પેસમેકર ~ વાર્તા ~ મધુ રાય
હરિભાઈની ઉંમર તો વનમાં આશ્રમમાં સાદડી પાથરીને બાવા થાવાની હતી, પણ હમણાં હમણાંથી હરિદાદાને લેડિઝ લોકો બાબતે આડી લાઇનના વિચાર વધુ આવતા જણાયા. એમને વહેમ થતો હતો કે એ જ્યારથી પેસમેકર મુકાવેલું ત્યારથી આવું થાય છે. મીન્સ કે પહેલાં તો હાર્ટ ચાલતું હતું, ઠચુક ઠચુક મારા ભાઈ, ઉંમરના હિસાબે. કોકવાર બીપી ધિંગાણાં કરે ને હરિભાઈ બીપીની ગોળીયું લ્યે. કોકવાર દિવસના દિવસ મૂંગામંતર થઈને બારીની બહાર જોયા કરે, ગુમસુમ. પણ બીજો કોઈ ઉતપાત નોતો એટલે બહુ ધ્યાનમાં નહીં લીધેલુ.
પણ પછી મોટી ડોટરને મલવા એક વાર કેનેડા ગયેલા ને બસ આમ ઘરમાં બેઠા બેઠા વાતું કરતા કરતા ઢળી પડ્યા, ને બેભાન થઈ ગયા, બધા હાંફળાફાંફળા થઈ ગયા. કે સું કરવું, સું કરવું, પણ પાંચેક મિનિટમાં હરિદાદા પાછા બેઠા થઈ ગયા.
ડોટર તરત હાર્ટના ડાક્ટરને બતાવવા લઈ ગઈ. હરિભાઈના સનનિનલોનો એક ફ્રેન્ડ કેનેડીયનમાં હાર્ટનો ડાક્ટર હતો. તેણે જાતજાતના ટેસ્ટ કરીને પેસમેકર મૂકવા ભલામણ કરી. અને ડોટરે હરિભાઈને પેસમેકર મુકાવી આપેલું.
પેસમેકર મૂકવાવારો ડાક્ટર પાછો યહૂદી બાઈ કાશ્ટ હતો, એણે જોકિંગલી જોકિંગલી કહેલું કે દાદા, તમારું હાર્ટ હવે ગુડ એઝ ન્યૂ! હવે તમે હાર્ટ બાવીસ વરસના જુવાન જેવા જોરાવર થઈ ગયા, ઓકે? હવે બીજાં વીસ પચ્ચીસ વરસ પ્રેમથી જલસા કરો આ દુનિયામાં! કહીને હાળાએ આંખ મારેલી.
હરિદાદાને પહેલાં તો સમજાયું નહીં કે આંખ કેમ મારે છે, કેમકે એવા બધા જોક્સો હરિદાદા બહુ કરતા નહીં કે સાંભળતાયે નહીં. પણ ધીમેધીમે સમજાણું કે હાળો સોહરાબ મોદી સું કિયે છે. જુવાનબુવાન તો ભગવાન જાણે પણ હરિદાદા થોડાક ફોમ્મ’માં તો આવી ગ્યાતા. વારેવારે પેસમેકર ઉપર આંગળીયું ફેરવતા ને ભગવાનને યાદ કરતા.
પેસમેકર એટલે ડાબા ખભાની સહેજ નીચેની સાઇડમાં જાણે ભીંત ઉપર નાનકડું છાણું થાપ્યું હોય એવો ઉપસેલો ભાગ હતો પેસમેકરનો! હરિભાઈ દિવસમાં શી ખબર કેટલી વાર તેને પંપાળે, મનમાં વહેમ થાય કે તેને દબાવવાથી હાર્ટમાં બ્લડની પિચકારી પડતી હશે ને ગરમ ગરમ બ્લડના ધસારાથી હરિદાદાને “આડી લાઇનના” વિચાર આવતા હશે. પેસમેકર ભેગું લીલી લાઇટવાળું ટ્રાન્સમીટર બી આલેલું યહૂદી ડાક્ટરે. આ ટ્રાન્સમીટર તમારી પથારી પાસે ઇલેક્ટ્રિકમાં પ્લગ કરીને મૂકી રાખવાનું. બહારગામ જવાનું થાય તો તમે જ્યાં જાઓ ત્યાં લઈ જવાનું. તમારા બોડીમાંથી આ ટ્રાન્સમીટર મારફત તમારું પેસમેકર સેકંડે સેકંડે અમને મેસેજ મોકલશે, આયાં અમારી હોફિસમાં. ને કાંઈ બી ગરબડ થાય તો આયાં એલારામ વાગે, ઢનઢનઢનનન!
