|

“ક્ષમા વીરસ્ય ભૂષણમ્” ~ ડૉ. પ્રતાપભાઈ પંડ્યા

(શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોલી દ્વારા સંચાલિત લોકભારતીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયેલા સ્વ. હ્રદયસ્થ ડો. પ્રતાપભાઈ પંડ્યા “પુસ્તક પરબ” ના પ્રણેતા તરીકે જાણીતા છે.  જેને પણ મળે એને પોતા તરફ અનાયાસે ખેંચી લે એટલું પોતીકાપણું અને સૌ માટે સમભાવ છલકાવતું અનોખું સૌમ્ય અને હસમુખ વ્યક્તિત્વ એમને એકવાર મળનારાંઓનાં મનમાં કાયમ માટે આદર જન્માવી જતું.  વડીલ પૂ. પ્રતાપભાઈએ “વેદવાણી” જેવું અનોખું પુસ્તક લખ્યું છે, જે ઘરઘરમાં વસાવા જેવું છે. વડીલ પૂ. પ્રતાપભાઈએ આદરેલાં બધાં જ લોકકલ્યાણનાં કામો એમના સુપુત્રી મનીષાબેન પંડ્યા સુપેરે ચલાવી રહ્યાં છે. સાહિત્ય અને કળાજગતમાં પણ એમનું પ્રદાન ભારત અને કેલિફોર્નિયાની ધરતી પર સતત થતું રહે છે.  આ ટૂંકા લેખમાં એમણે જે લખ્યું છે તે આજના આપાધાપી ભરેલા સમયમાં અમલમાં મૂકવું અઘરૂં છે, પણ અશક્ય નથી. ૨૦૨૪માં વિશ્વભરમાં અશાંતિ અને અસંતોષ વ્યાપેલો છે. ઠેરઠેર નાનાં મોટાં યુદ્ધોથી વિશ્વ ગ્રસિત છે ત્યારે ક્ષમા, અહિંસા અને દયાની કિંમત ખૂબ વધી જાય છે.)

ક્ષમા વીરસ્ય ભૂષણમ

માનવજીવન કુદરતનું સૌથી ઉત્તમ સર્જન છે એ વાત આપણે જાણીયે છીયે અને સમજીયે છીયે, અને છતાં એને અનુસરીને જીવતા નથી.

આજે મારે કુદરતે માણસને બક્ષેલા અનેક ગુણોમાંથી એક ગુણ ‘ક્ષમા’ ની વાત કરવી છે. ક્ષમાનો માગવી અને ક્ષમા આપવી એ વીરતાનું કામ છે. એ કામ સફળતા પૂર્વક કરી શકીયે તો માનવીય ગુણોનું સફળતા પુર્વક આચરણ કરી શકીયે.

જીવનમાં આપણે શરીર અને મનથી, વાણીથી અને વર્તનથી, સૌજન્યપૂર્વક જીવી રહ્યા છીયે. તેમ છતાં તણાવભર્યા પ્રસંગો સર્જાય છે. આ તણાવોમાંથી મુક્તિ મેળવી અને પ્રસન્ન અને હળવાશભર્યું જીવન જીવવાનો ક્ષમા એક ઉત્તમ ઉપાય છે. ક્ષમા માનવ મૂલ્યોની યાદીમાં પ્રથમ સ્થાને છે. ક્ષમામાં અજોડ તાકાત છે. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ કાયર માણસનું કામ નથી, એ વીર માણસનું કામ છે. આ વીરતા પ્રાપ્ત કરવા આત્મબળ કેળવવું જરૂરી છે. જેનું આત્મબળ અડગ, લોખંડી અને અણનમ હોય એ જ ક્ષમા આપી શકે. ક્ષમા સહનશીલ માણસ જ આપી શકે.

સામી વ્યક્તિની અનેક ભૂલો, અનેક ક્ષતિઓ સ્પષ્ટ રીતે નજરે ચડતી હોય, એ વ્યક્તિનો ભૂતકાળમાં કડવો અનુભવ થયો હોય, એને લીધે નુકસાન ઊઠાવવું પડ્યું હોય, અને તેમ છતાં જ્યારે આવી વ્યક્તિ ક્ષમા માગે ત્યારે માત્ર વીર અને ઉદાર માણસો જ એનો સ્વીકાર કરી ક્ષમા આપી શકે છે.

ઘણા વરસ પહેલા કાન્તિ ભટ્ટના પુસ્તક ‘સ્વ વિકાસની ચાવી’ માં બે લેખ વાંચ્યા હતા. ત્યારથી મારી તીવ્ર ઇચ્છા રહી છે મારા ક્રોધી, ઘમંડી અને વેર લેવાના સવભાવને સયંમિત કરવો જોઈએ. મને પોતાને નવાઈ લાગે છે કે કંઈક ચમત્કાર થયો અને મારા જીવનમાં સહજતા, સરળતા અને સુગંધ આવી.

કાન્તિ ભટ્ટ લખે છે કે “નવો પ્રેમ, નવો સંબંધ અને નવો રાહ અપનાવવામાં જૂની કડવી વાતો અને અનુભવે ફેંકી દેવા જોઈએ.” મેં ભૂતકાળમાં થયેલા આઘાતજનક, અપમાનકારક અને દુખદાયક પ્રસંગોને ભૂલવાનું અને મનમાંથી કાઢી નાખવાનું ગંભીરતાથી શરૂ કર્યું અને પ્રસન્નતા મળવાનો અનુભવ થવા લાગ્યો. આજે આ ક્ષમાનો ગુરૂમંત્ર મે અને મારી પત્નીએ અપનાવ્યો અને એના કારણે અનેક અવરોધો દૂર થયા. નવી સમસ્યાઓ, નવા વિરોધો બંધ થયા. પ્રગતિ રૂંધાતી હતી તે બંધ થઈ. દંપતિ જીવનમાં એકબીજાને ક્ષમા આપી જીવવાનું શરૂ કર્યું તો ૫૦ વરસે સાચા પ્રેમનો અનુભવ થવા લાગ્યો.

આજે અમેરિકામાં સમજણ અને શાંતિપૂર્વક, જે માનવીય વ્યહવાર-સમૃધ્ધિ માણી રહ્યા છીએ એ ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું જ પરીણામ છે. ક્ષમા અંગે એક જ વાત કરૂં કે સૌ પ્રથમ પોતાની જાતને પછી પત્ની અને પરિવારને દરેક બાબતમા ઉદારતાથી માફ કરવાનું શરૂ કરો, ધીમે ધીમે સમાજની પ્રત્યેક વ્યક્તિ સુધી એનો વ્યાપ વધારો. માત્ર ક્ષમા આપો જ નહીં, તમારી ભૂલ હોય ત્યારે ક્ષમા માગવામાં પણ વિલંબ ન કરશો.

-ડો. પ્રતાપ પંડ્યા

આપનો પ્રતિભાવ આપો..