કુમળી હથોડીથી કૂંપળ અળપાવતા કવિ ઉદયન ઠક્કર ~ અભ્યાસ લેખ (૧) ~ લેખકઃ હસિત મહેતા
લેખક, ડો. હસિત હ. મહેતાનો પરિચયઃ
જન્મ-વતન:સાક્ષરભૂમિ નડિયાદ. દિલ્લીની સાહિત્ય અકાદમીમાં જનરલ કાઉન્સિલ પ્રતિનિધિસેનેટરઃ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, સરદાર પ્રકલ્પ (ચેર)ના ચેરમેન, ૩૨ વર્ષથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સંશોધન,અધ્યાપન, ૧૭ વર્ષથી નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજમાં આચાર્ય, સાક્ષરભૂમિ નડિયાદની અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને પ્રવૃતિઓમાં સક્રિય. કુલ ૧૪ પુસ્તકોના લેખક. ૨૦૫થી વધુ વિવેચન-સંશોધન લેખો.
મહત્વના પુસ્તકોઃ ગોર્વધનરામ ગદ્યસંચય (અગ્રંથસ્થ ગોર્વધનરામ), ક્ષેમરાજ અને સાધ્વી (ગો.મા.ત્રિ. નાટકનું સંપાદન), સાહિત્યિક પત્રકારત્વ-પરંપર અને પ્રભાવ, અનુસંધાન’ સ્વાધ્યાય અને સૂચિ, સંશોધન ચિંતન, ૨૦ વર્ષથી જુદા જુદા નામે-વિષયે કટારલેખન.(“કહેવત મંજૂષા” અને “ગાંધી ઓન સ્ટેમ્પ” લોકપ્રિય કોલમ્સ), અભ્યાસના વિશેષ ક્ષેત્રો:સાહિત્યિક પત્રકારત્વ, સાક્ષરયુગીન સાહિત્ય અને ગોર્વધનરામ ત્રિપાઠી. ઈત્યાદિ,)
કવિ ઉદયન ઠક્કરનો પરિચય:
મુંબઈગરા આ કચ્છી માડુનું કવિજીવન ૪૮ વર્ષનું. ૧૯૭૬માં ‘કવિતા’ દ્વૈમાસિકમાં તેમનું પહેલું કાવ્ય છપાયું. ૧૯૭૯માં ‘કવિતા’માં છપાયેલું બીજું એક કાવ્ય પહેલી વખત કાવ્યસંગ્રહમાં સમાવ્યું. ત્યારથી કવિપદે તેમનો રીતસરનો પ્રવેશ.
જીવનના ત્રણ પડાવે, ૩૨, ૪૮ અને ૬૭ વર્ષે તેમણે કાવ્યસંગ્રહો આપ્યાં. ‘એકાવન’-૧૯૮૭માં, ‘સેલ્લારા’-૨૦૦૩માં, ‘રાવણહથ્થો’-૨૦૨૨માં. ત્રણેય કાવ્યસંગ્રહોમાં કુલ મળીને કાવ્ય રચનાઓ ૧૬૭. રચાયા હોય પરંતુ કાવ્યસંગ્રહમાં નકાર્યા હોય તેવા ૧૫૦ જેટલાં અન્ય કાવ્યો.
૧૫-ગીત, ૪૩-ગઝલ, ૭-ત્રિપદીગૃચ્છ, ૨-મુક્તકગૃચ્છ, ૪-દૂહા-સોરઠાગૃચ્છ, ૪૮-અછાંદસ, ૮-ગદ્યકાવ્ય, ૧૩-છંદોબદ્ધ કાવ્યો, ૮-મુક્તપદ્ય, ૧-ચંપુકાવ્ય, ૨૦-નઝમ, ૭-વૃત્ત કાવ્યના આ કવિ.
નાના-મોટા ૧૧ સન્માનો – પુરષ્કારોથી સન્માનિત. કાવ્યાસ્વાદ અને અન્ય વિષયના બીજા ૮ પુસ્તકો. અભ્યાસે ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ, વ્યવસાયે ધંધાર્થી, પ્રવૃત્તિએ કવિ, પ્રકૃતિએ વિડંબી-સંવેદી. પણ આ બધાનો કશોયે ભાર નહિ અને એનું કારણ એમની હળવાશ અને આગવી વિનોદવૃત્તિ.