ભારે હસમુખો આ કેનેડીયાનો સોરાબ મોદી. ઈ ડાક્ટર પાછો ફિલો–યે–સોફર હતો. હરિદાદા ઘણીવાર તેની પાસે વાતું કરવા જતા. હરિદાદાને ભગવાન સાથે ઘર જેવો સબંધ છે ઈ જાણીને સોહરાબ મોદી ધરમની, ભગવાનની, ને એવી બધી હાઈ–ફાઈ વાતું કરતો. કહેતો કે ભાષા સું છે, ડુયુનોવ? ખાલી માણસજાત બોલે છે, બીજું કોઈ પ્રાણી બોલતું નથી, વ્હાય? ઇટ ઇઝ એ મ્યુટેશન! ભાષા કાંઈ કોમ્યુનિકેટ કરતી નથી, ભાષા તો કોમ્યુનિકેશનનો દસમો ભાગ છે. ખાલી “ખાવા ચાલો” કહેવું હોય તો ઇશારેથીયે કહેવાય. કોમ્યુનિકેશન એટલે નાઇન્ટી પર્સન્ટ તો નોન–વર્બલ હોય છે. પસુપંખી કાંઈ વાતું કરે છે કે સંસાર અસાર છે? ને તોયે સંસાર ચાલે છે કે નહીં? ઈ બધું ટાઇમ ટુ ટાઇમ થવાકાળ થયા કરે એવું ઉપરવાળાએ કેરફુલી એરેન્જ કરેલું છે. તમે કોઈ વાતે ફિકર ના કરતા. ઉપરવાળો બધું કરાવે છે.
હરિદાદાને ઈ બધી પઈડકી સમજાતી નહીં ને એનો એમને કોઈ ધોખો નહોતો. પણ યહૂદી ડાક્ટરે હરિદાદાના હાર્ટ માટે કહેલું કે તમે બાવીસ વરસના જુવાન થઈ ગયા, તેનાથી ઓલી લેડિઝું બાબતે આડી લાઇનના વિચાર આવતા હસે, એવું એમને રઈ રઈ ને થયા કરતું હતું.
આડી લાઇનના એટલે કોઈ ખાસ બાઈમાણસ મગજમાં ન આવે પણ હરિદાદાને અમથું અમથું બસ ફાઇન ફાઇન ફીલ થયા કરે. અને એમ થાય ત્યારે તે પેસમેકરને ફીલ કર્યા કરે. હરિદાદાને “ઘેરથી” તો પેલાંની જેમ જ અગિયારસ ને એકટાણાં ને સાબુદાણાની ખીચડી બનાવતાં બનાવતાં રેડિયામાં ભજન સાંભળ્યા કરે. ધારમિક સિરિયલું જુએ. પહેલાં હરિદાદા સિરિયલુંમાં ખાસ બેસે નહીં પણ પેસમેકર પછી સિરિયલુંની લેડિઝું એમને બહુ ફાઇન ફીલ કરાવે. હરિદાદા પાછા પોતે પરસનલી સીધી લાઇનના માણસ એટલે સહેજ સહેજ ડર બી લાગે. વૈષ્ણવજનમાં પરસ્ત્રી જેને માત રે વારેવારે સાંભરવા મલે ને જીવ કોચવાય કે સાલું આપણે કાંઈ એટલા બધા વૈષ્ણવ–બૈષ્ણવ જન નથી. જોવો ને, પહેલાં ફાધર હતા ત્યારે જનોઈ પણ રાખેલી પણ ફાધર ઓફ થયા પછી તે ગઈ. પહેલાં નહાયા વિના જમવા ન બેસે, ને દાઢીહજામત પછી નહાયા સિવાય લૂગડાંને ન અડે, ને સનિવારે ડાઢીબાઢી ન કરે––પણ હવે તો કોકકોક સનિવારે ફુલ હજામતેય કરાવી આવે ને કેનેડીયા જાય ત્યારે તો રોજેરોજ સેવિંગ કરાવે એની ડોટર, ને નાવાબાવાનું થાય, ન થાય, નો પ્રોબલેમ. ને