“મારા ગમતા મિત્રોની ઓળખાણ” ~ (૧) ~ ગિની માલવિયા
ચાલો, આજે મને ખૂબ ગમતા મિત્રોનો તમને પરિચય કરાવું અને પરિચય થતા જ તમે પણ મોહી પડશો જ, એની મને તો ખાતરી છે.
ડિસેમ્બર મહિનાની એક વહેલી સવારે અમદાવાદની એક રેસ્ટોરન્ટની લીલી બિછાત પર અમે કોફીની ચુસકી ભરતાં હતાં. ત્યારે સાથે જન્મેલા સેપ્ટુપ્લેટ બાળકો જેવાં પુસ્તકોનો સેટ અમને ભેટમાં મળ્યો.
ભેટ આપનાર જ પુસ્તકોનો કર્તા-હર્તા, જન્મજાત કસબી કે જેને સહુ કોઈ સિદ્ધહસ્ત તસવીરકાર તરીકે ઓળખે છે, એવા સૌના લાડીલા અને સૌને વહાલા સંજય વૈદ્ય જ આ પુસ્તકોનાં જન્મદાતા.
સેપ્ટુપ્લેટની જેમ સરખા દેખાતા પણ સ્વભાવે ભિન્ન હોય એવાં ભેટમાં મળેલાં એ છ મનગમતાં પુસ્તકોની વાત હું આપ સૌ સાથે કરવાની છું. સાચા અર્થમાં તો મને જે ગમતું મળ્યું એ ગુલાલનાં રંગછાંટણાં કરવાની છું.
પહેલી નજરે જ તેની રંગછટા અને હાર્ડ બાઈન્ડિંગથી જ મોહી પડાય એવા આ પુસ્તકો આપણાં પુસ્તકાલય અને ઘરને શોભાવે એવાં છે અને એ જ છે આ પુસ્તકોના સેટનું જમાપાસું. એક પછી એક, આ પુસ્તકોમાંથી હું પસાર થતી ગઈ એની સાથે મારા મનમાં આ અનોખા તસવીરકાર, શ્રી સંજય વૈદ્યની એક ઉમદા લેખકની ઓળખ, – જે પહેલેથી જ હતી- એના પર સોનાની મહોર લાગી ગઈ.
સંજયભાઈનાં આ ‘માનસ-સંતાનો’માં કવરપેજથી લઈ છેલ્લાં પાનાં સુધી તેમની ઈન્ટરનેશનલ કક્ષાની ફોટોગ્રાફીની આવડત તેમ જ રંગોની સૂઝ તો પ્રગટે જ છે, પણ એ સાથે દરેક પ્રસિદ્ધ વ્યક્તિ વિશેષનું સામીપ્ય પણ એટલી જ સહજતાથી ઉજાગર થાય છે. એટલું જ નહીં, પ્રગટ થયેલો એ જ્યોતિપુંજ લાંબા સમય સુધી ઝળહળી રહે છે મારા મનમાં!
જેમ મિત્રોને ગમતીલી વ્યક્તિની ઓળખાણ કરાવીએ એવી જ રીતે હું આ મારાં ગમતાં છ ‘તસવીર-કથા’ જેવાં પુસ્તકોનો પરિચય કરાવું તમને? જોકે, મને તમારો જવાબ તો ખબર છે જ, છતાં પૂછી લેવું સારું.
તો ચાલો, આજે આ તસવીરમઢ્યાં પુસ્તકોમાંથી એક પુસ્તકનો પરિચય કરાવું છું. મને તો આ પુસ્તકોમાં મૂકાયેલાં બધી જ તસવીરોની મોહિની લાગી છે. આપ સહુને માટે એકાદ બે તસવીર પણ “રસના ચટકાં” તરીકે મૂકીશ. “રસનું કૂંડું” પામવા તો તમારે પુસ્તકો સુધી જવું પડશે.
આજે જેની વાત કરું છું, એ પહેલું પુસ્તક છે, એલિગન્સ. જેમાં તસવીર-કથા છે, આપણાં સૌના વહાલા એવા આદરણીય શ્રી ફાધર વાલેસની.
મીન્ટ ગ્રીન કવરપેજનું એલિગન્સ પુસ્તક તમે હાથમાં પકડો ત્યારે ખૂબ નજાકતથી પકડવું પડે કારણકે મુખપૃષ્ઠ પર ફાધર વાલેસનાં હૂંફાળા સ્મિત મઢ્યાં ચહેરાની તસવીરો નથી, સાક્ષાત્ પારિજાતનું ફૂલ છે.
કદાચ એટલે જ સંજયભાઈએ આ પુસ્તકનું નામ એલિગન્સ આપ્યું છે.
