભાર માનો કે ખરા ટાણે અમે ભેટી ગયાં. હવે તમારી સમસ્યા એ અમારી સમસ્યા. યાદ રાખો : સાસુઓ, સસરાઓ, પતિઓ, બાળકો સૌ, ઉપરથી મીઠાબોલાં, પણ અંદરથી લોભી, લાલચુ ને સ્વાર્થી. આપણાં ભક્ષકો. આપણા રક્ષક આપણે. નારી એકતા ઝિંદાબાદ…..

ને પાંચસોની પાવતી પકડાવી એ જાય… ઓ જાય દોડતી…!

ટીવીનો ધમાકેદાર એપીસોડ ધડાધડ મારા ઘરમાં ભજવાઈ ગયો. હાથમાંની પાંચસોની પાવતી જોતું મારું મગજ સાવ બહેર મારી ગયું હતું. થોડીવારે કળ વળી. પાવતીમાં શાખા પ્રમુખની સહી છાપેલી હતી. દામિની પંચાલ.ને હોદ્દા નીચે લખ્યું હતું.: ‘મનનો મત્સ્યવેધ’ ફેમ. અરે આ તો પેલી, વર્ષો જૂની સિરીયલવાળી ! દ્રૌપદીનો રોલ કરનારી અભિનેત્રી, દામિની પંચાલ! પહેલાં ખબર પડી હોત તો સાથે ફોટો પડાવ્યા વિના જવા દીધી જ ન હોત. મૂરખી જ છું ને. પાંચસોની નોટ મફતમાં પકડાવી દીધી. ને બીજી? એની સહી વંચાતી ન હતી. માંડ ‘મં’ વંચાયું. રામાયણ સિરીયલવાળી મંજુલા મંથરાકર તો નહીં ? હા, હા. ખૂંધ તો એવી જ હતી. પણ હવે શું? બોલો, આવું છે!

હવે મગજમાં તડાતડી શરુ થઈ. શરીરમાં ઉપેક્ષાનું અળાયું ધૂંધવાતું હતું ને ઉપરથી વીંછી કરડ્યો. છોકરાં આવ્યાં તો એ ય કડવાં ઝેર લાગ્યાં. છણકા-છાકોટા કરી પાલવ્યાં ને ધોલ-ધપાટ કરી ઊંઘાડયાં. હું ઊંઘવા ઈચ્છુ તો ઊંધાય નહીં, બેસવા ચાહું તો બેસાય નહીં. આંટાફેરા મારતી હાંફતી રહું. મત્સ્યવેધના વિરાટ ત્રાજવામાં હું. હાલકડોલક પલ્લાંમાં સતત હું જ તોળાતી રહું. ઘડીમાં જમણો પગ ઊંચો જાય તો ઘડીમાં ડાબો. ઓ બાપરે, આ પડી! ઓ, પડી ! …

એક પળે હનીમુનના ભારેખમ નીચા પલ્લામાં મારી સાથે આખેઆખા શ્રવણકુમાર, નદીઓ-પર્વતોના પ્રવાસો ને હોટલોની રંગીન રાતો. ને ત્યાં ઊંચે, પેલા હળવા ફૂલ પલ્લામાં શ્રવણકુમારનાં સૂકલકડી ડોસા-ડોસી એ લટકે! સાવ ડરપોક. વધતી ઊંમરથી એવાં ડરે કે દુનિયા ભરની ચરી પાળે. ખાંડ-ઘી ખાય નહીં ને દાદરા ચડે નહી. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. એટલે કીચન, કબાટ ને કી-ચેઈન, બધું મારી મુઠ્ઠીમાં! હું ફૂલણ દેડકી! ચોવીસે કલાક ‘ડ્રાઉં… ડ્રાઉ…’ કરતી દાદરા ઠેકતી રહું!

તો વળી બીજી પળે, ડોસાને હાર્ટ પ્રોબ્લેમ થાય ને ડોસીને ઢીંચણનો દુઃખાવો ઉપડે. ધંધો ધંધાના ઠેકાણે ને કૂદકો મારી શ્રવણકુમાર રાતદિવસ ખડે પગે એમના પલ્લામાં! છોકરાંય છેવટે એમનાં જ ને ! ‘દાદા… દાદા… દાદી… દાદી…’ કરતાં રોયાં દોડી જાય એમના પલ્લામાં. ઘર અને મહેમાનોની વેઠ કરી થાકેલીપાકેલી હું મારા પલ્લામાં એકલી. અણમાનીતીના મહેલમાં કેદ ! રાત ભર થાય : કોઈ છોડાવે… કોઈ છોડાવે.. પણ શ્રવણકુમાર તો શ્રવણકુમાર. ખડે પગે સેવામાં. મારી તરફ ફરકે જ નહીં! જો કે, સાવ એમ પણ નહીં. કોઈવાર મારા ઝપાટામાં આવી જાય તો પીંખી નાખું. ને લાગ મળે એ પણ ક્યારેક બદલો લઈ લે. પણ આ બધું તો જબરજસ્તીથી છીનવી લીધેલું સુખ. સંબંધની ભંગાર વેચી રોકડી કરી લીધી હોય એવું. દયનીય.: ઓ શક્તિપીઠવાળીઓ, તમે સાચી. આ મીઠાબોલા લોકો ઈચ્છે છે જ એવું, કે હું તેમની સેવા કરતી રહું, જાત ઘસતી રહું ને સૂકાતી મરું ! હા હા… હવે તો ભડકો એ જ કલ્યાણ ! અરેરે, ઊંઘની ગોળી લીધી. પણ… ઊંઘ કયાં છે!

