“શુભેચ્છાનો મહેરામણ” ~ (૨) ~ કવિશ્રી હિતેન આનંદપરાના જન્મદિન નિમિત્તે, એમના શેરના આસ્વાદ સાથે….! ~ વિવિધ કવિઓ

૧૬. ભારતી વોરા

“બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.”
–  હિતેન આનંદપરા

શ્રી હિતેનભાઈને જન્મદિવસની અઢળક શુભકામના સાથે વંદન.
આજકાલ બાળકોને જીનીયસ બનાવી દેવાની ઘેલછામાં ગાંડા થયેલા માબાપને સીધો ચોટદાર અને ધારદાર ઘા કરતો શેર છે. આજકાલ બધાને પોતાના બાળકને ખૂબ જલદી જલદી બધું શીખવી દેવું છે. આથી શાળાએથી ઘરે આવ્યા પછી પણ એક મિનિટ માટે પણ બાળકને ફ્રી રહેવા દેતા નથી અને એમાં પાછા એ ગૌરવ અનુભવતા જોવા મળે છે. આ વિષયનું સ્પેશિયલ ટ્યુશન અને પેલા વિષયનું ટ્યુશન ,તેનું હોમવર્ક ને આટલેથી ન અટકતા સ્વિમિંગ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ને વળી વૈદિક ગણિત ને વળી કૌશલ્ય વર્ધક  ક્લાસ, ચિત્રકામ ને ઓરીગામી ને વળી કઈ કેટલોય મોટો પહાડ ઊભો કરી દે છે.

અહીં કવિ બાળકને આ બધી જંજાળની વચ્ચેથી બાળકને થોડી મોકળાશ આપવાનું સૂચવે છે. જે સાંપ્રત સમયના વાલીઓ માટે ખરેખર વિચારવા જેવું છે. આમ આ ગઝલનો મતલા શેર માબાપની આંખો ઉઘાડવા સક્ષમ છે .

૧૭.     ભાલચંદ્ર ત્રિવેદી

માનનીય હિતેનભાઈ,
આપને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.💐💐💐💐💐💐.
વધુ તો નથી લખતો પરંતુ આપની ગઝલ ‘મળી આવે’ના મને ગમતો શેર

“ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે!”
–  હિતેન આનંદપરા .

જન્મદિવસ આનંદમય રહે તેવી શુભેચ્છાઓ

૧૮.      બારીન દીક્ષિત

“વધારે હોય પૈસો યાર તો માણસ ને ઉભા કર ,
તુ ઈશ્વરના નવા મંદિર નવા આવાસ રહેવા દે”

શ્રી હિતેન આનંદપરા સાહેબને જન્મ દિવસની શુભ કામનાઓ. મારે આજે આપ સર્વેને એક વાત વહેચવી છે કે મારી જેમ ઘણાંને હજુ ગઝલ કહેતા તકલીફ પડે છે. આવા વિદ્યાર્થીઓ માટે જે અછાંદસ શિબિરનું આયોજન કરે , રઈશસાહેબની રાહબરીમાં સમજણ કેળવાય ને ધીરે ધીરે સાચું સારું લખતા થઈએ એના સતત પ્રયત્ન કરતા રહે, એવા આ વિરલ ગુરુજનના ચરણમાં સાદર નમન 🙏🙏💐💐

૧૯.      મેધાવિની રાવલ

“પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.”
–  હિતેન આનંદપરા

એક ખૂબ સુંદર ગઝલના સમાપનનો આ શેર મને ખૂબ ગમ્યો…

અહીં કવિશ્રી એક સર્જકની આંતરિક અનુભૂતિને વર્ણવે છે. કહેવાય છે ને કે જાતને ઝંઝોડતી કોઈ અધૂરપ જ્યારે રગેરગમાં પ્રસરેલી હોય ત્યારે નિઃશંક એક ઉત્તમ કૃતિનું સર્જન થતું હોય છે. એ અભાવ સર્જકની સર્જનાત્મકતાને છેક શિખર સુધી લઈ જાય છે.. કંઇક એ પ્રકારની જ વાત અહીં કવિશ્રીએ બખૂબી વણી લીધી છે.. તમામ પ્રકારની તૃપ્તિ, પરમ સંતોષ કે અઢળક સુખ અન્યો માટે ભલે અંતરની અભિલાષા હોય પરંતુ એક કવિ – એક સર્જક માટે એની તરસનું મહત્વ સર્વોપરી છે. એક અતૃપ્તિ – એક તરસ જે અંદર ક્યાંક પ્રજ્વલિત છે, એ જ સર્જક માટે ઉદ્દીપકનું કામ કરતી હોય છે..