૧૨-૧૩ વર્ષની વયે ક્યાંક કોઈના ઘરના આંગણામાં ફાધરને પહેલીવાર સાંભળ્યાં હતાં, એવું સ્મૃતિમાં સચવાઈ રહ્યું છે, પણ શબ્દો કે ભાવ ઝીલવાની ઉંમર નહોતી. સ્પેઈન જઈને એમને મળવાનો મોકોય ચૂકી, પણ પુસ્તક હાથમાં લેતાં થયું કે ફાધર તો અહીં જ છે.
પુસ્તક વાંચવાનું શરુ કરતાં જ મન શાંત થવા લાગે છે. વિકારો, દુ:ખ અને કકળાટનો ડહોળ તળિયે ઠરી જાય છે.
ક્યાંય બોધપાઠ નથી કે ક્યાંય રોજ સવારે ફોનમાં ઠલવાતી સલાહનો ધોધ….
દીકરો આવીને પાછો ગયો એ પછીની એ એકલતાની સાંજ, ફાધર સાથે હતી.
વાંચતાં વાંચતાં મનને પારાવાર શાંતિ થઈ ગઈ, મીન્ટ ગ્રીન કલર જેવી જ. આ રંગ ક્યારે હથેળીમાંથી મનમાં પહોંચી ગયો? ખબર ના પડી, સાચ્ચે!
ફાધરની વાત પણ ઝટ્ટ ગળે ઉતરે એવી, જરાય ભારઝલ્લી નહીં. એમાં નહીં તો શબ્દોનો આડંબર કે નહીં પોતાનાં જ્ઞાનથી આંજી નાંખવાનો અહંકાર. મનને ગમે એવી, કલકલતાં ઝરણાં જેવી એમની વાણીમાં સહજતાથી વહેતા રહેવાય.
વાંચતી વખતે જ, શાંતિ અનુભવતા તમે પાનું ફેરવો અને એક શાંત, સૌમ્ય, હસતો ચહેરો રોકી રાખે તમને, વાંચતા અટકવું જ પડે! એ વહાલ નીતરતી આંખોને અપલક જોયા કરો તમે… જોવું જ પડે…કારણ કે, અહીં તસવીરકારની કલાને સલામ કર્યા વિના, તમે પાનું ફેરવી જ ના શકો.
ઘણું ચાહવા છતાં, કોઈ એક ક્ષણે તો મનમાં ઊગી જ નીકળે કે પારકી ગુજરાતી ભાષાને આમ પોતાની કરનાર પાસે ભાષાનું આટલું વૈવિધ્ય કેવી રીતે?
વેલ, આ મારો ચંચળ સ્વભાવ, બસ, બીજું કંઈ નહી. ‘ટેન કમાન્ડમેન્ટસ’ની જેમ, દુઃખી થવાની દસ રીત અને સ્વસ્થ જીવનનાં દસ નિયમો છે પુસ્તકને અંતે.
આખા જીવનની મહાભારતમાં ગીતાનો ટચૂકડો સાર હોય એટલું સત્ય.
“હયાતીના હસ્તાક્ષર” પુસ્તકનું સબ ટાઈટલ અને પુસ્તક ની વચ્ચે ક્યાંક ફાધરના હસ્તાક્ષર વિષેની વ્યાખ્યા આપતા હસ્તાક્ષર આવે અને એનો પૂરક ફોટો પણ! “ભાઈ, વાહ…” અનાયાસે મોંમાંથી ન નીકળે તો જ નવાઈ!
બસ, ખાલી ૭૬મા પાના પર જ ફાધર સાથે મારી અસહમતિ છે. ફાધર કહે છે કે ટુરિસ્ટનો ધર્મ છે, આવી ન શક્યા એ મિત્રોને અદેખાઈ લગાડવા યાત્રાના ફોટા બતાવવાનો! ના ફાધર, ના, એવું નથી. આપણા મનનાં કેમેરાથી તો આપણે ઝીલીએ જ છીએ પણ સમયની સરતી રેતી સ્મૃતિને ધૂંધળી કરી નાંખે છે. જેમાં ફોટા ફરી પ્રાણ પૂરે છે અને એટલે તો આપણે ‘કોડાક મોમેન્ટસ’ કહેતાં!
મારી એકલતાની સાંજને મીન્ટ ગ્રીન બનાવવવા માટે, મારા ડહોળાયેલા મનને સ્થિર કરવા માટે થેન્કયુ, ફાધર! થેન્કયુ, સંજય ભાઈ ! વેલ, મારા આ મારા નવા મિત્ર સાથે પરિચયનો હાથ લંબાવ્યો છે, તો દોસ્તી પણ થઈ જાય? ફરી જલદી બીજા મિત્રને મળીશું.
~ ગિની માલવિયા