અધૂરાં સપનાં ~ લઘુ નવલકથા ~ ભાગ ૪ ~ સપના વિજાપુરા
પ્રકરણઃ ૩૩
સવારે વહેલા ઊઠીને બધાંએ નાસ્તાપાણી કર્યા. મહેશભાઈએ અમેરિકાની અવનવી વાતો કરી. એમની પોતાની ફોર સ્ટાર હોટેલ હતી. અને રોહિત સોફ્ટવેર એન્જિનિયર બન્યો હતો. એને બિઝનેસમાં રસ નહોતો. પણ એની જોબ ખૂબ સરસ હતી. શિકાગોનો બરફ અને કેલિફોર્નિયાની આગ વિષે બધી વાતો થઈ ગઈ. બધા રસથી વાતો સાંભળી રહ્યાં હતાં. મહેશભાઈએ હસમુખભાઈને કહ્યું, ” જો હસમુખ આપણે બંને વરસો થી મિત્રો છીએ. આજ તારી પાસે હું તારી દીકરીનો હાથ માંગુ તો ઇન્કાર નહિ કરતો. નેહા મને મારી પુત્રવધુ તરીકે ગમી ગઈ છે. મારી ઈચ્છા છે કે હું એને મારા ઘરની લક્ષ્મી બનાવું. હા રોહિત અને નેહાની મરજી હોય તો.”
હસમુખભાઈ મૌન થઈ ગયા. એમણે નેહાની સામે જોયું. થોડીવારના મૌન પછી એમણે કહ્યં, “હા, નેહાની મરજી હોય તો મારી ના નથી. પણ તમે લોકો થોડા સમય માટે આવ્યાં છો અને અમેરિકાવાળાને લગ્ન જલ્દી કરી લેવાની ઈચ્છા હોય છે. તેથી હું બધું રોહિત અને નેહા ઉપર છોડું છું. એમની ઈચ્છા પ્રમાણે જ કરીએ!”
મહેશભાઈએ કહ્યું, “આજ સાંજે અમારે મુંબઈ જવાનો વિચાર છે. તો રોહિત અને નેહાને વાત કરી લેવા દઈએ. પછી આગળ વાત કરીએ.”
રોહિતની પણ ઈચ્છા હતી કે એકાંત મળે તો નેહાના દિલની વાત જાણી શકે.
બા નેહાને એક તરફ લઈ ગયાં, અને કહ્યું ,” જો બેટા , અમે તમારી ઉપર કોઈપણ જાતનું દબાણ કર્યું નથી અને કરવાનાં નથી. પણ તું સમજદાર છે. મને ખબર છે સાગરનો જખમ હજુ તાજો છે અને તારું દિલ હજુ આળું છે. પણ તારે સાગરને ભૂલવો પડશે એ ઈશ્વરની ઈચ્છા છે. પણ સાગરનું સપનું તું પૂરું કરી શકીશ. અને રોહિત ખૂબ સંસ્કારી. છોકરો છે અને મહેશભાઈ અને માધવીભાભી આપણા પરિવાર જેવાં છે. વળી તને ફરવા હરવાનો શોખ છે તો આના જેવું રૂડું બીજું કોઈ ના હોય શકે.”
નેહાની આંખમાં આંસુ હતાં. એ તૈયાર થઈને રોહિત સાથે બહાર જવા નીકળી. બંને ‘ઓલા ‘ કરીને કાંકરિયા તરફ જવા નીકળ્યાં. રસ્તામાં રોહિત બોલતો રહ્યો, એ સાંભળતી રહી. કાંકરિયા પહોંચ્યા એટલે એક શાંત જગ્યા શોધી કાંકરિયાની પાળે બેસી ગયાં . રોહિત બોલ્યો,” નેહા, એક સવાલ પૂછું? જો તને ખરાબ ના લાગે તો! તું મારી બાળપણની મિત્ર છે. પપ્પાએ જ્યારથી તારું નામ મને આપ્યું ત્યારથી હું તારી કલ્પના કરવા લાગ્યો હતો. મારી કલ્પનાની નેહા કરતા પણ તું સુંદર છે. પણ આજ મારે તને પૂછવું છે કે તું કોઈને ચાહે છે? તારી ઈચ્છા બીજે ક્યાંય લગ્ન કરવાની છે ? જો એમ હોય તો હું પપ્પાને ના જ પાડી દઉં કારણકે હું કબાબમાં હડ્ડી બનવા નથી માગતો અને તું મારી સાથે કોઈપણ વાત શેર કરી શકે છે. તારા બધા સિક્રેટ મારી છાતીમાં દફન થઈ જશે.”
નેહા ચુપચાપ પાણીમાં થતા વમળને જોઈ રહી. “રોહિત, હા મારે તને કૈક કહેવું છે. એ પછી જો તું જે નિર્ણય લઈશ હું કબૂલ રાખીશ!”
રોહિતે કહ્યું,” ચોક્કસ, કહે તારે શું કહેવું છે?”
નેહાની આંખમાંથી આંસુ સરતાં રહ્યાં.. રોહિત એની પીઠ પર હાથ પ્રસારી રહ્યો. નેહાએ સાગરની વાત કરી અને કહ્યું કે સાગર સાથે પ્રત્યક્ષ તો ફક્ત એક જ મુલાકાત થઈ હતી પરંતુ એ પહેલાં કેટલાંક મહિનાઓથી તેઓ ફોન પર વાતો કરતાં હતાં. એને પોતાને પણ ખબર ન પડે એમ એ સાગરને ચાહવા લાગી હતી. પણ એજ મુલાકાતના દિવસે એનું મૃત્યુ થયું અને એ વાતને હજુ માંડ અઠવાડિયું જ થયું છે. મારું હૃદય ખૂબ આળું છે અને ઉદાસીથી ભરેલું છે. એટલે હમણાં હાલ મારા માટે કોઈ નિર્ણય લેવો કઠિન છે. “નેહા ડૂસકા ભરીને રડી પડી.
રોહિત પોતાની મિત્રની કથની સાંભળીને હલી ગયો. એની પાસે આશ્વાસન દેવાના શબ્દો નહોતા. મોતે નેહા સાથે ક્રૂર મજાક કરી હતી. લગ્નની વાત જ શી રીતે થઈ શકે? બંને મૌન થઈને કલાક સુધી બેસી રહ્યાં.
છેવટે નેહા શાંત થઈ એટલે બોલી, “રોહિત, સાગરની ઈચ્છા હતી કે હું લખવાનું બંધ ના કરું. મારી કલમ અવિરતપણે ચાલતી રહેવી જોઈએ. અને મને પણ લખવાનો શોખ છે. મારી એક નોવેલ પરથી એક ફિલ્મ બની છે, “અધૂરાં સપનાં” અને હવે મારી બીજી નોવેલ “સુનેહરાં સપનાં” ની સ્ક્રિપટ પણ કદાચ એક્સેપ્ટ થશે તો એના પર પણ ફિલ્મ બનશે. બે ચાર દિવસમાં મને જવાબ આપશે. લખવું મારા માટે થેરાપી છે અને હું લખવાનું છોડી શકું એમ નથી. એટલે મારા જીવનનું લક્ષ અને સપનું એ એક રાઈટર તરીકેની કારકિર્દી બનાવવાનું છે.” આટલું કહી નેહા ચૂપ થઈ ગઈ!
રોહિત ચૂપ હતો. એને ધીરેથી કહ્યું,” જો નેહા, મને વાંધો નથી કે તું રાઈટર બને. મારે જીવનસાથીની જરૂર છે. હું તારા કોઈ શોખમાં અવરોધ નહીં નાખું. પણ હું તારા સમયમાંથી થોડો સમય ચોક્કસ માગીશ. તું આ બધું એક સાથે હેન્ડલ કરી શકતી હોય તો મને વાંધો નથી. હું તો તારી સાથે લગ્ન કરવાના હેતુથી જ આવેલો. પણ તારી દર્દભરી વાત સાંભળી મારે શું કહેવું એ મને સમજાતું નથી. હું તારી સાથે બળજબરીથી લગ્ન કરવા નથી માગતો. અને તારી જો ઈચ્છા હાલ લગ્ન કરવાની ના હોય તો હું પપ્પાને જણાવી દઉં જેથી એમને એમ ના લાગે કે તે ના પાડી છે.”
નેહાને સમજાતું નહોતું કે શું જવાબ આપે! રોહિત એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ હતો. એને વરસો પછી મળ્યો હતો. એ નેહાના પ્રેમમાં નહોતો. પણ નેહા જેવી જીવનસાથી બને એવી એની ઈચ્છા હતી. પપ્પા અને બાની સાથે વાત કરી લઉં કારણ કે હાલ તો એનું મગજ ચાલી રહ્યું નહોતું.
બંને ઘર તરફ રવાના થયાં . ઘરે આવ્યાં તો મહેશભાઈ, માધવીભાભી અને આ પપ્પા ખડખડાટ હસી રહ્યાં હતાં. જાણે કોઈ આનંદની ક્ષણને ઉજવી રહ્યાં હતા. રોહિત અને નેહા બંને ઘરમાં દાખલ થયાં , એટલે મહેશભાઈ જોરથી બોલી ઉઠ્યા, “લો, રામ અને સીતાની જોડી આવી ગઈ. હવે અમને ખુશી સમાચાર આપી દો .”
રોહિત લાડમાં બોલ્યો, “સ્ટોપ ઈટ ડેડ, શું તમે પણ જોયા વિચાર્યા વગર બોલો છો?” પપ્પા સમજી ગયા કે બંને વચ્ચે શું વાત થઈ હશે! નેહાથી પપ્પાનું નાનું મોઢું જોવાયું નહિ. એ અંદરના રૂમમાં ચાલી ગઈ. બા પણ ઊભી થઈને નેહાની પાછળ પાછળ આવી. નેહા પલંગ પર બેઠી હતી, બા નેતરની ખુરશી પર બેસી ગઈ અને પ્રશ્નાર્થભરી નજરથી એની સામે જોયું. નેહા બે હાથમાં મોઢું છુપાવી રડવા લાગી.
બાએ ઊભા થઈને સાડલાથી એના આંસુ લૂછી નાખ્યા, અને પૂછ્યું” નેહા બોલ શી વાત થઈ રોહિત સાથે?”
નેહાએ આંસુ લૂછતાં કહ્યું ,” બા, રોહિત બહુ સંસ્કારી છોકરો છે પણ સાગરને હું શી રીતે ભૂલું? મારે તો એનું સપનું પૂરું કરવાનું છે.”
બાએ કહ્યું; “સાગરનું સપનું એ તારા જીવનનું લક્ષ છે. પણ જીવન એકલું વિતાવવું એવું જરૂરી તો નથી ને ? જો રોહિત સારો છોકરો હોય તો તને આનાથી વધારે છૂટ દેવાવાળો છોકરો બીજો કોઈ નહિ મળે જે સાગરનું સપનું પૂરું કરવાં પણ મદદ કરશે અને તારી એકલતા પણ દૂર કરશે. ભલે, એ કદાચ સાગર જેટલો પ્રેમ તને નહિ કરતો હોય પણ પ્રેમ તો સાથે રહેવાથી પણ થઈ જાય છે. આપણે પ્રાણીને પાળીએ તો એને પણ પ્રેમ કરવા લાગીએ છીએ, આ તો તારો જીવન સાથી બનશે! તું આજનો દિવસ વિચારી જો. તારા પપ્પા સાથે પણ વાત કરી લે!
એટલામાં પપ્પા દરવાજામાંથી દાખલ થયા!
પ્રકરણઃ ૩૪
પપ્પા રૂમમાં દાખલ થયા. બા નેહાના માથા પર હાથ મૂકી રૂમમાંથી નીકળી ગયાં. બાને એમ થયું કે બાપ દીકરી એકાંતમાં વાત કરી લે તો સારું. પપ્પા નેતરની ખુરશી પર બેસી ગયા. નેહા ચુપચાપ માથું નમાવીને પલંગ પર બેસી રહી. બાપ દીકરીની વચ્ચે મૌન હતું. પપ્પા પાસે શબ્દો નહોતા કે દીકરીને શી રીતે સમજાવે અને દીકરીના મનમાં વમળ ઊઠી રહ્યાં હતાં.
અંતે પપ્પા ખુરશીમાંથી ઉભા થઈને નેહાની પાસે પલંગ પર બેઠા.
પપ્પા નેહાના માથા પર હાથ મૂકીને બોલ્યા,” બેટા મેં તને ખૂબ લાડથી મોટી કરી છે. મને દીકરો ન હોવાનું ક્યારેય દુઃખ નથી થયું. પણ આજ મને લાગે છે કે જો તું દીકરો હોત તો કદાચ મારે તને જે કહેવું છે તે સહેલાઈથી કહી શક્યો હોત . કારણકે તારું દિલ અત્યારે આળું છે અને તને હું એ દિલ પર પથ્થર મૂકવા કહેવાનું છું. હું તને એમ નહીં કહું કે સાગરને તું ભૂલી જા, કારણકે હું કહીશ તો પણ તું સાગરને દિલમાંથી કાઢી શકવાની નથી. પણ હું એમ કહીશ કે તારી જિંદગીને બીજો એક ચાન્સ આપ. રોહિત જેવો છોકરો મળવો મુશ્કેલ છે. અને આવું સાસરું મળવું મુશ્કેલ છે. મારે તો બસ, મારી બંને દીકરીઓ જે ઘરે જાય ત્યાં બસ સુખી થાય અને દુઃખનો છાંટો પણ એના પર ના પડે એ જોઈએ છે. મારી ઈચ્છા તને જણાવી હવે તું જે નિર્ણય લઈશ એ અમે માન્ય રાખીશું. હું માનું છું કે લગ્ન એજ જીવનનું લક્ષ ના હોવું જોઈએ, પણ એક સાથીની જરૂરત બધાને પડે છે. ” આટલું કહેતા કહેતા પપ્પાની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં.
નેહાએ પપ્પાના ખભા પર માથું મૂકી દીધું. એની આંખો પણ ચોમાસું બની ગઈ હતી. પછી આંસુ લૂછતાં એણે પપ્પાને કહ્યું ,”પપ્પા, હું સાગરનું સપનું પૂરું કરવા માંગુ છું. હું એક સારી લેખિકા બનીને બતાવીશ. હું એવોર્ડ લઈને બતાવીશ. પણ આ બધું હું યુ એસ એ રહીને કરી શકીશ? મારી રોહિત સાથે વાત થઈ હતી, એ કહેતો હતો કે અમેરિકામાં રહીને ગુજરાતી રાઈટર કેટલું કામ કરી શકે એ તારે જોવાનું છે. હા તારી લેખન પ્રવૃત્તિમાં બાધારૂપ નહિ થાઉં એની હું ગેરંટી આપું છું. પણ પપ્પા તમે રોહિતને કહોને કે મને એક વર્ષની મુદ્દત આપે. ત્યાં સુધીમાં હું મારા આઘાતથી પણ નીકળી શકું અને અહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારુ નામ પણ મૂકી શકું.”
પપ્પાએ ફરી એના માથા પર હાથ મુક્યો. અને રૂમમાંથી નીકળી ગયા. હવે યથોચિત રીતે રોહિત અને મહેશભાઈને સમજાવવાનું કામ એમનું હતું.
રૂમમાંથી નીકળી સીધા એ મહેશભાઈ પાસે ગયા. અને નેહાએ જે કહ્યું હતું તે કહ્યું. મહેશભાઈએ રોહિત સામે જોયું. મહેશભાઈએ પણ અમેરિકામાં રહીને પોતાના દીકરાને બધી છૂટ આપેલી. દીકરાની દરેક ઈચ્છાને એમણે માન આપેલું. જ્યારે આ તો જિંદગીભરનું કમિન્ટ્મેન્ટ હતું. રોહિતે મમ્મી સામે જોયું. રોહિત સંસ્કારી માબાપનો આજ્ઞાકારી પુત્ર હતો. માધવીભાભીએ પણ હસીને હા પડી. પણ પછી માધવીભાભી પપ્પા સામે જોઈને બોલ્યા, “હસમુખભાઈ અમે તમારી વાત માનીએ છીએ પણ તમારે અમારી એક વાત માનવી પડશે. રોહિત અને નેહાની સગાઈ કરી નાખીએ. પછી અમે આવતા વર્ષે આવીને અમારી દીકરીને ધામધૂમથી અમેરિકા લઈ જઈશું.”
