“શુભેચ્છાનો મહેરામણ” ~ (1) ~ કવિશ્રી હિતેન આનંદપરાના જન્મદિન નિમિત્તે, એમના શેરના આસ્વાદ સાથે….! ~ વિવિધ કવિઓ
“આપણું આંગણું” બ્લોગને જેમણે પોતાના ખભે ઊંચક્યો છે, એવા કવિશ્રી હિતેન આનંદપરાનો આજે જન્મદિવસ છે. ગુજરાતી સાહિત્યના કાર્યક્રમો એક ગુણવત્તા સાથે ગુજરાતીઓ માણે અને સુંદર સાહિત્ય સહુ સુધી પહોંચે એને માટે ભેખ ધરીને, સતત ખૂબ મહેનત કરતા, કવિશ્રી હિતેનભાઈ આનંદપરાને, “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને સૌ વાચકો તરફથી, જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ આપતાં, હું, જયશ્રી મરચંટ ખૂબ જ આનંદ અનુભવું છું.
રક્ષાબહેન શાહની નીચેની આ નોટ જોતાં જ મને થયું કે, આટલા ઉત્સાહથી શિબિરાર્થીઓએ કવિશ્રી હિતેનભાઈનો જન્મદિન ઉજવવા માટે આસ્વાદના સંદેશાઓ મોકલ્યાં છે એને “આપણું આંગણું”માં મૂકવા જોઈએ. આજે પહેલો ભાગ મૂકી રહ્યાં છીએ. ભાઈ હિતેનના જન્મદિનની ઉજવણી આ રીતે આપણે ત્રણ દિવસ ચાલુ રાખીશું.
અનંત અંબાણીના લગ્નની ઉજવણી ૩ મહિના સુધી ચાલે તો આપણાં સહુનાં માનીતા ભાઈ હિતેનના જન્મદિનની ઉજવણી, આપણાં આંગણાંમાં, લાગણીઓનાં મોતીની માળા, શુભેચ્છાના દોરામાં પરોવીને, હિતેનભાઈને એ હાર અર્પણ કરીને, ત્રણ દિવસનું સેલિબ્રેશન તો “બનતા હૈ, હૈ કે નહિ?”
રક્ષાબહેન શાહ અને પૃથાબહેન સોનીનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ સુંદર વિચાર શિબિરાર્થીઓની સામે મૂક્યો અને સહુ સુજ્ઞ શિબિરાર્થીઓનો આભાર કે એમણે આ વિચારને હાથોહાથ વધાવી લીધો.
રક્ષાબહેન શાહની નોટઃ
“આજે આપણી આ એડવાન્સ ગઝલ શિબિર ગૃપમાં, શેરના આસ્વાદનો દિવસ છે અને હિતેન આનંદપરાસરનો જન્મદિવસ પણ છે! આસ્વાદ તો बनता है! ઉજવીશું? બને એટલા મિત્રો હિતેન સરના શેરનો આસ્વાદ કરાવીએ…we owe a lot to him…
બીજી એક ખાસ વાત. હિતેન સરના જન્મદિનને આ રીતે ઉજવવાનો શ્રેય આપણા એડવાન્સ ગઝલ શિબિરનાં ઉત્સાહી એડમીન, પૃથાબહેન સોનીને જાય છે.”
૧. રક્ષા શાહ
હિતેન સરને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…💐
મારું શબ્દપુષ્પ અર્પણ….
‘તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિંદગી સ્વીકારવાની હોય છે.’
– હિતેન આનંદપરા
નિજ કવિધર્મમાં રાચતાં નેપથ્યનાં કવિ સરળ બાનીમાં કેવી સરસ રજુઆત કરે છે. બે જ પંક્તિમાં જિંદગી જીવવાની જડીબુટ્ટી મળી ગઈ.. આપણે તો જાણે જિંદગીનું તખલ્લુસ ‘ફરિયાદ’ રાખ્યું છે..
જિંદગી એ ભગવાન તરફથી આપણને આપેલ એક ઉપહાર છે. તો તેની ફરિયાદ કેમ…જરા વિચારો જો દુઃખ ના હોત તો! રસહીન ના લાગત!
એક સામાન્ય રેસમાં એક વ્યક્તિ જીતે છે અને બીજી હારે છે તો એક માટે એ સુખ અને બીજા માટે એ દુઃખની વાત કહેવાય છે.. પણ ખરું જોતા તો એમાં દ્રષ્ટિકોણ જ તો નિર્ધારિત કરે છે, તો હારની ફરિયાદ કેમ?
આપણે જેને ચાહતાં હોઈએ એની ફરિયાદ હોય કે એ જેવા હોય એનો સ્વીકાર હોય? બધી જ ખામીઓ, બધી જ નબળાઈઓ,બધી જ મજબૂરીઓનો સ્વીકાર હશે તો ફરિયાદને પલાયન થઈ જવું પડશે.
જિંદગી પલાયન થઈ જાય એ પહેલાં ફરિયાદોને પલાયન ન કરી શકીએ! ફરિયાદને ફરી ફરી યાદ કેમ કરીએ! અને કવિને આ જ કહેવું છે.
એક વાર કહી તો જોઈએ, “પ્રિય જિંદગી..તારા સાનિધ્યને ખૂબ નિકટતાથી,પ્રસન્નતાથી અનુભવું છું..ફરિયાદ વગર…તું જેવી છે તેવી..તારો સ્વીકાર છે.”
૨. રશ્મિ જાગીરદાર
હિતેનભાઈ, જન્મદિવસની અનેક શુભકામનાઓ. 💐
“નિરાંતે કદી બેસી આરામખુરશી પર, નભને તેં જોયું છે દોસ્ત?
ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.”