આપણા સહુના પથદર્શક, આદરણીય, પ્રિય હિતેનસરને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ..💐🙏🏻*

૨૦.      શાન્તિલાલ કાશયાની

“પોતાનું કહી શકાય જે એ ગામ છે ગઝલ,
ખુદની નજીક આવવાનું  કામ  છે  ગઝલ”
–  હિતેન આનંદપરા*

આખરે ગઝલ શું છે? ગઝલ શા માટે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા લગભગ દરેક કવિએ પ્રયત્ન કરી ગઝલો રચી છે. પરંતુ શ્રી હિતેનભાઈએ જે વાત અહીં કરી છે, એ ખૂબ સ્પર્શી ગઈ.

કોઈ એવું નહીં હોય જેમને એની જન્મભૂમિ, વતન, ગામ ગમતું ના હોય. ગામ એ જીવનની દોડતી ગાડીનું આરામ સ્થાન. જ્યાં શાંતિ, સંતોષ ને ધરપત મળે. હિતેનભાઇએ ગઝલ ને ગામ સાથે સરખાવી, એ એક જ શબ્દમાં ગઝલને ગુજરાતીઓનું માદરે વતન ગણાવી દીધું.. વાહ સાહેબ.. ક્યાં બાત હે !!
ને એજ મતલાનો સાની મિસરા તો જુઓ !
દુનિયાના તમામ ફિલોસોફરો, તર્કશાસ્ત્રીઓ અને ધાર્મિક સંતોએ સુખ ,શાંતિ, આનંદ મેળવવા એક જ વાત કહી કે, ખુદની નજીક જાઓ, ખુદમાં તલ્લીન થાઓ, સ્વ ને ઓળખો…

અહીં હિતેનભાઈ કહે છે કે ખુદની નજીક જવાનું ઠામ પણ ગઝલ છે. એ આપણે અનુભવી રહ્યા છીએ કે ગઝલ લેખન વખતે આપણે દુનિયા, સંસાર અને સંસારના સઘળા દુઃખો ભૂલી રચના કરવા કેવા ખોવાય જઈએ છીએ.. ખુદ માં..!.

શ્રી હિતેનભાઈ આવી અનેરી ગઝલો આપતા રહે, અને ખૂબ ખુશ રહે, એવી દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ*
🎂🎂🎉🎉💐💐💐

૨૧.      નીશિ એસ.

“તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે”

–  હિતેન આનંદપરા💐💐

“દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી,
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

મને મારા વીતેલા ચંદ દિવસો ભેટમાં આપો,
થયો છું ખૂબ એકલવાયો જૂનું ઘર બદલવાથી.
–   હિતેન આનંદપરા

“વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.”

–   હિતેન આનંદપરા

આપણા સૌના પથ દર્શક અને ગુજરાતી સાહિત્ય જગતના લાડિલા, સાહિત્ય સેવાને વરેલા એવા આદરણીય કવિ શ્રી હિતેન ભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!આપનું આ વર્ષ આનંદમય રહે, સાહિત્યની સેવાર્થે પ્રભુ આપને સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે એવી સસ્નેહ શુભકામનાઓ !દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ ! અને આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પરમ પ્રભુને નમ્ર પ્રાર્થના !

🎂🎁🍦🍭🍩🍰🥧🍧🍬🍫🌹🌷💐🪷

૨૨.      મિતા ગોર મેવાડા

“આકાશના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી
પાતાળના ધબકારમાં પણ મેં તને જોઈ હતી

ક્યાં ક્યાં તને જોઈ હતી ના પૂછ તું આગળ મને
ભગવાનના આકારમાં પણ મેં તને જોઈ હતી”
–  હિતેન આનંદપરા

પરાર્થે આનંદની લહાણ કરનાર, સહિતાય સાહિત્યની સેવા કરનાર હિતેનભાઈને જન્મદિવસની શુભકામનાઓ.
પ્રથમ દ્રષ્ટિએ આ મુક્તક કોઈ પ્રિયતમા માટે લખાયું હોય તેમ લાગે. પણ મને તો આ પોતાની જિંદગી માટે લખાયું હોય તેમ લાગે છે. જિંદગી મુક્તપણે આસમાનમાં છલાંગ લગાવે કે આનંદના મહાસાગરમાં ડૂબકી લગાવે કવિને એનો સાક્ષાત્કાર થયેલો છે.