પણે, દેવઘરમાં કંઈક સળવળ થયું. મૂંઆ ઉંદર હશે. જા, આજ તો દીવા ય નથી કરવા. પણ દીવા થયા ! ને ઝાંખા અજવાળામાં ઘંટડીય રણકી! હરતા ફરતા પડછાયા ઓઢી અંદર કોઈ હરેફરે. અરે, લાકડાની ઘોડીમાં સૂતેલી ‘રામાયણ’ની પોથીમાંથી સીતાજી ઊઠયાં હતાં ! એ તો ચંદનની સુગંધ જેવાં બહાર આવ્યાં ત્યારે ખબર પડી! પ્રકાશના પુંજ રેલાયા! તે રેલાય જ ને. મૂઆં, એ હતાં જ તેજતેજનાં અંબાર ! મરક મરક મરકે ને ઝીણું ઝીણું બોલે! : ઊંધાકડી ! ઊંધી સૂતી છો તો જરા ચત્તી સૂઈ જા ! માથું દબાવી દઉં.

સીતાજી તો માથું દબાવતાં બેઠાં. એમના હાથમાં જાદુ, હોં! માથાની ખેંચાતી નસો ખાસ્સી ઢીલી પડી ગઈ. હાશ! લોહી પણ ટાઢું પડયું. એમનું વહાલ જોઈ મારાથી પૂછાઈ ગયું.

– તે હેં માતાજી, રામજીએ તમને છોડી દીધેલાં ?

– કોણે કહ્યું?

– લોકો કહે છે. લોકો શું, મોટામોટા પંડિતો રામજીને મણ મણની જોખે છે.

-સમજણનો અભાવ.

-અરે, તમારી અગ્નિપરીક્ષા કરી, વનમાં લવલવતાં કર્યાં, તો પણ ?

સીતાજી હસ્યાં. કહે : સમજણનો અભાવ. સમજણ બચારી સ્વભાવથી જ સાંકડી છે. એની એક જ ગતિ. સીધી ને સોંસરવી. ને મન તો નભોમંડળ. કેટલું વિશાળ ! કેટલું ભવ્ય! ને કેટલું સંકુલ ! શતસહસ્ર પાંદડીનું પદ્મ. પદ્મ કહેતાં કમળ, તેના પર કોઈનો એકાધિકાર કે ઈજારો ન હોય. એ તો બધાનું. એની સુગંધ પર સમષ્ટિનો અધિકાર. એના પમરાટમાં જડ-ચેતન સૌ નહાય. કોઈનું મન પામવા સમજણની સાંકડી ખાઈ ચારે કોરથી ખોતરીને પહોળી વાવ બનાવવી પડે. ને વાવને એથી ય પહોળું તળાવ બનાવવું પડે. તળાવે વળી નદી થઈ વહેવું પડે ને નદીએ દરિયામાં ભળી પૂરી દુનિયા પર વહાલથી હાથ ફેરવવો પડે. પણ વાત કંઈ એટલેથી ના પતે. દરિયાએ હળવી ફૂલ વાદળી બની મનભર વરસવું પડે. અનરાધાર વરસ્યા સિવાય કોઈનું તે મન કહે, કેમનું પમાય ? પછી એ મન રામજીનું હોય કે શ્રવણનું, તારાં ભૂલકાંનું હોય કે ખુદ તારું, કે તારાં પેલાં. ગાંડી, વડીલોને ડોસા-ડોસી કહેવાય? ગ્રેજયુએટ છે. બા-બાપુજી કહીએ તો એમનું ને આપણું બંનેનું માન વધે.
સહેજ આંખ મીંચાઈ ને માથું દબાવતાં સીતાજી ક્યારે સરકી ગયાં એનું ભાન ન રહ્યું.

આંખ ઊઘડી તો કોકડું વધારે ગુંચવાયેલું. એક બાજુ આગના લબકારા ને બીજી બાજુ વરસાદી ફૂવારા. એક હાથમાં ઊંઘની ગોળી ને બીજા હાથમાં પાણીનો પ્યાલો. ને આખેઆખી હું પૂતળી. પૂતળીમાં જીવ પૂરવા ટેબલે ધીરેથી હાથમાંની ગોળી ઓળવી લીધી ને રીમોટે ટીવી ઓન કર્યો.

ત્યાં ઓચિંતો ડોરબેલ રણક્યો. બેલ વગાડવાની સ્ટાઈલ તો શ્રવણકુમારની. ને ખરેખર, શ્રવણકુમાર…… બે હાથમાં બે થેલા.