– હિતેન આનંદપરા
આપણે રોજ ઘણાં માણસોના સંપર્કમાં આવીએ છીએ. ઈશ્વરે દરેક માણસને વિવિધ ગુણોથી નવાજ્યો છે તો સાથે ખામીઓ પણ આપી છે. આપણને કદાચ સમય નથી મળતો એ બધું જોવા જાણવાનો, પણ આ ગઝલમાં કવિશ્રી માણસની ઘણી ખામીઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
આ શેરમાં કવિશ્રી ‘નભને તેં જોયું છે દોસ્ત?’ આ પ્રશ્ન પૂછીને આપણને સૌને સજાગ કરે છે. આ દુનિયામાં જોવા જેવું ઘણું છે. ચારે તરફ કુદરતી સૌંદર્ય ભર્યું પડ્યું છે. આકાશની સુંદરતા તો અસીમ છે. રોજિંદા કામોમાંથી સમય ચોરીને તેનું પાન કરવું જોઈએ. એ આંખોને આંતરિક સ્વાસ્થ્ય અને આરામ તેમજ મનને ખુશી બક્ષે છે. એ આપણે નથી જોતાં, ત્યાં સુધી તો ઠીક પણ ટીવીને રવાડે ચડીને ગમે તે કક્ષાની સિરિયલ જોતા રહીએ છીએ. એનાથી ફાયદો તો શું થાય? આંખો બગડે, મગજ બગડે, મૂડ બગડે, સમય બગડે! એનું વળગણ એટલું બધું કે, ઘરના સભ્યોની અનાયાસ અવગણના થાય. અને વાત ઝઘડા સુધી જાય. આવા માણસ માટે કવિશ્રી બરાબર જ કહે છે. ‘આ માણસ બરાબર નથી.’
૩. કેતન ભટ્ટ
મને ગમતો શેરઃ
“સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.”
– હિતેન આનંદપરા
વરસાદના દિવસો હોય એટલે વાતાવરણ આહ્લાદક બનતું હોય છે અને જ્યારે કવિઓને વરસાદ વિશે લખવાની મજા પણ આવતી હોય છે ત્યારે આજે જેમનો જન્મદિવસ છે એવા આપણા કવિ, ગ્રુપ એડમીન શ્રી હિતેનભાઈ આનંદપરાના શેરનો રસાસ્વાદ માણીએ અને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ.
આમ આદમી પોતાની જરૂરિયાતો પૂરી કરવા એટલો ભાગદોડ કરતો હોય છે કે જીવનને માણવાનું ચૂકી જાય છે અને ક્યારેક માણવું પણ હોય તો સમય પરમિટ નથી કરતો હતો એટલે જ આ શેરના બીજા મિસરામાં કવિ “ખળભળે” શબ્દનો ઉપયોગ કરે છે .
શુષ્ક જીવન એ કાંઈ ગમતો તબક્કો તો નથી જ પણ રોજિંદી ઘટમાળને લીધે માનવી પોતાના ગમતા શોખ પૂર્ણ કરી શકતો નથી પરિણામે એનું જીવન અનાયાસે શુષ્ક થતું હોય છે એવી જ કંઈ વાત અહીં અભિપ્રેત થાય છે અને એટલે જ વરસાદના વાતાવરણમાં માણસને સાચો આનંદ કરવાનું મન થાય છે ત્યારે અંદર ધરબાઈ ગયેલી સંવેદના, આનંદ સામટા ખળભળી ઉઠે છે અને વરસાદના આગમન સાથે તેના એક એક ટીપા માણતા માણતા માણસનું મન રોમાંચિત થઈ ખળભળી ઊઠે છે.
૪. નિરાલી રશ્મિન શાહ, ‘સ્વસા‘
“નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.”
– હિતેન આનંદપરા
મને આપણા સૌના આદરણીય એડમીન કવિ શ્રી હિતેનભાઈ આનંદપરાનો આ શેર ખૂબ ગમે છે.
કોઈપણ ક્ષેત્રમાં નવાંગતુકને તીરછી કે ત્રાંસી નજરથી જ જોવામાં આવે છે.એ પછી કલાનું ક્ષેત્ર હોય કે બીજું કોઈ. આ બહુ જ સર્વસામાન્ય વાત છે. સાસરે નવી આવેલી પુત્રવધૂને રસોઈ ક્ષેત્રમાં એના સાસુની મરજી પ્રમાણે જ કરવું પડે છે. એની રસોઈ એની સાસુ કરતા સારી બનશે અને તે પણ એની રીતથી તો એની સાસુને બિલકુલ નહિ ગમે. એવું જ દરેક ક્ષેત્રમાં છે.
લેખનકલાની જ વાત કરીએ તો મોટેભાગે જે એવોર્ડપ્રાપ્ત ઉંમરલાયક લેખકો છે તેમને નવા જમાનાના ઉભરતા લેખકો નથી ગમતા, એમની લેખનશૈલીને તેઓ વખોડે છે. નવી શૈલીને તીરછી નજરે જુએ છે.(બધા આપણા જેવા નસીબદાર નથી હોતા કે જેઓને આ ગ્રૂપ જેવા એડમીન અને તજજ્ઞોનો સાથ, સહકાર તેમજ માર્ગદર્શન, પ્રોત્સાહન અને આગળ વધવાની પ્રેરણા મળે.) ઘણા બધાને એકવાર તો એવો અનુભવ થાય જ છે કે એમના સર્જનને ખૂબ જ ખરાબ કહીને વખોડી કાઢવામાં આવ્યું હોય કોઈ સ્થાપિત સર્જક દ્વારા અને પછી બીજા સર્જક દ્વારા એ જ કૃતિ કે સર્જનને શ્રેષ્ઠતાનો એવોર્ડ મળે.
આજ વાતને સાનીમાં કવિવર વૃક્ષ ને કૂંપળ સાથે જોડીને કહેવા માંગે છે કે જેમ ઘણા વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા તેમજ નવા સર્જકની રચના કે શૈલીને જૂના સર્જકો મોટાભાગે જીરવી નથી શક્તાને એમને આગળ નથી વધવા દેતા.
એક સાદ્યંત સુંદર ગઝલ આપવા બદલ કવિશ્રી હિતેનભાઈને સાદર પ્રણામ. હિતેનસરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🙏🙏
૫. કમલેશ શુક્લ
જન્મદિન મુબારક સર જી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે , શબ્દપુષ્પ અર્પણ…!
“ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ, પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.”