હસમુખભાઈએ હકારમાં માથું હલાવ્યું. પછી નેહાના રૂમમાં ગયા અને દીકરીના માથા પર હાથ મૂકીને બોલ્યા,” નેહા, બેટા, એ લોકો એક વર્ષ પછી આવીને લગ્ન કરવા તૈયાર થયા છે, પણ હાલમાં સગાઈ કરવા માંગે છે. અને મેં હા પાડી દીધી છે. તારે પપ્પાની આટલી વાત તો માનવી પડશે.”
નેહાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પણ હકારમાં માંથી હલાવ્યું. પછી ધીરેથી બોલી, “પપ્પા , એકદમ સાદાઈથી સગાઈ કરશો”
આપણે શું વિચારતાં હોઈએ અને કિસ્મત આપણને ક્યાં લઈ જાય છે. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ ના હલે. આપણે બધાં એના હાથની કઠપૂતળીઓ છીએ. જેમ ઈચ્છે એમ નચાવી શકે છે. અને એના દરબારમાં માથું નમાવ્યા સિવાય છૂટકો જ નથી. નેહાએ પણ પોતાનું માથું ઈશ્વરની સામે નમાવી દીધું. પણ હા લખવાનો પાવર એને પોતાના હાથમાં રાખ્યો. એને ઊંચી ઉડાન ભરવી હતી. અને જો એમાં કામયાબ થાય તો સાગરનું અને પોતાનું સપનું પૂર્ણ થાય. રોહિત સમજદાર અને ઓપન માઇન્ડેડ હતો. એટલે એના કાર્યમાં ભલે સાથ ના દે પણ રોકશે તો નહીં જ.
મહેશભાઈ અને માધવીભાભી તેમજ રોહિત રોકાઈ ગયાં . કેલેન્ડરમાં ફરી એક યાદગાર દિવસ આવી ગયો. નેહા અને રોહિતની ઓક્ટોબર 28, 2018 નો રોજ સાદાઈથી સગાઇ થઈ ગઈ. માધવીભાભીનું મન ખરું કે એકનો એક દીકરો છે જરા ધામધૂમથી બધા પ્રસંગ થાય પણ દીકરાએ ના કહ્યું એટલે દીકરાની વાત માની લીધી. દીકરાની ખુશી એમના માટે મહત્વની હતી. આ બધા પ્રસંગ તો ક્ષણિક ખુશી આપતા હોય છે, જિંદગીભરની ખુશી તો પાત્ર જ આપે છે.
નેહા અને રોહિત સગાઈના બંધનમાં બંધાઈ ગયા. રોહિત નેહા સાથે રાતે બહાર રેસ્ટોરેન્ટમાં જમવા ગયો. અમદાવાદની ખૂબ સુંદર રેસ્ટોરાન્ટ હતી. આજુબાજુ પાણી અને તેમાં ફુવારા ઉડી રહ્યા હતા. વચ્ચે નાની નાની ખાટલીઓ પર બેસીને જમવાનું હતું. ખુલ્લા આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો અને બ્લ્યુ લાઈટ આ ઓપન એરિયાને અજવાળી રહી હતી. રાતરાણી હવાને માદક કરી રહી હતી. નેહાને મનમાં થયું કે સાગર અત્યારે મારી સાથે હોત તો! પણ વિચારને તરત ખંખેરી નાખ્યો. રોહિત ભલે એનો પ્રેમ નહોતો પણ એનો પતિ થવાનો હતો. એણે એ અંતરથી કબૂલ કર્યું હતું.
રોહિત એને પ્રેમભરી નજરથી તાકી રહ્યો હતો. એને ધીરેથી નેહાનો હાથ પોતાના હાથમાં લીધો. નેહા સંકોરાઈ ગઈ. હજુ રોહિત એને અજનબી લાગી રહ્યો હતો. બાળપણનો મિત્ર હતો. પણ એ નિર્દોષ સંબંધ બાળપણ સાથે ગયા. હવે યુવાનીમાં ઘણા પરદા આવી ગયા હતા. પણ એને હાથ છોડાવવાની કોશિશ ના કરી.
રોહિત બોલ્યો,” નેહા, તે મને તારી દર્દભરી કહાણી સંભળાવી. સાગર હવે આ દુનિયામાં નથી તેથી એના વિષે હું તને કોઈપણ મેણાં મારુ તો મારા જેવો અધમ માણસ કોઈ નહિ હોય. પણ આજથી જ્યારે આપણે એક બંધનમાં બંધાયા છીએ ત્યારે તને વચન આપું છું કે હું તને એટલો પ્રેમ કરીશ કે તું સાગરને ભૂલીને રોહિતમય બની જઈશ. અમે આવતા અઠવાડિયે અમેરિકા પાછાં જઈએ છીએ. કારણકે છોકરી જોવાનું મારું કામ પૂરું થયું છે. હવે તું તારા કામમાં લાગી જજે. તારું સપનું પૂરું કરજે. પણ મને વચન આપજે કે તું મને કૉલ કરતી રહીશ, અથવા તું મારા ફોનના જવાબ આપીશ અને હાઈ-મેઈલ અને વોટ્ટસએપથી પત્ર પણ લખતી રહેજે. તને ખૂબ મિસ કરીશ!” અને રોહિતે ધીરેથી નેહાનો હાથ ચૂમી લીધો.
નેહા કશું બોલી નહીં પણ આંખથી જવાબ આપી દીધો કે એ પણ રોહિતને મિસ કરશે, કારણકે એને જીવનસાથીના રૂપમાં એક સારો દોસ્ત મળી રહ્યો હતો. એટલું જ નહિ, એણે નેહાનીની બધી વાતો સાંભળીને પછી ખુલ્લા દિલે સ્વીકારી હતી. બા સાચું જ કહેતી હતી કે રોહિત ખૂબ સંસ્કારી અને દયાળુ છે. દિલમાં હાશકારો પણ થયો. હવે સાગરનું અને પોતાનું સપનું પૂરું કરી શકશે.
બીજા દિવસે પ્રાઈવેટ કાર કરીને મહેશભાઈ દવેનું ફેમેલી મુંબઈ જવા માટે રવાના થઈ ગયું. એ ક્યાંય સુધી દૂર જતી કાર ને નિહાળી રહી. જયાં સુધી નેહા દેખાઈ રોહિત હાથ હલાવતો રહ્યો. નેહા મનમાં બોલી ,” હે ઈશ્વર રોહિતનું અને એના કુટુંબનું રક્ષણ કરજો!”
પ્રકરણઃ ૩૫
નેહા ફરી એકવાર બંધનમાં બંધાઈ ગઈ હતી. સાગર સાથે મનગમતું બંધન હતું. અને રોહિત સાથે માબાપે બાંધેલું બંધન હતું. નેહાએ બા પપ્પાનું દિલ રાખવા આ બંધન સ્વીકારી લીધું હતું. અને હવે એને ખબર હતી કે સાગર કદી પાછો આવવાનો નથી. એના ખૂશ્બૂ ભરેલા મેસેજ પણ ડિલિટ કરવા પડશે. જેના શબ્દો એના આત્મા સાથે વણાઈ ગયાં હતાં. કારણકે જો ડિલિટ ના કરે તો ભવિષ્યમાં એ પત્રો થી રોહિત અને એની વચ્ચે ચોક્કસ અંતર ઊભું થાય. લગ્ન એક એવું બંધન છે જે તમારા બચપણથી લઈને જવાનીના દરેક સપનાંને ભુલાવવાં માટે મજબૂર કરી દે છે. ભલે એ સપનાં ની છાપ તમારા આત્મા પર અંકિત હોય પણ મોઢેથી એ સપનાંને દર્શાવાય નહિ.
નેહાની જિંદગીનો બીજો અધ્યાય ચાલુ થઈ ગયો હતો. સાગર એક સપનું બની ગયો હતો. પણ સાગરનું સપનું પૂરું કરવું એ નેહાના જીવનનું ધ્યેય બની ગયું હતું. રોહિતની પર્સનાલિટી એને ચોક્કસ અભિભૂત કરી ગઈ હતી. ભલે એ સાગર જેવો નહોતો પણ દિલનો નિખાલસ અને સત્યવક્તા હતો. આ બંને વાત નેહા માટે ખૂબ મહત્વની હતી. એણે મનમાં વિચાર્યું કે હવે સાગર અને રોહિતની સરખામણી ક્યારેય નહિ કરે.
રોહિત મુંબઈ અને પછી અમેરિકા પહોંચી ગયો. એના પર કૉલ પણ આવી ગયો. સરળ રોહિત શરમાળ પણ હતો. પ્રેમની વાતો કરતો નહિ. જેવી રીતે સાગર કરતો. પણ લાગણીને સીધી ભાષામાં બોલી નાખતો. કદાચ અમેરિકામાં રહેતા લોકોમાં ડબલ સ્ટાન્ડર્ડ નથી હોતું, જે દિલમાં હોય એજ જબાન પર હોય. એવા લોકો નેહાને ગમતા પણ ખરા! રોહિતે કોલમાં કહ્યું ,” નેહા, તું તારા કામ પર ધ્યાન આપ અને હું મારા કામ પર ધ્યાન આપીશ! એક વર્ષ તો આમ કરતા નીકળી જશે. તું તારું સપનું પૂરું કરજે. બાકીના જે સપનાં હશે તે હું તને પૂરાં કરવામાં મદદ કરીશ. તારી નિખાલસતા મને ગમી છે, તે સાગરની વાત કરી મારા દિલને જીતી લીધું છે. આપણે આપણો અતીત છૂપાવવાની જરૂર નથી. જીવનસાથી માટે વર્તમાન અને ભવિષ્ય જ મહત્વના છે. બાકી દરેક માનવીનો એક અતીત હોય જ છે. ચાલ ફોન મુકું છું તું મમ્મી પપ્પાને વંદન કહેજે અને હું ફોન કરતો રહીશ!”
આટલો સીધો હતો રોહિત. કોઈ જાતનો આડંબર નહિ અને બનાવટ નહિ. નેહા પણ મનોમન રોહિતને ગમાડવા લાગી. નેહાએ મીનાક્ષીદેવીને કોલ કર્યો અને એને ત્યાં જવાનો મુલાકાતનો સમય લઈ લીધો. એને પ્રકાશ મહેતાને સ્ક્રિપટ આપી છે એ પણ યાદ દેવડાવ્યું. મીનાક્ષીદેવીએ કહ્યું કે જો પ્રકાશજી શહેરમાં હશે તો હું ચોક્કસ આગ્રહ કરીશ કે એ પણ આવી જાય આપણે ” સુનેહરાં સપનાં”ની વાત કરી દઈએ!
બીજા દિવસે એ મીનાક્ષીદેવીની ઓફિસમાં પહોંચી ગઈ. નેહા સ્મિત કરીને ઓફિસમાં દાખલ થઈ. મીનાક્ષીદેવીએ શેક હેન્ડ કર્યા અને કહ્યું ,” નેહા, સારા સમાચાર છે. પ્રકાશજી શહેરમાં જ છે અને મેં મુલાકાતનો સમય પણ આપી દીધો છે. આવતા જ હશે. તું કહે કેવું ચાલે છે? કઈ નવીન સમાચાર છે?”
નેહાના મુખ પર ફિક્કું સ્મિત આવી ગયું! મીનાક્ષીદેવીને શું કહે? સાગરના મૃત્યુ વિષે કે પછી રોહિતના આગમન વિષે? કૉલેજના અધૂરા અભ્યાસ વિષે? શું કહું? એણે ડોકી ધુણાવીને કહ્યું, “બસ રૂટિન ચાલે છે. ખાસ કાંઈ નવીન નથી.” ઘણીવાર ‘કેમ છો’ નો જવાબ એટલો સરળ નથી હોતો! અને મજામાં છું કહેવાવાળા સાચા પણ નથી હોતા!
થોડીવારમાં પ્રકાશ મહેતાજી ઓફિસમાં દાખલ થયા! નેહાએ તથા મીનાક્ષી દેવીએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું. મીનાક્ષીદેવીએ હસતાં હસતાં કહ્યું,” પ્રકાશજી, અગર અમે તમને યાદ ના કર્યા હોત તો તમે અમને ભૂલાવી દીધા હોત!
પ્રકાશ મહેતા બોલ્યા,” અરે નારે ના. બલ્કે નેહાજીને તો મેં લગભગ રોજ યાદ કર્યા છે! શું કલમ ચાલે છે આપની! અરે એક એક શબ્દ ભાવની શાહીમાં ડબોળીને લખાયેલાં છે! હું આપની કલમથી ખૂબ પ્રભાવિત થયો છું. ‘સુનેહરા સપનાં’ એક અનોખી ફિલ્મ બનવાની છે. ”
નેહા એકદમ ઉત્સુક થઈ ગઈ. એ બોલી,” સર આપને મારી વાર્તા ગમી? ઓહ ભગવાન થેંક્યુ, થેંક્યુ! સર, આ વાર્તા પર તમે જો ફિલ્મ બનાવશો તો માર ઉપર મોટો ઉપકાર થશે! અને કોઈ મૃત આત્માને શાંતિ પણ મળશે!” આટલું બોલતાં એની આંખમાં આંસુ ભરાઈ આવ્યા!
પ્રકાશ મહેતાએ એના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા,” નેહા, હર જીવન એક કહાની છે. તું જ્યા નજર કરશે તને એક વાર્તા દેખાશે! આ વાર્તા ખરેખર છે શું? એ કોઈની જીવન કથની છે. આપણા મગજના કોમ્પ્યુટરમાં ફિટ થઈ ગયેલો ડેટા છે. આપણી કલમ ઉપડે છે અને એ કાગળ પર આવી જાય છે. હા, બધામાં આ શક્તિ નથી હોતી કે લેખક બની જાય! જિંદગી એક કવિતા છે તો જિંદગી એક વાર્તા પણ છે. હું તને અભિનંદન પાઠવું છું. અને ચિંતા કરતી નહિ રાઈટર તરીકે મોટા અક્ષરે તારું નામ સ્ક્રીન પર આવશે. હું એવોર્ડ વિનિંગ કલાકારોને આ ફિલ્મમાં લઈશ અને ગઝલ કવિતા પણ તારી પસંદગીના. એક સુંદર ફિલ્મ બનાવીએ. કેમ મીનાક્ષીદેવી શું કહેવું છે તમારું?”
મીનાક્ષીદેવીએ પણ ધીમું હસીને હકારમાં માથું હલાવ્યું. પ્રકાશજી ફરી બોલ્યા, ” જો નેહા તારી વાર્તા પરથી ફિલ્મ બનાવું છું. તારે એડવાન્સમાં કેટલા રૂપિયા જોઈએ છે ? પણ હું ફૂલ પેમેન્ટ ફિલ્મની સક્સેસ પછી જ આપીશ. અને મારા અનુભવ પ્રમાણે એ કોઈ નાની રકમ નહિ હોય! એડવાન્સ તું અને મીનાક્ષી નક્કી કરજો અને મને જણાવજો! અને આપણે ઓફિશ્યલી કોન્ટ્રેક્ટ પણ કરીશું. મારે એક શૂટિંગમાં જવાનું છે એટલે હું નીકળું છું!” બોલીને ફરી એકવાર નેહાને માથે હાથ મૂકીને હસતા હસતા ઓફિસમાંથી બહાર નીકળી ગયા.
