“વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન…!” ~ સુરેશ દલાલ સાથેની વાતોનું સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

“સંબંધો એવા વણસે કે ત્યારે સ્મૃતિ બોજો બની જાય.” – સુરેશ દલાલ

(મને હજી પણ યાદ છે, સુરેશભાઈ દલાલ સાથેની એ વાતચીત, જે મીડ એઈટીઝમાં, લેજેન્ડરી કવયિત્રી પન્નાબેન નાયકના ઘરે ગોઠવાયેલી એમની બેઠક પછીની અંગત મિત્રો સાથેની મહેફિલમાં થઈ હતી. કંઈક બગડેલા સંબંધો વિષેની વાતોનો દોર શરૂ થયો.

સુરેશભાઈ ફોર્મલ બોલે કે ઈનફોર્મલ બોલે, એમની વાતો સહુને પોતાની જ લાગે અને સાંભળનારા સહુ એમની વાતોના વહેણમાં વહી જ જાય. એમણે કહેલી એ વાતો મેં ઘરે જઈને મારી ડાયરીમાં નોંધી લીધી હતી.

આજે ફરી જૂની ડાયરી હાથમાં આવી. ત્યારે આ લખાણ મારા ધ્યાનમાં આવ્યું. મારા ખ્યાલથી આ વાત એમના કોઈક પુસ્તકમાં પણ છે, પણ એ પુસ્તકનું નામ અત્યારે યાદ નથી આવતું. ઘણું બધું મારા સ્મરણમાંથી મારી ડાયરીમાં લખાયેલું છે, તો એની નોંધ વાચકોને લેવા વિનંતી.)

“આપણો કોઈક સાથે સંબંધ બંધાય છે ત્યારે હકીકતમાં શું થાય છે? પહેલાં તો મળીએ ત્યારે છૂટા પડવાનું મન થતું નથી અને છૂટા પડ્યા પછી ફરી પાછા મળવાની તાલાવેલી લાગે છે.

મળીએ ત્યારે વાતો વહેતી જાય, નૌકાની જેમ, સમયની જેમ. અને આ વાતોમાં નોંધપાત્ર એવું કશું નથી હોતું. છૂટા પડ્યા પછી શું કર્યું, શા વિચારો કર્યા, કોને મળ્યા, પ્રિય વ્યક્તિ વિના કૈંક સારું જોયું અને આનંદ માણ્યો, પણ, સાન્નિધ્યના અભાવનો ખટકો રહી ગયો….

આવી બધી વાતોની બારીમાંથી સૂર્યપ્રકાશ જેમ ઉમળકો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક, પ્રકટી જાય. આવું બધું બોલવું ગમતું હોય છે, સાંભળવું ગમતું હોય છે, સ્પર્શવું ગમતું હોય છે. છૂટા પડ્યા પછી એ ક્ષણોને વાગોળવાનું ગમતું હોય છે. જીવન એક રંગીન, રોમાંચથી જીવાતું હોય છે, એવું લાગવા માંડે છે.

અચાનક એવું “કશુંક” બને છે, કે, કશુંય ન બનવા છતાં પણ મનથી જ દૂર થઈ જવાય છે. હવે મળીએ છીએ ખરાં, પણ શબ્દો પતંગિયાની રંગગતિએ ઊડતા નથી. શબ્દો નાછૂટકે હોઠ પર આવે છે. સમય “સ્ટીલ લાઈફ”ની ફ્રેમમાં થીજી ગયેલું ઝરણું બનીને રહી જાય છે.

એક જમાનામાં, સાથે મળતાં અને કંઈ કરવાની કે કહેવાની વાતો નહોતી બાકી રહેતી, ત્યારે પણ, સાથે ચૂપચાપ બેસીને મૌનની પણ મજા લેતાં હતાં, એ મૌનનું પણ, પોતીકું લાગતું એક રૂપાળું રહસ્ય હતું.  હવે એ જ મૌન અસહ્ય અને ભેદી લાગે છે.

એક જમાનો એવો હતો કે આસપાસના વાતાવરણનો પણ એક લયપૂર્ણ અર્થ હતો. હવે એનું એ જ વાતાવરણ પણ અર્થહીન બનીને ખૂંચવા માંડે છે, ખટકવા માંડે છે. મન તો એ વાતાવરણમાંથી ક્યારનુંય ભાગી ચૂક્યું છે અને હવે તો પ્રત્યક્ષ હાજરી પણ ખૂંચવા માંડે છે.

એની એ જ વ્યક્તિઓ છે – પણ સંબંધમાં તિરાડ પડી છે. વાત કરવા જઈશું તો એકમેકના દોષની કહેવીયે નહીં ગમે કે સાંભળવીએ નહીં ગમે એવી દાસ્તાન હશે..! ઝંખનાઓ જીર્ણ થઈ ગઈ છે. અપેક્ષાઓ નંદવાઈ ગઈ છે, રસ સૂકાઈ ગયો છે અને એકમેકના સાથની ભૂખ રહી નથી.

એક વખત જે મનગમતું અને માનીતું હતું, તે હવે અણગમતું અને અણમાનીતું થઈ ગયું છે. સ્મૃતિના મેઘધનુષનો રંગ કાળો થઈ ગયો છે. જીભ નામનું સંબંધોનું એક અવયવ રહી ગયું છે પાછળ, પણ એ સંબંધોનો સ્વાદ જતો રહ્યો છે.