– હિતેન આનંદપરા
ઘણા માણસો પોતાના હક્ક પ્રત્યે ખૂબ જ સભાન હોય છે પણ ફરજ બિલકુલ સમજતા નથી. એમને બસ બધું ભેગું કરવું છે કોઈને પણ મદદ કરવા હાથ લંબાવવો નથી.આર્થિક મદદની વાત તો ઠીક સહાનુભૂતિ માટે પણ પોતાનો ખભો આપવા એ તૈયાર નથી. આવા માણસો એક સીમિત વર્તુળમાં પોતાનું જીવન વિતાવે છે. એઓ એમના પરિવાર સાથે પણ ત્યારે જ સંબંધ રાખે છે જ્યારે એમને પોતાનો કોઈ લાભ દેખાતો હોય. ઘરમાં ઉંમર લાયક મા-બાપ હોય અને એ પોતે પણ પરવારતો હોય છતાં થોડો સમય એમની જોડે વિતાવી ક્ષણિક આનંદ એમને આપતો નથી. આવા માણસોની ઉંમર તો વધે છે પણ એઓ મોટા થતાં નથી.
મને મારો એક શેર યાદ આવે છે…
“સમય સાથે થતા મોટાં , ઘણામાં સાન આવે છે;
પડાવે એક બેસીને ઘણાં જીવન વિતાવે છે.”
એની પાસે જ્ઞાન છે. ઉપદેશ આપવામાં એ ક્યારેય પાછો પડતો નથી, પણ આચરણમાં એની જ વાતને એ ક્યારેય મુકતો નથી. જ્ઞાન એને માટે એક શણગાર છે. એનું પ્રતિબિંબ જોઈ પોતે મનમાં ને મનમાં હરખાય છે.
આવા માણસો એટલે આંખ પર અવરોધ ( blinker) બાંધેલા ઘોડા જેવા ,જેની દ્રષ્ટિ સિમિત છે. જેને આજુબાજુનું કંઈ જ દેખાતું નથી. ન તો એ પોતે ઉભા કરેલો આવરણ જોઈ શકે છે કે ન તો ઈશ્વરના અપાર રંગો.
જે વ્યકિત પોતાના સ્વજન અને મા-બાપ માટે પણ ફિકર કરતો નથી, જે ફક્ત પોતાને માટે લડે છે , જેના બતાવવાના અને ચાવવાના દાંત જૂદા છે. જેનું સ્મિત બાળક જેવું નિર્દોષ નથી. જે છત અને દીવાલ વચ્ચે જિંદગી જીવે છે પણ બારી બહાર ક્યારેય જોતો નથી , જે બધાની ઉપેક્ષા કરે છે અને પોતાને મહાન માને છે. જેનું હાસ્ય મનમાં શંકા પેદા કરે છે એ માણસ ખરેખર બરાબર નથી.
આવા અસંખ્ય માણસનો ભેટો આપણને રોજબરોજની જિંદગીમાં થતો હોય છે કવિ શ્રી આપણને એનાથી ચેતીને ચાલવાની સલાહ આપે છે.
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
૬. સ્વાતિ સૂચક
કુંપળને ખીલવનારા સર્જકને ઘણી ખમ્મા. મુંબઈ વાર્તા શિબિરમાં છું એટલે આસ્વાદ લખી શકાય એમ નથી. પણ શુભેચ્છાઓ તો આપી જ શકાય. શ્રી હિતેનભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ.
૭. શ્વેતા તલાટી
“સાંજનું ખાલીપણું કાયમનું દુશ્મન છે , છતાંયે,
કે સભર બનવાની તક મળતી રહે છે,રિક્ત થઈને.
– હિતેન આનંદપરા
એકલતા અને ખાલીપણામાં જ વ્યક્તિને પોતાની સાથે વાત કરવાની, પોતાની અંદર રહેલી કળાને ઓળખવાની,જાણવાની અને વિકસાવવાની પૂરતી તક મળે છે. સતત દોડધામ અને વ્યસ્તતાની પળોમાં પોતાની અંદરનો અવાજ ક્યાં સંભળાય છે?
ખૂબ જ સરસ અંદાજે બયાથી કવિ શ્રીએ આ વાત રજૂ કરી છે કે ખાલીપણામાં રિક્તતાનો લાભ લઈને અંદર રહેલી કળાને વિકસાવી શકાય છે. એકલતા અને વેદનાને લીધે જ ઘણાં બધાં કાવ્યો રચાતાં હોય છે. ચિત્રકલા, ગીત-સંગીત, નૃત્ય કલા વગેરે પણ સૌ સૌના શોખ અને રુચિ પ્રમાણે વિકસાવી શકાય છે અને રિકત થઈને ઘણી વખત સભર રહેવાની સુંદર તક સાંપડે છે. એ ઝડપી લેવી અને ખાલીપણાને ભરી દેવું.
એકલતાને દૂર કરવાના જે રસ્તાઓ છે તે ઘણી વખત આપણને સભર બનાવી જાય છે.
ખૂબ સુંદર વાસ્તવિકતા અહીં ખુબ સુંદર રીતે રજૂ થઈ છે.
શ્રી હિતેનભાઈને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ.
૮. શ્વેતલ શાહ
“ચાલો, સાથે મળી ભગવાનના વારસ બની જઈએ.
શરત બસ એટલી છે, સૌ પ્રથમ માણસ બની જઈએ.
હવે બસ, એક રસ્તો છે, તમાશા દૂર કરવાનો
બધાયે વેશ ખંખેરી, ફરી બાળક બની જઈએ.”
– હિતેન આનંદપરા
કવિશ્રી હિતેન ભાઈના આ સરળ લાગતા શેરમાં કેટલી ગૂઢતા છે! વળી સમજણની પાળે કવિએ એમની વાતને એટલી જ સહજતાથી મૂકી પણ છે. ઉલા મિસરામાં કવિ સૌને ખૂબ સહેલાઈથી ભગવાનના વારસ બનવા (તક આપતા હોય એમ ) આવકારે છે .