નેહા હજુ અવાક હતી! એની વાર્તા સ્વીકારી ગઈ હતી. પ્રકાશજીને વાર્તા ખૂબ ગમી ગઈ. હવે ફરી ઉડવા માટે પાંખો મળી ગઈ. જે પાંખો ચેતનકુમારે કાપવા પ્રયત્ન કર્યો હતો. નાઉ સ્કાય ઇઝ ધ લિમિટ !!પ્રકાશ સર માટે ખૂબ માન પેદા થયું. મીનાક્ષીદેવીનો ખૂબ ખૂબ આભાર માની એ ઘરે જવા નીકળી!
રિક્ષામાં બેઠી એટલે અચાનક સાગરનો વિચાર આવી ગયો. સાગરને કોલ કરી લઉં, સાગરને ઈ-મેઈલ કરી દઉં કે જો તારું સપનું સાચું પાડવા જઈ રહી છું. એ દિશામાં એક પગલું ભરી લીધું છે. પણ સાગર ક્યાં છે! ઓહ.. સાગર તને શી રીતે સમાચાર આપું? તું ક્યાંય નથી ક્યાંય પણ નથી. તને ક્યાં શોધું? આમ અચાનક જઈને તે મારા માથે ખૂબ જુલ્મ કર્યો છે. હું એના માટે તને માફ નહિ કરું! આમ છોડીને જવાય? તારો વાયદો પણ સાચો ના પડ્યો. તે શા માટે સપનાં દેખાડીને પછી ચકનાચૂર કરી દીધા! હવે આ સપનાં અધૂરાં રહી જવાનાં ભલે કોઈપણ પાત્ર આવે મારી જિંદગીમાં પણ આપણે જોયેલાં સપનાં અધૂરાં સપનાં રહી જવાના! એ સપનાની કરચો હંમેશા આંખોમાં ખૂંચતી રહેશે!”
ઘર આવી ગયું એ રિક્ષામા થી આંખો લૂછતી ઊતરી ગઈ!
પ્રકરણઃ ૩૬
નેહા રિક્ષામાંથી ઉતરી. એની આંખમાં આંસુ હતાં . “સુનેહરા સપનાં “ની ફિલ્મ પ્રકાશ મહેતાજી બનાવશે, પણ એના સપનાં અધૂરાં રહી ગયાં હતાં, ના, હવે સાગરના આત્માને દુઃખી નથી કરવો. સાગર મને જે જગ્યાએ જોવા માંગતો હતો. એ જગ્યાએ મારે પહોંચવું છે. મનને દ્રઢ બનાવી એ ઘરમાં હસતી હસતી દાખલ થઈ.
બાનો સાડલો પકડીને બાને કહ્યું,” બા એક સારા સમાચાર છે. પ્રકાશજીએ મારી સ્ક્રિપટ પસંદ કરી છે અને હવે એ ફિલ્મ બનાવશે. કોન્ટ્રેક્ટ પણ લખાશે. ચેતનકુમાર જેવું નહિ બને. ખૂબ જલ્દી હું સાગર…” એ અટકી ગઈ. બાની સામે સાગરનું સપનું પૂરું કરવાની વાત એ બોલી ના શકી.
બાએ પણ એના ગાલ પર ટપલી મારીને કહ્યું, “અમને ખબર જ હતી કે અમારી દીકરી એક દિવસ મારુ નામ રોશન કરશે.”
એ એના રૂમમાં ગઈ કોમ્પ્યુટર ખોલીને બેઠી! સાગરની ઈ-મેઈલ કાઢી અને અનાયસે એના હાથ ઈ-મેઈલ લખવા લાગ્યાં.
“સાગર, તું જે દુનિયામાં છે ત્યાં કદાચ ઈ-મેઈલનો વ્યવહાર નહીં હોય. આ ઈ-મેઈલ કદાચ તું વાંચીશ પણ નહીં. તેમ છતાં મારું દિલ હું રોકી શકતી નથી. આજ તારું સપનું પૂરું કરવા માટે પહેલું પગલું ભર્યું છે. તને કદાચ ખબર હશે જ કે મારી સગાઈ રોહિત સાથે થઈ ગઈ છે. રોહિત ઘણો સારો છોકરો છે. તું હોત તો ચોક્કસ તારો મિત્ર બની ગયો હોત. પણ તું નથી. હા, તારી યાદ સતત છે. પણ મારે તને આવો ઈ-મેઈલ કરવો જોઈએ કે નહીં? રોહિત જાણે તો કદાચ એને ચોક્કસ ખરાબ લાગશે. પણ આ તો તારા સુધી સમાચાર પહોંચાડવા હતા તેથી લખવા બેઠી! તું નથી પણ સતત તારી યાદનો સહારો છે. બસ, આમ જ મને પ્રેરણા આપ્યા કરજે હું રોહિતને જણાવીશ કે હું તને ઈ-મેઈલ કરું છું. હજુ તારું ઈ-મેઈલ કામ કરે છે. કદાચ મારા માટે જ આ દ્વાર ખુલ્લાં રાખવામાં આવ્યાં હશે. હું જાણું છું કે જવાબ નહીં આવે છતાં તારા જવાબની રાહમાં.
નેહા”
****
મીનાક્ષીદેવીએ બીજા દિવસે કૉલ કરી નેહાને ઓફિસમાં બોલાવી લીધી. મીનાક્ષીદેવીએ પ્રકાશજીએ મોકલાવેલો સ્ટાન્ડર્ડ કોન્ટ્રેક્ટ નેહાને આપ્ય્પ. એ કોન્ટ્રેક્ટ પર પ્રકાશજીની સહી હતી. એમાં ખાસ કરીને રાઈટર તરીકે નેહાનું નામ આવવું જોઈએ તેમજ વાર્તાના બધા હકો નેહાના રહેશે એ પણ લખવામાં આવ્યું હતું. એડવાન્સમાં પાંચ લાખ રૂપિયા તથા ફિલ્મ પુરી થયા પછી ફિલ્મની સક્સેસ પર બીજા ૫% નેટ પ્રોફિટમાં આપવામાં આવશે એ પણ લખવામાં આવ્યું હતું. બધું જ બરાબર લાગતું હતું. પણ નેહા આ વખતે સહી કરવા પહેલાં પપ્પાને આ કોન્ટ્ર્ત્ક્ટ બતાવવા માંગતી હતી. નેહાની ખુશીનો પર નહોતો કે સાગરનું સપનું પૂરું કરવા માટે પ્રથમ પગલું લેવાયું હતું. મીનાક્ષીદેવી એને ખૂબ મદદ કરી રહ્યાં હતાં.
નેહા સહેજ સંકોચથી બોલી, “મેમ, હું આ કોન્ટ્રેક્ટ પપ્પાને બતાવવા ઘેર લઈ જઈ શકું?”
“ઓફ કોર્સ. ઈન ફેક્ટ, હું જ ઈનસીસ્ટ કરવાની હતી કે પપ્પાને બતાવીને પછી જ સહી કરજે.”
નેહા ઘરે આવ્યા ત્યાં સાંજ પડી ગઈ હતી. સૂરજ ડૂબવાની તૈયારી હતી. બાએ ઠપકો પણ આપ્યો કે મોડું થવાનું હોય તો જણાવી દેતી હોય તો અમને ચિંતા નહીને! સ્નેહા ઘરે જ હતી. પપ્પા થોડીવારમાં આવી ગયા. નેહાએ પપ્પાને કોન્ટ્રાક બતાવ્યો. પપ્પા વાળું કરીને કોન્ટ્રાક વાંચવા બેઠા. પપ્પાએ કહ્યું, “આમ તો બધું બરાબર લાગે છે બેટા, વળી આ ફિલ્મની દુનિયામાં મને ઓછી ખબર પડે છે. પણ લીગલ વાત પૂછે તો બધું ખુલાસાથી લખેલું છે. તારે સાઇન કરીને આપવો હોય તો આપી દે પણ હા કૉપી લઈ લેજે, જેથી તારી પાસે સાબિતી રહે.” પપ્પાએ આશીર્વાદ આપી માથે હાથ મૂક્યો
રાતે કોમ્પ્યુટર ખોલીને બેઠી. સાગરની ઈ-મેઈલ પર નજર કરી. હા કોઈ ઈ-મેઈલ હતી નહીં! ખરેખર સાગર મને છોડીને જતો રહ્યો છે. ‘અબ તું નહિ , તેરી જુસ્તજુ ભી નહિ, ઔર જિનેકી આરઝુ ભી નહીં!’ એની આંખમાં ફરી એકવાર આંસુ છલકાઈ આવ્યાં. એટલામાં ફોનની રિંગ વાગી. રોહિતનો ફોન હતો. ગળું સાફ કરીને એ બોલી,”હલ્લો, રોહિત કેમ છે?” રોહિતે જવાબ આપ્યો,”હું મજામાં છું , તું કેમ છે ? સાંભળ મારી વાત, તું સાગરને યાદ કરી કરીને રડ્યાં ના કરીશ! તે એનું સપનું પૂરું કરવા વર્ષ માંગ્યું છે અને મેં તને આપ્યું છે. બલ્કે એનું સપનું પૂરું કરવા તું જિંદગીભર મથીશ તો પણ મને વાંધો નથી, પણ તું એની યાદમાં ઉદાસ રહે તે મને નહિ ગમે. હું તારી સાથે જ છું એમ માનજે. અને હું જ્યારે ફોન કરું ત્યારે તારું મધુર સ્મિત તારા મુખ ચંદ્ર પર મઢી લેજે. હવે પછી વિડિયો કોલ કરીશ. જેથી નેહાને હું હસતી જોઈ શકું!”
નેહાએ હસીને જવાબ આપ્યો, “રોહિત તું ખૂબ સારો છે. તેં મારા દુઃખમાં સાથ આપ્યો છે. હું તને જિંદગીભર તારા દુઃખ અને સુખમાં સાથ આપીશ અને વચન આપું છું કે હું સદા ખુશ રહેવા પ્રયત્ન કરીશ.”
રોહિત તરત અમેરિકન સ્ટાઇલ થી બોલ્યો, “ધેટ્સ માય ગર્લ !”
રોહિત ખરેખર ખૂબ સારો હતો. નહીંતર લોકો મરેલા માણસની પણ ઈર્ષા કરે અને એના નામના મહેણાં મારે. પણ રોહિત તો ‘રાત ગઈ, બાત ગઈ’ એવું જ રાખે છે. અમેરિકામાં ડિવોર્સ રેઈટ વધારે છે, પણ સાથે સાથે લોકોએ સમજદારી પણ કેળવી છે. પોતાના પહેલા પતિ કે પત્નીની સાથે એ લોકો દોસ્તી નિભાવી જાણે છે. વળી જો પહેલો પ્રેમી હોય તો એની કોઈ વાતમાં રસ લેતા નથી. દરેકને ભૂતકાળ હોય છે અને દરેકે એ ભૂતકાળ સાથે જ વ્યક્તિને સ્વીકારવાની હોય છે. રોહિતે અમેરિકનનો આ ગુણ અપનાવી લીધો હતો. એટલું જ નહિ, સાગરનું સપનું પૂરું કરવા નેહાને એક વર્ષની મહોલત પણ આપી હતી. જીવનમાં અનેક પાત્રો આવે છે, એને સ્વીકારીને ચાલવું જ પડે છે. એટલે તો કહે છે કે જીવન એક રંગમંચ છે. પાત્રો બદલાતાં રહે છે. દરેક પોતાનું પાત્ર ભજવીને પરદા પરથી અદ્રશ્ય થઈ જાય છે, જેમ સાગર એને છલોછલ પ્રેમ આપીને આ દુનિયામાંથી અદ્રશ્ય થઈ ગયો હતો.
બીજા દિવસે મીનાક્ષીદેવીની ઓફિસમાં જઈ કોન્ટ્રેક્ટ સાઇન કરીને આપી દીધો. એ ત્યાંથી કૉલેજ ગઈ. છેલ્લું વર્ષ હતું. સાયન્સમાં રસ નહોતો. પણ પપ્પાની ઈચ્છા એવી કે બેચલર ડિગ્રી તો લઈ લેવી. એટલે અભ્યાસ કર્યા વગર છૂટકો નહોતો. સાગર એની સાથે બધો ઉત્સાહ લઈ ગયો. એનું લક્ષ બદલાઈ ગયું. હ વે એ ફક્ત લખવા ખાતર લખતી નહોતી, હવે એને સાગરની નજરમાં ઊંચુ ઉઠવાનું હતું. જીવનમાં ધ્યેય હોય તો અઘરામાંથી અઘરું કામ પણ સરળ થઈ જાય છે. કહે છે ને કે ‘કોશિશ કરનેવાલોંકી હાર નહીં હોતી.’ કૉલેજમાં બધાં એની સાથે સહાનુભૂતિ રાખતાં હતાં. બધાંને ખબર પડી ગઈ હતી કે નેહા કોઈ સાગર નામના છોકરાને ચાહતી હતી, જે આજ આ દુનિયામાં રહ્યો નથી. એ ચૂપચાપ કૉલેજ આવતી, પિરિયડ પુરા કરી ઘરે ભાગી જતી.
ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. દુઃખનું ઓસડ દહાડા! કેવી સચોટ કહેવત છે. સમય ધીરે ધીરે બધાં ઘાવ ભરી દે છે. છેલ્લા વર્ષની પરીક્ષા થઈ ગઈ. એ ફર્સ્ટ ક્લાસ ના લાવી શકી, પણ સેકન્ડ ક્લાસ સાથે એ પાસ થઈ ગઈ, એ જ એને માટે મહત્વનું હતું. ફિલ્મના પણ એને સમાચાર મળતા રહેતા ફિલ્મ પણ અડધા ઉપર થઈ ગઈ હતી. જો ફિલ્મ હિટ થઈ જાય તો રાઈટર તરીકે એનો સિક્કો લાગી જાય. પ્રતીક્ષા કર્યા સિવાય છૂટકો નહોતો. નેહાએ બીજી નૉવેલ લખવાનું ચાલુ કરી દીધું.
પ્રકરણઃ ૩૭
કૉલેજ પૂરી થઈ ગઈ. સાયરા પણ લગન કરીને એના જીવનમાં ગોઠવાઈ ગઈ. સ્નેહા કૉલેજ જતી હતી. બધાના સમાચાર આપતી. ફલાણાનું ફલાણા સાથે લફડું છે. ફલાણી ભાગી ગઈ. નેહાને કોઈ વાતમાં રસ પડતો નહોતો. એને ત્રીજી નોવેલ લખવાનું શરુ કર્યું હતું. હવે એને આવડત આવી ગઈ હતી, કે એ જાણે ફિલ્મ માટે જ લખતી હોય એમ લખતી હતી. જેથી પાછળથી ખૂબ કામ ના કરવું પડે.
સાહિત્ય અને ફિલ્મને ચોલી-દામનનો સાથ છે. એટલે સાહિત્યને સંવાદમાં મૂકી દેતી. કુદરતનું વર્ણન કરવામાં એ નિપુણ હતી. એટલે ફિલ્મવાળાને પણ શૂટિંગ ક્યાં કરવું એની ખબર પડે એટલે એ લેખક કમ નિદર્શક બની ગઈ હતી. સાગરની યાદ એની સાથે સાથે ફરતી હતી. એ જ્યાં જાય એની સાથે જ હોય. રાહત ફતેહઅલીનું ગીત યાદ આવી ગયું. ‘મૈં જહાં રહું , મૈં કહી ભી હું તેરી યાદ સાથ હૈ, કિસીસે કહું, કે નહિ કહું એ જો દિલકી બાત હૈ, કેહનેકો સાથ અપને એક દુનિયા ચલતી હૈ, પર ચૂપકે ઇસ દિલમેં તન્હાઈ પલતી હૈ, બસ યાદ સાથ હૈ !’
‘સુનેહરા સપનાં’ બનાવતા લગભગ નવ મહિના નીકળી ગયા. રોહિત સાથે વાત થતી હતી. રોહિત ફિલ્મ વિષે પૂછતો. પણ એની પાસે એક જ જવાબ હતો કે પ્રકાશજી કહે છે કે હવે એકાદ મહિનામાં શૂટિંગ ખતમ થશે. પછી એડિટિંગ અને પછી સેન્સરમાં જશે. કદાચ એક વર્ષ પણ થઈ જાય.