જિંદગીમાં સકારાત્મકતા એટલી હદે છે કે કવિને પ્રભુની ઝાંખી થઈ જાય છે.

જીવનમાં વિધાયક દ્રષ્ટિકોણ શીખવવાનો અભિગમ અહીં દેખાય છે.

૨૩.     દર્શિતા  બાબુભાઈ શાહ

હિતેન સરને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…💐
મારું શબ્દપુષ્પ અર્પણ….

“તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિંદગી સ્વીકારવાની હોય છે.”
–  હિતેન આનંદપરા

કવિએ આ શેરમાં જીવનનું હાર્દ લખી દીધું છે. આપણે સૌ કોઈ કમ્પ્લેન બોક્સ બની ગયાં છીએ. જે કોઈએ પણ કોઈને બદલવાની કોશિશ કરી તે હારી ગયા છે. જેણે પોતાની જાતને બદલી દીધી, તે જીતી ગયાં અને સાચા અર્થમાં જીંદગી ને જીવી ગયાં. પરિસ્થિતિ, વ્યકિત અને સંજોગો બદલાવાના નથી. આપણે જ તેનામાં ઢળવું પડે છે. ફરિયાદ કરીને કંઈ મળવાનું નથી કે નથી કોઈ બદલવાનું.

પોતાની દુનિયામાં મશગૂલ થઈ જીવન જીવવું, એમાં જ આનંદ અને પરમસુખ છે.

જિંદગીમાં જે દિવસો સામે આવે તે હસી ખુશી જીવી લેવું, એમાં શાણપણ રહેલું છે. કવિનો આ શેર સંપૂર્ણ કવિતાની ગરજ સારે છે.

સૌમ્ય, શાંત અને શિસ્તબદ્ધ પ્રકૃતિ ધરાવનાર, અનેક નવોદિતોને વિવિધ શિબિરો દ્વારા સાહિત્યનાં અનેકવિધ સ્વરૂપો શીખવામાં નિમિત્ત બનનાર અને પછી એ નવી કલમને સાહિત્ય આકાશમાં ચમકાવનાર એવાં શ્રી હિતેનભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. હિતેનભાઈના જન્મદિવસને એમના આ એક સુંદર શેર સાથે વધાવીએ.

૨૪.      સંજય રાવ

“કાશ થોડી લેતી દેતી હોત તો મળતા રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
–  હિતેન આનંદપરા

મૈત્રીભાવે કે કોઈ લાગણીનાં સંબંધે બંધાયેલ વ્યક્તિને કોઈ કારણ વગર જ મળવાની ઈચ્છા થતી હોય છે. માત્ર ધંધાકીય સંબંધોમાં, કામ પૂરું થયા પછી અને એ અંગેનાં લેવડ-દેવડનાં હિસાબો પત્યાં પછી ફરી વાર મળવાનું થતું નથી કે એવી ઈચ્છા પણ થતી નથી,પણ સરખી વિચારધારા ધરાવનાર મિત્રોને કે અરસપરસ લાગણી ધરાવતાં પ્રિયજનોને પણ સમયના અભાવે કયાં વારંવાર મળી શકાય છે? સિવાય કે એની સાથે કોઈ વહેવાર અધૂરો રાખીએ કે વાત બાકી રાખીએ. એકદમ સરળ શબ્દોમાં ભીતર સુધી  ઉતરી જાય એવી વાત કહેતો શેર. જોકે, આપણે ઈચ્છીએ કે હિતેનભાઈ સાથેના આપણા હિસાબો પણ અધૂરા રહે. એમની પાસે અને એમના દ્વારા ઘણું નવું શીખતા રહીએ અને ગુરુ દક્ષિણા રુપે નવુંનવું સર્જન કરતા રહીએ અને એ રીતે પરોક્ષ રીતે પણ એમનાં સાનિધ્યમાં રહીએ.