પણ પાછું એના સાની મિસરામાં કવિ જણાવે છે કે ભગવાનના વારસ બનવું એટલું પણ સહેલું નથી. જાણે સુખની પળ હાથમાં તો આવી ગઈ પણ એનાં ક્ષણનો વૈભવ હજી બાકી છે. વિવશતાને પણ કેવી માર્મિક રીતે કવિવર અહીં પીરસે છે ! સમજણની લલાટે કવિ ફરી પાછો ટીકો કરે છે, કે ભગવાનની વારસાઇનો ચરુ મેળવવો શક્ય તો છે, પણ એના માટે પરમાત્માની આજ્ઞામાં રહી એમણે ચીંધેલા અને અનુસરેલો રસ્તો જ એક માત્ર ઉપાય છે. કવિ કહે છે કે એ કરુણાનિધાનને અનુકંપા પ્રિય છે ને આ અનુકંપા અને માણસાઈ બંને એક બીજાનાં પૂરક છે. પણ આ બધા માટે સૌ પ્રથમ આપણામાં માણસપણું હોવું જરૂરી છે, ને એટલે જ કવિશ્રી પ્રથમ માણસ બનવાની શર્ત ને પ્રાધાન્ય આપે છે .
ભગવાનના વારસ બનતા પહેલાં માણસની મરી પડેલી માણસાઈ પર સટીક તંજ કસી, નિષ્ઠુર અને અસહિષ્ણુ સમાજમાં ઘર કરી ગયેલી પેલી જડ માનસિકતાનાં ફુગ્ગાની વગર ટાંકણીએ કવિ કેટલી સહેલાઈથી હવા કાઢી નાખે છે .
બીજા શેરમાં કવિ આજ વાતને આગળ વધારતા પ્રભુના વારસ બનવા, બાળક બની જવાનો કેટલો સરળ ઉપાય બતાવે છે! કહેવાય છે કે માણસ એની બાલ્યાવસ્થામાં પરમાત્માની સૌથી નજીક હોય છેએ, નું કારણ બાલ્યાવસ્થામાં સમજણનો વ્યાપ હોતો નથી. એટલે જ એક નિર્દોષ અને નિસ્વાર્થપણાથી પરમાત્મા સાથે એક ‘અ-ક્ષર’ નાતો બંધાય છે.
કવિશ્રી અહીં ભગવાનની વારસાઈને પામવા ઉંમરના પડાવને અવગણી, બાળક બનવાની પોતીકી સલાહ આપે છે. વળી, અહંકારના ઓઢેલા ચોલાને ઉતારી, પહેરેલા મુખોટાની પાછળ રહેલા પોતાના જ સહજ અસ્તિત્વને ઓળખવાની વાત પણ કવિ અહીં કરે છે. આમ એક બાળકની અંદર રહેલી એ કાકલૂદીને પાછી લાવવા કવિ આઈનો બતાવે છે.
કવિ શ્રી હિતેન ભાઈની આ પંક્તિઓમાં બાળક બની ઈશ્વરને પામવાની ઈચ્છા હૃદયસ્પર્શી છે.
“આપણું આંગણું”ના પ્રાણ અને સાહિત્યનાં એક સફળ સંચાલક કવિવર શ્રી હિતેનભાઈ આ.નંદપરાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ .🙏🏻
આપની કવિતાનો આસ્વાદ વર્ણવવામાં કોઈ ક્ષતિ હોય તો ક્ષમાની અભ્યર્થના 🙏🏻 પ્રણામ, આપનો સંકેત
૯. મિતુલ કોઠારી
“હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.”
– હિતેન આનંદપરા
સરળ શબ્દોમાં ચોટ સાથે કવિશ્રીએ ઉત્તમ શેર પ્રસ્તુત કર્યો છે. પ્રેમીકાને અથવા તો કોઈ ગમતી વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લખાયેલો આ શેર ખૂબજ સરળ શબ્દોમાં પોતાની સુંદરતા પ્રગટ કરે છે. કવિ દરેક બાબત માત્ર એક વ્યક્તિના અનુસંધાનમાં જ વણાયેલી હોય એવું માને છે. ચોપડી તો બધાં વાંચે પણ અહીંયા વ્યક્તિને વાંચવાની વાત કરી કવિ પ્રેમિકા માટે પોતાનો ભાવ વ્યક્ત કરી રોમાંચ ઉભો કરી દે છે.
પ્રેમીકાને વાંચવી અર્થાત્ સમજવી એ વાત દ્વારા કવિ પોતાની સૂઝ પણ દેખાડે છે કે દરેક વાત પ્રેમિકાની હરતે ફરતે જ હોય છે એ દરેક વાતનો સંદર્ભ છે અને એ કહે તે આંખ માથે લેવાં તૈયાર છે. કવિશ્રી આ વાત કહેવા માટે વાંચવું અને સંદર્ભ ના દાવા અને દલીલ દ્વારા એક એવું ભાવ વિશ્વ ખડું કરે છે જ્યાં પ્રેમિકા કેન્દ્રબિંદુ તરીકે અને ભાવકને પણ પોતાની અંગત જિંદગીને સ્પર્શતું લાગે છે.
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
૯. નેહલ વૈદ્ય
હિતેનભાઈને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એમના એક અદ્ભુત મુક્તકનો આસ્વાદ.
“આંધળો આવેગ લઈ જીવી રહ્યા,
ઝૂર ભેગાભેગ લઈ જીવી રહ્યા.
સૂર્યનું સંતાન કહેવાશો તમે,
કર્ણનો ઉદ્વેગ લઈ જીવી રહ્યા.
– હિતેન આનંદપરા.
આ ચાર લીટીનાં મુક્તકમાં કવિશ્રીએ સમસ્ત માનવજાતિની પ્રવર્તમાન યુગમાં સ્થિતિ અને નિયતિ સચોટ રીતે વર્ણવી છે. આપણે સૌ એક આંધળી દોડ દોડી રહ્યા છીએ, ગંતવ્ય ખબર નથી, દિશા સાચી છે કે ખોટી વિચારવાની ફૂરસદ નથી અને બીજાની દેખાદેખીથી કે સ્પર્ધાની ભાવનાથી શરૂ થયેલી આ ઝડપ અને એમાં જીવાતું આ જીવન એક જાતનો ખાલીપો, કાંઈ ન પામ્યાનો અસંતોષ, એક અજાણ્યા સુખ, સફળતા, કિર્તી માટેનો ઝુરાપો જન્માવે છે.