એ મીનાક્ષીદેવીની ઓફિસમાં ગઈ. ફિલ્મ વિષે જાણવું હતું. હવે મીનાક્ષીદેવી સાથ મિત્રતા થઈ ગઈ હતી, એટલે ફોર્માલિટીની જરૂર નહોતી. મીનાક્ષીદેવીએ હસીને આવકાર આપ્યો. અને પછી પ્રકાશજી સાથે ફોન પર વાત કરી. છેલ્લું શૂટિંગ કાશ્મીરની વાદીમાં થઈ રહયું હતું. ‘સુનેહરા સપનાં ‘નું હેપી એન્ડિંગ હતું. આ શૂટિંગ થઈ જાય એટલે પંદર દિવસમાં એડિટિંગ થઈ જશે. સેન્સર ઓકે કરે તો મહિનામાં તો પ્રિમિયમ શો રાખીશું એવું પ્રકાશજીએ કહ્યું. નેહા ખુશ હતી કે એનું કામ લગભગ અગિયાર મહિનામાં પૂરું થઈ જશે. એને રોહિતને વચન આપેલું કે મને વર્ષ આપજો. વચન તોડવું એને ના ગમે.
ઘરે આવીને એણે રોહિતને વિડિયો કોલ કર્યો. રોહિત અને એ બંને ખૂબ સારા મિત્ર બની ગયાં હતાં. એકબીજાની નજીક પણ આવી ગયાં હતાં. સાગરનું સ્થાન રોહિતે અકબંધ રહેવા દીધું હતું. આજ સાગર કદાચ જીવંત હોત અને સંજોગવશાત જો સાગર અને એ બંને એક ના થઈ શક્ય હોત તો કદાચ રોહિત સાગરની યાદને આટલી બધી સહન ના કરી શક્યો હોત , એ માનવસહજ છે અને સ્વાભાવિક પણ છે. પણ સાગર આ દુનિયામાં નથી અને યાદનું તો કેવું છે ભાઈ મન ચાહે જ્યારે આવે! કોણ રોકી શકવાનું છે?
નેહાએ રોહિતને વિડિયો કોલ કર્યો. રોહિત નાઈટસુટમાં હતો. “હાય નેહુ! કેમ છે? ખુશ લાગે છે! શું સમાચાર છે?”
નેહાએ હસીને કહ્યું, ” ફિલ્મનું છેલ્લું શૂટિંગ કાશ્મીરમાં ચાલે છે, પછી ફિલ્મ એડિટિંગ માટે જશે અને પછી સેન્સરમાં! એકાદ મહિનામાં ફિલ્મ પુરી થઈ જશે! બોલ તું આવીશને પ્રિમિયમ વખતે?”
રોહિત બોલ્યો, “એ પણ કંઈ પૂછવાની વાત છે? ચોક્કસ આવીશ તું મને સમય અને તારીખ જણાવજે હું ટિકિટ બુક કરી લઈશ. પણ તારે મને વચન આપવું પડશે કે તું લગ્ન માટે પણ તૈયાર રહીશ. હું મમ્મી પપ્પાને લઈને આવીશ.”
નેહા એ શરમાતાં શરમાતાં હકારમાં માથું હલાવ્યું! રોહિત પથારીમાં ઊભો થઈ ગયો અને નાચવા લાગ્યો.
નેહાને રોહિત સાથે પ્રેમ થવા લાગ્યો હતો. સાગર જેવો રોમૅન્ટિક નહિ, પણ માન સાથે લાગણી અને પ્રેમનું મિશ્રણ! રોહિત તો નેહાને દિલથી ચાહતો હતો. હશે કદાચ એની પણ મિત્ર અમેરિકામાં પણ જીવનસાથી તરીકે તો એણે નેહાને જ પસંદ કરી હતી. નેહાએ એને કદી પૂછ્યું પણ નહોતું કે તારે કોઈ મિત્ર હતી કે છે? હશે તો પણ એ એનો ભૂતકાળ હતો જેમ મારે પણ મારો ભૂતકાળ છે.
નેહા ફિલ્મ પુરી થવાની બેચેનીથી રાહ જોઈ રહી હતી. મીનાક્ષીદેવીએ સમાચાર આપ્યા કે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે ફિલ્મ એડિટિંગ માટે મોકલી છે. જોતજોતામાં એડિટિંગ પણ પૂરું થયું અને સેન્સરમાં પણ મોકલાઈ ગઈ. થોડાં સીન એડિટ કરવા પડ્યાં બાકી સેન્સરવાળાએ ખાસ વાંધો લીધો નહિ. ફિલ્મ તૈયાર હતી. નવેમ્બરની ચોથીએ દિવાળી હતી તો એ દિવસે પ્રિમિયર શો રાખવાનું નક્કી થયું. નેહાએ ફટાફટ રોહિતને વિડિઓ કોલ કરીને તારીખ આપી દીધી. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો હતો. નેહાને મળે એક વર્ષ થઇ ગયું હતું . હવે ઉડીને નેહા પાસે પહોંચી જવું હતું . રોહિતે ટિકિટ બુક કરાવી દીધી. મમ્મી પપ્પા પણ આવવાના હતા. નેહાના ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
એકબાજુ લગ્નની પણ તૈયારી થવા લાગી. બીજી બાજુ નેહા તથા સાગરનું સપનું પૂરું થવાનું હતું. એક અધૂરું સપનું રહી ગયું, પણ બીજું પૂરું થવાનું હતું. દિવસો વીતવા લાગ્યાં. ઓક્ટોબરની 30 મી તારીખે રોહિત એર ઈન્ડિયાથી સીધો અમદાવાદ ઉતરવાનો હતો. 30મી તારીખ આવી ગઈ. બા, પપ્પા, સ્નેહા અને નેહા ચારે જણા રોહિતને લેવા એરપોર્ટ પર ગયાં. હાથમાં ફૂલોનો બુકે લઈને નેહા આછી પિન્ક સાડીમાં શોભી રહી હતી. કસ્ટમ પતાવીને રોહિત એના મમ્મી અને પપ્પા સાથે બહાર નીકળ્યો. ભારતની માટીની ખુશ્બૂએ એના ફેફસાને ભરી દીધાં. એક ઊંડો શ્વાસ લઈને એ નેહા ને શોધવા લાગ્યો. આખા ટોળામાં નેહા જુદી તરી આવી. એ નેહાની પાસે હસતો હસતો પહોંચી ગયો. નેહાએ ફૂલોનો બુકે એના હાથમાં પકડાવી દીધો. એ તો પિન્ક સાડીમાં નેહાને તાકી રહ્યો હતો. જ્યારે એના પપ્પાએ કહ્યું કે હસમુખભાઈની પગે લાગ ત્યારે એને ભાન થયું કે એ નેહાને શરમાવી રહ્યો હતો. જેકટના ખિસ્સામાંથી એક ડાયમંડનું બ્રેસલેટ કાઢીને નેહાને પહેરાવી દીધું. પછી નેહાના મમ્મી પપ્પાને પગે લાગ્યો. સૌ ઘર તરફ રવાના થયાં. હસમુખભાઈ બે કાર ભાડે કરીને આવેલા. નેહાને અને રોહિતને એક કારમાં બેસાડવામાં આવેલાં! આગળ સ્નેહા બેસી ગઈ હતી. બીજી કારમાં બંને ના માબાપ આવી રહ્યાં હતાં. પાછળની સીટમાં નેહા અને રોહિત બેઠાં. રોહિતે ધીરેથી નેહાનો બ્રેસલેટવાળો હાથ ચૂમી લીધો અને કહ્યું,” આ બ્રેસ્લેટના આજે નસીબ ખુલ્લી ગયાં.”
નેહા શરમાઈને નીચું જોઈ ગઈ. પણ હાથ ખેંચી ના લીધો. રોહિતનો સ્પર્શ એના શરીરમાં ઝણઝણાટી ફેલાવી ગયો.
સ્નેહા બોલી ,”કોનાં નસીબ ખુલ્લી ગયા જીજુ?”
રોહિતે એના માથા પર ટપલી મારી! અને કહ્યું,” તારા કાન સરવા છે. તું મોટા લોકોની વાતો સાંભળે છે?
સ્નેહાએ તરત જવાબ આપ્યો, “જીજુ, તમને એમ કે હું બહેરી છું?
રોહિત, “ના, પણ મને એમ કે બહેરી થવાનું નાટક જરૂર કરીશ. પણ ના, તારે તો મમરો મૂકવો જ હતો. પણ ચાલ હવે તો કાન અને આંખ બંને બંધ કરી દે!”
સ્નેહા બોલી, “એક શરતે કાન અને આંખ બંને બંધ થશે!”
રોહિત બોલ્યો, “બોલ, શી શરત ?”
સ્નેહા, “તમારે મને લાંચ આપવી પડશે! આ દેશમાં લાંચ વગર કોઈ કામ થતું નથી! પ્રેમ પણ નહીં .” કહીને સ્નેહા ખડખડાટ હસી પડી!
રોહિત બોલ્યો, “મંજૂર છે. તું કહે તો ખરી, શું લાંચ જોઈએ?
સ્નેહા બોલી, “જીજુ, મને સ્માર્ટ ફોન જોઈએ છે. ”
નેહા એકદમ ગુસ્સે થઈને બોલી, “આવી માંગણી કરાય? રોહિત, એને ના સાંભળશો! એ તો પગલી છે!”
રોહિત હસીને બોલ્યો, “મારે કોઈ બહેન નથી. સ્નેહા, આજથી તું મારી નાની બહેન! તારે જે જોઈએ એ તારા ભાઈ પાસે માંગી શકે છે. અને હું જો એફર્ડ ના કરી શકું તો તારે મને માફ કરવાનો! પણ તારા માટે મોબાઈલ પાકો, બસને !!હવે કાન અને આંખ બંધ કર!”
નેહા શરમાઈ ગઈ!
પ્રકરણઃ ૩૮
કારમાં ઘરે પહોંચતા સુધી સ્નેહા અને રોહિતની મસ્તી ચાલતી રહી. રોહિતે નેહાનો હાથ પકડી રાખેલો. નેહાને પણ રોહિતનો એ સ્પર્શ ગમતો હતો. અંતે ઘર આવ્યું અને રોહિતે હાથને ચૂમીને છોડી દીધો. રોહિત અને એના મમ્મી પપ્પા ફ્રેશ થઈ ગયાં એટલે બધા ભોજન કરવા બેઠાં . ભોજન કરતાં કરતાં લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી અને પંડિતને બોલાવીને મુહૂર્ત કઢાવી કંકોત્રી લખી નાખીશું એવું નક્કી થયું. નવેમ્બરની 15 તારીખ નક્કી થશે એવું બધાને લાગ્યું.
નેહા ધીરે ધીરે સપનાંની દુનિયામાંથી બહાર આવી રહી હતી. સાગર સાથેના જીવનનું સપનું ક્યારેય પૂરું થવાનું નહોતું. પણ રોહિત હવે એના સપનાં નો માલિક બનવાનો હતો. ઈશ્વરે એના માટે રોહિતને જ લખેલો હતો. કોણ પોતાની કિસ્મત સાથે લડી શકે છે. ડેસ્ટીની જે હોય તે સ્વીકારવી પડે છે.
સરસ ઠંડી રાત હતી. બહાર બગીચામાં બધાં ગોઠવાઈ ગયાં. અર્ધ ખીલેલો ચાંદ વાદળમાંથી ડોકિયાં કરતો હતો. રાતરાણીની સુગંધથી હવા મહેકી રહી હતી. જૂઈના અર્ધબીડેલાં ફૂલો રાત હોવાની ગવાહી આપતાં હતાં . તારલાથી આકાશ છવાયેલું હતું.
રોહિતે ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી લીધી. એના વાંકડિયા વાળ અને ભરેલો ચહેરો અને ગોરો વાન ચાડી ખાતા હતા કે આ વ્યક્તિ અબ્રોડ થી આવેલી છે. ઊંડા શ્વાસ લઈને રોહિત બોલ્યો,” બસ, આ વાત અમેરિકામાં નથી. સુખ સાધન સગવડતા બધું છે. પણ કુદરતની આવી કૃપા નથી.
નેહા હસીને બોલી, “તો ગોળી મારો અમેરિકાને અને અહીં આવી જાઓ ભારત પરત! આવી કેટલીય અને આનાથી વધારે સુંદર રાતોની હું ગેરેન્ટી આપું છું. ” ફરી પોતાના જ વાક્યનો અવળો અર્થ સમજાઈ ગયો અને ખુદ શરમાઈ ગઈ! ફરી હિંમત કરીને બોલી, “આવી કુદરતની કૃપા વરસાવતી રાતોની વાત કરું છું. એક વાત કહું? અહીંના દરેક મોસમ સોહામણી છે. ધરતી સુનેહરી, અંબર નીલા હર મોસમ રંગીલા ઐસા દેશ હૈ મેરા !”
રોહિત આંખો ખોલીને બોલ્યો, “તારી વાત સાચી છે. એના માટે વિચારી શકાય પણ ઝડપી નિર્ણય ના લઈ શકાય!”
મહેશભાઈ બોલ્યા,” હા બેટા, અમે વર્ષોથી ત્યાં વસી ગયા છીએ. અમેરિકામાં પણ કુદરતી સૌંદર્ય ખૂબ છે. ત્યાંના દરિયા, ત્યાંના પહાડો, અને અલાસ્કા તરફ જાઓ તો ગ્લેશિયર્સ. અને સિવાય ઘણાં ખજાના ભરેલાં પડેલાં છે. અમેરિકા બહુ જૂનો દેશ નથી એટલે અમુક જમીન તો એવી છે જ્યાં માણસની કોઈ દખલગીરી થઈ નથી. બેટા, તને તો દેશ વિદેશ ફરવાનો ખૂબ શોખ છે. અમેરિકા જોવાલાયક દેશ તો છે જ એમાં કોઈનો બે મત ના હોઈ શકે. તું પણ અમેરિકા આવીશ તો તને ખબર પડશે કે આ દુનિયા પણ જોવા જેવી છે.”
નેહાએ હકારમાં માથું હલાવ્યું. હા એને દેશ વિદેશ ફરવાનો શોખ તો હતો. પણ દેશ છોડીને બીજા દેશમાં વસવાનો વિચાર એને કદાચ નહોતો કર્યો. પણ હવે તો રોહિત સાથે બંધાઈ ગઈ હતી. એટલે અમેરિકા તો રહેવું પડશે.
બીજા દિવસે પંડિતે આવીને નવેમ્બર 15, 2019 તારીખનું મહુર્ત આપ્યું . કંકુથી પહેલી કંકોત્રી લખાઈ. અને હસમુખભાઈએ કાર્ડ છપાવા પણ આપી દીધાં. અમેરિકાનો મામલો હતો એટલે બધા કામ જલ્દી જલ્દી કરવા પડે કારણકે એ લોકો ઝાઝું રોકાઈ ના શકે. માથા પર કેટલાય ભાર લઈને એ લોકો ફરતાં હોય છે. જીવનમાં શિસ્ત સારી વસ્તુ છે. પણ ક્યારેક શિસ્તને લીધે જીવનને માણવાનું ભૂલી જઈએ છીએ. નિયમિતતા જીવનમાં જરૂરી છે. પણ મનને ઉડવા માટે ગગન પણ જરૂરી છે. કહે છે ને કે, “અચ્છા હૈ દિલકે સાથ રહે પાસબાને અક્કલ, લેકિન કભી કભી ઈસે તન્હા ભી છોડ દે ! અલ્લામા ઇકબાલનો આ શેર અક્કલની વાત કરે છે. અમેરિકાનો માહોલ એવો થઈ ગયો છે કે લોકો ફક્ત અક્કલથી કામ લે છે દિલને બાજુ પર મૂકે છે.
