“વિકાસની વાતો કરતા રાજ્યની વારતા” ~ મૂળ પોલિશ વાર્તા “એન રાઉટ” ~ મૂળ લેખકઃ સ્લાવોમિર મ્રોઝેકે ~ આસ્વાદઃ બાબુ સુથાર
(લેખક પરિચયઃ સ્વાવોમિર મ્રોજેક (૨૯ જૂન ૧૯૩૦ – ૧૫ ઓગસ્ટ ૨૦૧૩) પોલેન્ડના નાટ્યકાર, લેખક અને કાર્ટૂનિસ્ટ હતા.
મ્રોજેક સ્ટાલિનશાહી સમયગાળા દરમિયાન પોલેન્ડના પીપલ્સ રિપબ્લિકમાં પોલેન્ડ યુનાઈટેડ વર્કર્સ પાર્ટીમાં જોડાયા હતા અને રાજકીય પત્રકાર તરીકે જીવન ચલાવતા હતા. તેમણે ૧૯૫૦ના અંતમાં નાટકો લખવાનું શરૂ કર્યું. તેમના નાટ્યકૃતિઓ અબ્સર્ડિસ્ટ ફિક્શન શૈલીની છે, જે પ્રેક્ષકોને અવિસ્તવિક ઘટનાઓ, રાજકીય અને ઐતિહાસિક સંકેતો, વિકાર અને પેરોડી દ્વારા આશ્ચર્યચકિત કરવા માટે રચાયેલ છે.
૧૯૬૩માં તેઓ ઇટાલી અને ફ્રાન્સ સ્થાયી થયા અને પછી મેક્સિકો ગયા. ૧૯૯૬માં તેઓ પરત પોલેન્ડ આવ્યા અને ક્રાકોવમાં સ્થાયી થયા. ૨૦૦૮માં તેઓ ફરીથી ફ્રાન્સ ગયા. તેઓ નીસમાં ૮૩ વર્ષની વયે અવસાન પામ્યા
મ્રોઝેક વાર્તાઓ, લોકજાગૃતિના લેખો અને ખાસ કરીને નાટકો માટે વધુ પ્રસિદ્ધ છે. એમનું પ્રથમ નાટક The Police 1958 માં પ્રકાશિત થયું હતું. તેમની પ્રથમ સંપૂર્ણ લંબાઈની નાટકી Tango (1965), જે Theatre of the Absurdની શૈલીમાં અધિનાયકતંત્ર (Totalitarianism) વિષે લખાયેલું હતું, Britannica અનુસાર, આ નાટક મ્રોઝેકનું સૌથી વધુ સફળ નાટક બની રહ્યું, જે પશ્ચિમી દેશોમાં વ્યાપકપણે પ્રસ્તુત થયું.
1975 માં, તેમનું બીજું પ્રખ્યાત નાટક Emigranci (The Émigrés), જે પેરિસમાં રહેતા બે પોલિશ ઈમિગ્રન્ટ્સ પર લખાયેલું હતું. આ નાટક કર્કશ અને વ્યંગાત્મક ચિત્રણ પર આધારિત હતું,
મ્રોઝેકે ફ્રાંસ, ઇંગ્લેન્ડ, ઇટાલી, યૂગોસ્લાવિયા અને અન્ય યુરોપિયન દેશોની મુસાફરી કરી. 1981માં સૈન્ય દમન પછી, તેમણે Alfa નામનું નાટક લખ્યું, જે Solidarityના નેતા લેખ વાલેસા (જે પછીથી પોલેન્ડના પ્રમુખ બન્યા) વિશે હતું. આ એકમાત્ર નાટક હતું જે મ્રોઝેકે લખવા માટે પસ્તાવો કર્યો. પોલેન્ડમાં સૈન્ય કાયદો લાગુ થયા પછી, Alfa, The Ambassador અને Vatzlav નાટકોના મંચન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ સમયગાળામાં, દેશમાં ખોરાકની અછત, કર્ફ્યૂ અને પોલીસ નિયંત્રણ લાગુ હતું. ઘણા કલાકારોને રોકવામાં આવ્યા હતા. .