શ્રી હસિતભાઈ મહેતાની કસાયેલી કલમે કવિશ્રી ઉદયન ઠક્કર અને એમના અમૂલ્ય સાહિત્ય પ્રદાન વિષે આ અભ્યાસ લેખમાં ખૂબ વિશદતાથી છણાવટ કરી છે, જે ત્રણ હપ્તામાં પોસ્ટ કરીશું. આજે એનો પહેલો હપ્તો માણીએ. )
* * *
આ ત્રણ-ત્રણ કાવ્યસંગ્રહોને, તેની કવિતાના અઢળક વિષયો, રીતિઓ, પ્રકારોને એકીબેઠકે ઉકેલવા સ્હેલ નથી. એમાં જો તમારી હા, તો શરૂમાં જ જણાવી દઉં કે આ લેખમાં બે વસ્તુ તમને નહીં મળે.
એક : તેમની કવિતાનો વસ્તુપ્રદેશ અને રૂપનિર્મિતિનું પિષ્ટપેષણ (ફોર્મની સાધકબાધક ચર્ચા). એટલે જેને આપણે કૃતિલક્ષી કહીએ છીએ એ જાતની, માત્ર ચીલાચાલુ બાબતોની તપાસ.
બે : આપણે ત્યાં પાડવામાં આવેલા કાવ્યઈતિહાસના ચુસ્ત ચોકઠાંઓમાં, પોસ્ટમોર્ડન ને મોર્ડન ને અસ્તિવાવાદી ને યથાર્થવાદી ને એવાતેવા કોટિકરણની તપાસ.
અલબત્ત, એનો અછડતો પરિચય જરૂર મેળવીએ, પણ તેમાં આ ખરું અને પેલું ખોટુંના માર્ક્સ આપીને પરિણામો જાહેર કરવાની ભાંજગડમાં પડવા જેવું નથી.
આ પ્રકારની પ્રસ્થાપિત-રૂપપરક પરીક્ષા પછી પૂર્ણવિરામ મુકાયાની આપણી પાસે લાંબી પરંપરા છે. વ્યાપક જીવન અંગે કવિહૃદય શું કહે છે?
તે કાવ્યકળા નિમિત્તે આજની સ્થિતિમાં કશો ઊંડો કે નવો સંચાર કરે છે કે નહીં? એ વાચકવર્ગની રુચિમતિનું ઘડતર કરે છે કે નહીં? એ ભાવકને સારી પેઠે કાવ્યસૌંદર્ય પહોંચાડે છે કે નહીં? એ સંસારમૂલ્યના વિકાસશીલ ઉછેરની ચિંતા કરે છે કે નહીં? તેનું પોતાનું કવિપદ વિકાસશીલ છે કે નહીં? એવી એવી કે એ પૈકીની ગલીકૂંચીની તપાસ ખૂબ અગત્યની છે, નહીં કે માત્ર પદ-પદ વચ્ચેના સંબંધોની કડી ઉકેલતી કૃતિલક્ષી તપાસમાં ઈતિસિદ્ધમનો સંતોષ લેવો.
આ કારણે કવિ ઉદયનની કાવ્યતપાસ બીજા એક વ્યાપક સંદર્ભે કરીએ. એ વાત ખરી કે કાવ્યરચનાની રૂપપરક સમીક્ષાનું, કૃતિલક્ષી પરિક્ષાનું ઘણું મૂલ્ય છે, કેમ કે સમીક્ષા માત્રનો શુભારંભ ત્યાંથી થાય છે. તેથી કરીને આપણે તેનો થોડોક પરિચય જરૂર મેળવી લઈશું, પરંતુ આખેઆખો લેખ તેમાં ખર્ચવાની પરંપરાપરક વિવેચનરૂઢીને અવગણીશું.
આવી ચાલ, આ લેખનો મુખ્ય સૂર રહેશે.