છેલ્લી બે લીટી શિરમોર છે. કર્ણ, સૂર્ય પુત્ર હતો, મહાન બાણાવળી , શૂરવીર યોધ્ધા અને દાનવીર હતો પણ સારથિ પુત્ર તરીકે ઓળખાવાનો અભિશાપ લઈને આવ્યો અને એ ઓછું હોય તેમ મહાભારતના યુધ્ધમાં પણ ખરી વખતે એને મળેલા ( પરશુરામના )શાપને કારણે એનો વધ થયો. એના સમસ્ત જીવનકાળમાં એના કોઈ વાંક વિના એને અવહેલના અને અપમાન મળ્યાં. આપણે મનુષ્યો આપણને મળેલી શક્તિઓનો યોગ્ય સમયે ઉપયોગ કરી શક્તા નથી. ધર્મ – અધર્મ જાણવા છતાં અધર્મના પક્ષમાં લડીએ છીએ અને આખી જિંદગી જે કદર, સ્વીકારની ઝંખના કરીએ છીએ, એ ક્યારેય પામી શક્તા નથી.
૧૦. રશ્મિ અગ્નિહોત્રી
મને ગમતા શેર-
“એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે,
જો મઠારો જિંદગીને તો જ કંઈ નક્કર મળે
ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો,
શક્ય છે આ માર્ગ પર આગળ જતાં ઈશ્વર મળે!”
– હિતેન આનંદપરા
વાહ…કેટલી સુંદર વાત ! ગમે એટલું ભવ્ય, અદ્ભૂત શિલ્પ પ્રથમ તો એકાદ ખરબચડો, ઘાટઘૂટ વગરનો પથ્થર જ હોય છે, એમાંથી માઈકલ એન્જેલો જેવા શિલ્પી એક સુંદર શિલ્પ કોતરે છે, જે અમર થઈ જાય છે.. મૂર્તિ થઈને પૂજાય છે.. જિંદગીનું પણ એવું જ ! એક જ ક્ષણે, એક જ ઘરમાં જન્મેલા બે જોડિયા બાળકોમાંથી એક ગુમનામી ભરી, ગમગીન જિંદગી ઢસરડાની જેમ વિતાવી જાય, અને બીજું રસભરી, આનંદમય, ઉદાહરણરૂપ ઉત્તમ જિંદગી માણે, જિંદગીનો ઘાટ કેવો ઘડવો, એને કેવી રીતે મઠારવી, એ આપણા જ હાથમાં છે. ઈશ્વરે આપણને હાથ, હૈયું, હામ, વિચારશક્તિ, કુદરતી સંસાધનોબધું જ આપી દીધું છે! હવે આપણે જ પથ્થર, આપણે જ શિલ્પી અને આ જ અનુસંધાને, આ જ ગઝલનો મકતા જુઓ. એક કવિને જ સૂઝે, અને બીજો કવિ જીવ જ એને માણી-પ્રમાણી શકે. કવિતા લખતાં એવું ય બને કે છંદ તૂટે, પ્રાસ ખૂટે, પણ અહીં કવિ કહે છે કે તે છતાં લખતાં રહો, ને હાર માન્યા વગર, કર્મ કરતાં રહેવું. શક્ય છે કે આ રીતે મઠારી મઠારીને સર્જન, કરતાં કરતાં જ આપણને સર્જનહાર મળી જાય! જેમ નરસિંહને મળ્યા, કબીર – મીરાંને મળ્યા. ઈશ્વરીય અનુભૂતિ શું છે? એ તો રામબાણ વાગ્યાં હોય તે જાણે! એકાદ સરસ શેર કે ગઝલ લખાય, એ પછીનો જે અનુભવ થાય છે એ શબ્દાતીત હોય છે. ત્યારે આપણને આપણી પોતાની અંદર બેઠેલા ઈશ્વરની ચોક્કસ અનુભૂતિ થાય છે. લખવું એ પણ ધ્યાન કે સાધનાનું માધ્યમ છે.. સમાધિની અવસ્થા છે!
વાહ.. મઝા પડી ગઈ! આ આસ્વાદ લખવા માટે *હિતેનભાઈનો* એકાદો સરસ શેર શોધવા બેઠી ને અહાહાહા… જાણે ખાંડના ડબ્બામાં કીડી ઘૂસી ગઈ હોય,એવી મારી હાલત થઈ! 😊
પ્રતિષ્ઠિત *’શયદા’ પુરસ્કારના વિજેતા, મિતભાષી એવા હિતેનભાઈની સર્જકતા માટે અહોભાવ થઈ ગયો 🙏 ‘અમે ગીતોનાં માણસ રે લોલ ‘ જેવાં રળિયામણાં ગીતો આપનાર કવિ, હૈયામાં મોર પાળનારા કવિ, એય…મારી પાસે ન આવ- જેવાં પ્રેમમાં પડતી ષોડશી- મુગ્ધાનાં ગીત આપનારા કવિ, કોઈ ફરિયાદ કર્યા વિના પ્રિયજનને વેદનાભર્યો છેલ્લો કાગળ લખનાર કવિ, સુંદર વરસાદી ગઝલ આપનારા કવિ, અને નિયતિ સત્કારીને, જિંદગી સ્વીકારીને શણગારવાનો હકારાત્મક અભિગમ ધરાવતા કવિ….. જીવો જીવો કવિ…🙏
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,હિતેન ભાઈને !! …શુભેચ્છા કે એમને બારી ખોલતાં જ ગુલમહોરના દર્શન થાય, કાયમ પરબીડિયા ખોલતાં વસંત મળતી રહે, અને એમને ‘આ માણસ બરાબર નથી ‘ જેવાં સ્વાર્થી માણસોને બદલે આપણાં જેવાં-એમના જેવા સહૃદય મિત્રો મળતા રહે અને ‘આપણું આંગણું’ હંમેશા લીલુંછમ, મહેકતું રહે !! 💐💐💐
૧૧. પૃથા મહેતા–સોની
“ફરક આપણામાં બહુ નાનકડો અમથો, તું તોળીને બોલે, હું બોલીને તોળુ,
ખુલાસાઓ ઓસરતા જાય પછીથી, જે ખામોશી ઊઘડે એને ઉજવી લો.”