હિસાબો સરભર કરવાની અમને ના તો ઈચ્છા છે કે ના ઉતાવળ. હિતેનભાઈને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

૨૫.     ડૉ. સેજલ દેસાઈ

“વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે.”
–   હિતેન આનંદપરા

કવિશ્રી હિતેન આનંદપરા સર ને જન્મ દિવસની શુભેચ્છાઓ સાથે એમના એક શેરનો આસ્વાદ પ્રસ્તુત છે.
વિચાર : અહીં કવિ માણસને ઊભા કરવાની વાત કરે છે, જ્યાં અસલમાં માણસને પગભર કરવાની વાત છે. જે એક ઉમદા વિચાર છે.
ઊર્મિ: આ શેર ઊર્મિસભર છે, અહીં કવિને બીજા માણસ  પ્રત્યે સહાનુભૂતિ છે જે પ્રતીત થાય છે.
શૈલી : કવિની શૈલી અદ્ભૂત છે. સીધે સીધું કહી દેવાને બદલે  કવિએ અહીં ચતુરાઈ વાપરીને એક વ્યંગ કર્યો છે.

આ શેરમાં કવિ આપણને કહેવા માંગે છે કે માણસ પાસે અઢળક સંપત્તિ હોય તો માણસે બીજા માણસના જીવન સુધારવાના પ્રયાસ કરવા જોઈએ, નહીં કે  ઈશ્વર, જે સર્વ વ્યાપક છે, તેના નવાનવા આવાસ બનાવવા જોઈએ.

અહીં હિન્દી ભાષા ના વિખ્યાત કવિ શ્રી ગોપાલ દાસ નીરજનો એક શેર યાદ આવે છે કે

अब तो मजहब कोई ऐसा भी चलाया जाए,
जिसमें इंसान को इंसान बनाया जाए।

– गोपाल दास नीरज

૨૬.      જિગીષા પટેલ

“દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કડી બદલાય છે ઉત્તર બદલવાથી”

હિતેન સાહેબને જન્મદિવસની ખૂબ બધુ શુભ કામનાઓ.
એક ઉમદા વ્યક્તિત્વ, અને હંમેશા કંઈકને કંઈક સાહિત્ય માટે કરવા તત્પર રહેતા હિતેનસાહેબને વંદન.

કવિશ્રી આ શેર દ્વારા એક વ્યંગ રજૂ કર્યો છે. ઘણાને એવી ટેવ હોય છે કે પોતાનું કામ પાર ના પડે તો તરત જ ઈશ્વરને બદલી નાખે છે. “ ભરોસો કરીશ નહીં મનુષ્યનો, જરૂર પડ્યે એ ભગવાન પણ બદલી નાખે છે” આ શેરની યાદ આવી જાય એ હદે વ્યંગ રજૂ કર્યો છે.

કવિશ્રી આ શેર દ્વારા એક સમજ આપે છે કે, કંઈ ઈશ્વર બદલવાથી પરિસ્થિતિ બદલાઈ જતી નથી. પોતાની પરિસ્થિતિ બદલવા માટે પોતે જ મહેનત કરવી પડે છે. ભગવાન ભરોસે બેસી રહેવાથી તો કશું જ પ્રાપ્ત થવાનું નથી. આપણે આપનું કર્મ કરવાનું છે અને ઈશ્વર એ મુજબ આપણે આપવાનો જ છે એવી અતૂટ શ્રદ્ધા સાથે આપણે બસ કર્તવ્યનું પાલન કરવાનું છે.

જ્યારે બીજી પંક્તિ દ્વારા કહે છે કે, ગમે તેવા રસ્તા શોધશો, યુક્તિ અજમાવશો, પણ જે સવાલ છે, સમસ્યા છે એ તો એમની એમ જ રહેશે. આના કરતાં તો એ જ ઉત્તમ રહેશે કે જે તે સવાલનો સામનો કરી લેવો જોઈએ. લડી લેવું જોઈએ. જેનાથી જીવનમાં એક આત્મવિશ્વાસ આવશે, અને જીવવામાં સરળતા રહેશે. અને ભય મુક્ત રહી શકાશે.

૨૭.     મનીષા શાહ, ‘મૌસમ’

કવિશ્રી હિતેનભાઈ આનંદપરાને જન્મદિવસની ખૂબખૂબ શુભેચ્છાઓ💐ઋજુ હૃદયના માલિક, નિખાલસ અને શિસ્તના આગ્રહી એવા કવિશ્રી હિતેનભાઈની સશક્ત કલમથી લખાયેલી આ આખી રચના કાબિલે તારીફ છે. એકએક શેર વેધક છે.