તે સમયગાળામાં રંગમંચ પર કડક સેન્સરશિપ હતી. 1982માં રજૂ થયેલા Vatzlavના પ્રદર્શન દરમિયાન, સેન્સરશિપ દ્વારા ઘણા હાવભાવ અને ભંગિમાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એક પાત્રના પિતાને દાઢી રાખવા ન દેવામાં આવી, કારણ કે તે કાર્લ માર્ક્સ જેવો દેખાતો હતો. આમ એ સમયગાળામાં નાટકના દૃશ્યો પર પણ સત્તાવાળાઓ દ્વારા નિયંત્રણ મુકાયું હતું.)
*********
પૉલીશ લેખક સ્લાવોમિર મ્રોઝેકે (Slawomir Mrozek) એમની “En Route” વાર્તામાં વિકાસની સરકારી વિભાવનાના ધજાગરા ઊડાડ્યા છે.
(“En Route” – meaning ‘On the Way’ or ‘Along the Way’)
આમ જુઓ તો આ વાર્તામાં કશું નથી બનતું. વાર્તાનો કથક એક ઘોડાગાડીમાં બેસીને જાહેર રસ્તા પર થઈને જઈ રહ્યો છે. એ દરમિયાન એ રસ્તા પર કેટલાક માણસોને ઊભેલા જુએ છે. એ બધા જ માણસો પાછા એક સરખા અંતરે ઊભા છે. કથકને પ્રશ્ન થાય છે કે કોણ હશે આ માણસો? એ ઘોડાગાડીવાળાને પૂછે છે અને ઘોડાગાડીવાળો કહે છે: એ બધા સરકારી કર્મચારીઓ છે. કથકને આશ્ચર્ય થાય છે. કેમ કે એ બધા ઊભા છે. કોઈ કામ કરતા નથી. સરકાર કોઈને કેવળ ઊભા રહેવાની નોકરી થોડી આપે? કથકની જિજ્ઞાસા વધે છે. એ ઘોડાગાડીવાળાને પૂછે છે કે એ લોકો ઊભા ઊભા શાનું કામ કરે છે? ઘોડાગાડીવાળો જવાબ આપે છે: એ લોકો તારના થાંભલાનું કામ કરે છે. અને પછી શરૂ થાય છે કથક અને ઘોડાગાડીવાળા વચ્ચેનો સંવાદ અને એ સંવાદમાંથી પ્રગટ થાય છે સરકારની વિકાસની વિભાવના. એ વિકાસમાં માણસ તારના થાંભલા બનવાનું કામ કરે છે.
જ્યારે ઘોડાગાડીવાળો કહે છે કે એ લોકો તારના થાંભલાની નોકરી કરે છે ત્યારે કથકને પ્રશ્ન થાય છે કે આવું કેમ? સરકાર થાંભલા કેમ નથી રોપતી? તો ઘોડાગાડીવાળો કહે છે કે પહેલાં થાંભલા નાખેલા પણ પછી લોકો એ થાંભલા ચોરી ગયા! કથકનું આશ્ચર્ય વધતું જાય છે. એ પૂછે છે: પણ તાર તો છે નહીં. તો એ લોકો કઈ રીતે તારના થાંભલાનું કામ કરતા હશે? ઘોડાગાડીવાળો કહે છે: એક છેડે ઊભેલા માણસને પોસ્ટ માસ્તર સંદેશો આપે. પછી એ માણસ જોરથી બોલીને એ સંદેશો બીજાને આપે. પછી બીજો ત્રીજાને અને ત્રીજો ચોથાને. એમ સંદેશો બીજી પોસ્ટ ઓફિસ પર પહોંચે!
વાર્તાનો કથક પણ જાય એવો નથી. એ પૂછે છે કે એવું ન બને કે એક છેડે તમે એક સંદેશો આપો ને બીજે છેડે એ સંદેશો બદલાઈ જાય? ઘોડાગાડીવાળો કહે છે: બને. ક્યારેક એવું થાય પણ ખરું. ઘોડાગાડીવાળો જે રીતે જવાબ આપે છે એ જોતાં આપણને લાગે કે એ તો આવી બધી ઘટનાઓથી ટેવાઈ ગયો છે. કથક પૂછે છે: એ વાત સાચી. પણ, ક્યારેક કોઈ વિદેશી શબ્દ આવી જાય તો એ શબ્દોને આ લોકો કઈ રીતે ઉચ્ચારતા હશે? ઘોડાગાડીવાળો કહે છે કે એવું ઘણી વાર બન્યું છે. એથી જ અમારા પોસ્ટ માસ્તર દેશની મુખ્ય પોસ્ટ ઓફિસના વડા સાથે આ પ્રશ્નની ચર્ચા કરવા માટે ગયા છે!
