સરકારી ઇન્ફ્લુએન્ઝા ~ મૂળ ઈટાલિયન વાર્તા ~ મૂળ લેખકઃ દીનો બુઝ્ઝાતિ ~ આસ્વાદઃ ડૉ. બાબુ સુથાર
આ તો એક કલ્પના છે. પણ, આવું બની શકે ખરું. અને એવી વાત બીજા કોઈએ નહીં પણ ઇટાલીના ખૂબ જાણીતા વાર્તાકાર દીનો બુઝ્ઝાતિએ (જન્મ: ૧૯૦૬, મરણ ૧૯૭૨) એમની The Epidemic નામની વાર્તામાં કરી છે.
એ વાર્તામાં એક સરકારી કાર્યાલય છે. એ કાર્યાલય ગુપ્ત સંદેશાઓ ઊકેલવાનું કામ કરે છે. એ કાર્યાલયના વડા છે: કર્નલ એન્નિય મોલાનાસ. એમના હાથ નીચે ચોવીસ અધિકારીઓ કામ કરે છે. એ કાર્યાલયમાં એક જાસૂસ પણ કામ કરે છે. નામ એનું સ્બ્રિન્ઝેલ. એ ગુપ્ત સંદેશા લઈ આવે. પછી એ સંદેશાઓને એ કર્નલને આપે. કર્નલ એ સંદેશા એના હાથ નીચે કામ કરતા માણસોને આપે. એ માણસો સંદેશા ઉકેલે અને પછી કર્નલને આપે. કર્નલ પાછા એ સંદેશા પેલા જાસૂસને આપે અને જાસૂસ એ સંદેશા પછી સરકારને આપે.
મોલાનાસ મૂળે લશ્કરના જીવ. એટલે કામ કરવામાં ભારે ચીવટવાળા. કામ પર પણ સમયસર આવી જાય. એ ક્યારેય વહેલા નથી આવ્યા કે મોડા પણ નથી આવ્યા. એટલું જ નહીં, એ સરકારના પણ કહ્યાગરા. એમણે કદી સરકારની ટીકા નથી કરી.
એક દિવસે એ સમયસર એમના કાર્યાલયમાં આવી જાય છે. જુએ છે તો ચોવીસમાંથી આઠ જણ ગેરહાજર! એમા હાથ નીચે કામ કરતો એક અધિકારી એમને કહે છે પણ ખરો કે જો આમને આમ ચાલતું રહ્યું તો એક દિવસ ઓફિસમાં કોઈ નહીં હોય.
પણ, સવાલ એ છે કે આ આઠ જણ કેમ ગેરહાજર છે? પછી ખબર પડે છે કે એમને ‘સરકારી ઇન્ફ્લુએન્ઝા’ થઈ ગયો છે.
વાચકને થશે: ‘સરકારી ઇન્ફ્લુએન્ઝા?’ હા, આ ખાસ પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા છે. એ કેવળ સરકાર વિરોધીઓને જ થતો હોય છે. તમે સરકારની ટીકા કરો અને એ સાથે જ ઇન્ફ્લુએન્ઝાના વાઈરસને ખબર પડી જાય. એ તમને લાગુ પડી જાય. પછી તમે માંદા પડો. તમને સરકારી ઇન્ફ્લુએન્ઝા થઈ જાય. આમાંથી બચવાનો એક જ ઉપાય હોય છે: સરકારની ટીકા ન કરવી.
આ આઠેય જણ પાછા ઘેર નથી. ફોન કરો તો એમનાં કુટુંબીઓ ફોન ઊઠાવે છે. અને જો પૂછીએ તો કહે છે કે એમને પણ ખબર નથી કે એમના કુટુંબના સભ્ય ક્યાં ગયા છે? વાર્તાકાર કહે છે: કદાચ સરકારે એમની ધરપકડ કરી હશે. કદાચ એમને તડીપાર કર્યા હશે. કદાચ એમને પતાવી પણ દીધા હોય. કંઈ કહેવાય નહીં. એમનો અંત નક્કી પણ અંતનો પ્રકાર નક્કી નહીં.
થાય છે એવું કે ધીમે ધીમે ઓફિસમાં ન આવનારાઓની સંખ્યા વધતી જાય છે.
પછી કર્નલને થાય છે: મને તો ઇન્ફ્લુએન્ઝા નહીં થાય ને? મેં તો કદી સરકારનો વિરોધ કર્યો નથી. જો કે, એમને યાદ આવે છે કે એમણે એકબે વાર એમના ઉપરીની ટીકા કરી હશે. કર્નલ વિચારમાં પડી જાય છે. પછી પોતે જ પોતાને જવાબ આપે છે: ના ના, આવા વિરોધ કે આવી ટીકાઓ તો સાવ સાહજિક છે. એમાં ઇન્ફ્લુએન્ઝા ન થાય.
