| | | |

કુમળી હથોડીથી કૂંપળ અળપાવતા કવિ ઉદયન ઠક્કર ~ અભ્યાસ લેખ (૩) ~ લેખકઃ હસિત મહેતા

આ કવિના કેટલાંક જાણીતાં કાવ્યમૌક્તિકો સાંભળીને આપણે તેમને પ્રસ્થાપિએ, આજની કવિતાના એક મુખ્ય અવાજની પંગતે, બીજી એક આડવાતના પિરસણે.

“સીતા,
તું ડરીશ નહીં,
આ રામરાજ્ય નથી.”
(રામરાજ્ય)
*
“મેનકા બ્લાઉઝ પર પતંગિયાનો બ્રોચ પહેરતી.
હવે એને એક જ સ્તન છે.”
(ફેન્સીડ્રેસ)
*
“સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ
ઈસ્ત્રી સાથે પણ
અસહકાર કરે.
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે
યરવડાના કેદી સમો,
ઉતારનારને મળી જાય
આઝાદી.
હતું મારી પાસે પણ એક-
ન બાંય, ન બટન
સાલું સાવ સેવાગ્રામી !”
(અદલાબદલી)
*
“ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પહેલું વ્હાણું વાય છે
કૌરવો-પાંડવો વચ્ચે નિયમો ઠેરવાય છે.”
(ધર્મયુદ્ધ)
*
“તે  ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે.”
(મોચી)
*
“નંદના લાલને ઘણી ખમ્મા !
એણે એક જ લસરકે પીંછીના
કોરી સાબરમતીના કાંઠા પર
ચીતરી આપ્યું શાંતિનિકેતન !”
(નંદલાલ બોઝ)
*
આ બે-ચાર ઉદાહરણો ટાંકીને બીજો પણ એક વિચાર મૂકવો છે. ગુજરાતી કવિતા સારા એવા ભાગે ઉર્મિના, ઉર્મિલતાના ધોરણે ચાલી છે. તેમાંય ગઝલવાળાઓએ તો એનો અતિરેક કરી જાણ્યો છે. પણ હકીકતમાં તો રચના ઊર્મિ-લિરિકલ ઉપરાંત કથન (નેરેટિવ) અને નાટ્યક્ષમ(ડ્રામેટિક) ન હોય, વાસ્તવને અવાસ્તવમાં ફેરવવા માટે – અમૂર્તિકરણ માટે નેરેટિવ અને ડ્રામેટિક પોએટ્રીનો સહારો ન લે, તો કદાચ એ પોચટ કે આંસુ સારતી કે નિતાંત સુંદર હોવા છતાં એક જ ધરીની બની રહે. વેસ્ટર્ન પોએટ્રીને તો ઘણે ભાગે નેરેશન અને ડ્રામા વગર ચાલ્યું નથી. ત્યાંની ઉત્તમ કવિતામાં નાની સરખી સ્ટોરી હોય, ડ્રામાની પ્રગલ્ભ ક્ષણ પણ હોય, અને એની આસપાસ કાવ્યપદાર્થનું તેજવર્તુળ રચાયું હોય.

આપણે ત્યાં પણ પ્રેમાનંદ, ભણ, શામળ, ભોજાના અને એવા બધા મધ્યકાળના કાવ્યરૂપો સુધી આ કથાનાત્મક્તા અને નાટ્યાત્મક્તાને પોષતી રચનાઓનું ચલણ હતું, જેમ યુરોપના ઈલિયડ, ડિવાઈન કૉમેડી, પેરેડાઈઝ લોસ્ટ વગેરેનું હતું એમ જ. પરંતુ ન જાણે કેમ, ગદ્યનો વિકાસ થવાથી કથાને કહેવાનો વિકલ્પ મળ્યો તેથી કરીને કે પછી આધુનિક સંદર્ભે કળાને ભાર વગરની- રૂપકાત્મક-સીધું ન કહેવાની નીતિરીતિ આવી તેથી કરીને કે પછી બદલાયેલાં સૌંદર્યશાસ્ત્રની માંગે કરીને, એ જે હોય તે, પણ કાવ્યમાંથી નેરેટિવ અને ડ્રામેટિક પ્રયુક્તિઓનો તો જાણે કે છેદ જ ઊડી ગયો.