નવેમ્બર 4, 2019ના દિવસે દિવાળી હતી અને એ દિવસે પ્રિમિયર શો રાખવામાં આવ્યો હતો. નેહાને ટિકિટ મોકલી આપવામાં આવી હતી.
નેહા ખુશ હતી આ ફિલ્મમાં એનું નામ લેખિકા અને સ્ક્રીનપ્લે રાઈટર તરીકે આવવાનું હતું. નેહા રોહિત સાથે રોજ ક્યાંક બહાર નીકળી જતી હતી. ક્યારેક શોપિંગમાં ક્યારેક ફિલ્મ જોવા તો ક્યારેક બગીચામાં. બંને એકબીજાથી ખૂબ નજદીક આવી ગયાં હતાં. એકબીજાને સમજી શકતાં હતાં.
રોહિત તો નેહાને પ્રેમ કરવા લાગ્યો હતો. એરેન્જ મેરેજ જેવું કાંઈ રહ્યું નહોતું. નેહા પણ રોહિતને ગમાડતી હતી. પણ ક્યારેક ક્યારેક સાગરની યાદ એક ટીસ બનીને હૃદયમાંથી ઉઠતી. અને રોહિતને નાઈન્સાફ કરી બેસતી. ધનતેરસના દિવસે રોહિતે એને એક સુંદર સોનાનું ગળાનું પેન્ડલ ભેટમાં આપ્યું. નેહાના સુંદર મોરની જેવા ગળામાં પહેરાવતા નેહાના કાનમાં બોલેલો ,” તું જ મારી સરસ્વતી અને તું જ મારી લક્ષ્મી!”નેહા શરમાઈ ગઈ હતી. કાળી ચૌદશ આવી. અને બીજા દિવસે દિવાળી હતી. પ્રિમીયર શો સાંજના છ વાગ્યાનો હતો.
દિવાળીની પૂજા કરી સૌ વહેલા વહેલા પરવારી ગયા. સરસ મજાનું ભોજન અને મિઠાઈઓના તો થાળ ભરેલાં હતાં. તહેવાર માણવાની અનોખી મજા હોય છે. ભારતમાં તો કેટલાય તહેવારો આવે છે. દરેક સંબંધ સાથે એક તહેવાર જોડાયેલો છે. એ બતાવે છે કે બધા સંબંધ જીવનમાં કેટલા અગત્યના છે. ભોજન પતાવી નેહા અને સ્નેહા પાર્લરમાં ગઈ તૈયાર થવા માટે. સરસ હૈરસ્ટાઈલ કરી અને મેકઅપ પણ સુંદર રીતે કર્યો. નેહાએ કાળી ડાયમંડ ભરેલી સાડી પહેરી હતી. કાળું પર્સ અને કાળા હિલવાળા સેન્ડલ. સ્નેહા પણ ગ્રીન રંગના સૂટમાં શોભતી હતી. રોહિતે સૂટ પહેર્યો હતો . હસમુખભાઈ અને મહેશભાઈએ ઝભ્ભો અને લેંઘો અને માધવીબેન અને નેહાની મમ્મીએ પણ સાડી પહેરી હતી.
પાંચ વાગે એ લોકો ‘ઓલા ‘કરીને થીયેટર પર પહોંચી ગયાં. ત્યાં માનવ મહેરામણ લાગેલો હતો. પ્રકાશજીએ નેહાને કાળી સાડીમાં આવતી જોઈઈ. એ કોઈ એક્ટ્રેસ કરતા પણ વધારે સુંદર લાગતી હતી. પ્રકાશજીએ તરત નેહાને નજીક બોલાવી. અને પાસે ઊભેલા દિરદર્શક, એડિટર, ગાયક, સંગીતકાર જે બધા ફિલ્મ સાથે જોડાયેલા હતા એ બધાંને ઓળખાણ આપી કે ,” આ નેહાજી છે. આપણી ફિલ્મના સ્ક્રીનપ્લે રાઈટર અને સ્ટોરી રાઈટર.” બધાએ તાળીઓથી એને વધાવી લીધી.
નેહાએ રોહિત સામે જોયું, રોહિતની આંખમાં ઝળઝળિયાં હતા! એણે ધીરેથી તાળી વગાડી અને નેહાને ફલાઇંગ કિસ આપી. નેહાએ એને નજદીક બોલાવ્યો. અને પ્રકાશજી સામે જોઈને ઓળખાણ આપી, “પ્રકાશજી, આ છે મારા ફિઆન્સે. રોહિત દવે અમેરિકા રહે છે. અમારા લગ્ન 15 નવેમ્બરે નક્કી થયા છે. આપ સર્વને આવવા માટે આમંત્રણ આપું છું. કંકોત્રી પહોંચાડી દઈશ.” બધાએ ફરીથી તાળીઓ પાડીને અભિનંદન કહ્યાં.
અંધારું થઈ ગયું. ફિલ્મ “સુનેહરા સપનાં ” ચાલુ થઈ. બધાંના નામ વાર ફરતી આવવા લાગ્યા. અને સ્ટોરી રાઈટર તથા સ્ક્રીનપ્લે રાઈટર “નેહા શાહ ” લખેલું આવ્યું અને સ્નેહાએ સીટી મારી. નેહાએ એનો હાથ દબાવી દીધો. ફિલ્મ ચાલુ થઈ ગઈ. ફિલ્મ રોમૅન્ટિક હતી. બધાને ફિલ્મ ખૂબ ગમી. ફિલ્મ પૂરી થતાં બધા લોકો પ્રકાશજીને વીંટળાઈ વળ્યાં. નેહાને લોકો અભિનંદન આપવા લાગ્યા. નેહાને પળવાર એવો ભાસ થયો કે સાગર કદાચ દૂર ઊભો ઊભો નેહાને તાકી રહ્યો હતો.
પ્રકરણઃ ૩9
નેહાને લાગ્યું કે સાગર ખૂણામાં ઊભો ઊભો એને મળતી પ્રશંસાથી પુલકિત થઈ ગયો હતો. નેહા પણ આટલી પ્રશંસાથી ભાવવિભોર થઈ ગઈ હતી. એ ફરી ફરી ને એ ખૂણામાં જોવા લાગી જ્યાં પહેલા સાગર ઊભો હતો. પણ હસતો હસતો સાગર જાણે ક્યાં ખોવાઈ ગયો હતો. રોહિત એની બાજુમાં ઊભો હતો અને એ સાગરની શોધમાં હતી. રોહિતે એનો હાથ દબાવ્યો. એણે રોહિતની સામે જોયું, રોહિતે પ્રશ્નાર્થભરી નજરથી એની સામે જોઈને આંખોથી જ પૂછ્યું કે ક્યાં ખોવાઈ ગઈ છે? અને એ ફિક્કું હસીને ફરીથી બધાના અભિનંદનને સ્વીકારવા લાગી.
ફિલ્મ ખૂબ સરસ બની હતી. નેહા ખુશ હતી કે પ્રગતિનું પહેલું સોપાન સર કરી લીધું હતું. ફિલ્મમાં રાઈટર તરીકે એનું નામ આવી ગયું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાં એને ઓળખતાં થયાં હતાં . રોહિત સાથે લગ્ન લખાઈ ગયાં હતાં. જિંદગી જોઈએ હવે ક્યાં લઈ જાય છે.
ઘરમાં ખુશીનો વાતાવરણ થઈ ગયું હતું. એક બાજુ લગ્ન અને બીજી બાજુ ફિલ્મની સફળતા. રોહિત સાથે ફરી ફરીને એને ખૂબ શોપિંગ કરી લીધી. રોહિતના પસંદગીના ડ્રેસ, સાડી, જીન્સ, બ્લાઉઝ જૂલરી. અને બીજું ઘણું બધું. રોહિત અમેરિકાથી પણ ઘણી વસ્તુ લઈ આવ્યો હતો. રોહિત જે રીતે એની લાગણીની કેર કરતો હતો એ એને ગમતું હતું. સાગર દિલમાં હતો પણ રોહિત માટે જગ્યા પણ કરતો હતો.
દિવાળી આવી અને ગઈ. સ્નેહાએ અને નેહાએ તથા રોહિતે ફટાકડા ફોડયાં, ખૂબ મજા કરી. રોહિત તહેવારની મજા માણી રહ્યો હતો. અમેરિકામાં આવી બધી તક મળતી નથી. બેસતું વર્ષ પણ આવ્યું અને ઘણાં ઓળખીતાં સાલમુબારક કહેવાં આવી ગયાં . બાએ મીઠાઈથી ટેબલ સજાવી દીધું હતું. ખાજા, જલેબી, ઘૂઘરા અને બીજી ઘણી મીઠાઈથી ટેબલ શોભી રહ્યું હતું. નાની વહુઓ આવીને બાને પગે લાગી જતી હતી બા બધાંને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં અને શુકનનો રૂપિયો આપતાં અને બધાંના મોં મીઠા કરાવતાં. આ બાનો દર વર્ષનો રિવાજ હતો, અને બા ચૂક્યાં વગર પાળતાં. નવું વર્ષ પણ રોહિતે ઘણા વર્ષો પછી ઉજવ્યું. બધા તહેવારોની મજા માણી રહ્યાં હતાં. નેહા ક્યારેક શાંત થઈ જતી તો રોહિત એને ફરી ઉત્સાહમાં લાવી દેતો.
લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. લગ્ન સાદગી થવાના હતા તેથી ઘરમાં જ પીઠીનો પ્રસંગ ઉજવાયો. નેહા સાગરને બદલે રોહિતના નામની પીઠી લગાવીને પીઠીમાં બેસી ગઈ હતી. નજીકના થોડાં સગાવહાલાં અને મિત્રો આવી ગયાં હતાં. આમ સાદાઈથી લગ્ન થવાનાં હતાં પણ સગાવ્હાલાંને તો બોલાવવાં પડે. અને વળી હસમુખભાઇના ઘરે પહેલો પ્રસંગ હતો. નેહાને ક્યારેક ભીડમાં પણ એકલું લાગતું. પણ રોહિત એની વહારે આવી જતો. અને યાદોની દુનિયામાંથી કલ્પના અને સપનાંની દુનિયામાં લઈ જતો.
અંતે પંદરમી નવેમ્બર આવી ગઈ. સવારે ફેરા અને સાંજે રિસેપ્શન રાખ્યું હતું. સવારે અગ્યાર વાગે ધાર્મિક વિધિથી રોહિત અને નેહા બંધાઈ ગયા. ઘરનાં બગીચામાં જ માંડવો નાખેલો અને ચોરી પણ બાંધેલી. પંડિતજીએ આશીર્વાદ આપી વિધિ સંપન્ન કરી. નેહા રોહિતની બની ગઈ. લાલ પાનેતરમાં શોભતી નેહા કોઈ ફિલ્મની હિરોઈન જેવી લાગી રહી હતી. સ્નેહા જબરદસ્તીથી એને પાર્લરમાં લઈ ગઈ હતી. રોહિતની પણ ઈચ્છા હતી કે એ ખૂબ સુંદર રીતે તૈયાર થાય. બાએ પણ સમજાવી કે રોહિતની ખુશી માટે બધું કરવાનું.
સાંજે રિસેપ્શનમાં એણે બેઇઝ રંગની હીરાભરેલી સાડી પહેરી હતી. ગળામાં નકલી હીરાનો હાર અસલી જેવો ચમકતો હતો. હાથમાં રોહિતે આપેલું ડાયમંડનું બ્રેસલેટ અને ડાયમંડની રિંગ. લટકાતાં ઈયરિંગ્સ. સુંદર મજાની હેરસ્ટાઇલ .એ કોઈ આસમાનમાંથી ઉતારેલી પરી જેવી દેખાતી હતી. ફિલ્મ જગતના ઘણાં માણસો એના રિસેપ્શનમાં આવેલાં હતાં. મીનાક્ષીદેવી અને પ્રકાશ મહેતા પણ હાજર હતાં . એ સિવાય ‘સુનેહરાં સપનાં’ સાથે જોડાયેલાં ઘણા સટાફના માણસો હતાં . સાદાઈથી જે લગ્ન થવાના હતા તે ફિલ્મ જગતના સિતારાથી ઝગમગવાં લાગ્યાં. નેહા પણ એ લોકોને જોઈને ખુશ થઈ ગઈ. આવી તો એણે કલ્પના પણ નહોતી કરી. હસમુખભાઈ પણ દીકરીનું આટલું બધું માન જોઈને આંખમાં આવેલા ઝળઝળિયાંને રોકી રાખવાની કોશિશ કરી રહ્યા. બાપ માટે તો દીકરીની પ્રસિદ્ધિ ખૂબ મોટા ગર્વની વાત છે.
હસમુખભાઈ ભોજનની પણ સરસ વ્યવસ્થા કરેલી. પણ એ થોડો સંકોચ અનુભવી રહ્યા હતા કે ફિલ્મના માણસોને આપણું સીધું સાદું ખાવાનું કેવું લાગશે? પણ બધાએ જ્યારે ભોજનને સારી રીતે માણ્યું ત્યારે એમના જીવને સંતોષ થયો. ભલે સાદું ખાવાનું હતું પણ કોઈ ભૂખ્યું ના ગયું એનો આનંદ એમને હતો. સૌ જમીને વિખરાવાં લાગ્યાં .
નેહા અને રોહિત માટે હોટલ હોલીડે ઈનમાં રૂમ રાખેલો હતો. સ્નેહા અને સાયરા નેહાને લઈને હોટલના રૂમમાં આવી. રૂમ સરસ રીતે ફૂલોથી શણગારવામાં આવ્યો હતો . ગુલાબના ફૂલોથી મહેકતો રૂમ કેન્ડલ લાઇટમાં ખૂબ રોમૅન્ટિક વાતાવરણ ઊભું કરી રહ્યો હતો. રોહિતે પોતાની સુહાગરાત માટે કોઈ કસર છોડી નહોતી. સ્નેહા અને સાયરા રોહિતની રાહ જોઈ રહી હતી. રોહિતે ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. ગળામાં મરૂન રંગનો દુપટ્ટો હતો. ગોરો રોહિત દુલ્હાના વેશમાં ખૂબ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. એના હાથમાં ગિફ્ટ બોક્સ હતું. સ્નેહા અને સાયરા રસ્તો રોકીને ઊભી હતી. ,” જીજુ, ખિસ્સું ઢીલું કરો તો અંદર જવા મળશે. ”
રોહિત બોલ્યો ,”અરે ફોન તો આપાવ્યો હવે શાના પૈસા?”
સ્નેહા બોલી,” તો પછી અમે તો આ બેઠાં. તમે બીજો રૂમ લઈ લો.” ખૂબ રકઝક પછી થોડા પૈસા આપ્યા ત્યારે જ સ્નેહા અને સાયરા દરવાજામાંથી હટી .સ્નેહા અને સાયરા ગઈ એટલે રોહિતે રૂમનો દરવાજો લોક કર્યો.
પોતાનો દુપટ્ટો ચેર પર ફેંકી , ફૂલોને જરા હટાવી એ નેહાની પાસે બેસી ગયો. નેહા નીચું જોઈને સાડીને આંગળીમાં વીંટી રહી હતી. રોહિતે ધીરેથી એનો હાથ પકડી લીધો. અને ચૂમી લીધો. નેહા વધારે શરમાઈ ગઈ. ગિફ્ટ બોક્સ રોહિતે નેહાને પકડાવી દીધું. ધીરેથી બોલ્યો,” નેહા, મારી પત્નીને મારા તરફથી લગ્ન થયા પછીની પહેલી ભેટ. નેહા, ખોલ પ્લીઝ!” નેહાએ ધીરેથી ગિફ્ટ રેપર ખોલ્યું! એમાંથી એક પુસ્તક નીકળ્યું. નેહાએ પુસ્તકની ઉપરનું રેપર ખોલ્યું તો પુસ્તક પર ” સુનેહરાં સપનાં ” લખ્યું હતું અને લેખિકા નેહા શાહ !
