“લિ. તારી પ્રિય સખી…” ~ પત્રશ્રેણીઃ પત્ર ૮ નો પ્રત્યુત્તર દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ
પ્રિય દિના,
“એક જ દે ચિનગારી” પ્રાર્થના પત્રમાં વાંચીને મારાં માનસમાં બાળપણના સંસ્મરણો સ્મૃતિપટ પર દોડવા લાગ્યાં. દિના, એ વખતે આ શબ્દો આપણને સમજતાં વાર લાગતી હતી. આપણા બાળપણની નિર્દોષતા સહજ હતી. આપણું કુણું માનસ રમતિયાળ હતું. આપણે પ્રાર્થના કરતી વખતે આંખો મીંચી દેતાં હતાં, ને પછી કાણી આંખે કેવા જોઈ લેતાં હતાં કે કોની કોની આંખો ખુલ્લી છે! સખીઓ સાથે રમેલી રમતો, નાસ્તો કરતા વખતની શરારતો, શિક્ષકો, નિશાળનાં ઓરડાઓ, તેની ભીંતો પર લખેલા સુવિચારો આ… હા… કેટકેટલી યાદો તેં અપાવી દીધી સખી! આ પ્રાર્થના હવે રોજ ગાઈશ, એને મારાં રોજિંદા જીવનમાં વણી લઈશ.
સખી, પ્રાર્થના એટલે મારા મતે ઈશ્વર સાથેનો આપણી વાતચીતનો દોર, આપણી સમસ્યાનો ઉકેલ, મનને હળવું કરવાની રીત અને ઇશ્વર પાસે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય તેની યાચના કરવી. ઈશ્વર સાથેનો એક અતૂટ નાતો. કોઈ મારી સાથે છે તેનો અહેસાસ.
શાળામાં શીખેલા પાઠે આપણને જીવનભરનું ભાથુ બાંધી આપ્યું છે. આપણને શિસ્ત પાલન શીખવતા હતાં. એ શિસ્તથી જ આપણી જિંદગીમાં નિખાર અને વિશ્વાસ આવ્યો છે. શાળામાંથી ગ્રહણ કરેલું શિક્ષણ એટલે જ જિંદગીનું અમૂલ્ય ભાથું ગણાય છે. શિક્ષણે આપણને સાચી દીશા અને જીવનના મૂલ્યો શીખવ્યા છે. એ સાથે જ આપણું સામાજિક ઘડતર પણ કર્યું છે.
“શારદા મંદિરના ઉપવનમાં આત્મજ કળી બની ખીલી ગયો.
પારિતોષિકનાં મકસદ સાથે ધર્મશાસ્ત્રમાં પણ જીતી ગયો.
રજકણનો મનુજ કેળવણી પામી કુનેહને પચાવી ગયો,
શિક્ષકોના વાત્સલ્યનાં અનુગ્રહથી મલાજો જાળવી ગયો.”
દિના, મારા મતે આપણે શિક્ષિત તો બની જઈએ છીએ પણ શું કેળવાઈએ છીએ ખરા? શિક્ષિત માણસ વિચારી શકે, પણ કેળવણી પામેલો માણસ સ્વયંને અને બીજા માણસને સમજી શકવા સક્ષમ બને છે. આપણે પોતાની જાતને પ્રથમ સમજી શકીશું તો બીજા માણસની મદદ કરી શકીશું. બરાબર ને? ગ્રહણ કરેલું શિક્ષણ જ મન અને આત્માની કેળવણીથી ખરેખર ઝળકી ઊઠે છે. શિક્ષણ સમાજ અને સમયનું દર્પણ કહેવાય છે પણ એમાંનું પ્રતિબિંબ તો કેળવણીથી જ પરખાય છે.
દિના, હમણાં મને એક જણે પૂછ્યું કે વિદ્યા અને સમજણ એ બંને એક જ કે પછી જુદાજુદા છે? દેખીતી રીતે આપણને આપણને બંને વચ્ચેનો સંબંધ એટલે વિદ્યા = સમજણ પણ એવું નથી હોતું. આ જગતમાં ઘણાં ભણેલાં અભણો છે અને ઘણાં અભણો ભણેલાં મળે’ ત્યારે વિચારમાં પડી જવાય છે.