***
ચાલો, અછડતા પરિચયના ખૂણેથી ઉદયનના કાવ્યવિષય અને કાવ્યસ્વરૂપને જાણી લઈએ.
કવિતાનો વિષય આ હોય કે તે, પરંતુ વિષયમાં પરિચિત વેશને સર્વકાલીન સંદર્ભથી જોડી આપવાનું કામ આ કવિ કરે છે. વિવિધ વિષયોમાં સંદર્ભોનો ઘેરાવો ઉભો થાય, તેને સર્જક્તાનો સ્પર્શ મળે, એ વિષયોની દેખીતી હળવાશ કોઈ ઊંડા વિચારમાં ઢળે, એ હાસ્ય અચાનક પ્રસન્નતાએ અથવા વેદનાએ જઈ પહોંચે, જાણીબૂઝીને જગવેલો પ્રશ્ન આખરે વિશ્રામને પામે – એવી નોખી લઢણ આ કવિના કાવ્યવિષયોમાં ઠેર-ઠેર છે.
વ્યક્તિલક્ષી કાવ્યો, ઐતિહાસિક અને રાજકીય ઘટનાઓ, નગરકવિતા અને સંવેદન, પ્રેમતત્ત્વ અને પરંપરાવિચ્છેદ, મહાભારત-રામાયણ આધારિત કથાઓ, ગાંધીજીનું વ્યવહારજગત અને તેમના જીવનના અલ્પખ્યાત પ્રસંગો, પ્રકૃતિના સંદર્ભો અને પ્રકૃતિપ્રેમ, શૈશવની સ્મરણમંજૂષા, યુરોપિય ચિત્રકળા તેમજ સ્થાપત્ય, યુરોપના મધ્યકાલીન ખ્રિસ્તિ ધર્મયુદ્ધ, કચ્છથી માંડીને કલકત્તા અને કર્ણાવતીથી માંડીને કેલિફોર્નિયાના સ્થળસંદર્ભો, ભિલ્લુ કે બાબુલાલ જેવા વ્યક્તિ-નામોથી મધર ટેરિસા સુધીના વ્યક્તિવિશેષ, માસ્તરો અને શાળા-સંચાલકો, માનવીય પાત્રસૃષ્ટિની સાથેસાથે માનવેત્તર પાત્રસૃષ્ટિ,… આવું આવું ગણ્યુંગણાય નહીં, તો યે છાબડીમાં માંય એટલું વિષયવૈવિધ્ય અહીં છે.
હજુ તો આ કવિના કેટકેટલાં કાવ્યવિષયોને આપણે તપાસી શકીએ. વિકટ વાસ્તવિક્તાઓ, જાણીતાં ચિત્રો કે શિલ્પો સાથે જોડાયેલી ઘટનાઓ, નગરકવિતામાં શહેરીકરણની સમસ્યાઓ…..
કોઈપણ સામગ્રીનું – વિષયનું કાવ્યકળામાં રૂપાંતરણ કરવું, એ કવિ ઉદયન ઠક્કરને માટે જાણે કે ડાબા હાથનો ખેલ. પરંતુ એટલું જરૂર કહી શકાય કે આ કવિએ જાતભાતના વિષયોને વ્યંગ-વિડંબન, વૃત્તાંતનિવેદન અને મિથની પ્રયુક્તિ થકી વ્યાપક જીવન સંદર્ભે, સંસારમૂલ્યના જરૂરી સંકેતો માટે ઘણે ભાગે મુખર થયા વગર જે કાંઈ થઈ શકે તે જરૂર કર્યું છે.
આ કવિએ જ લખ્યું છે કે;
“ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે,
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?”
પ્રયોગશીલ કવિએ જગવેલા આ પ્રશ્નનો જવાબ આપણને તેમની કવિતામાંથી મળતા વિશાળ સ્વરૂપવૈવિધ્ય થકી મળે છે. એ બાબતે તો આ કવિ માલેતુજાર છે.