આવો એમના શેરને માણીએ
“બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.”

મને બીજો શેર વધુ એટલે ગમ્યો છે કે અહીં કવિ આપણા સહુની વાત કરે. આપણે બધાએ જાણે અજાણે આ પરિસ્થિતિનો અનુભવ કર્યો જ હશે. ક્યારેક કોઈ ઉપર ગુસ્સામાં કે એ વ્યક્તિ પ્રત્યે અણગમો હોવાથી એના ઉપર આક્ષેપ કર્યો હશે. એને કટુ વચન કહ્યા હશે કે અનાદર કર્યો હશે.

જેટલી સહેલાઈથી આ બધું થઈ જાય છે એટલી સહેલાઈથી એનાથી થયેલા પ્રત્યાઘાતને સહન નથી કરી શકતાં. કોઈ તરફ એક આંગળી ચીંધીને આપણે ભૂલી જઈએ છીએ કે બીજી ત્રણ આપણા તરફ છે.

કેટલી સરળ રીતે આ વાત કવિએ કહી છે. એકદમ ગહન વાત.
જ્યારે આપણી સામે કોઈ પ્રતિભાવ આપે તો જીરવી નથી શકાતું. તરત જ આપણો સ્વબચાવ સામે ધરી દઈએ છીએ. આવી અને બીજી અનેક સુંદર અને માતબર ગઝલના રચનાર એવા કવિશ્રી હિતેનભાઈની કલમ ઉતરોત્તર કાર્યરત રહે એજ શુભકામના સહ પ્રાર્થના 💐🙏

૨૮.      અનિલ બી. સરૈયા “અનમોલ”

“પોતાનું કહી શકાય જે, એ ગામ છે ગઝલ
ખુદની  નજીક  આવવાનું  કામ છે ગઝલ

કૂવો, તળાવ, ઝરણું, સરોવર કે હો નદી,
જ્યાં પણ તરસ છિપાતી એ મુકામ છે ગઝલ.
–  હિતેન આનંદપરા..*.

જે ગઝલને, ગીતને અને કવિતાને પોતાનું સર્વસ્વ માની ચૂક્યાં છે, એવા હિતેનભાઈ આનંદપરાને જન્મદિવસની, ઝાઝેરી શુભેચ્છાઓ 💐💐🌹

આ મુક્તકમાં કવિનો ગઝલ પ્રત્યેનો પ્રેમ તાદૃશ્ય થાય છે. કવિ માટે ગઝલ ગામ , કામ અને મનની પ્યાસ બુઝાવવાનું ધામ છે. જેણે પોતાનું જીવન સાહિત્યને સમર્પિત કર્યું હોય એના હૃદયમાંથી જ આવા શબ્દો ફૂટી શકે. આપ સ્વસ્થ રહો અને આપની કલમ અવિરત ચાલતી રહે એવી શુભેચ્છાઓ 🌹🙏🏻🌹🙏🏻🌹

૨૯.      કાજલ શાહ ‘કાજ’

*શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.*
–  હિતેન આનંદપરા.
આપણા સર શ્રી હિતેનભાઈ આનંદપરાને જન્મદિવસના ખૂબખૂબ અભિનંદન…

તેમની ગઝલ
“પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
તે વિનાની સર્વ વાતો તર્ક છે.

આ ગઝલનાં બધાં જ શેરો ખૂબ જ ગમી જાય તેવા છે, પરંતુ તેમાં આ શેર મને વિશેષ ગમ્યો.

આ શેરમાં કવિ એવા માંગે છે કે ગઝલનાં સારા શેર પર દાદ તો ઘણાં આપે છે, પણ પોતાના પ્રિયજનો કે માશૂકા જ્યારે દાદ આપે છે, ત્યારે તેની ખુશી અનેક ગણી વધી જાય છે અને જિંદગીમાં ઉત્સવ જેવું લાગે છે, અને તે વાત શાયર શ્રી હિતેનસરે ખૂબ જ સાહજિકતાથી વર્ણવી છે…🌹

આજે આપના જન્મ દિવસે ખૂબખૂબ શુભકામનાઓ સાથે આવી જ અણમોલ કૃતિઓનું સર્જન કરતા રહો એવી જ પ્રભુને પ્રાર્થના💐💐💐

આપનો પ્રતિભાવ આપો..