પાંચ ગઝલો ~ સુનીલ શાહ
ગઝલ– ૧. “નહીં કરું….!”
એવું તો સ્હેજ પણ નથી, ચર્ચા નહીં કરું;
હું તારી જેમ કોઈ દી હોહા નહીં કરું.
હું કોઈ માટે, શક્ય છે જગ્યા નહીં કરું;
તોપણ હૃદયથી કોઈને અળગા નહીં કરું.
કાંટા જરૂરી હોય, તો કાંટા જ જોઈએ;
ફૂલોથી જિંદગીની હું શોભા નહીં કરું.
આવી શકે તો આવ, તને આવકારો દઉં;
બાકી અમસ્તી તારી પ્રતીક્ષા નહીં કરું.
છે ખાતરી, કે ક્યાંય હું ભૂલો નહીં પડું;
તારા મકાન બાબતે પૂછ્યા નહીં કરું.
એ અંતની નહીં, નવા સર્જનની ઘટના છે;
એથી જ પાનખરની ઉપેક્ષા નહીં કરું.
ઇશ્વર એ કામ તારું છે, બસ તું જ કરજે એ;
ક્યારેય કોઈનીયે પરીક્ષા નહીં કરું.
- સુનીલ શાહ
ગઝલ– ૨. “ત્યજી દઈએ….!”
મળ્યું છે લાગણીનું નોખું જે સરવર, ત્યજી દઈએ?
અમે સિદ્ધાર્થ ક્યાં છીએ કે એવું ઘર ત્યજી દઈએ..!
ઘણાંને દઈને હડસેલો તમે ઊંચે ગયા છો દોસ્ત,
અમે તમને ઝૂકીને શું અમારું સ્તર ત્યજી દઈએ?
સુરક્ષા કરવી હો સંબંધની તો એ જરૂરી છે,
કરે જે જખ્મી, એવા શબ્દનું ખંજર ત્યજી દઈએ.
શું મેળવશો આ નફરત, વેર કે ધિક્કાર રાખીને?
ચલો, મનમાં પડેલા એ બધા પથ્થર ત્યજી દઈએ.
તમે સમજો તો બહુ આસાન છે મળવાનું બન્નેનું,
પડ્યું છે બે હ્દય વચ્ચેનું જે અંતર, ત્યજી દઈએ.
સુકાની થઈને તો આવો અમારા વ્હાણ પર ક્યારેક,
અમે જે ક્યારના પકડી ઊભા લંગર, ત્યજી દઈએ.
- સુનીલ શાહ
ગઝલ– ૩. “આ કોની આહટ છે….?”
તારું હોવું દરિયો છે તો મારું હોવું તટ છે,
તોફાની છે તેવર તારો, મારો મક્ક્મ વટ છે.
ના તો દિલમાં આશા એની, ના તો એની ૨ટ છે,
તોય તપાસે કાન સતત કે આ કોની આહટ છે?
દુઃખનું કારણ ઈચ્છાઓ ને ઈચ્છાનું કારણ દુઃખ,
આ તે સાલું જીવન છે કે માયાવી તરકટ છે?
વાત અલગ છે, સ્નેહ ભરેલી નજરોના કામણની,
હોય અગર ત્રાટક દ્રષ્ટિ તો નક્કી કંઈ ખટપટ છે.!
દૃશ્ય ભલે આંજી દે છે પણ અંદર છે અંધારું,
શ્વેત વસ્ત્ર પ્હેરી ફરનારાના દિલ મેલામટ છે.!
- સુનીલ શાહ
ગઝલ– ૪. ” જોયો જ નહિ….!”
કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !
ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’ અને દોડ્યા બધાં,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !
લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?
રોજ જિર્ણોધ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !
દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !
- સુનીલ શાહ
ગઝલ– ૫. “અમે ઊભા છીએ…!”
એટલી બસ ભવ્યતા લઈને અમે ઊભા છીએ,
વારસાગત સભ્યતા લઈને અમે ઊભા છીએ.
પાસ આવે તો હ્દય ખોલીને દઈશું છાંયડો,
વૃક્ષ જેવી સૌમ્યતા લઈને અમે ઊભા છીએ.
આ તરફ ને તે તરફ વહેંચાયો છે માણસ ભલે,
જોડવાની શક્યતા લઈને અમે ઊભા છીએ.
એટલે ભપકા વગર, જે છીએ એ દેખાઈએ,
આયનાની ધન્યતા લઈને અમે ઊભા છીએ.
વૃક્ષ, ફૂલો ને નદીઓને ઉમેર્યા ભીતરે,
અર્થ એ છે, રમ્યતા લઈને અમે ઊભા છીએ.
- સુનીલ શાહ
ખૂબ સરસ..એક આગવી શૈલી 👌
ખૂબ આભાર
આભાર
વાહ સુનીલભાઈ પાંચેય ગઝલો ખૂબજ સરસ.અભિનંદન💐💐
ખૂબ આભાર
સુંદર ગઝલો
આભાર ભાઈ
ખૂબ ખૂબ અભિનંદન.
આપનો આભારી છું.
સરળ, સહજ ભાષામાં ચોટદાર રજૂઆત
આભારી છું.
વાહ.. સરસ ગઝલો
આભાર કવિશ્રી
ખૂબ સુંદર ગઝલો… ખૂબ ખૂબ અભિનંદન આદરણીય શ્રી સુનીલભાઈ
ખૂબ આભાર ભાઈ
ખૂબ સરસ મજાની રચનાઓ…કવિશ્રી સુનીલ શાહને શુભેચ્છાઓ અને અભિનંદન…
ખૂબ આભાર