પણ કમનસીબે, એક દિવસે કર્નલને શરદી જેવું કંઈક થાય છે. હવે કર્નલ રજા તો લઈ શકે એમ નથી. કેમ કે રજા લે તો સરકારને ખબર પડી જાય. એટલે એ શરદી છુપાવવાનો પ્રયાસ કરે છે. એ માથેને મોંઢે ઓઢીને કાર્યાલય પર આવે છે. છીંક આવે તો એને રોકવાનો પ્રયાસ પણ કરે છે. કેમ કે પેલો જાસૂસ સ્બ્રિન્ઝેલ પણ કાર્યાલયમાં હોય છે. એ કર્નલને પૂછે પણ છે કે તમને શરદી તો નથી થઈને? કર્નલ કહે છે: ના ના, શરદી કેવીને વાત કેવી. આ તો જરા શિયાળો છે એટલે ઠંડી લાગે છે. બાકી કંઈ નથી. બીજા દિવસે કર્નલને જરાક તાવ જેવું લાગે છે. પણ, એમણે નક્કી કર્યું છે કે આ વાતની કોઈને ખબર પડવી ન જોઈએ. એ વારંવાર મનમાં મનમાં એક દલીલ કરતા હોય છે. મેં મારા ઉપરીની ટીકા કરી હશે પણ એ કાંઈ સરકારની ટીકા ન કહેવાય. એ થોડોક તાવ હોવા છતાં પણ કાર્યાલયમાં આવે છે. અને કોઈ જુએ નહીં એમ નાડીના ધબકારા પણ માપી લે છે. એમને લાગે છે કે એના ધબકારા વધી ગયા છે.
આ બધી ઘટનાઓની વચ્ચે વચ્ચે વાર્તાકારે બીજી કેટલીક ઘટનાઓ પણ મૂકી છે. આપણે એ બધી ઘટનાઓમાં નહીં જઈએ. પણ, પેલા જાસૂસ સ્બ્રિન્ઝેલ અને કર્નલ વચ્ચેના સંવાદો ખૂબ રસ પડે એવા છે. કેમ કે સ્બ્રિન્ઝેલ કર્નલને શંકાની નજરે જોવા લાગ્યો છે. એને થાય છે કે કર્નલને સરકારી ઇન્ફ્લુએન્ઝા થઈ રહ્યો છે. એ ચોક્કસ સરકાર વિરોધી છે. એની સામે કર્નલ સતત એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એમને ઇન્ફ્લુએન્ઝા નથી અને એ કદી પણ સરકારની ટીકા કરતા નથી.
કર્નલ અને જાસૂસ વચ્ચેનું આ રાજકારણ ખૂબ રસ પડે એવું છે. એક વાર તો જાસૂસ કર્નલને કૉફી પીવા માટે બહાર લઈ જવાની વાત કરે છે. પણ કર્નલ એની વાત ટાળે છે. કર્નલને એક જ ડર છે: જો આ જાસૂસ સરકારને જાણ કરશે તો? તો મારું શું થશે?
ત્યાર પછીના બીજા દિવસે કર્નલને તાવ આવે છે. એ ઘેર જતાં જ થર્મોમિટરથી એમના શરીરનું ઉષ્ણતામાન માપે છે. ખાસી પંદર મિનિટ સુધી એ થર્મોમિટરને મોંઢામાં રાખી મૂકે છે. જુએ છે તો ૧૦૨ ફેરનહીટ! તો ય કર્નલ નક્કી કરે છે કે કાર્યાલયમાં તો જવું જ અને કોઈને ખબર ન પડવા દેવી કે એને તાવ આવે છે, ઠંડી લાગે છે, ઉધરસ આવે છે. એ પોતાને થયેલા ઇન્ફ્લુએન્ઝાને સંતાડવાના તમામ પ્રયાસો કરે છે અને ઇન્ફ્લુએન્ઝા પોતાને જાહેર કરવાના તમામ પ્રયાસો કરે છે. આ તણાવ સમજવા જેવો છે. બીજું, કર્નલ એક બાજુ ઇન્ફ્લુએન્ઝા સામે લડી રહ્યા છે તો બીજી બાજુ પેલા જાસૂસ મિત્ર સામે પણ. આ તણાવ પણ સમજવા જેવો છે. અને ત્રીજી બાજુ કર્નલના કાર્યાલયમાં કામ કરતા માણસોની સંખ્યા પણ ઘટી રહી છે. આ ત્રીજો તણાવ.
હવે તો કર્નલના કાર્યાલયના ઘણા બધા કર્મચારીઓ ગેરહાજર રહેવા લાગ્યા છે. એમાં એક પ્રોફેસર પણ છે. પેલા જાસૂસ મિત્ર કહે છે કે આ સરકારી ઇન્ફ્લુએન્ઝા બુદ્ધિજીવીઓને વધારે થતો હોય છે. કર્નલ તો પોતે બુદ્ધિજીવી નથી એવું સ્વીકારવાની હદ સુધી જતા રહે છે. અલબત્ત, મનોમન. જાસૂસ એમ પણ કહે છે કે જે લોકો રાષ્ટ્રીયતાવાદી છે, દેશના કાયદાઓને વરેલા છે, કામદારો છે એમને સરકારી ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગતો નથી. એટલે કે ‘હાર્વર્ડવાળાઓને’ આ ચેપ જલ્દી લાગે છે, ‘હાર્ડ વર્કવાળા’ બચી જતા હોય છે!