આ કથનતત્ત્વ, આ નાટ્યક્ષણ તો માત્ર ખીંટી હોય. સ્ટોરી નથી કહેવાની, નાટકીયતા નથી લાવવાની, પણ એ ધરી ઉપરથી કવિતાના પ્રદેશનો વિચારપિણ્ડ, રહસ્યસૂચક ખૂણો, સંવેદનસ્પર્શ, મોકળાશ અને અવકાશ અને એવું બધું સર્જવાનું છે. ઉદયનની કવિતા આ રીતે લિરીકલ, નેરેટિવ અને ડ્રામેટિક, એવા ત્રણેય પ્રવાહોને કિનારે વહે છે. તેમના ‘વ્હિસલર વિ.રસ્કિન’ કાવ્યે ઈ.સ.૧૮૭૮ની લંડન કોર્ટમાં એક ચિત્રકાર ઉપર ચાલતા ખટલાને ઓથે મૂકાયેલું કથા અને નાટ્યતત્ત્વના સંયોજને કેવું નવું પરિપ્રેક્ષ ઉભુ કર્યું છે. અદાલતમાં રસ્કિન જ્યારે પેલા ચિત્રકારની તરફેણે અભિપ્રાય આપે ત્યારે આ કવિ લખે છે કે ‘જે ચીતરી શકે વૃક્ષો ને ફૂલ આબેહૂબ !/ શું એમને જ તમે ચિત્રકાર કહેવાના?/તો ચિત્ર પડતું મૂકો ને લઈ લો ફોટોગ્રાફ.’/– આ રીતે ચિત્રકારનું સંવિત પ્રસ્થાપવા ઉદયન અહીં મુકદમાનું દૃશ્ય ઉભું કરે છે, એ દૃશ્યમાં મૂળ કથાનું નેરેટિવ સંયોજે છે, એ કથાને જુદા સ્તરે સંવાદોની રચનારીતિથી શણગારે છે, એમાં પેલા ગુનેગાર વ્હિસલર, રસ્કિન, ન્યાયાધીશ વચ્ચેના ઉદગારો પછી કાવ્યાંતે કવિ પોતે, ન્યાયાધિશના પાત્રમાં, પડદો ચીરીને અચાનક પ્રેક્ષક સાથે સંવાદ માંડે છે ત્યારે, તો પણ, કવિતા એ કથાના ભાર સાથે, એ નાટ્યાત્મક્તાની પ્રયુક્તિ ઓથે, કલાકૃતિનું હાર્દ કેવી સરસ રીતે જાળવી શકે છે.

ન્યાયાધીશ :
(ચિત્રને નિહાળે)
“તિમિરનું આમ અડાબીડ ઊગી નીકળવું,
હવાનું ચોંકી જવું: લાલ, પીળું, સોનેરી,
શું દૂર દૂરની મંદાકિનીમાં સ્ફોટ થયો ?
સરોવરે પ્રતિબિમ્બો પડે સુગંધોનાં,
રહસ્યમય ફરે છે પારદર્શી ઓળાઓ,
બગીચે બાજીઓ ખેલાતી જાય આતશની…..”

(પ્રેક્ષકોને)
“તમે છો જ્યુરીના સભ્યો, તમે જ નક્કી કરો,
સમીક્ષા સાચી છે ? કે ચિત્રકાર સાચો છે ?”

આ અર્થમાં, કોઈ એક કલાસંદર્ભ ઉપર સમૃદ્ધ સંવેદન ઉપસાવતા આ કવિ કવિતાને નાટ્યાત્મક્તા અને કથનાત્મક રચનારીતિ આપતા એક પ્રતિબદ્ધ કવિ પણ લાગે છે. તેમની કાવ્યપરિધિમાં બધાં જ પ્રકારનાં કાવ્યજગતની મોજૂદગી છે. એમનું કાવ્યજગત જો અભિધાનું, વાચાળતાનું, રંજક્તાનું છે તો રખે ને ભૂલીએ કે એ જગત વ્યંજનાનું, ઈન્દ્રિયજન્ય સંવેદનાનું, ત્રણ-ત્રણ કાવ્યરીતિના સંયોજનનું, પરંપરા અને નૂતન કાવ્યસ્વરૂપનું, અંગત સંદર્ભોને બિનઅંગત બનાવી શક્તાં કાવ્યસ્થાપત્યનું પણ છે.
* * *
એક જમાને સુરેશ જોશીએ પોતાના વાર્તાસંગ્રહની ‘કિંચિંત’ નામક પ્રસ્તાવનાથી ગુજરાતી ટૂંકીવાર્તાના ક્લેવરને પડકાર્યું હતું. આ કવિ પણ પોતાના એક કાવ્યસંગ્રહની પ્રસ્તાવના સુરેશ જોશીની પેલી પ્રસ્તાવનાને નામેરી કરીને લખી જાણે છે કે ‘ઊંચા સ્વરે જે વાત કરે તે કળા નથી’, ‘હું માનું છું કે સૌંદર્ય એક ધર્મ છે અને કળાકાર તેનો પૂજારી છે.’, ‘સૌંદર્ય જ કળાનો આત્મા છે, ઉપોયોગિતા કે નૈતિક્તા સાથે તેને કશો સંબંધ નથી.’. આપણે કવિને શુભેચ્છા પાઠવીએ કે તમારા આ ઉત્તમ ખયાલો તમારી દરેક કવિતા સુધી (મહદ્, મોટાભાગની, ઘણીખરી સુધી જ નહીં) પહોંચે. તમારી કવિતાને બતાવેલા છંદવિધાનોની ચુસ્તતા મળે, કેટલીક કવિતામાં આગંતુક લાગતી રચનારીતિ અને છંદ પલટાઓ ટળે, પ્રયોગોમાં કારગત નીવડે તેવા અરૂઢ નિરૂપણ ભળે, વધારે રચનાઓમાં ચબરાકી ઉપર ચમત્કૃતિ પડે, કવિતામાં જરૂરી હોય ત્યાં અટકાવાની ઘટના ઘટે.

અરે, અરે, કવિને હું આ શું કહી બેઠો ? “આપણે તો બા બોયાં યે નહીં ને ચાયા યે નહીં”

જય હો આ ઉદયન ઉડ્ડયનનો. જય હો એ ઉડ્ડયનના ઉન્નયનનો.

(સમાપ્ત)

આપનો પ્રતિભાવ આપો..