પન્નાબહેનના ૯૧મા જન્મદિને ~ જયશ્રી વિનુ મરચંટ
પન્નાબહેનને અક્ષરદેહે ઓળખતાં નહીં નહીં તોયે ૫૨ – બાવન -વરસ તો થયા જ હશે.
મને યાદ છે, “કવિતા” મેગેઝીન આવે તો સૌ પહેલાં પન્ના નાયકની કવિતા અનુક્રમણિકામાં છે કે નહિ તે જોવાની મારી ટેવ હતી. મારા પતિ વિનુ ત્યારે પૂછતા કે “જો પન્નાબહેનની કવિતા નહીં હોય તો શું કવિતાનો અંક વાંચીશ નહિ?” મને આજે પણ યાદ છે કે મેં ત્યારે કહ્યું હતું કે, “વાંચીશ તો ખરી, પણ ત્યારે ગોળ વિનાની ગુજરાતી દાળ ખાતી હોઉં એવું લાગશે!”
પન્નાબહેનની કવિતાઓએ મારા મનોજગતને એક રીતે કહીએ તો Possess કરી લીધું હતું. (આજે પણ એ સંમોહન યથાવત્ છે) એમની કવિતાઓ મારા ભાવવિશ્વને ઝંકૃત કરી જતી અને આજે પણ એમની કવિતાઓ વાંચતાં એવી જ “Celestial Effects” અકબંધ રહી છે. મારા જેવા હજારોને એમની કવિતાઓ દ્વારા પન્નાબેન રોમરોમ સ્પર્શ્યા છે, એ પણ હજારો યોજનો દૂરથી!
પન્નાબેનની કવિતામાં આ જાદુ ક્યાંથી આવે છે અથવા તો કવયિત્રી પન્ના નાયકમાં એવી કઈ જાદુગરી છે ? જો એ એક જ વાક્યમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે એમની કવિતા સો ટચના સોના જેવી એટલે લાગે કે એમાં કવયિત્રી સ્વયં ઘૂંટાઈને અક્ષરોમાં ઉઘાડ પામે છે. પણ પાસાદાર હીરા જેવું, ઉંમરના દરેક પડાવને પડકાર આપતું સદાબહાર આભિજાત્યસભર વ્યક્તિત્વ પામવું હોય તો કવિતા પોતે કવયિત્રીના રોમરોમમાં ઘૂંટાઈને ધબકે, ત્યારે પન્ના નાયક બની શકાય છે.
પન્નાબેન, અમે ફિલાડેલ્ફિયા આવ્યાં ત્યારની આપણી ૪૮ વર્ષોની મૈત્રીમાં હું જ સતત નફામાં રહી છું. તમારું Unconditional વહાલ અને દોસ્તી મારા જીવનની મોટી મિરાત છે. મારી જાણમાં તમે એક જ એવા કવયિત્રી છો કે સાચા અર્થમાં તમારી કવિતાના સ્પંદનો દરેક વાચકના હ્રદયમાં માત્ર ઘર નથી બનાવતાં, પણ વાચક પોતે એ સ્પંદનોમાં વસતો થઈ જાય છે. પન્નાબેન, તમે ગઝલ સિવાયનાં વિવિધ સાહિત્યનાં પ્રકારોને તમારી કલમથી સમૃદ્ધ કર્યા છે, પણ ગઝલને ખેડી નથી. એનું જે કારણ છે તે આજે કહું છું. તમે સ્વયં સર્વાંગસુંદર ગઝલ છો, જેમાં ઈશ્કેમિજાજી અને ઈશ્કેહકીકી વસે છે, તો તમારે ગઝલ લખવાની શી જરૂર?
તમારા સતત મૈત્રી, સમજણ અને પ્રેમથી મારું, વિનુનું અને અમારાં સંતાનોનું જીવન અર્થપૂર્ણ બન્યું છે એ માટે આભાર માનવા મારી પાસે શબ્દો નથી. (આજે વિનુ હયાત હોત તો એ પણ આ જ કહેતે!)
પન્નાબેન, કવિતાને નવા સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં તમે પ્રસથાપિત કરી છે. એમાં તમારા વિચાર, વાણી અને વ્યવહાર- બધાનું સરખે હિસ્સે યોગદાન રહ્યું છે. શ્રીમદ્ ભાગવતમાં વેદવ્યાસ કહે છે કે જ્યારે વિચાર, વાણી અને વ્યવહારમાં સુમેળ, સમકાલીનીકરણ – સિંક્રનાઇઝેશન – Synchronization હોય છે ત્યારે વ્યક્તિ ચિરયુવા રહે છે. કદાચ આ જ કારણથી તમારી વાણી, વિચાર અને વર્તનમાં યૌવનની સ્ફૂર્તિની કમી આવી નથી. આ જ કારણથી તમારી કવિતાને નવયુવાન રહેવા આજ સુધી કોઈ જડીબુટ્ટી લેવી નથી પડી.
તમારા પાસેથી જીવન ખુદ તાજગી, સાદગી અને સૌંદર્યના અભિગમો ઉધાર માગે છે.
તમે આમ જ સ્વસ્થ, સુંદર અને શાહબુદ્દીનભાઈની ભાષામાં કહું તો “કડાકેભેર – ભડાકાભેર” આવનારાં સઘળા વર્ષો જીવો, એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.
પન્નાબહેન, તમે ગુજરાતી સાહિત્યના “Living Legend “ છો. તમારું નામ અને તમારી કવિતાઓ ગુજરાતી ભાષાના ઈતિહાસમાં ગૌરવભર્યું સ્થાન તો Already બનાવી ચૂકી છે.
અંતે, તમારી કવિતાઓ મારે મન શું છે એ માટે તમારું એક હાઈકુ ટાંકીને વિરમું છું.
“મારે કાળજે
ઘૂંટ્યા કરતી, એની
યાદનું કેસર…!”
આપને ૯૧માં જન્મદિનની અઢળક શુભકામનાઓ. Wishing you a very Happy Birthday, વહાલા પન્નાબેન.
– જયશ્રી વિનુ મરચંટ