તેં મને AI વિશે પૂછ્યું છે તો હું એવું કહીશ કે AI ટેક્નોલોજીમાં પોતાની બુદ્ધિ વાપરવાની હોતી નથી. AI એની Acquired – બહારથી મેળવેલી બુદ્ધિથી આપણને જવાબ આપે છે. તને ખબર છે AI ની મૂળ ભાષા અંગ્રેજી હોવાથી અંગ્રેજીમાં પૂછાયેલા સવાલોના જવાબ તે સારી રીતે આપે છે. ગુજરાતીમાં આપણે સવાલ પૂછીએ તો તેના જવાબથી આપણને સંતોષ મળતો નથી. આજકાલ લોકો AI ને પૂછીને સમયની બચત કરી રહ્યાં છે.
હું એવું માનું છું, AI વાપરવાથી પોતાના મૌલિક વિચારો કરવાની ક્ષમતા ઘટી જતી હોય છે. નિર્ણય કરવાની અને નિરીક્ષણ કરવાની શક્તિને આપણે ઘટાડી રહ્યાં છીએ. મગજને જેટલું વાપરીએ એટલું તીવ્ર ગતિમાં દોડે. AI જો બધું કરે તો આપણે શું કરવાનું? બોલ દિના!
આપણા વિચારોને કુંઠિત થવા દેવા ના હોય તો બને એટલો AI નો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. અત્યારે AI ને કારણે લોકો વિચારો કરવામાં આળસુ બની ગયા હોય એવું લાગે છે.
સખી, પહેલાં આપણે કોઈ વિષય પર વાંચવું હોય તો તે પુસ્તક શોધીને અને તેની રેફરન્સ બુકો વાંચતા હતાં તેથી આપણને અજાણતા બીજા વિષયો પણ મળી જતાં હતાં. તે વાંચીને એ વિષયોને ગ્રહણ કરતાં તેમાંથી આપણું જ્ઞાન વિસ્તરતું હતું. એ અંગે તારું શું મંતવ્ય છે? હવે AI ને પૂછવાથી જ્ઞાન સીમિત થઈ ગયું હોય એવું મને લાગે છે.
કાલે હું યંગસ્ટર ગ્રુપ જોડે એક સેમિનારમાં ગઈ હતી, તેમાં જાણવા મળ્યું કે તેઓ જે કામ કરે છે તેમાં એ લોકોને પ્રોજેક્ટો ડેડલાઇન પહેલાં પૂરા કરવાના હોય છે ત્યારે AI ખૂબ ઉપયોગી બને છે. એમનું કલાકનું કામ દસ મિનિટમાં થઈ જતું હોય તો શા માટે તેઓ ઉપયોગ ના કરે?
તેં પત્રમાં લખ્યું છે AI એટલું શક્તિશાળી બનશે કે માણસથી નિયંત્રિત નહીં થાય. તે એકદમ સાચું કહ્યું છે. મારું પણ માનવું છે કે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. નહીં તો લોકો નોકરીમાંથી બેકાર બની જશે. યંત્ર માનવ કામ કરશે. લોકો બેકાર રહીને શું કરશે એ અત્યારે એક સળગતો પ્રશ્ન બની ગયો છે.
સખી, તને કહું, સદીઓ પહેલાની સિસ્ટમો નવા રૂપ રંગો સાથે આવી રહી હોય એવું નથી લાગી રહ્યું? અત્યારની દુનિયા ડિજિટલ બની ગઈ છે. IVF હોય કે ટ્રાન્સજેન્ડર હોય, એવી સિસ્ટમ આપણે મહાભારત જેવા મહાકાવ્યના પાત્રોમાં વાંચીએ છીએ. ગુરુ દ્રોણ ભાદ્વાજ મુનિના વીર્ય સ્ખલન દ્રવણના પાત્રમાં થવાથી એમનું નામ દ્રોણ પડ્યું હતું. શું એ ટેસ્ટટ્યુબ બેબી હો શકે? વાત વિચારવા જેવી છે.
કુરુવંશના વંશવેલાને વિકસાવવા નિયોગ પદ્ધતિથી વેદવ્યાસ દ્વારા અંબિકા અને અંબાલિકાને પાંડુ, ધૃતરાષ્ટ્ર અને દાસીથી વેદવ્યાસ દ્વારા વિદુરનો જન્મ થયો હતો એ વાત આપણા સૌ માટે જાણીતી છે. અંબા ભીષ્મ સાથે બદલો લેવા બીજા જન્મમાં શિખંડી બની. એ ટ્રાન્સજેન્ડર પાત્ર હતું તેવું આપણે માની શકાય.