– કવિ શ્રી હિતેન આનંદપરા
“લગાગા, લગાગા”ની લહેરો ઉપર આ સવારી ગઝલની રૂડી ઉજવી લો!
આ કવિ, જેમણે આપણા અને એસ્થેટીક આનંદ વચ્ચેના અંતરને સદાય ઘટાડવાના પ્રયાસો કર્યા છે એવા સર્જક હિતેન આનંદપરાની, આલાપ દેસાઈના અદભુત સ્વર નિયોજન માં ગવાયેલી અત્યંત સુંદર અને *ઉજવણીની ગઝલના* આ શેરને એમના જનમદિવસે ઉજવી લઈએ!
જે માણસ ગણતરીપૂર્વક કે આયોજનપૂર્વક, કોઈ હેતુ સિદ્ધ કરવા બોલે એની ભાષા અને વર્તન બંને ઉપરથી જણાઈ આવે કે એ કોઈ હેતુને સિદ્ધ કરવા જોખી જોખીને જાણે વ્યાપાર કરતા હોય એ રીતે શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે જેને કશું સિદ્ધ નથી કરવું, કોઈ પ્રયોજન-આયોજન કે ગણતરી નથી એવા પણ લોકો હોય છે કે જે નિખાલસ હોય છે, સહજ હોય છે ખૂબ સરળતાથી દિલની વાત કહી દે છે અને પછી સામેની વ્યક્તિ જો કોઈ આયોજનપૂર્વક સંવાદ કરે તો પછી એવી નિર્દોષ વ્યક્તિને પોતાની બોલાયેલી વાણીને તોળવાની જરૂર પડતી હોય છે એ આપણે જાણીએ છીએ.
શેરના બીજા મિસરામાં કવિ તમામ માણસોની કહેવા,સાંભળવા,બોલવા અને તોલવાની ચેષ્ટાઓની મર્યાદા છતી કરતાં બહુ સુંદર શબ્દો પ્રયોજે છે ‘ખુલાસા ઓસરતા જાય’…ઓસરે એ જ, જેની ભરતી હોય, ઉભરા હોય. આપણે સૌ અનુભવી ચૂક્યાં છીએ કે જ્યારે શબ્દોને તોલવાની વાત હોય, ખુલાસાઓ કરવાની વાત હોય એ બધું તાત્કાલિક ઉભરાઓની જેમ આવતું હોય છે. માણસો વચ્ચે જ્યારે આવા ઉભરાઓ ઓસરે ત્યારબાદ જે ઉઘાડ હોય સમજણથી નિષ્પન્ન થયેલી ખામોશીનો ઉઘાડ હોય, સમાધાનનો ઉઘાડ હોય, ધીરે ધીરે વળતી જતી શાતાનો ઉઘાડ હોય આવી માનવવર્તનની બારીકીને અને એના ઉઘાડને ઉજવવાની કવિ વાત કરે છે અર્થાત જે કંઈ પણ બોલાચાલી થઈ હોય ત્યારબાદ જ્યારે વાદવિવાદ ઓસરે પછી સર્જાતી ખામોશી અને એ થકી અંતરમનમાં સર્જાતા ઉઘાડને ઉજવવાની વાત છે! પોતાના માંહ્યલાને એને તે થકી સંબંધોને શણગારવાની વાત છે! ખુલાસાઓ બાદની, આવી બારીક સૌંદર્યની વાત કરે એ જ તો કવિ!
*અહીં ખાસ નોંધપાત્ર છે એ રદીફ છે. એક સારી ગઝલનું લક્ષણ છે-આવો મજાનો અને સતત અર્થપૂર્ણ રદીફ. ઉજવવું એ માણવા કરતાં પણ આગળની વાત છે…આનંદની વહેંચણી થકી સર્જાતા આનંદની વાત છે!
આ જ ગઝલના બીજા એક શેરમાં
“હો મીરાંનાં ગીતો કે ગાલિબની ગઝલો, કે પરવીનની ખિન્ન કરતી અછાંદસ,
પ્રકારોના વળગણને બાજુએ મૂકી, હૃદયને જે સ્પર્શે એને ઊજવી લો.”
આ સાહિત્યકાર, સર્જકોને ગીત, ગઝલ, અછાંદસ અને કાવ્ય સિવાયના અનેક સાહિત્ય પ્રકારો માટે તૈયાર કરનારા સંયોજક તરીકે, એ પોતે ભલે આ વાત ગઝલના સ્વરૂપમાં કહી રહ્યા છે-એક શેર તરીકે મૂકી રહ્યા છે પણ એ દ્વારા ખૂબ મહત્વની અને મજાની વાત ભાવકો કહે છે કે કવિતા છંદમાં હોય-મીરાનું પદ હોય ગાલિબની ગઝલ કે પરવીન શાકિરની અછાંદસ કવિતા…*જે વાત… હૃદયને સ્પર્શે એને ઉજવી લો ! એક કવિના જન્મદિવસની ઉજવણી આથી વધારે સુંદર રીતે શું કરી શકાય!**
૧૨. ડૉ પ્રણય વાઘેલા.
માનનીય શ્રી હિતેનભાઈ આનંદપરાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… 💐
ગઈકાલે જ્યારે હિતેનભાઈના જન્મદિવસની આ અનોખી રીતે ઉજવણી કરવાની વાત થઈ તો મેં એમના કાવ્યો ફંફોસ્યા. અને ત્યારે પહેલી વખત એમના બળકટ કાવ્યત્વનો પરિચય મળ્યો. એટલે કે અત્યાર સુધી હિતેનભાઈને મેં તો નેપથ્યમાં રહીને સૌને સાચવતા, પ્રોત્સાહિત કરતા, અલગ-અલગ એક્ટિવિટીનું આયોજન કરતા અને આધારસ્તંભ બનતા જ જોયા છે.