પહેલાં સુધ ખંભારિયાની બોલી બોલતા વટથી, ને હવે ને ગવરમેટ સર્વિસને લીધે ગોંધીનગરમાં સેટલ થયા પછી અઢારે વરણની બોલી બોલતા થયેલા. કોકવાર અંદાવાદી, કોકવાર હુરતી, કોકવાર ચરોતરી ને એવી બધી મિક્સ–ટોક થઈ જાતી. મીન્સ કે પ્યોર વૈષ્ણવજનમાંથી માઇનોર માઇનોર નાતબહાર તો થઈ ગયેલા, પણ પેસમેકર પછી સિરિયલુંની નટીયુંને માત સમાન ગણવાનું બિલકુલ થતું નહીં. બહુ ફાઇન ફીલ થાય તો મિસિસને અડપલાં કરી લ્યે ને મિસિસ ખોટેખોટે રાડું પાડે કે “રોગા કંટાળા ન દ્યોને!” મારા બેટા સોહરાબ મોદીનાં કારસ્તાન. પણ ગુડ કારસ્તાન. ફાઇન કારસ્તાન.
ને પછી થાવાકાળ એવું થયું કે એક સિરિયલમાં એક બાઈમાણસ જરાક વધુ પડતી ઘાટીલી લાગતીતી. ને ભગવાન જાણે કેમ પણ, સોહરાબ મોદીના સમ, એવી અદાઉં કરે, એવી અદાઉં કરે કે હરિભાઈને એમ લાગે કે ઈ ડાયરેક્કલી તેની સામું જોઈને કાંઈક પ્રાઈવેટ વાત કરે છે. હરિભાઈ મનમાં ને મનમાં જાણે ગુલાંટિયાં ખાવા મંડેલા, સિરિયલ જોતાં જોતાં, ને એમ ને એમ આંખ મળી ગઈ. તો ગધની સપનામાંયે ઓલી નટી દેખાણી, કહે કે પ્યાર કિયા નહીં જાતા, હો જાતા હૈ! અને હરિયાને થયું કે સીધ્ધો આ લેડીઝના ઘરે જઈને એને ભેટી પડું ને કહું કે હમ તો તેરે દિલ કે બંગલે મેં આના મંગતા!
***
અરે! જોયું તો સવાર પડી ગઈતી ને મિસિસ હરિદાદાને ઉઠાડતાંતા, ઊઠો એય! આટલા વરસમાં કોઈદિ નહીં ને આજે જાણે મિસિસ હરિલાલાની સામે આંખ મારતાં હતાં!
કાં રાડું પાડ પાડ કરછ, સવારના પોરમાં? હરિદાદાએ પૂછ્યું. ને મન્કીછાપ દંતમંજન લઈને નિત્યકર્મ કરવા ઊભા થયા. નહાતાં નહાતાં આપોઆપ જાણે મગજમાં ઝબકારો થયો કે સાળું હવે ચાર છોકરાંવના દાદા થયા ઈ ઉંમરે આવા સોઢા સણગારવા ઈ પાપ ગણાતું હસે કે કેમ, ભગવાનના ઘરમાં? અને બસ દાદાજીએ સુવાસ કરી લીધો અધ્ધર, વારી પલાંઠી ને આખું કરી બંધ, ને લીધું દુવારકાના ધીસનું નામ, પ્રભુ અંતરજામિ!
કાં દીકરા, મુંઝાણો છો? ભગવાને પૂછ્યું.
તમે તો અંતરજામિ છો ભગવાન, કહેતાં દાદાજીએ આંખ ઉઘાડી તો ઓત્તારીની! ભગવાન તો આજે નારીસ્વરૂપે પ્રગટ થિયાંતાં!
તને એમ છે કે તને જે ફીલ થાય છે ઈ આડીલાઇનના વિચાર કહેવાય, એમ ને? ને તને થાય છે કે આ ઉંમરે ગોઠણના દુખાવાની ને ગીતાજીની ને એવી બધી વાતું કરવી જોયેં, યસ?