કાવ્યસ્વરૂપના ભંડારો પડ્યાં છે એમની પાસે. તેમણે અભિવ્યક્તિના ઓટલે એ ભંડારો સાવ ખુલ્લા મુકી દીધા છે. એટલે જ તો એમની પાસેથી આપણને ગીત અને ગઝલ ઉપરાંત દ્વિપદી (દુહા), ત્રિપદી અને ચતુષ્પદી (મુક્તક), નઝમ, અછાંદસ, મુક્તપદ્ય, છંદોબદ્ધ વૃત્તકાવ્યો, ચંપુકાવ્ય,… કેટકેટલાં રચનાવિધાનના વિલક્ષણ પ્રયોગો પ્રાપ્ત થઈ શક્યાં છે.
***
આ કવિ પોતાના કાવ્યવિષયોને વ્યંગ-વિડંબન, વૃત્તાંત અભિનિવેશ અને મિથ, આ ત્રણ પ્રયુક્તિથી કલ્પનાપૂર્ણ ઉત્થાન આપે છે. આ ત્રણ બાબતોની ભૂરકી તેઓ મહદ્ વિષયો ઉપર છાંટ્યા વગર રહી શક્તા નથી. એમાંય વ્યંગ-વિડંબના તો જાણે એમની પ્રકૃતિ જ.
નવાઈની વાત છે કે વિડંબન માટેની ચાતુરી, ચાતુરીથી ઉભી થતી રંજક્તા, એ રંજક્તા ઉપર બમ્બઈયા આંચળો – આ ત્રણેય શુદ્ધકવિતાને કે કવિતાના સૌંદર્યને માટે ઘાતક તત્ત્તવો હોવા છતાં કવિ એનાથી કવિતાને બચાવે છે અને કવિકર્મની પ્રતિષ્ઠા કરે છે. આ તો એવી વાત થઈ કે લ્યો, આ સ્પાઈસી છતાં હેલ્ધી ડીશ. આરોગો અને માણો, સ્વાદ પણ, સ્વાસ્થ્ય પણ, સૌંદર્ય પણ.
આરંભે, એકદમ શરૂઆતના ગાળે મેં જાતેપોતે આ કવિને હાસ્યસંમેલન કે હસાયરાઓમાં નઝમ લલકારતાં જોયા છે. વ્યંગ એમની કવિતાનો પ્રથમ, પ્રાથમિક અને સ્થાયીભાવ. તેમને વ્યંગનું વિડંબનમાં અને વિડંબનનું કેથાર્સિસમાં પરિવર્તન કરતાં લગીરેય વાર લાગતી નથી.
પ્રેમતત્ત્વને પ્રશ્નપત્રની સામાન્ય-ચીલાચાલુ પદ્ધતિમાં ઢાળીને કવિ લખે કે;
“હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.”
વ્યંગને અવલંબીને સ્હેજ મુખર થયાનું સાંભળો….
“પાંડુ કાંબળે લબ્ધપ્રતિષ્ઠિત ખાતરીવાળો રામો છે;
જેના હાથમાં મોટા મોટા કુટુંબનો પાયજામો છે.”
આ રીતે શરૂ થતી કવિતામાં નાટ્યક્ષમ મુખરતા છે, વ્યંગની લપસણી ભૂમિ છે, છતાં કાવ્યાંતે, એક સામાન્યજણની વ્યાવસાયિક વિભીષિકા અને તેની ભીંસમાંથી ઉભો થતો સંકેત મળે છે.
“ભલે જીવીએ સ્હેજ તોય જીવીએ ઝળહળમાં પાંડોબા;
વાસણ મૂકી ક્વચિત નીકળી પડો સકળમાં પાંડોબા.”
(‘પાંડોબા અને મેઘધનુષ’)
કવિનો મથુરાદાસ જેરામ હોય, ગુલાબી ચશ્મા પહેરીને દૂર ઉભેલી ગોરેવાન છોકરી હોય, વસુધૈવ કુટુંબકમની ભાવનામાં ઓતપ્રોત ચક્કી ઠક્કર હોય, ‘ગોળમેજી પરિષદ’ હોય, ‘સેલ્લારા’ મારતી સમડી હોય કે ગરુડપુરાણ જેવી લાંબી રચનાઓ હોય, વ્યંગ-વિડંબન, તેમાંય બ્લેકહ્યુમર અને સાર્કેઝિયમની આતશબાજી તો હોય જ. પરંતુ ધ્યાન રહે કે ઉપર ઉપરથી સાવ સરળ લાગતું આ હાસ્ય નર્યુ છેતરામણું હોય છે. એ સરળતા કે હળવાશ પાછળ રહેલું સૂક્ષ્મ કે નવીન નિરીક્ષણ કોઈક નવી જ દીશા આપે છે.