નેહાએ આશ્ચર્યથી રોહિત સામે જોયું! રોહિત ધીમેથી હસીને બોલ્યો, “ગમી મારી ગિફ્ટ? બધાની જેમ ડાયમંડ કે સોનાની ગિફ્ટ નથી લાવ્યો, પણ તારા માટે જે અણમોલ વસ્તુ છે એ લાવ્યો છું.”
નેહા એકદમ રડી પડીને રોહિતના ગળામાં હાથ નાખીને ભેટી પડી. અને ક્યારે એ રોહિતની બાહોમાં પીગળવા લાગી એનું પણ એને ભાન ના રહ્યું.
બીજે દિવસે વિદાયનો સમય આવી ગયો. નેહાને લઈને રોહિત થોડા દિવસ માથેરાન જવાનો હતો અને પછી અમેરિકા જવાનો હતો. ડીજેએ દીકરી વિદાયનું ગીત મૂક્યું, ‘ચલરી સજની અબ ક્યાં હોતે , કઝરા ના બેહ જાયે રોતે રોતે.’ અને નેહા પપ્પાને ભેટીને ખૂબ રડી પડી. આટલા દિવસની પીડા માઝા મૂકીને વહેવા લાગી! નેહા એટલી બધી રડી કે બેહોશ થઈ ગઈ! બા અને સ્નેહા ગભરાઈ ગયાં. રોહિત એને બે હાથમાં ઉંચકીને બેડરૂમમાં લઈ ગયો. બેડની આજુબાજુ ટોળું જમા થઈ ગયું. નેહા માંડ માંડ ભાનમાં આવી.નેહાએ એની આજુબાજુ લોકોને જોયા ત્યારે એકદમ સાડી સંકોરતી બેઠી થઈ ગઈ. રોહિત એની બાજુમાં જ બેઠો હતો.
પ્રકરણઃ ૪૦
નેહા ધીરે ધીરે ભાનમાં આવી. એણે આસપાસ સગાવ્હાલાઓનું ટોળું જોયું. એને તરત ખ્યાલ આવી ગયો કે પોતે વિદાયનું ગીત સાંભળીને રડી પડી હતી અને રડતાં રડતાં બેભાન થઈ ગઈ હતી. પિયર છૂટી જવું એ એક સ્ત્રી માટે કેટલું અઘરું હોય છે. બાનો વહાલભર્યો પાલવ અને બાપની કરુણાભરી નજર! બહેનનું હેત અને આ ઘર, આ બગીચો, આ શેરી, આ ગામ ! બધું એક ઝટકામાં છોડી દેવાનું! શું સ્ત્રી માટે આ પરણવાની એક મોટી સજા નથી? સ્ત્રી જે કોમળ હૃદયા છે, જે લાગણીથી ભરપૂર છે! એ એટલી કોમળ છે કે કોઈની આંખમાં આંસુ જુએ તો પોતે રડવા લાગે છે. વળી નેહા તો એક લેખિકા હતી. બધી લાગણીઓને એ કાગળ પર ઉતારી શકતી હતી. એને માટે આ મોટો વજ્રપાત હતો. એ સ્વસ્થ થઈ ગઈ. રોહિત એનો હાથ પકડીને બેઠો હતો. બધાંની વચ્ચે એ શરમાઈ ગઈ. એને ધીરેથી હાથ છોડાવી લીધો. પપ્પા બાજુમાં ઊભા હતા. એમણે નેહાના માથા પર હાથ મૂક્યો.
મહેશભાઈ પણ આવી ગયા અને બોલ્યા,” બેટા, નેહા તું જરા પણ ગભરાતી નહીં. હું પણ તારો બાપ જ છું અને હા સમાજે ઘડેલા આ નિયમો મને પણ નથી ગમતાં! દીકરીને વળાવવી એ કેટલું અઘરું કામ છે એ મને સમજ પડે છે. પણ બેટા, અમે તારું બરાબર ધ્યાન રાખશું અને તારા માતાપિતાને પણ બોલાવી લઈશું અને આપણે પણ આવતાં જતાં રહીશું. નેહાએ આંખથી આંસુ લૂછી લીધાં. એ ઊભી થઈને પહેલા મહેશભાઈને અને પછી પિતાને પગે લાગી. બધા દીકરીને વળાવવાંની રાહ જોતાં હતાં. ફરી બધા માંડવામાં આવી ગયાં. ફરી ડી જે એ ગીત મૂક્યું,” કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો.” રોહિતે એ ગીત બંધ કરવા કહ્યું. અને રોમૅન્ટિક ગીત મૂકવા કહ્યું, ડી જે એ,” તેરા મેરા સાથ રહે, ધૂપ હો છાયા હો દિન હો કે રાત રહે.” અને બધાના ચહેરા ખીલી ઉઠ્યાં.
****
પ્રાઇવેટ કાર કરીને દવે ફેમેલી એરપોર્ટ જવા નીકળી ગયાં . બા અને પપ્પા સૂનમૂન થઈને બેસી ગયા. સ્નેહા પોતાનું બેડરૂમનું બારણું બંધ કરી ઓશિકામાં માથું નાખી ડૂસકે ડૂસકે રડી પડી. નેહા છોડીને ગઈ હતી. આ દીવાલ આ બારણાં આ બારી, આ હીંચકો, આ બગીચો, આ ઘર એના વગર સૂનું થઈ જવાનું. કોઈ કેટલા પણ સાદ પાડશે, એને બોલાવશે પણ એ નહિ આવે!
બા પણ સાડલાથી વારંવાર આંસુ લૂછતાં હતાં . દીકરીને બાવીશ વર્ષની કરી. અને જીવની જેમ સાચવી! એને જુદી કરતાં હૃદયને એવું લાગ્યું કે જાણે મખમલના કપડાને કાંટા પરથી હટાવ્યું, હૃદય જાણે ઊઝરડાથી છલની થઈ ગયું. હવે હૃદય ફરી પહેલા જેવું નહીં થાય! હવે એમાં હંમેશા ઉઝરડો રહેશે!
પપ્પા તો ચૂપચાપ સામે લટકાવેલા ફેમેલી ફોટોને એકધારું તાકી રહ્યા હતા. એમાં નેહા હતી , ફોટામાં નેહા હતી પણ ઘરમાં નહોતી. બાપનું દિલ પણ નરમ માખણ જેવું હોય છે. દુનિયાથી આંખનાં આંસુ છૂપાવવા મથામણ કરે છે પણ આંખોની રતાશ ચાડી ખાય છે. હસમુખભાઈ દિલમાં સવાલ ઊભો થયો,” બાબુલ પછતાઈ હાથોકો મલકે કાહે દિયા પરદેશ ટુક્ડેકો દિલકે, આંસુ લિયે સોચ રહા દૂર ખડા રે,”
દવે ફેમેલી મુંબઈ પહોંચી ગઈ. અહીંયા મહેશભાઇની દૂરની બહેનનું ઘર બોરીવલીમાં હતું. ટેક્ષી કરીને દવે ફેમેલી બોરીવલી પહોંચી ગયા. બહેને ખૂબ પ્રેમથી નેહાનું સ્વાગત વિધિ પ્રમાણે કર્યું. બીજા દિવસે રોહિત અને નેહા માથેરાન જવા માટે નીકળી ગયાં. નેહા ઘણી સ્વસ્થ થઈ ગઈ હતી. માથેરાનમાં ખૂબ સુંદર વાતાવરણ હતું. પ્રેમીઓ માટે તો સ્વર્ગ જ! જે હોટેલમાં નેહા અને રોહિત રહ્યાં હતાં ત્યાં ચારે તરફ હરિયાળી છવાયેલી હતી. પાણીના ટીપા પાંદડા પર ઝાકળની જેમ ચમકી રહ્યાં હતાં. દૂર આસમાનમાં પહાડ પરથી ડોકિયાં કરતો સૂર્ય આવું કે ના આવું ની મથામણ પણ પડ્યો હતો. નેહા અને રોહિત આ વાતાવરણમાં મદહોશ થઈ રહ્યાં હતાં . રોહિત સાગરની સાથે નેહાના દિલમાં ક્યારે ગોઠવાઈ ગયો એ નેહાને પણ ખબર પડી નહીં. એ લોકોએ ટૂર બસ કરી આખું માથેરાન જોઈ લીધું. પ્રેમી પંખીડાને અહીંથી નીકળવાનું મન નહોતું થતું. પણ સમય ક્યાં થંભે છે. દવે પરિવારની અમેરિકા જવાની ફલાઇટ હતી.
માથેરાનથી બંને મુંબઈ આવી ગયા. ડિસેમ્બરની 2 જી તારીખની શિકાગો જવાની ફ્લાઇટ હતી. નેહા પાછી અમદાવાદ જવાની હતી. એણે રોહિતની પત્ની તરીકે વિઝા માટે એપ્લાય કરવાનું હતું. વિઝા આવે એટલે અમેરિકા જવાનું હતું. એ એરપોર્ટ પર રોહિતને મૂકવા ગઈ. મહેશભાઈ અને માધવીભાભીને પગે લાગી. એ રોહિત સાથે એકાંતમાં ગઈ. એની આંખોમાં આંસુ આવી ગયાં.
રોહિતે એની આંખનું એક આંસુ આંગળીમાં લઈને કહ્યું,” આ મોતીને સાચવીને રાખજે. એ અણમોલ છે. એ મારો ખજાનો છે એનો હિસાબ હું માંગીશ!”
નેહા રડતાં રડતાં હસી પડી. રોહિત ફરી બોલ્યો,” આઈ એમ ગોઈંગ ટુ મિસ યુ ટુ બટ કિપ સ્માઇલિંગ બિકોઝ વ્હેન આઈ લિવ આઈ વોન્ટ ટુ રિમેમ્બર યોર સ્માઈલી ફેઈસ !”
દવે ફેમિલી અમેરિકા રવાના થઈ ગઈ ગઈ. નેહાનું દિલ ભરાઈ આવ્યું. મહેશભાઇની બહેન. નેહાને ઘરે લઈ ગઈ. અને બીજા દિવસે અમદાવાદની ફલાઇટમાં બેસાડી પણ દીધી. ફરી નેહા પોતાના વતનમાં આવી ગઈ. પપ્પા એરપોર્ટ પર લેવા આવેલા. દીકરીને જોઈને ભેટી પડ્યા. નેહા પણ પપ્પાને જોઈને રડી પડી. પપ્પાએ પૂછ્યું,” બધું બરાબર છે ને નેહા?” “હા પપ્પા ” નેહાએ જવાબ આપ્યો.
નેહાથી હવે રોહિતનો વિરહ સહન થતો નહોતો. જે રીતે સાગર હૃદયમાં સમાઇ ગયો હતો, એજ રીતે રોહિતે હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. લખવાનું ચાલુ હતું. ‘સુનેહરાં સપનાં ‘ની સફળતા પછી ત્રીજી નવલકથાની પ્રેરણા રોહિતે આપી હતી. ઇન્સાનને ભગવાને ભુલક્કડ પેદા કર્યો છે. જો માણસને ભૂલવાની આદત ના હોત તો કદાચ પોતાના મૃત પામેલા સ્વજનોની યાદને લઈને જિંદગીભર રડ્યાં કરત, પણ ઈશ્વરે લાગણી સાથે ભૂલવાની આદત પણ રાખી છે. દુઃખનું ઓસડ દહાડા એવું કહેવાય છે. સમય જતા જખમ રહી જાય છે. પણ એની પીડા ઓછી થઈ જાય છે.
નેહા રોહિત સાથે ફોન પર અને વોટ્સએપ રોજ વાતો કરતી. વિઝાની પ્રોસિઝર ચાલુ હતી. બધાં જ પેપર સબમિટ થઈ ગયા હતા. વિઝા કોલની રાહ જોવાતી હતી. નેહાને હવે અમેરિકા જવાની ઉત્કંઠા વધતી જતી હતી. આમ પણ દુનિયા જોવાનો એને ખૂબ શોખ હતો. રોહિતે એને વચન આપ્યું હતું કે એ એને દુનિયા બતાવશે. રોહિત જ્યારે ભારત હતો ત્યારે એની સાથે વિતાવેલી દરેક ક્ષણ એટલી લાગણીસભર હતી કે નેહાને એ મમળાવતાં હૃદયમાં મીઠાશ આવી જતી હતી. હવે ઊડીને અમેરિકા જતી રહું એવું થતું હતું.
રોહિતનો સ્પર્શ એના શરીરમાં ઝણઝણાહટ મૂકી ગયો હતો. ફરી એકવાર એને રોહિતની બાહોમાં પહોંચી જવું હતું. ફરી એની બાહોમાં ઓગળી જવું હતું. એના મધથી મીઠા શબ્દોમાં ઝબોળાઈ જવું હતું. રોહિતનો ફોન આવતો ત્યારે હંમેશા કહેતી. હવે કેટલી વાર લાગશે વિઝા આવતા? રોહિત ખૂબ ધીરજવાળો અને શાંત હતો. એ હસીને કહેતો આવી જશે. ધીરજ રાખ, તું કોઈ કોર્સ કરી લે. જો તને બ્યુટીપાર્લર ગમતું હોય તો એ શીખી લે. અથવા કોમ્પ્યુટર શીખી લે. તારો સમય નીકળી જાય. નેહા બોલી,” નારે એના કરતા હું લખું નહિ.? મારે તો હજુ ઘણું લખવાનું છે.
રોહિતે એક વાત નોટિસ કરી હતી કે નેહા હવે વારંવાર સાગરને યાદ નહોતી કરતી અને ઉદાસ પણ નહોતી દેખાતી. એ હસીને મનમાં બોલ્યો,” મેરા જાદુ ચલ ગયા. ”
પ્રકરણઃ ૪૧
2020માં આવેલા રોગ કરોના 19 ના હિસાબે ઘણા લોકોના વિઝા અટકી ગયાં હતાં. આ કરોનાને કારણે માણસ માણસથી ડરવા લાગ્યો હતો. સ્પર્શથી લોકો ડરતાં હતાં. પોતાના પોતાનાથી જુદાં થઈ ગયાં હતાં. સ્મશાન અને કબ્રસ્તાન ભરાઈ ગયાં હતાં. કરોનાએ એકપણ ઘર છોડ્યું નહોતું. “બિછડે સભી બારી બારી” નેહા અને સ્નેહા પણ ઘરમાં ભરાઈ ગયાં હતાં. પપ્પાની દુકાન લગભગ બંધ જ પડી હતી. ત્યાં અમેરિકામાં મહેશભાઈ મોટેલમાં કસ્ટમર આવતા બંધ થઈ ગયા હતા. રોહિત વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો હતો. એ પણ બેચેનીથી નેહાની રાહ જોઈ રહ્યો હતો.
નેહાના લગ્નને લગભગ વર્ષ થવા આવ્યું હતું. વિઝાકોલની રાહ જોઈ જોઈને એ થાકી ગઈ. લખવાનું કામકાજ પણ ઢીલું પડી ગયું હતું. દિવસો અને પછી મહિનાઓ એ રીતે જઈ રહ્યા હતા જાણે અહેસાન ઉતારી રહ્યા હોય! “દિન કુછ ઐસે ગુજારતા હૈ કોઈ, જૈસે અહેસાન ઉતારતા હૈ કોઈ ” ક્યાંય મન લાગતું નહોતું. રોજ કોઈના અને કોઈના મૃત્યુના સમાચાર સાંભળી કાન બધિર થઈ ગયા હતા. રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીને સૂઈ જતાં કે સવારે કોઈ મૃત્યુના સમાચાર ના મળે, પણ સવાર થતા યમરાજ કોઈને કોઈનું દ્વાર ખખડાવી દેતા.