યસ.
અરે દીકરા, મનુસ્યોએ બોલી બોલીને બાજી બગાડી છે. બોલવું ઈ એક વાયડાય છે, સમજ્યો? પસુપંખી કાંઈ વાતું કરે છે કે સંસાર અસાર છે? ને તોયે સંસાર ચાલે છે કે નહીં? ઈ બધું ટાઇમ ટુ ટાઇમ થવાકાળ થયા કરે એવું મેં બહુ કેરફુલી એરેન્જ કરેલું છે. તું ફોકટની ફિકર ન કર. તને જે જે ફીલ થાય છે ઈ કુદરતી તો છે જ, ને ગુડ–ફોર–યુ બી છે, યુ ફોલો? લખી રાખ એક ડાયરીમાં કે અઠ્ઠાણુ પરસન્ટ મનુસ્યોને આવા વિચાર આવે છે, દર બીજી સેકન્ડે, યુ ફોલો?
પણ ઈ નેચરલ કહેવાય?
ઈ બટ નેચરલ છે! ને એમાં કાંઈ ખોટું નથી. જીવતા હોવાનો એક ભાગ છે, જેમ ભૂખ લાગે, તરસ લાગે, હસવું આવે, દુખ થાય ને એમ આવી ઇચ્છાઉં થાય. ઈ હેલધી છે.
ઓહો! પણ ભગવાન મને તો દર બે સેકંડે નહીં પણ દર એવરી સેકંડે આવા ફાઇન ફાઇન વિચાર આવે છે, ઈયે હેલધી કહેવાય?
યસ, ઈ ડબલ હેલધી કહેવાય. ભગવાન બોલ્યા, ને ઓત્તારીની, ભગવાનેયે જાણે હરિયાને આંખ મારી.
પણ તો પાપ કેમ કહ્યું છે સાસ્ત્રોમાં?
વિચાર આવે, ફાઇન ફાઇન ફીલ થાય, ને તનમાં આવીને તમે ડાન્સ કરવા મંડો, ગાવા મંડો, ગઝલું લખો ઈ બધું ઓક્કે કહેવાય, બેટા, એમાં કાંઈ દોસ નથી. ઇન્ફેક્ક, બધા ગાવાવારા, ને લખવાવારા, ને ચીતરવાવારા ઈ બધા વિચારને એક બ્યુટિફુલ ફોમ્મ’માં કનવર્ટ કરે છે. ભગવાને હરિયાની ચિબુક હાથમાં લઈને કહ્યું, કે પાપ એને કહેવાય, ગાંડા, કે એવા વિચારનો તમે કાંઈક ખરાબ અમલ કરો! તને ઓલી નટી ગમી ગઈ તો ફાઇન! નો પ્રોબલેમ. પણ તું કાલે ઊઠીને એના ઘરે જઈને એની છેડતી કરે ઈ પાપ કહેવાય! ઇચ્છા પાપ નથી, તેનો પાપી અમલ કરવો ઈ પાપ છે, ગાંડા! ને હરિયાની નજરની સામે સીન વેવી–વેવી થયો ને અંતરજામિ અંતરધાન થઈ ગયા.
***
વિજિયાદસમી હતી ને ફર્સ્ટ ક્લાસ જલેબી ને ફાફડા સિરામણમાં હાજર હતા. હરિભાઈ ડાઢીબાઢી કરીને સુંગધી સાબુથી નહાયા હતા, માથે અપટુડેટ ધુપેલ બુપેલ ઠઠેડીને બાબરી ઓળી હતી.
મિસિસે દાંત કાઢતાં કાઢતાં કહ્યું, રાત આખી કોને ખબર કોની ભેરા ગપાટા મારતા હતા તમારા સપનામાં! ને હરિયો મિસિસની પાસે ગયો.
આઘા જાઓ, પાછા રોગા કંટાળા દેવા આયવા છો ને? મિસિસે કહ્યું.
હરિયાએ આંખ મારીને કહ્યું, સિંગલ નહીં ડબલ કંટાળા દેવા આયવો છું, ડીયર!
સમાપ્ત