સ્થૂળ શબ્દ રમત આખરે શાશ્વત દર્શન કરાવે છે. આપણે જે કટાક્ષને મમળાવતા હોઈએ, જે હાસ્યને માણતાં હોઈએ તે ક્યારે આંચકો આપતા ગંભીર તથ્ય સુધી લઈ જાય, તેની ખબર જ રહે નહીં.
અભિનિવેશપૂર્વકનું વૃત્તાંત નિવેદન તો આ કવિને જાણે કે હાથવગુ થઈ ગયેલું અણિયારું સાધન, જેનાથી તેઓ ભાવકહૃદયને ધારે ત્યાં છેદી શકે છે, ઈચ્છે એ રીતે provoke કરે છે.
વૃત્તવૈવિધ્ય તો જાણે કે કવિનું વૃત્તિવૈવિધ્ય. ‘ધર્મયુદ્ધ’, ‘ફાતિમાગુલની ચિઠ્ઠી’, ‘ફ્રૂઝેડ’, ‘સેલ્લારા’, ‘ગરુડપુરાણ’ વગેરેમાં કવિતા માધ્યમે વિસ્તારથી કથાકથન થયું છે. તેઓ જાણીતી કથાઓમાં કે ઉભી કરેલી કલ્પનોત્થ કથાઓમાં મૂળ વસ્તુનો છેદ ઉડાડ્યા વગર વાતનું પ્રસ્થાપન કરે, પછી એને બહેલાવે, અનિવાર્ય હોય તે બધાં જ ઘટકો માંડે, વૃત્તનો આખો અસબાબ ખડો કરે અને પછી છેલ્લે પોતાનો ધાર્યો માસ્ટર સ્ટ્રોક લગાવે.
કવિના કથાપ્રધાન કાવ્ય ‘મારા જીવનમાં આવેલી સ્ત્રીઓ’માં અંગત, પારિવારિક જીવનના મા, પત્ની, પુત્રી, દોહિત્રીને, જુદા જુદા સંદર્ભે, સ્થળે અને સમયે બિનઅંગત નિસ્બતથી નિરૂપાય છે અને અંતે કાવ્યને સમગ્રતયા જીવન-પરિવારના આભાસે અટકાવે છે.
“કેટકેટલાં વર્ષે મળ્યાં સૌ !
લાવને પાડી લઉં,
ગ્રુપ ફોટોગ્રાફ”
જો કે આવું છેલ્લે જ બને તે જરૂરી નથી. કેટલાંક વૃત્તાંતમાં તો કવિ વચ્ચે-વચ્ચે ચમત્કૃતિ આપતા ગયા છે. ‘રામરાજ્ય’ની અધવચે જ કવિએ આપેલો આ સંકેત જૂઓ….
“સ્વર થતો ગયો ક્રુદ્ધ
‘તારે માટે હે સીતા !
ન્હોતું આદર્યું યુદ્ધ’
‘યશ વધારવા મારો
ને રઘુના કુળનો પણ,
રોળી નાખ્યો મેં રાવણ’
(રામરાજ્ય)
‘સેલ્લારા’ની સમડી હોય કે ગરુડપુરાણના વિષ્ણુ-ગરુડ વચ્ચેના સંવાદો, વાર્તા ગઝલોના નોખાં મિસરા હોય કે બકરીના સાત ભટુરિયાંની વાર્તા હોય, પુત્ર મણિલાલને ગાંધીજીએ લખેલો પત્ર હોય કે ‘વ્હિસલર વિ રસ્કિન’નો મુકદમો હોય, ખ્રિસ્તી ધર્મયુદ્ધનો વિષય હોય કે ‘સુન્દ-ઉપસુન્દ’ની કથા, કવિ મૂળ કથા પ્રમાણે વૃત્તકથનની આખી માયાજાળ રચે અને તેમાં અવાંતરે નવીન અર્થઘટનનો મહિમાવંત વળાંક આપે.