વાર્તાની ખૂબી એ છે કે જેમ જેમ આપણે આ વાર્તા વાંચતા જઈએ એમ એમ આપણને એમ લાગે કે આપણે પણ એ ઘોડાગાડીમાં છીએ અને આપણે એ સંવાદ સાંભળી રહ્યા છીએ. આપણે એ સંવાદના સાક્ષી છીએ. જો કે, આપણને પેલા કથકને થાય છે એવી જિજ્ઞાસા થતી નથી. પણ, એક પ્રશ્ન સતત થયા કરે છે: લેખક વાર્તાનો અન્ત કઈ રીતે લાવશે?
ઘોડાગાડી આગળ વધે છે. કથક પ્રશ્નો પૂછે જ જાય છે. એક પ્રશ્નના જવાબમાં ઘોડાગાડીવાળો કહે છે કે આ નોકરીમાં બહેરા માણસોને લેવામાં નથી આવતા. કેમ કે એ લોકો સંદેશો સાંભળી ન શકે. એ જ રીતે, તોતડું બોલતા માણસોને પણ આ નોકરી આપવામાં નથી આવતી. એક વખતે ભૂલથી આ લોકોએ એક તોતડાને નોકરી આપેલી તો સંદેશા બધા એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા! એ એમ પણ કહે છે કે ક્યારેક બે માણસો વચ્ચે પંદરેક કિલોમીટરનું અંતર હોય તો એક માણસ ઘોડાગાડી લઈને બીજા પાસે જાય અને એને સંદેશો આપી દે. એટલું જ નહીં, એ એમ પણ કહે છે કે નજીકમાં જ રહેતા લોકો તારનો થાંભલો બનવાની નોકરી વધારે પસંદ કરતા હોય છે. એમાં બોલવા સિવાય બીજું કંઈ કરવાનું નહીં. ઘોડાગાડીવાળો વારંવાર એક વાત કરતો હોય છે: પરંપરાગત તારની સગવડ કરતાં આ સગવડ વધારે વિકાસશીલ છે! અને જ્યારે પણ એ એમ કહેતો હોય છે ત્યારે ઘોડાને ચાબૂક મારતો હોય છે.
ટૂંકી વાર્તાના લેખકે એક વાતની કાળજી રાખવાની હોય છે. એ ઘણી વાર કોઈક સરસ પ્રસંગથી વાર્તાની શરૂઆત કરે પણ પછી એને એમાંથી બહાર નીકળતાં ન આવડે. કેટલાક વાર્તાકારો ચાલાકી કરીને નીકળી જાય અને એ ચાલાકી પછી વાર્તાનો ભાગ ન બને. આ વાર્તાના લેખક એ બાબતમાં હોંશિયાર છે. એ કહે છે કે હું ઘોડાગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે મને ‘આઆઆઉઉઉ..’ જેવો અવાજ સંભળાયો. ઘોડાગાડીવાળાએ મને કહ્યું, “સાંભળો, એ લોકો સંદેશો મોકલી રહ્યા છે.” પછી એણે ઘોડાગાડી ઊભી રાખી અને કહ્યું, “થોડી વારમાં આપણને પણ એ સંદેશો સંભળાશે.” ત્યાં જ મને સંદેશો સંભળાયો, “પિતાજીનું મરણ થયું છે. અંતિમવિધિ બુધવારે.” એ સાંભળતાં જ ઘોડાગાડીવાળાએ કહ્યું, “ભગવાન એમના આત્માને શાન્તિ આપે.” અને પછી એણે ઘોડાગાડી આગળ ચલાવી.
મ્રોઝેકે સાચે જ આ વાર્તામાં કમાલ કરી છે. એણે એક એવા રાજ્યની વાત કરી છે જેમાં લોકો તારના થાંભલા ઉપાડી જાય છે. જ્યાં સરકાર લોકોને તારના થાંભલા બનવાની નોકરી આપે છે અને પછી કહે છે: જુઓ, રાજ્ય વિકાસ કરી રહ્યું છે.
Saras