એટલે જ્યારે એમના શેરનો આસ્વાદ કરવાનો આવ્યો તો હું સહેજ ગૂંચવાય કે એમના કાવ્યત્વને વખાણું કે એમના વ્યક્તિત્વને! અને એટલે એમનો એક શેર કે જે એમના વ્યક્તિત્વના આપણે જાણતા પાસાને ઉજાગર કરે છે એ ચૂંટીને મૂકું છું.
“તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.”
– હિતેન આનંદપરા
જ્યારે ઇશ્વર પાસે પ્રાર્થના કરતી વેળાએ પણ વિચારોમાં સૌનો ખ્યાલ રહે ત્યારે એ વ્યક્તિ પરમતત્વની એક કદમ વધુ નજીક હોય એમ મારું માનવું છે.
જેની વ્યક્તિગત સુરક્ષિતતાની ભાવના એટલી બધી મજબૂત હોય એ જ આટલી હદે પરદા પાછળ રહીને જાતને બિલ્કુલ પ્રમોટ કર્યા વિના બીજાને વિકસતા જોઈ શકે અને ખરા અર્થમાં નિસ્વાર્થ અને નિસ્પૃહભાવે સાહિત્યની સેવા કરી શકે.
આ શેરને જેમણે આત્મસાત કરી જાણ્યો છે અને ખરી રીતે જીવી બતાવ્યો છે એવા આપણા સૌના આત્મીય શ્રી હિતેનભાઈ આનંદપરાને એમના આ અનંત આશાસભર શેર સાથે ફરીથી જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ.
“આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.”
– હિતેન આનંદપરા.
તા.ક.: હિતેનભાઈએ ‘આપણે આંગણે’ આવેલ કોઈ પંખીને ચણ વગર ઉડાડ્યા નથી!
૧૩. અમિત ટેલર
આજે આસ્વાદમાં, કાંદીવલીથી કવિતા જગતમાં કાઠું કાઢનારા અને નવોદિત કવિઓને શબ્દો-સાહિત્ય સાથે રમવા માટે કાવ્ય-ગઝલનું *આંગણું* પૂરું પાડનારા, આદરણીય કવિ શ્રી હિતેનભાઈ આનંદપરાને જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે એમનો એક શેર –
“આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર,
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર.”
– હિતેનભાઈ આનંદપરા
* *વિચારઃ સંબંધો સ્વાર્થનાં થઈ ગયાં છે, જ્યાં કોઈ અંગત લાભ મળતો હોય કે લાભ લેવાનો હોય, ત્યાં અને ત્યારે જ લોકો સંબંધો સાચવે છે, લાભ વગર લાલાજી લોટે નહીં, એ વિચાર તો જાણીતો છે, પણ,
* *શૈલી* : એ વિચારને કવિ અહીંયા એક અલગ જ અંદાજમાં ચોટદાર રીતે રજૂ કરીને આ શેર નિપજાવે છે. કારણ અને વળતર બે કાફિયાઓને ‘વગર’ રદિફમાં સરસ રીતે ભેળવીને કવિ ‘ફોડ’ પાડીને પોતાની વાત રજૂ કરે છે.
* *ઊર્મી* : કવિ જ્યારે એમ કહે કે ‘ફોડ પાડીને કહું’ ત્યારે એ ત્યાં જ ભાવકનાં હૃદયને સ્પર્શી લે છે. ભાવકને એનાં અંગત અનુભવો યાદ આવી જાય. પોતાના ભાવવિશ્વમાં સરી જાય છે.
* *શબ્દોની રમત* : કવિએ કેટલાં વિવેકથી અને કેટલું ચિંતન કર્યા પછી એક એક શબ્દ પસંદ કર્યો હશે એ પણ જોઈ અને સમજી શકાય છે – ઉલામાં કવિ કહે છે ‘હવે’ – સંભવ નથી, એટલે કે પહેલાં સંબંધ પ્રેમ અને લાગણીનાં હતાં, ત્યારે કોઈ કારણ વગર પણ અમસ્તું મળી શકાતું હતું, પણ હવે એવું રહ્યું નથી. હવે તો કોઈ કારણ હોય તો જ મળીએ છીએ. એનું એક કારણ એવું હોઈ શકે કે હવે જીવનની ઘટમાળમાં વ્યસ્ત થઈ ગયા છીએ, જવાબદારીઓમાં બંધાઈ ગયા છીએ એટલે સમય મળતો નથી અને મળી નથી શકતાં. પણ સત્ય એનાંથી થોડું ભિન્ન છે. કવિ કહે છે કે ‘ફોડ પાડું’ – અંદરની વાત જણાવું, ઉપર ઉપરથી જે દેખાય છે એ સત્ય નથી, ખરી વાત તો એ છે કે હવે સામા પાત્ર તરફે સંબંધમાં ‘લાભ કે વળતર’ લઈ લેવાની ભાવના આવી ગઈ છે.
કવિ એમ નથી કહેતાં કે હવે સાવ જ મળવાનું નથી થતું પણ એમ કહે છે કે હવે જ્યારે જ્યારે એને મારી પાસેથી કંઈક કામ કઢાવવાનું હોય છે, કે કંઈક લઈ લેવાનું હોય છે ત્યારે જ એ મળવા આવે છે.
નવોદિતોને પ્રગતિ કરવા માટે અનુકૂળ માધ્યમ અને મંચ પૂરું પાડનારા અને લાભ કે વળતર વિના સાહિત્યની સેવામાં સમર્પિત એવા હિતેનભાઈએ કોઈ સ્વાર્થનાં સંબંધોને જોયા કે અનુભવ્યા હશે ત્યારે આ ઉમદા શેર રચાયો હશે.