આવા વૃત્તકાવ્યોમાં તેઓની પદ્ધતિ લગભગ એકસરખી રહી છે. તેઓ સીધો જ વિષયપ્રવેશ કરાવે, આડીઅવડી શરૂઆત ભાગ્યે જ હોય. અનિવાર્ય હોય તે વસ્તુને સંદર્ભો આપતા આપતા ટાંકે, તેમાં નાવીન્યસભર કલ્પનોનો છંટકાવ કરે, એમાં વ્યંગનો પુટ પણ ચઢે, પરંતુ આગળ જતાં ક્યારે પેલી પરિચિત કથાનો સંદર્ભ બદલાઈ જાય તેની ખબર જ પડે નહીં. ઘણીવાર તો છેક લગી કથા બરાબર ચાલતી હોય અને અચાનક પૂંછડીયે એવી તો ચોટ મળે જે ભાવકને તાજગીસભર વળાંકનો આહલાદ આપે.
આ રીતે વૃત્તકથનમાં તેઓ વ્યક્તિલક્ષી કાવ્યો, ઓછી જાણીતી રાજકીય – ઐતિહાસિક ઘટનાઓ, કોરોનાકાળ જેવી વિકટ વાસ્તવિક્તાઓ, જાણીતાં ચિત્રો સાથે જોડાયેલી ઘટનાઓ, નગરકવિતા-શહેરીકરણનું પુનર્વાચન, વગેરેનાં મર્મનું પ્રસ્થાપન કરતાં-કરતાં કાવ્યસૌંદર્ય માટેની અનિવાર્ય ચમત્કૃતિ સાધે છે.
કથારૂપે આપણાં સાહિત્યમાં સચવાયેલી મિથ પાસે જવાનો આ કવિનો હેતુ એ કથાને પુનર્જીવિત કરવાનો, નવ્ય અર્થઘટનોથી તેને વર્તમાન સાથે જોડવાનો, સર્વકાલીન માનવ-પરિસ્થિતિઓને અને વર્તમાનને જોડાજોડ મુકવાનો છે.
મિથ દ્વારા સમયને ઓળંગી જતો માનવસંઘર્ષ આલેખવાનો આ કવિને ઘણો અભરખો છે અને તે નવીનકલ્પના, ભાષાકૌવત તથા નર્મ-મર્મ થકી પોષે છે. મિથની પ્રયુક્તિમાં એક નવું જગત રચવા માટે ભૂતકાળની શરતી પેશગી કરતાં હોય એમ જ લાગે.
મહાભારતના ૧૮ દિવસ ચાલેલાં યુદ્ધમાં કવિને લાગ્યું છે કે એ ધર્મયુદ્ધ છેલ્લે સુધી અધર્મથી જ લડાયું છે. એ યુદ્ધનો અંત પણ છળ-કપટથી આવ્યો છે. અધર્મ વધ્યો ત્યારે ધર્મની પ્રસ્થાપના માટે ખુદ ભગવાનને અધર્મનો સહારો લેવો પડ્યો છે. તેનો નાશ કરવા સ્વયં કૃષ્ણ જ અધર્મ આચરે છે, એ વાત વર્તમાન સમયની બલિહારી છે. વળી આ પૌરાણિક ઘટનામાં અશ્વત્થામા સંદર્ભે અર્ધસત્ય વદતાં ધર્મરાજાનું ચિત્ર કેવી કરકસરથી, છતાં કેવાં કારક વ્યંગની વેધકતાથી મુકાયું છે….