દિના, તને ખબર છે, આઈ.વી. એફ અત્યારનો ચર્ચિત વિષય છે. આજથી થોડા વર્ષ પહેલાં આઈ.વી.એફ થકી બાળક આવ્યું છે તેમ કહેવું યોગ્ય ગણાતું નહોતું. એ બાબતે સમાજમાં અંદરોઅંદર લોકો વાતો કરતા હતાં. જ્યારે અત્યારે આઈ. વી. એફ. ના ક્યા ડોક્ટર સક્સેસફૂલ છે તે બાબતે બિન્દાસ ચર્ચાઓ થતી હોય છે.
આજથી વીસ વર્ષ પહેલાં અમારા પરિવારમાં જ આ પદ્ધતિથી બાળક આવ્યું હતું પણ ત્યારે કોઈને અમે આ અંગે વાત કરતાં નહોતાં કારણ, એ સમયે સમાજનો માહોલ આ વાત સ્વીકારવા તૈયાર નહોતો. આ પદ્ધતિનો રેશિયો નજીવો હતો. અત્યારના જમાનામાં આ રેશિયો વધી ગયો છે એટલે સમાજમાં તેની ખુલ્લેઆમ ચર્ચા ચાલતી હોય છે. આ જ તો પરિવર્તન કહેવાય ને?
પરિવર્તન સંસારનો નિયમ છે તેનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ અંગે તારું મંતવ્ય લખજે. ચાલ આ પત્રમાં તને ટેક્નોલોજી વિશે લખ્યું કારણકે અત્યારે નવી જનરેશન વચ્ચે સમય વિતાવી રહી છું. નવુંનવું શીખી રહી છું. અત્યાર સુધી આપણે બાળકોને ભણાવ્યા હવે તેઓ આપણને ડિજિટલ વર્લ્ડમાં ફેરવી રહ્યાં છે. આપણે આજીવન વિદ્યાર્થીની જ બનીને રહેવાનું. તું પણ તારી દીકરીઓ સાથે નવા યુગની મજા માણતી હોઈશ. તારાં અનુભવો મને લખતી રહેજે.
સખી, દરેક પ્રકારના પરિવર્તન આવે પણ તને કહું તો ઉત્સવો આપણા એજ રહ્યાં છે. તેને મનાવવાની રીતમાં સમય પ્રમાણે થોડા ફેરફાર થતાં રહે છે. તેની મજા પણ સમય પ્રમાણે બદલાઈ છે. આ વખતની અમારી રક્ષાબંધનની ઉજવણી વિશેષ બની ગઈ હતી. દીકરાને આ વખતે રક્ષાબંધન પર સોળ વર્ષ પછી બહેનોએ જ્યારે ભાઈના કાંડાને સ્પર્શીને રાખડી બાંધી ત્યારે બંને ભાઈ બહેન અને ઘરના બધાની આંખલડીમાં ભીનાશ તરી રહી હતી. ખુશીની ક્ષણો જે ભૂલાતી નથી, તેવી જ આ ક્ષણો બની રહી હતી. પ્રેમની વર્ષા વરસી રહી હતી. દરેકના દિલમાં હરખ સમાતો નહોતો. એક અવિસ્મરણીય ઉત્સવની ઉજવણી કરીને આટલા વર્ષોની દૂરી એક પળમાં જાણે ઓગળી ગઈ. તે પળોના નિજાનંદને વાગોળું છું. મારો આખો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સાથે જ ઉત્સવની ઉજવણી કરી હતી. ભેટ આપતી વખતે ભાઈબહેનોની નોકઝોક સાંભળવાની, તેમની નિર્દોષ શરારતો માણવાની મજા આવી ગઈ. મને એવું લાગ્યું કે બધાં ઉંમરમાં બાળપણ અવસ્થામાં પહોંચી ગયા છે. ચાલ ત્યારે હવે લાલાના જન્મોત્સવની તૈયારીઓ કરું. પત્રથી મળતાં રહીશું.
લિ. તને હંમેશા યાદ કરતી
તારી સખી અમી.