માહિતી ખાતું પણ હવે તો જે લોકો ગેરહાજર રહેતા હોય છે એમના નામની આગળ લાલ ટપકું મૂકવા લાગે છે. જો લાલ ટપકું હોય તો માનવાનું કે એને સરકારી ઇન્ફ્લુએન્ઝા થયો છે!
હવે કર્નલને સરકારી ઇન્ફ્લુએન્ઝા થઈ ગયો છે. પણ કર્નલ એ ઇન્ફ્લુએન્ઝાને ગાંઠતા નથી. એ સમયસર કાર્યાલયમાં આવી જાય છે. જો કે, હવે એમને એમ પણ લાગવા માંડ્યું છે કે એમના જાસૂસ મિત્રએ સરકારને જાણ કરી દીધી હશે.
છેલ્લે કર્નલ એમના કાર્યાલયમાં આવે છે. હવે કાર્યાલયમાં કોઈ બચ્યું નથી. બધાંને સરકારી ઇન્ફ્લુએન્ઝા થઈ ગયો છે. કર્નલને લાગે છે કે હવે એમના જાસૂસ મિત્ર આવશે અને જો એમને ખબર પડી જશે કે કર્નલને ઇન્ફ્લુએન્ઝા થઈ ગયો છે તો? કર્નલ એમના કાર્યાલયમાં બેઠા છે. ત્યાં જ કોઈકના આવવાનો અવાજ સંભળાય છે. કર્નલ પોતે સંપૂર્ણ તંદુરસ્ત હોવાનો ઢોંગ કરીને ખુરશીમાં બેઠા છે. ત્યાં જ જુએ છે તો એમની સામે એમના જાસૂસ મિત્ર સ્બ્રિન્જેલનો નોકર. એ એક સંદેશો લઈને આવ્યો છે. કહે છે: સ્બ્રિન્ઝેલ આજે નહીં આવે, પછી પણ નહીં આવે. એ માંદા છે. એમને ઇન્ફ્લુએન્ઝા થઈ ગયો છે. કર્નલ કહે છે: અરે હોય? તમે મજાક તો નથી કરતા ને?
કર્નલ વરસોમાં પહેલી વાર નિરાંતનો શ્વાસ લે છે. એ આંખો ઊંચી કરીને બારીની બહાર જુએ છે. એમને લાગે છે: ઈશ્વર ખરેખર સુંદર અને પવિત્ર છે.
બુઝ્ઝાતિ વાસ્તવ અને અતિવાસ્તવને એકબીજામાં બ્લેન્ડ કરી શકે છે. આ વાર્તા વાંચતાં આપણને એક વાતનો અનુભવ થયા કરે: બધા જ સતત કોઈક રોગાચાળાના ભય હેઠળ જીવ્યા કરે છે. વાર્તાનું એકેએક વાક્ય એ ભય પ્રગટ કરે છે. એ વાક્યો પણ આપણને ભયના ઓથાર હેઠળ, ડરતાં ડરતાં, અર્થ પ્રગટ કરતાં હોય એવું લાગે. આપણા ઘણા વાર્તાકારો અવારનવાર સામાજિક વાસ્તવની વાત કરતા હોય છે પણ એ લોકો એ વાસ્તવને લાગણીશીલ નિરૂપણથી આગળ લઈ જઈ શકતા નથી. અહીં કર્નલ અને જાસૂસ વચ્ચેના સંવાદમાં બીજી ઘણી બધી ઝીણી વાતો લેખકે ગૂંથી લીધી છે. છેક વાર્તાના અંતે આવતું એક નાનકડું વાક્ય પણ ઘણું બધું કહી જાય છે: કર્નલ વરસો પછી નિરાંતનો શ્વાસ લે છે.
આ વાર્તામાં ઇન્ફ્લુએન્ઝા વધતો જાય છે એમ એમ સરકાર વિરોધીઓ વધતા જાય છે પણ એ જ વિરોધીઓ પાછા અદૃશ્ય પણ થતા જાય છે. બહુ બોલકા બન્યા વિના લેખકે રોગચાળાનો પણ પોતાના વિરોધીઓને ચૂપ કરવામાં ઉપયોગ કરે એવી સરકારોની આગાહી કરી દીધી છે. જો આ વાર્તામાં ‘ઇન્ફ્લુએન્ઝા’ની જગ્યાએ ‘કોરોના’ મૂકી દઈએ તો કોઈ જ ફરક નહીં પડે.
શાસક સામે વિદ્રોહ કરો કે સ્થાપિત હિતો ને પડકારો,દરેક વખતે આવી પરિસ્થિતિઓ સર્જાય છે.