“સાચે હણાયો ?’ ગુરુદેવ પૂછે
‘હા, હા,’ કહી ધર્મ લલાટ લૂછે”
(ધર્મયુદ્ધ)
ઉદ્યોગપર્વમાં માધવીની કથા આવે છે. તેમાં સ્વયંવરમાં બધા જ રાજવીઓને તરછોડીને વગડાને વરમાળા પહેરાવતી માધવીના વિદ્રોહમાં મિથનો વર્તમાન છે. તેમાં નારીચેતનાનો-પર્યાવરણનો સંદર્ભ આબાદ રચાય છે.
આ રીતે કવિ મિથની પ્રયુક્તિ થકી પૂર્વ અને પશ્ચિમનાં અનેક પાસાંઓને સ્પર્શતાં-સ્પર્શતાં સમયને ઓળંગી જતો માનવસંઘર્ષ, ભૂતકાળને વર્તમાનના નવા સંદર્ભમાં મૂલવતો માનવ ઈતિહાસ, શૈશવને નિષ્ઠુર વ્યવહારજગત સાથે અથડાવતું સંવેદનતંત્ર સરસ રીતે ઉપસાવે છે.
***
ચાલો, હવે આપણે કવિ ઉદયન ઠક્કરની સિગ્નેચર ટ્યુન સાંભળીએ. એટલે કે ઉદયન માર્કાની કવિતાની પાસે જઈએ.
સંવેદન અને વિચારને એકસરખાં વિવેકથી, ભાવ અને ભાષાને તાજપના ઉંબરેથી, ભાષાને ઓગાળીને ભાવાંતરને પહોંચાડનાર ઉદયનનું જે કવિ-શીલ બંધાયું છે, જે કવિ વ્યક્તિત્વ નીખર્યું છે, તેનો વિચાર કરીએ. એ જ તો કવિની સિગ્નેચર, એનો માર્કો. એનો વૈયક્તિક વિશેષ. કવિના ‘એકાવન’થી માંડીને ‘રાવણહથ્થો’ સુધીના કાવ્યસંગ્રહોમાં આ વિશેષનું તબક્કાવાર વિક્સન થયું છે.
આમ તો આ સિગ્નેચર એવી વસ્તુ છે જેની કશી વ્યાખ્યા કરી શકાય નહીં. એને શાસ્ત્રમાં બાંધવી પણ કપરી. છતાં આનંદથી કહી શકાય કે આજની ગુજરાતી કવિતામાં અભિવ્યક્તિની વિશિષ્ટતાને કારણે, ચાતુરીને ચમત્કૃતિમાં તબદિલ કરવાની કવિશક્તિને કારણે ઉદયન ઠક્કરનું કવિવ્યક્તિત્વ નોખું અને અન્યથી વ્યાવર્તક છે.
સભારંજની ચાતુરી, એ ઉદયનની કવિતાનું ઉડીને આંખે વળગે તેવું, ક્યારેક કવિતાને હાનિ પહોંચાડવાનો ભય આપનારું, ક્યારેક બમ્બૈયા રૂપરંગની છડી પોકારનારું, ક્યારેક તડજોડ કે મુખરતાનો ડર પેસાડનારું અને ક્યારેક કવિતાને ડૂબાડી દેશે-ની દહેશત જગાડનારું તત્ત્વ ખરું, પણ ઉદયન માર્કો એ છે કે કવિતાના શાંતઘરમાં બૂમાબૂમ કરીને પ્રવેશેલું એ ચતુરલક્ષણ કવિતા આગળ વધે ત્યારે તેના ભાવપ્રદેશમાં ઓતપ્રોત થઈ જાય છે અને કાવ્યાંતે એ ચમત્કૃતિમાં, કાવ્યાત્મક સંકેતોમાં ત્રંફાઈ જાય છે.
કહેવાનું એમ થાય છે કે કાવ્યારંભે મળતી પેલી ચાતુરી કાવ્ય-સમાપને વિચારમાં, સંવેદનાની છોળોમાં ઓળઘોળ થઈ જાય છે.