પણ આજની સવાર કૈંક જુદી હતી એ ખુશીના સમાચાર લાવી! સવારના નવ વાગ્યામાં મીનાક્ષીદેવીનો ફોન આવ્યો. ઘણા સમય પછી મીનાક્ષીદેવીનો ફોન હતો. મીનાક્ષીદેવીના આવાજમાં એક અજબ ઉત્સાહ હતો. એ બોલ્યા,” નેહા સાંભળ, એક ખુશી સમાચાર આપવા માટે ફોન કર્યો છે. તને જીફા એટલેકે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ માટે નોમિનેશન મળ્યું છે. બેસ્ટ ડેબ્યુ રાઈટર તરીકે! હું જાણું છું તું ડિઝર્વ કરે છે. આ એવોર્ડ થોડો મોડો આપવામાં આવ્યો છે કરોનાને લીધે . બસ, હવે તું રાહ જોજે તને એક બે દિવસમાં એ લોકો કૉન્ટેક કરશે. અને મારા તરફથી તને ખૂબ ખૂબ શુભેચ્છા!”
નેહા તો જાણે ઉછળી પડી. એ દોડીને બા પાસે ગઈ,” બા ,બા ખૂબ સારા સમાચાર છે. મને જીફા વાળા નોમિનેટ કરશે. મીનાક્ષીદેવીનો કૉલ હતો. બા હું રોહિતને કૉલ કરી દઉં ! બાએ કહ્યું,” નેહા જ્યારે જીફા વાળા કોલ કરે ત્યારે રોહિતને જણાવજે! અને એને પણ જીફા એવોર્ડમાં આવવા આમંત્રણ આપજે. જો ફલાઇટ ચાલુ થઈ હશે અને સલામતી લાગશે તો આવશે. આમ પણ તમારા લગ્નને ચાર મહિના થઈ ગયા.”નેહાને બા ની વાત સાચી લાગી.
હવે નેહા કાગડોળે જીફા ના કોલની રાહ જોવા લાગી. બે ત્રણ દિવસ પછી જીફા નો કૉલ આવ્યો. સુનેહરાં સપનાં ની સ્ક્રીનપ્લે રાઈટર તરીકે એને નોમિનેટ કરવામાં આવી છે. અને જરૂરી ફોર્મ વિગેરે ઈ-મેઈલથી મોકલી આપીશું, તેમજ તમારે કેટલી ટિકિટ જોઈએ છે તે જ્ણાવશો તો અમે એટલી ટિકિટની પણ વ્યવસ્થા કરી આપીશું. નેહા માટે આ કૉલ , કૉલ નહિ પણ એક સપનું હતું જે પૂરું થયું હતું. એને સાગરની યાદ આવી ગઈ સાગરની યાદ જોકે હૃદયમાં તો હતી. હવે ઉભરાઈ આવી. સાગરથી જુદા થયાને એક વરસ અને છ મહિના થઈ ગયાં. જીવન બદલાઈ ગયું હતું. રોહિતે સાગરની યાદને રાહત બનાવી દીધી હતી.
એણે રોહિતને વિડિઓ કૉલ કર્યો. હવે રોજ એમની વિડિઓ કોલથી જ વાત થતી. બંને એકબીજાને જોઈ શકતાં હતાં. એટલી મહેરબાની ટેક્નોલોજીએ કરેલી હતી. કાનમાં એરપોડ રાખી એને કોલ કર્યો. હસતો હસતો રોહિત હાજર થઈ ગયો. નેહા પણ હસી પડી અને બોલી,” ગેસ, આજ મેં શું સમાચાર આપવા કોલ કર્યો છે?”
રોહિતે માથું ધુણાવ્યું,” આઈ ડોન્ટ નો, તું કહે શું સમાચાર છે?
નેહા બોલી,” મને સુનેહરા સપનાં માટે નોમિનેટ કરવામાં આવી છે. તું આવીશ?
રોહિત આ સાંભળીને એકદમ ખુશ થઈ ગયો. એ બોલ્યો,” અરે યાર, આ તો ખૂબ સારા સમાચાર આપ્યા. પણ મારે જોવું પડશે ક્યારે કાર્યક્રમ છે અને મને રજા મળશે કે નહીં !પણ હું સદેહે નહિ આવું તો પણ મારો આત્મા તારી સાથે હશે. પણ મને તારીખ વિગેરે જણાવજે. વળી ફલાઇટ ચાલુ થશે તો અવાશે. કરોના ના હોત તો કોઈ સવાલ જ નહોતો ચોક્કસ આવત! બોલ બીજું શું ચાલે છે? નેહા નિરાશ થઈ ગઈ! આ કરોના એ કેટલા દિલ તોડ્યાં હશે? કેટલા ઘર ફોડ્યાં હશે?
પ્રોગ્રામ ચોથી માર્ચ 2021નો હતો . ચોથી માર્ચને બે અઠવાડિયા રહી ગયાં હતાં . એને રોહિતને તારીખ અને સમય જણાવી દીધો. કરોનાનો કહેર 2020 ની માર્ચ તારીખથી પીક પર આવેલો. એક વરસ થઈ ગયું. થોડી ઘણી ફલાઇટ ચાલુ થઈ હતી. રોહિતને એ ફોર્સ કરવા માંગતી નહોતી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે નેહાને પણ ડર લાગતો હતો.
નેહાએ બા પપ્પા સ્નેહા અને રોહિતની ટિકિટ પણ બુક કરાવી! કદાચ આવે તો! બધા માટે પ્રોગ્રામમાં પહેરવા માટે સરસ કપડાંની શોપિંગ કરી. સ્નેહા તથા પોતાના માટે આર્ટિફિશિયલ જૂલરી પણ ખરીદી! જોરશોરથી ઘરમાં તૈયારી ચાલી રહી હતી. પપ્પા ખૂબ ગર્વ લેતા હતા કે મારી દીકરી ખરેખર એક સારી લેખિકા બની ગઈ છે. એની કલ્પના શક્તિને દાદ આપવા જેવી છે. આમ તો આપણી સામે જ કેટલીય વાર્તાઓ બનતી હયો છે. કારણકે હર જીવન એક કહાની છે. પણ એનું નિરીક્ષણ બહુ ઓછાં લોકો કરી શકે છે. અને નિરીક્ષણ કરે તો પણ એને યાદ રાખીને બહું ઓછાં લોકો લખી શકે છે. નેહા પહેલેથી બાળપણથી જ આવી કલ્પનાશીલ અને નિરીક્ષણ કરવાવળી હતી. પપ્પાએ વાંચનની આદત નાખી હતી હતી. તેથી કલ્પનાશક્તિ ઔર ખીલી હતી. આજ એની મહેનત રંગ લાવી હતી. ઈશ્વર કરે કે આ એવોર્ડ એ જીતે.
રોહિત સાથે લગભગ રોજ વિડિઓ કોલથી વાત થતી. પણ એની વાતોથી જાણવા મળ્યું કે હજુ એનું આવવાનું નક્કી નહોતું. આવી રીતે ઘણા એન આર આઈ ફસાઈ ગયા હતા. અરે કેટલાય વિઝિટર પેરેન્ટ્સ પણ ફસાઈ ગયા હતા. એ લોકોને ભારત જવું હતું પણ ફલાઇટ કેન્સલ થવાથી વિઝા લંબાવે જતાં હતાં . અને નેહા જેવા ભારતમાં ફસાઈ ગયા હતા જે પોતાના પ્રિયજનથી દૂર થઈ ગયાં હતાં.
પણ ફેબ્રુઆરી 26 ની વહેલી સવારે ડોરબેલ વાગી! બા પણ સાડલો પહેરતાં ઊભા થયાં ! આટલી વહેલી સવારે વળી કોણ હશે? ફરી ડોરબેલ વાગી.
બા જોરથી બોલ્યા ,”અરે આવું છું ભાઈ જરા તો ધીરજ ધરો. આટલી વહેલી સવારે ડોરબેલ વગાડો છો અને ઊંઘ બગાડો છો!” સાડલો સરખો કરી, માસ્ક પહેરી એ દરવાજો ખોલવા લાગ્યાં. તો સામે હસતો હસતો રોહિત ઉભો હતો!
બા બોલ્યા,” અરે રોહિતકુમાર માફ કરશો! તમારા આવવાના કોઈ વાવડ નહોતા એટલે હું જેમ તેમ બોલી ગઈ. માફ કરશો.” બોલી બાએ બે હાથ જોડી દીધાં !
રોહિત હસીને બોલ્યો; “હું તમારો દીકરો જ છું. મા દીકરા પાસે માફી માંગે? અને મારે નેહાને સરપ્રાઈઝ આપવી હતી. અને એ સૂતી હોય તો ઊઠાડશો નહિ! હું એને સરપ્રાઈઝ આપીશ!”
બા બોલ્યા,”ઘરમાં બધા જ સુતાં છે. સવારે પાંચ વાગે કોણ ઊઠે છે? બા એ ચા મૂકી અને રોહિત અને બાએ ચા પીધી!
સૂરજ ધીરે ધીરે અંધારું દૂર કરવા લાગ્યો અને પોતાના કોમળ કિરણથી જગને ઊઠાડવા લાગ્યો. પક્ષીઓનો કલરવ સંભળાવો લાગ્યો. નેહા પણ આળસ મરડીને ઊભી થઈ! સવારના પહોરમાં પણ એની સુંદરતામાં જરાપણ કમી દેખાતી નહોતી. વાળનું પોનીટેઈલ બાંધતી એ ડાઈનિંગ રૂમમાં આવી, જયાં બા અને રોહિત બેઠાં બેઠાં ચા પીતાં હતાં. અને નેહાની આંખો પહોળી થઈ ગઈ!
“રોહિત તું ?”
પ્રકરણઃ ૪૨
“રોહિત તું?” નેહાના કંપતા અવાજમાં ખુશી દેખાતી હતી.
“હા, નેહા, ફ્લાઇટ મળી ગઈ કોવિડનું જોર તો હજુ એટલું જ છે. પણ અમૂક ફલાઇટ ચાલુ થઈ ગઈ છે. તેથી દોડીને તારી પાસે આવી ગયો. તારી આટલી મોટી સિદ્ધિ હોય અને હું ગેરહાજર રહું એ તો બને જ નહિ ને. હા પણ પાંચ દિવસ કોરેન્ટાઈન કરવું પડશે, પછી ટેસ્ટ કરાવીશ. આઈ વીલ બી ફાઈન ડોન્ટ વરી.” રોહિત વિશ્વાસથી બોલ્યો.
નેહા તો ખૂબ ખુશ હતી. પણ ચિંતિત પણ થઈ ગઈ,” રોહિત, પણ આવો ચાન્સ ના લેવાય ને, ઈશ્વર ના કરે અને તને કૈક થઈ જાય તો!”
રોહિતને એક રૂમ આપી દેવામાં આવ્યો. ખાવાનું બધું એ રૂમમાં પહોંચાડી દેવામાં આવતું હતું. પણ રોહિતને બે દિવસથી સખત માથું દુખતું હતું. તેથી એને પપ્પા કોવીડનો ટેસ્ટ કરાવવા લઈ ગયા. રિઝલ્ટ બે દિવસ પછી આવવાનું હતું. અને છ દિવસમાં એવોર્ડનો પ્રોગ્રામ હતો. એ રાતે રોહિતની તબિયત બગડવા લાગી. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. ઓક્સિજન લેવલ ડાઉન હતું. એને તાત્કાલિક હોસ્પિટલની જરૂર હતી. આખા અમદાવાદમાં કોઈ હોસ્પિટલમાં બેડ મળતી નહોતી. ખૂબ દોડાદોડી કરીને હસમુખભાઈ હોસ્પિટલ શોધી કાઢી. ડબલ પૈસા ચાર્જ કરતા હતા પણ હોસ્પિટલમાં દાખલ કર્યા વગર છૂટકો નહોતો. રોહિતની તબિયત ખૂબ બગડી રહી હતી. રિઝલ્ટ આવ્યું નહોતું પણ સિમટોમ્સ પરથી ખ્યાલ આવી ગયો કે કોવિડ જ છે. પ્લેનમાં લાગી ગયું હશે. ઘરનાં બધાં સભ્યોને પણ કોરોનટાઇન કરવાં પડયાં.
ઘરમાં ઉદાસીનું વાતવરણ છવાઈ ગયું. નેહાની હાલત ખરાબ હતી. સાગરના મૃત્યુ પછી હવે રોહિતની આ બીમારી..! નસીબ પરથી એનો વિશ્વાસ ઊઠી ગયો હતો.
નેહા રડીરડી ને બેહાલ થઈ ગઈ હતી. એ પોતાને જ દોષી માની રહી હતી. “મારે રોહિતને આમંત્રણ આપવાની જરૂર જ નહોતી. મારા ખરાબ નસીબનો સાયો રોહિત પર પડ્યો છે હવે એ નહિ બચે.”
બા એકદમ ગુસ્સે થઈ ગયા! બોલ્યા,” આવું બોલાતું હશે? રોહિતકુમારને કાંઈ નહિ થાય. બસ ભગવાનને પ્રાર્થના કર.”
હોસ્પિટલમાં કોઈને આવવા દેતા ના હતા. રોહિત વર્ષોથી અમેરિકા રહેતો હોવાથી એની ઇમ્યુનીટી પણ નબળી હતી. અમેરિકામાં હવાપાણી ચોખ્ખા હોવાથી એ લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય છે. નેહાને હોસ્પિટલ જવું હતું પણ પપ્પાએ ના પાડી. ઘરમાં બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા પણ રોહિતનો પોઝેટીવ હતો. રોહિતની તબિયત બગડતી જતી હતી. ઓક્સિજન ચડી રહ્યો હતો પણ જો ઓક્સિજન કાઢી લેવામાં આવતો તો ઓક્સીજનનું લેવલ 80 જેવું થઈ જતું હતું. નેહાને રોહિતને મળવું હતું. એને ભેટવું હતું. એની સાથે પ્રેમની વાતો કરવી હતી. પણ કેટલી મજબૂર હતી.
એણે પપ્પાને બે હાથ જોડીને વિનંતી કરી,” પપ્પા, પ્લીઝ પ્લીઝ મને રોહિત પાસે લઈ જાઓ નહીંતર મારો જીવ અહીં નીકળી જશે! મારો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. મારે રોહિતને જોવો છે. એ સારો તો થઈ જશે ને? પપ્પા શું મારા નસીબ આટલા બધા ખરાબ હશે? પપ્પા રોહિત મને જોવા તરસતો હશે, મને હોસ્પિટલ લઈ જાઓ!”
પપ્પા એને હોસ્પિટલ લઈ ગયા. રોહિતને કાચમાંથી જ જોઈ શકાતો હતો. રૂ માં કોઈને જવા દેતા નહોતા. રોહિતની આજુબાજુ કેટલીય ટયુબો ભરાવેલી હતી. પ્લાસ્ટિકના કપડાં પહેરેલા હતા. એના ચહેરાની રોનક ખતમ થઈ ગઈ હતી. ચહેરા પર જાણે મોત મંડરાઈ રહ્યું હતું. નેહાના મુખમાંથી ચીસ નીકળી ગઈ, “રોહિત, રોહિત !” નર્સે અંદર જઈને રોહિતને ખબર આપ્યા કે એની પત્ની આવી છે. રોહિતે કાચની બારી સામે જોયું. નેહા કાચની બારી પર હાથ રાખીને એને બોલાવી રહી હતી. એની બંને આંખોમાંથી ચોધાર આંસું સરી રહ્યાં હતાં. એ માથું ધુણાવીને માથે મંડરાતા મોતને જાણે ‘ના, ના..!’ કહી રહી હતી. રોહિતે ધીરેથી હાથ ઉઠાવીને લાઇકની સાઇન આપી! નેહા મારો રોહિત મારો રોહિત બોલતી રહી. પપ્પા એને ઘરે લઈ ગયા.