કોઈ દેખીતું કારણ પણ અનેકવાર નથી હોતું, બસ, “કશુંક” ઓચિંતું જ જિંદગીના સતત દોડતા રેલ-એન્જિનમાં ખોટવાઈ જાય છે અને જિંદગી એક એવા “પોઈન્ટ ઓફ નો રીટર્ન” પર આવીને ઊભી રહી જાય છે.

હવે અચાનક મળી પણ જવાય છે તો માત્ર શિષ્ટાચાર પૂરતું, કહેવા ખાતર મળી લેવાય છે, એકમેકને મળવા ખાતર કે મનાવવા ખાતર તો નહીં જ!

કશુંયે બગડ્યું ન હોય અને કશુંયે બન્યું ન હોય છતાંયે, અનેકવાર, ભૂતકાળની કોઈ સ્મૃતિ, કોઈ દુખતી રગ ઓચિંતી જ દર્દ કરવા માંડે છે. એ જ દર્દ, જે પહેલાં, સંબંધ સાચવી લેવા ખમી લીધું હોય છે ને અચાનક જ, કંઈક થવાથી કે કહેવાથી, સંબંધના કોઈ મોડ પર, મનોભૂમિનો કબજો કરી લે છે.

જ્યારે આવું બને છે ત્યારે, સંબંધોના અનેક સ્વરૂપ અને અનેક સ્તર માંથી માથું ઊંચકે છે, એક વણસેલો, કણસેલો, દુભાયેલો ને દુણાયેલો સંબંધ, જે અત્યાર સુધી, ખુશી ખુશી અથવા તો કોઈ લાચારીથી કે પછી ડરથી સહી લીધો હતો. આ સંબંધ એક એવી અંતિમ ખીણ બની જાય છે કે અહીં પહોંચ્યા પછી, એ ખીણમાંથી નીકળવું પણ શક્ય નથી હોતું અને એ સંબંધની સ્મૃતિ પણ બોજો બની જાય છે.“

ત્યારે કોઈકે પૂછ્યું હતું કે, “છૂટાં પડી ગયેલાં, એક સમયના સુંદર સંબંધોએ પછી સાંત્વના શેમાં શોધવી જોઈએ?”

સુરેશભાઈનો જવાબ સચોટ હતો કે (મને આજે પણ યાદ છે); કોઈક કોઈકને સામી વ્યક્તિને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવામાં એક પ્રકારનો “Sick” આનંદ આવે છે અને પછી, સ્વયં, “Holier than thou” – એટલે કે, ‘અમે તો મનથી ખૂબ જ સ્વચ્છ અને સદા સત્યનું જ આચરણ કરવાવાળા’ એવું સાબિત કરવામાં મંડી પડે છે, અને એમની મોટીમોટી વાતોથી લોકોને ઈમ્પ્રેસ પણ કરી શકે છે.

                                                                        (Quoted by: Richard Rohr)

આવી વ્યક્તિઓ, તો સાચા અર્થમાં, “સો ચૂહે મારકર, બિલ્લી હજ કરને કો ચલી” જેવા હોય છે. કેટલાયનો ‘ઘડોલાડવો’ કરી નાંખ્યા પછીયે એમનું તો રૂંવાડું પણ ફરકતું નથી અને સૂફિયાણી વાતો કરીને પોતાના કર્મોને પોતાના મન સાથે જ વ્યાજબી ઠરાવે છે.

આવા લોકોનો તોડ એક જ છે, કે, એમને તમારા મન, કે આત્માની રિયલ એસ્ટેટની એક સેન્ટીમીટર જેટલી પણ જગા આપવી નહીં. Let the bygone be bygone. જે જતું રહ્યું તે જવા દો.

આવા સંબંધો પતી ગયા હોય તો ઈશ્વરનો આભાર માની સતત પ્રસન્ન રહીને આગળ વધતાં રહેવું. આપણી ખુશીની સ્વીચ કાયમ આપણાં હાથમાં જ રાખવી. કોઈને પણ એની Access – પ્રવેશ કરવાનો માર્ગ આપવાની જરૂર નથી.

આ વાત વિચારીને અમલમાં મૂકાય તો નાહકનો મનમાં થતો ઉત્પાત અને સંતાપ એની મેળે શમી જાય અથવા તો થાય પણ નહીં..! સાચે જ, આ કક્ષાએ પહોંચેલા સંબંધોમાં કંઈ બાકી નથી રહેતું, ત્યારે, “વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકે છોડના અચ્છા.”

Basically, કેટલી સચોટતાથી સુરેશભાઈએ સંબંધો વિષે એક ઈનફોર્મલ સેશનમાં વાત કરી હતી! આ વાતમાં રહેલું તથ્ય અને સત્ય, કદાચ, ચાળીશ વર્ષોના વ્હાણાં પછી પણ એટલું જ સો ટચના સોના જેવું ચમકે છે.

આ જ તો છે સાચી, કેળવાયેલી, સૂઝબૂઝવાળી, પરિપક્વ અને સહજ સર્જકતાનો જાદુ, જેને દેશકાળના કોઈ અંતર નડતાં નથી અને એ દરેક સમય અને સ્થળના પરિવેશમાં અમર રહે છે.

સુરેશભાઈ, વી મીસ યુ!

(ઓગષ્ટ ૨૦૨૦, “દાવડાનું આંગણું”ના  સૌજન્યથી, સાભાર)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. One of my favorite songs from movie Gumrah… Sahir was a master poet with an art of saying things beautifully in few lines. But these lines were used by a lover saying to his/her beloved when relationship fails to reach its Anjaam wished by both the involed! Surash bhai had a knack to say things and put it in a context!
    Nikhil Mehta
    Houston