જરા બીજી રીતે જણાવું તો એટલું જ કે આ કવિમાં બૌદ્ધિક આયામ અને ભાવાત્મક આયામનું જબરું સંતુલન છે. હજુ, આ માટેના બે-ત્રણ ઉદાહરણો આપું તો કહેવાનું થાય કે ‘ફેન્સી ડ્રેસ’માં ચાળીસ વર્ષે મળેલાં શાળામિત્રોનો ભવ્ય ભૂતકાળ અને સાંપ્રતની કરુણતા વચ્ચે જે સહોપસ્થિતિ છે, એ માત્ર કાવ્ય વિષયની જ નથી, કાવ્યયુક્તિની પણ છે. ચાતુરીથી ચમત્કૃતિની પણ છે.
“નટુ કોકાકોલાની બાટલી દાંતથી ખોલતો
આજે હસવા જાય તો ડેંચર બહાર આવે છે.
દુષ્યંત આંક અને પલાખાં કડકડાટ બોલતો.
હવે પોતાનું નામ પણ યાદ નથી.
સુજાતા સ્મિત કરે ને શરણાઈઓ ગૂંજતી !
હજી કુંવારી જ છે.”
(‘ફેન્સી ડ્રેસ’)
અન્ય એક રચનામાં કવિ ઉલા મિસરે સ્થૂળ વસ્તુઓની યાદી ગણાવે છે, એ પણ પછીના ચરણમાં સર્જક્તાનું દ્વાવણ અનુભવીએ ત્યારે બરાબર પેલાં બાલમુકુંદ દવેના જાણીતાં પ્રશિષ્ટ સૉનેટ જેવું, કાવ્ય ચમત્કૃતિનું સ્પૃહણીય રૂપ પામીએ છીએ.
“બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું,
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે.”
‘ફાતિમા ગુલની ચિઠ્ઠી’માં કાવ્યાંતે ગાંધીપુત્ર મણિલાલને તેની મુસ્લિમ પ્રેમિકા ફાતિમા તરફથી જે વેધક ફટકો પડે છે, એમાં ગાંધીજીનું જુદું અને સચોટ ચરિત્ર ખડું થાય છે, અને ‘ઈશ્વર અલ્લા તેરો નામ’ વાળો કટાક્ષ નવું પરિપ્રેક્ષ્ય આપે છે.
“મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્મા યે ડરી ગયા?
મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારે માટે.
સુખી રહો, એની સાથે
આશ્રમે બેસીને ગાજો:
ઈશ્વર અલ્લા તેરો નામ !
બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ ?
સબકો સન્મતિ દે ભગવાન.
તમારી, એક વેળાની…..”
(‘ફાતિમા ગુલની ચિઠ્ઠી’)
ચાતુરીથી ચમત્કૃતિ, બૌદ્ધિક આયામથી ભાવાત્મક આયામની યાત્રા, બાહ્યસંદર્ભોથી આંતરસંદર્ભોની કળાત્મક્તા, સંદર્ભોના-ઘટનાઓના ઘેરાવામાંથી છેવટે કવિસત્તાનો Master Stroke, એ જ તો કવિ ઉદયનની સિગ્નેચર ટ્યુન.
આનંદ એ વાતનો છે કે કવિએ પસંદ કરેલો આ રસ્તો નર્યો લપસણો-લપટો છે. છતાં આ કવિ પાસેથી એવી રચનાઓ, રચનાખંડો મળે છે જેમાં ચાતુરીના આ મદારી ઉપર પેલો સભારંજની વાંદરો સવાર થઈ શક્તો નથી.
તેઓ લપસ્યાં વગર, ચતુરાઈ કે પ્રાસાનુપ્રાસ કે ભાષાની ઝડઝમકમાં સરી પડ્યા વગર કવિતાને બચાવીને, કવિતાને પ્રગટાવીને, તેને પાત્ર-પ્રસંગ કે ઈતિહાસની કડીઓમાંથી ઉપર ઉઠાવીને ચમત્કૃતિનું પ્રસ્થાપન કરી શકે છે, એ જ તો આ કવિની વૈયક્તિક વિશેષતા બને છે. પેલી સિગ્નેચર ટ્યુન જ સ્તો.
(ક્રમશઃ)
કવિની કલમની સૂક્ષ્મ અને રસપ્રદ મુલવણી.
સરસ નિરક્ષણો