આ ઉમદા શેર ભાવકોને આપવા માટે હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર અને એનાં સર્જન માટે હાર્દિક અભિનંદન સાથે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐.–
૧૪. ડૉ. સૂરજ કુરિયા
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શ્રી હિતેન આનંદપરા સર 💐💐
“તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા”
– હિતેન આનંદપરા
મનુષ્ય જીવનનો વિરોધાભાસ કવિશ્રી એ આ શેરમાં ઢાળ્યો છે. વ્યક્તિના જીવનની આકાંક્ષાઓ અને એ માટે એણે કરેલા કર્મોનું સરવૈયું કાઢીએ તો એનો ટૂંકામાં ટૂંકો નિચોડ કવિએ ઉલા મિસરામાં આપ્યો છે. આપણી આકાંક્ષા જગ જીતી લેવાની હોય પણ એ માટે આપણે વાતોના વડા સિવાય બીજું કશું કર્યું ન હોય.
નક્કી કરેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટેના હેતુઓ અને વ્યૂહરચના નિશ્ચિત કરવા જરૂરી છે. આ કોઈ પણ સફળ કાર્યના પ્લાનિંગનું પ્રથમ પગથિયું છે. ઊંચા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ફોકસ હોવું જોઈએ. એમાં હંગામી ધોરણે સગવડ મળવાથી કાર્યમાં વિક્ષેપ પડે તો એ ધ્યેયને હાસિલ કરવા લાયક નથી એવું સમજવું.
અહીં કવિશ્રી ઉદાહરણ દ્વારા કહે છે કે જો ધ્યેય સંપૂર્ણ આકાશની ઝંખનાનું હોય તો પછી ઘરની દીવાલો પર છત બાંધી તમારી અને આકાશની વચ્ચે અવરોધ ઊભો કરો છો. શરીરની કામચલાઉ સગવડ માટે જો તમારી અને ધ્યેય આકાશની વચ્ચે આડરૂપ છત બાંધો છો તો તમે એ અજવાસને લાયક નથી જે તમને આકાશ દ્વારા મળવાની છે.
અલ્પકાલીન સગવડતાને બાજુએ મૂકી નિશ્ચિત કરેલા ધ્યેયને આંબવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે તો જ આપણે એ સિદ્ધિને લાયક છીએ. ખૂબ પ્રચલિત કહેવત *સિદ્ધિ એને જઈ વરે, જે પરસેવે ન્હાય* નો ભાવ કવિશ્રી ના ઉપરોક્ત શેરમાં રજુ થતો જોવા મળે છે.
૧૫. હેતલ મોદી
“હર વખત એ પ્રશ્ન ઘૂમરાયાં કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે”
– હિતેનભાઇ આનંદપરા
કવિશ્રી હિતેન આનંદપરાનો આ શેર એમની ગઝલ ‘ ઇશ્વર મળે’ માં રચાયેલો છે. આ શેરમાં કવિ માનવીઓ માટે સતત પીડાદાયક પ્રશ્નની સહજ રજૂઆત કરે છે. ૨૦ અને ૨૧મી સદીના તમામ તત્ત્વજ્ઞાનીઓ અને લેખકો માટે સૌથી કષ્ટદાયક , પીડા આપનાર પ્રશ્નની રજૂઆત કવિએ અત્યંત સરળ રીતે કરી છે . કવિની આસપાસ એ પ્રશ્ન ઘૂમરાયા કરે છે કે “હું કોણ છું” આ પ્રશ્ન દ્વારા કવિ identify crisis વિષે વાત કરે છે. કદાચ માણસમાં વિચાર કરવાની ક્ષમતા જન્મી ત્યારથી આ પ્રશ્ન દરેક તત્ત્વજ્ઞાનીને મૂંઝવી રહ્યો છે એ જ પ્રશ્નએ કવિને પોતાના આગોશમાં લઇ લીધાં છે એવું કવિ કહેવા માંગે છે.
આ પ્રશ્નના ઉત્તરો હજાર છે અથવા તો એકેય નથી, તેથી કવિ કહે છે કે તેઓ હર વખત પ્રયત્ન કરે છે , છતાં એનો ઉત્તર એમને મળતો નથી અથવા તો અધ્ધર મળે છે.આ પીડાને કવિ અત્યંત સાહજિક રીતે, કશું પણ કહ્યા વિના ,મોઘમ રહીને રજૂ કરી છે જે શેરમાં depth ઊભી કરે છે
આમ, સહજ રીતે રચાયેલો આ શેર ઊંચા આયામ સુધી પહોંચે છે. Existence ને સમજવાની અને જવાબો મેળવવાની નાકામયાબીઓ અને એની પીડા આ શેરમાં ચોટદાર રીતે રજૂ કરીને કવિ શેરને philosophical depth સુધી લઇ જવામાં સફળ થયાં છે.
જન્મદિનની શુભકામનાઓ.
MANNIYA SHREE HITESH BHAI> HAPPY BIRTHDAY WHOLE LIFE HAPPY DAY NOT FOR TODAY ONLY TO DAY IS YOUR HAPPY BIRTH BUT WHAT ABOUT OTHERS DAYS> WISH YOU HOLE LIFE HAPPY> BUT INSIDE OUR ONE YEAR LESS FROM LIFE> ENJOYED TO DAY AND WHOLE LIFE>
કાલે ઓલિમ્પિકસની શરૂઆતનો સમારોહ જોતી હતી.
ધુરંધરો મશાલ લઈને આગેકુચ કરતા હતા.તે જોઇને મને હિતેનભાઈ યાદ આવી ગયા! તેઓ પણ આપણી ભાષા, ગુજરાતી ભાષાના અસીમ વૈભવને વધુ વિસ્તૃત અને સંભાળી રાખવા કાજ મશાલ લઈને દેશ વિદેશમાં વિવિધ પ્રયોગો અને આયોજન કરી રહ્યા છે.તે ખૂબ જ પ્રશંસનીય છે.
તેઓને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!💐🎂
મંગલ કામનાઓ,, હિતેનભાઈ…
જન્મ તારીખ ની ખૂબ ખૂબ શભેચ્છાઓ હિતેનભાઈ
Many many happy returns of the day…