-તમે?
-તારી બર્થ-ડે હોય ને હું ના આવું?
-મારી બર્થ-ડે? આજે?
શ્રવણકુમાર મારા રંગઢંગ જાણી ગયા. હસતાં હસતાં એમણે મારા હાથનું રીમોટ લઈ લીધું.
-ઓ મારી ટીવીપ્રિયા, હવે તો સિરીયલમાંથી બહાર નીકળ.
-શું તમે ય તે !… મારાથી લટકું થઈ ગયું.
બારણું બંધ કરતાં એ મીઠું હસ્યા. મને ગમ્યું. હાશ! કેટલા દિવસે અમે બે. એકલાં ! એ અને હું. પણ પૂછાઈ ગયું.

-અરે, પણ ડો… બા-બાપુજી કયાં ?

-એમની બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. ધર્મશાળામાં બાજુની રુમમાં અમદાવાદી કુટુંબ છે. કહે: ચિંતા ના કરો, શ્રવણભાઈ, અમારાં બા-બાપુજીને જીવતાંજીવ જાત્રા નહીં કરાવ્યાનો વસવસો હવે અમને નહીં રહે. એક અઠવાડિયામાં એવાં તો ભળી ગયાં છે કે અમારાં સગાં બા-બાપુજી બની ગયાં છે. ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી, બસ.

એમના શબ્દો હું પીતી જ રહી. આ પણ નવું! સગપણ વગરનું સગપણ! ન નાત, ન જાત, ન સ્વાર્થ! હું હરદ્વારમાં ખોવાઈ ગઈ.

એમણે ખોંખારો ખાધો ને હું પાછી વર્તમાનમાં આવી. ‘સોરી! હું તો પાણીનું પૂછવાનું જ ભૂલી ગઈ.’ ને હાથમાંનો પાણીનો પ્યાલો આગળ ધરતાં પૂછ્યું:

-ચા મૂકું ?

એ બોલ્યા ‘ના.’ ને પાણી પીધું.

-ઘરનું પાણી ! બસ સ્વર્ગ મળી ગયું ! હવે કેક કાપવાની તૈયારી કર. કાલે ઓફિસમાં અગત્યની મીટીંગ છે.

અરેરેરે ! કેકમાં પાછો ઑફિસનો પથરો ક્યાંથી ખાબક્યો !

હું ખમચાતી ઊભી રહી.

એ એમની ધૂનમાં થેલા ખોલતા રહ્યા.

એક નંગ સાડી, બે બાબા સુટ, પ્રસાદનું પાશેરિયું પડીકું, ગંગાજળની લોટી, પાંચસો ગ્રામ કેકનું બોક્સ ને પાંચ કીલો થોથાં, સાવ નવાનકોર! બાકીનું બધું ગાભામંડળ.

મને કેકનું બોક્સ આપ્યું. પછી પ્રસાદનું પડીકું હાથમાં લઈ એ બોલ્યા:

-પ્રસાદના પેંડા છે. તારા માટે, મારા માટે, બાળકો માટે, મિત્રો-મહેમાનો- પડોશીઓ માટે ને હા, ઓફિસના સ્ટાફ માટે પણ. તો હવે કેક…

બંને પડીકાં લઈ નું અંદર ગઈ. ઊંઘતાં બાળકોને હળવેથી જગાડયાં. પાણી પાયું ને તેડીને બહાર આવી. ત્યારે એ હીંચકા પર ઝૂલતા હતા. હાથમાં ઊઘાડું મોટું થોથું હતું. બાળકોના અવાજથી અમારી તરફ જોતાં એ હસ્યા. એક હાથે ઉમળકાથી બેબીને ઊંચકી, ખોળામાં લઈ વહાલ કર્યું. ત્યારે ય તેમના બીજા હાથની એક આંગળી થોથાની વચ્ચે હતી….!

હું જોતી જ રહી. પહેલી વખત વર્ગમાં કોઈ સાહેબનું બોલેલું કંઈક યાદ આવ્યું.: ‘કુમારસંભવમ્’ની પાર્વતી*** ન હાલી ન ચાલી!

બોલો, આવું બધું છે !

(***’કુમારસંભવમ્’ની પાર્વતી – એવી સ્ત્રી છે, જે પ્રેમ માટે લાચાર નથી બનતી, પરંતુ તપસ્યા દ્વારા સ્વયં પ્રેમને યોગ્ય બનાવે છે અને શિવની સાથે સંવાદ દ્વારા પોતાના દૃષ્ટિકોણને નીડરતાથી રજુ કરે છે. દેવતાઓને તારકાસુર જેવા અસુરના વિનાશ માટે શિવ–પાર્વતીથી જન્મનારા પુત્રની (કાર્તિકેય/કુમાર) જરૂર હતી. આ કારણથી પાર્વતીનો જન્મ દૈવી યોજનાનો ભાગ હતો. પાર્વતી જેવી એક દૃષ્ટિશીલ, કાર્યશીલ, વિચારશીલ અને સંવેદનશીલ માતા જ શિવ સાથે શક્તિનો ભાગ ભજવી શકે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.