‘મોતકા ઝહેર હૈ હવાઓંમેં, અબ કહા જાકે સાંસ લી જાયે ?’ ઇન્સાન મોત સામે કેટલો મજબૂર છે? ગમે તેટલા હાથ પગ પછાડીએ પણ જે બનવાનું હોય તે બને જ છે. નેહા સાગરનો સદમો ઉઠાવી ચૂકી હતી હવે રોહિતનું દુઃખ ઉઠાવવાનું એનું કાળજું નહોતું. પણ મોત થી કોણ જીતી શક્યું છે? હા કદાચ નેહાના કિસ્મત જ ખરાબ હતા. ‘ જગને છીના મુજસે મુજેહ જો ભી લગા પ્યારા, સબ જીતા કિયે મુજસે મૈં હરદમ હી હારા! ‘ રોજની દોડાદોડી અને રોજનો લાખો રૂપિયાનો ખર્ચો પણ રોહિતને ના બચાવી શક્યો. લાચાર અને મજબૂર આંખોથી કાચની બારી બહાર ઊભેલી નેહાને તાકતો રોહિત આંખો બંધ કરી ગયો હંમેશ માટે. જ્યારે નેહાએ સમાચાર સાંભળ્યા સર્વત્ર સન્નાટો છવાઈ ગયો. સર્વત્ર નિઃશબ્દતા !દૂર દૂર સુધી કોઈ અવાજ નહિ. કે પછી એ અવાજ કે જે સાંભળવા માટે હૃદય તૈયાર નહોતું. રોહિત નથી એ સાંભળવા હૃદય તૈયાર નહોતું.
મહેશભાઈ અને માધવીભાભીને કોલ કરવામાં આવ્યો. માધવીભાભી સાંભળીને બેહોશ થઈ ગયાં. મા થી દીકરો હંમેશા માટે જુદો થઈ ગયો હતો. અને મજબૂરી તો જુઓ કે છેલ્લીવાર એનો ચહેરો જોવા માટે જઈ શકાય તેમ નહોતું. કરોનાવાળું મૃત શરીર ઘરે લાવવા દેતા નથી. તેથી રોહિતના પાર્થિવ શરીરને સીધું સ્મશાનમાં લઈ જવામાં આવ્યું. ત્યાં હારબંધ ચિતાઓ સળગી રહી હતી. રોહિતને પણ આ એકલવાયા સ્મશાનમાં ચિતાને સુપ્રત કરવામાં આવ્યો. કરોનાએ કારમી પીડા આપી હતી. નેહાને બિલકુલ હોશ હતા નહિ. એ બધું ભૂલી ગઈ કે રોહિત અહીં શા માટે આવ્યો હતો. એની સિદ્ધિ માટેનું પહેલું પગલું જોવા માટે. કેટલો ચાહતો હતો રોહિત એને? સાગરનું સપનું પૂરું કરવા એને સમય આપ્યો અને સાગરનું સપનું પૂરું થયું તો એને ઉજવવા આવી ગયો. અને હવે રોહિત નથી. સુનમુન થયેલી નેહાને રડાવો એવું ડૉક્ટર કહેતા હતા, પણ નેહા તો જાણે બીજી દુનિયામાં ચાલી ગઈ હતી. એને કશું સંભળાતું નહોતું.
ફોનની રિંગ વાગી , નેહા ફોન ઉપાડતી નહોતી. સ્નેહાએ ફોન ઉપાડ્યો. મીનાક્ષીદેવીનો કૉલ હતો. સ્નેહાએ રડતાં રડતાં બધી હકીકત કહી સંભળાવી. મીનાક્ષીદેવી કહ્યું ,” હું આવું છું.” થોડીવારમાં મીનાક્ષીદેવી નેહાને ઘરે પહોંચી ગયાં . સૌને આશ્વાસન આપતા નેહાને એક રૂમમાં લઈ ગયાં. મીનાક્ષીદેવીએ નેહાને ઢંઢોળીને કહ્યું,” નેહા, નેહા મારી વાત સાંભળ, હું તારું દુઃખ સમજી શકું છું. પણ તું મારી વાત સાંભળ, આ દુઃખ જ સાહિત્યકારનું પ્રેરક છે. આ દુઃખમાંથી સંવેદના ઉત્પન્ન થાય છે. તને શું ખબર ઈશ્વરે તને આ દુઃખની સોગાત શા માટે આપી છે? તારી કલમને મજબુત કરવા. હું નથી કહેતી કે તું સાગર અને રોહિતનું દુઃખ ભૂલી જા પણ એ દુઃખને તું તારી કલમની તાકાત બનાવ. અને હા તું જીફા એવોર્ડ માટે નોમિનેટ થઈ છે, એ કારણે રોહિત અહીં આવ્યો અને મોત ને સુધા ભેટી ચૂક્યો ! હવે તું જીફા માટે નહિ જાય તો બે બે આત્માઓને દુઃખી કરીશ. તો ચાલ ઊભી થા અને રડવું હોય એટલું રડી લે અને બે દિવસ પછી જીફા માં હાજર થઈ જા. આ મારો તને હુકમ છે.”મીનાક્ષી એક શ્વાસે બોલી ગયા. અને નેહાના આંસુના બંધ છૂટી ગયાં.
નેહા ચીસો પડી પાડીને રડવા લાગી. “રોહિત, રોહિત, તું મારા સપનાં અધૂરાં મૂકીને ક્યાં ગયો ? રોહિત પાછો આવ, પાછો આવ. મારા સપનાં તારા વગર અધૂરાં છે!”
પ્રકરણઃ ૪૩
નેહા ભાનમાં આવતા જ ખૂબ રડી પડી. “રોહિત ,રોહિત, તું મારા સપનાં અધૂરા મૂકીને ક્યાં ગયો ? રોહિત પાછો આવ, પાછો આવ. મારા સપનાં તારા વગર અધૂરાં છે!”
મીનાક્ષીદેવીએ એને ગળે લગાડી દીધી, એ ક્યાંય સુધી મીનાક્ષીદેવીને ભેટીને રડતી રહી. ઘરમાં પ્રાર્થના સભા હતી. ઘણાં લોકોએ પ્રાર્થના કરી અને ઘણાં લોકોને જે બોલવું હતું તે બોલીને ગયાં. નેહાને કોઈ પડી નહોતી. એ જીફા માં જવાની તૈયારી કરી રહી હતી.
મીનાક્ષીદેવી સાચાં હતાં. જે સપનું પૂરું થયું હતું એ જોવા માટે રોહિતે પોતાનો જીવ ખોયો, હવે એ એવોર્ડ જો મને મળતો હોય તો હું શા માટે એ લેવા માટે ના જાઉં. બે બે આત્માને દુઃખી નહિ કરું. લોકોને જે કહેવું હોય તે કહે!”
હું સાગરની નદી છું, હું રોહિતની લાલિમા છું. હું રોકાવાની નથી. હું રોકાઉં તો સાગર પાણી વગરનો થશે અને હું રોકાઉં તો સૂરજ કિરણ વગરનો થશે.
એ જીફામા જવાની તૈયારી કરવા લાગી. બા -પપ્પા ખૂબ ઉદાસ હતાં. દીકરી ઉપર દુઃખના ડુંગરા પડી ગયાં હતાં . પહેલા પ્રેમી અને હવે પતિને ખોઈને નેહા વેદનાના વમળમાં ઘેરાઈ ગઈ હતી. પણ માબાપ પાસે દિલાસા સિવાય કાંઈ નહોતું. પપ્પા માથા પર હાથ ફેરવી કહેતા હતા કે બેટા હું છું ને તું ચિંતા ના કરતી. બા તો પોતે પોતાને સાંભળી નહોતી શકતી. સ્નેહા તો બહેનનું પૂછડું બની ગઈ હતી. ક્યાંક નિરાશામાં બહેન કોઈ ખોટું પગલું ના ભરી લે. એટલે જ્યા નેહા જાય ત્યાં એ જતી હતી.
અંતે જીફા એવોર્ડ માટે મુંબઈ જવાનું હતું. ચારે જણા ઘર બંધ કરી એરપોર્ટ પર ગયાં અને મુંબઈની ફલાઇટમાં બેસી ગયાં. રોહિતની પણ ટિકિટ હતી. એરપોર્ટ પર ક્યાંય સુધી રોહિતનું નામ બોલાતું રહ્યું કે રોહિતકુમાર બોર્ડિંગ માટે હાજર થાય, પણ રોહિત ક્યાં સાંભળતો હતો? પણ જેટલી વાર રોહિતનું નામ બોલાયું, નેહાની છાતીમાંથી ઊનું ઊનું ડૂસકું નીકળ્યું. પપ્પાએ ઇન્ફોર્મેશનમાં જઇને કહ્યું કે રોહિત આવી શકે એમ નથી! અને નેહા બાને વળગીને ડૂસકે ડૂસકે રડી પડી.
હિલ્ટન ઈનમાં એ લોકેને ઉતારો આપવામાં આવ્યો હતો. જીફા વાળાએ એમની સગવડતાનો બરાબર ખ્યાલ રાખ્યો હતો. નેહાના દુઃખથી એ લોકો અજાણ હતા. બીજા દિવસે જીફાનો કાર્યક્રમ હતો. નેહા અને સ્નેહા પાર્લરમાં જઈને તૈયાર થઈ આવ્યા. સ્ટેજ પર જવાનું હતું એટલે તૈયાર તો થવું જ પડે. પણ નેહાની આંખની કિનારી પર અટકેલા આંસુ બા પપ્પા સિવાય કોઈ જોઈ શકતું નહોતું.
ઘણાં કામ તમારી ઈચ્છા હોય કે ના હોય પણ દુનિયાને દેખાડવા માટે પણ કરવા પડે છે. બા અને પપ્પા પણ સાદા કપડામાં તૈયાર હતાં. એક મોટી લિમો નેહાને લેવા માટે આવી હતી. બધા કારમાં ગોઠવાઈ ગયા. નેહાના ચહેરા પર સ્મિત આવતું નહતું. બા પણ પણ ચૂપચાપ હતાં. ખુશી અને ગમનું મિશ્રણ હતું. કોઈ શું કરે. આ બધા ઉપરવાળાના ખેલ!! એ બધાને ખૂબ રમાડે છે અને પછી પોતાના પત્તા ખૂલ્લાં કરી બાજી જીતી જાય છે. ઇન્સાન હાથ મળતો રહી જાય છે.
પૃથ્વી થિયેટરમાં જીફા એવોર્ડ સેરિમની રાખવામાં આવી હતી. એક પછી એક એક્ટર, એક્ટ્રેસિસ અને રાઈટર , ડાયરેક્ટર, સંગીતકાર, ગીતકાર, ગાયક બધા લોકો હોલમાં દાખલ થઈ રહ્યાં હતાં. નેહા પણ દ્રઢ પગલે થિએટરમાં દાખલ થઈ. મીનાક્ષીદેવી રસ્તામાં જ મળી ગયાં. એમણે બા, પપ્પા તથા સ્નેહાને હરોળમાં બેસાડ્યા અને નેહાને પોતાની સાથે લઈ ગયાં. મીનાક્ષીદેવી જયાં ‘સુનેહારાં સપનાં’ ની ટિમ બેઠી હતી ત્યાં નેહાને બેસાડી! બધાએ નેહાને અભિનંદન આપ્યા. હજુ સુધી મીનાક્ષીદેવી એ કડવું સત્ય કોઈને કહ્યું નહોતું .
શૌનક વ્યાસે કાર્યક્રમની શરૂઆત કરી. સરસ રીતે સંચાલન થઈ રહયું હતું. એક પછી એક કલાકાર પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા હતા. ધીરે ધીરે કાર્યક્રમ આગળ ચાલી રહ્યો હતો. આ પેંડામીકના વર્ષમાં પણ ઘણી ગુજરાતી ફિલ્મો બની હતી. ઘણા નવા ગાયક પણ આવેલા અને નવા કલાકરો પણ ડેબ્યુ એવોર્ડ જીતી ગયા હતા.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે ઘણી સારી ફિલ્મો બની રહી હતી. નેહાને ગુજરાતી હોવાનો ગર્વ થયો. પણ વારંવાર એ રોહિતના વિચારોમાં ખોવાઈ જતી હતી. અચાનક શૌનક વ્યાસે માઈકમાં “સુનેહરાં સપનાં “નું નામ લીધું અને નેહાના વિચારોમાં ખલેલ પડી. શૌનકે કહ્યું,” બેસ્ટ સ્ક્રિનપ્લે રાઈટર્સ ડેબ્યુ નોમિની આર ” સુનેહરા સપનાં” મિસ નેહા શાહ , જીવનકથા મિસ નીલિમા પરીખ , દરિયાદિલ, કરણ રાજપૂત , અને ‘મા’ રાજલક્ષ્મી પંડ્યા અને આ એવોર્ડ આપવામાં માટે હું મીનાક્ષીદેવીજીને સ્ટેજ બોલાવીશ. ” મીનાક્ષીદેવી સ્ટેજ પાર આવ્યાં અને જીતનારનું નામ બોલ્યા,” એવોર્ડ મિસ નેહા શાહ ને મળે છે ફિલ્મ ‘સુનેહરાં સપનાં’ માટે.
નેહા લગભગ રડી પડી. પ્રકાશ મહેતાજી ઊભા થઈ ગયા અને નેહાને અભિનંદન આપ્યા. નેહા સ્ટેજ પર આવી ગઈ. એવોર્ડનું સ્ટેચ્યુ એના જમણા હાથમાં હતું. એને ઊંચો હાથ કરીને લોકોને બતાવ્યું. એના ડાબા હાથમાં માઈક આપવામાં આવ્યું. એની આંખમાં આંસુ હતાં. એને વહેવા દીધાં . શ્રોતા એકદમ શાંત થઈ ગયાં હતાં
નેહા કેટલી ય વાર સુધી મૌન રહી. પછી બોલી,” ‘સુનેહરાં સપનાં ” સુધી પહોંચવાની મારી સફર સહેલી નહોતી. આ “સુનેહારાં સપનાં” કેટલાંય સપનાં ને અધૂરાં છોડી દીધાં છે. મારી સુનેહરા સપનાંની ટીમને હું અભિનંદન આપું છું. ખાસ કરીને પ્રકાશજીનો આભાર જેમણે મારામાં વિશ્વાસ રાખ્યો. આજ જ્યારે હું આ એવોર્ડ જીતી છું તેનો જશ બે વ્યક્તિઓને જાય છે. અને હા મારા માતા પિતા પણ ખરા! પણ એ બે વ્યક્તિઓ માં એક સાગર જેને દુનિયા ઓળખતી નથી અને એ આ દુનિયા છોડીને જતો રહ્યો, પણ હા એ મારા હાથમાં કલમ પકડાવતો ગયો અને જીવવાનું લક્ષ આપતો ગયો. અને બીજી વ્યક્તિ રોહિત, જેને દુનિયા ઓળખે છે, મારા પતિ તરીકે! એને મારું આ સપનું પૂરું કરવામાં મને હૃદયથી મદદ કરી અને એ સપનાંની સફળતા જોવા એ ભારત આવેલો અને એ મારા સપનાંને અધૂરા મૂકીને કરોનાને હાથે હારીને દુનિયા છોડી ગયો.” આટલું બોલતાં બોલતાં નેહા રડી પડી. મીનાક્ષીદેવીએ માઈક હાથમાંથી લીધું અને નેહાની વાતને પૂરી કરી. સ્તબ્ધ થયેલા શ્રોતાઓ બે ઘડી તાળી પાડવાનું પણ ભૂલી ગયાં.
મીનાક્ષીદેવી નેહાનો હાથ પકડીને સ્ટેજના દાદર ઉતારવા લાગ્યાં . નેહાએ હોલના ખૂણા તરફ જોયું. તો ત્યાં સાગર હસીને તાળીઓ પાડી રહ્યો હતો. બીજા ખૂણામાં જોયું તો રોહિત હાથ ઊંચો કરીને એને અભિવાદન આપી રહ્યો હતો. નેહા ભીની આંખે, “સુનેહરાં સપનાં”નો એવોર્ડ ઊંચો કરીને રોહિત અને સાગરને બતાવતી રહી.
સમાપ્ત !
Wonderful story
વાર્તા ગમી. પ્રેમ અને પ્રેરણાની વાત અને કરૂણ અંત. ઘણી વાર દુખ, ખાસ કામ કરી જવા માટે, સાધનરૂપ બને છે.
સરયૂ પરીખ.