| |

‘પૂર’ ~ લેખક: કોબો આબેની ~ વાર્તા ~ આસ્વાદઃ બાબુ સુથાર

(લેખક પરિચયઃ કોબો આબે (માર્ચ ૭, ૧૯૨૪ થી જાન્યુઆરી ૨૨, ૧૯૯૩) નો જન્મ કીટા, ટોકિયો, જાપાનમાં થયો હતો. તેઓ એક સરરિઅલ જાપાનીઝ લેખક હતા. એમની બીજી ઓળખાણ એક સશક્ત નાટ્યકાર, સંગીતકાર, ફોટોગ્રાફર અને સંશોધક તરીકેની પણ છે. તેઓ પોતાની કૃતિ “ધ વુમન ઈન ધ ડુન” થી (જે લઈને જાપાનીઝ ડાયરેક્ટર હિરોશી તેશિગહરાએ ૧૯૬૪ માં એવોર્ડ વિજેતા ફિલ્મ બનાવી હતી) ખૂબ ખ્યાતિ પામ્યા હતા. આબેની તુલના ફ્રાન્ઝ  કાફકા (જર્મન સરરિયાલિસ્ટિક લેખક) સાથે કરવામાં આવે છે. એનું કારણ એમની આધુનિકતાવાદી, સરરિયલ અને દુઃસ્વપ્નોના ઓથારમાં પાળેલી સંવેદના આલેખતી કૃતિઓ છે.
આબેના પિતાજી મેડિકલ ડૉક્ટર હતા. બીજા વિશ્વયુદ્ધના એ સમયે સૈન્યમાં ભરતી ન થવું પડે આથી આબેએ, પિતાના તબીબના વ્યવસાયમાં શિક્ષિત થવાનું નક્કી કર્યું અને મેડિકલ સ્કૂલમાં એડમિશન લીધું હતું અને જે અંતે ૧૯૪૮ માં પૂરૂં કર્યું. આબેએ કળાના અનેક ક્ષેત્રે કામ કર્યું પણ સાથે એમનો તબીબી વ્યવસાયમાં સંશોધનો કરવાનો અભ્યાસ અને ઉત્સાહ પણ કાયમ રહ્યો હતો. અનેક ક્ષેત્રે અનેક પુરસ્કારોથી સન્માનિત કોબો આબે ૧૯૯૩ માં, ૬૮ વર્ષની આયુમાં ટોકિયોમાં અવસાન પામ્યા હતા.)

જાપાની લેખક કોબો આબેની ‘The Flood’ નામની એક વિજ્ઞાનકથા છે. એમાં એક ગરીબ અને પ્રામાણિક ફિલસૂફ વિશ્વનું સંચાલન કરતા નિયમોનો અભ્યાસ કરવા એના ધાબા પર એક દૂરબીન લઈને બેઠો છે. રોજની જેમ એને રસ ન પડે એવા ખરતા તારા ને એવું બધું દેખાયા કરે છે. એને કારણે એને જરાક કંટાળો પણ આવે છે. એને થાય છે કે લાવ આકાશમાં જોવાને બદલે પૃથ્વી પર, એમાં પણ એના શહેરમાં શું બની રહ્યું છે એ જોવા દે.

એ દૂરબીનને નીચું કરે છે. એને પહેલાં તો શહેર દેખાય છે. પછી એ દૂરબીન બરાબર કરે છે. એને શહેરનો એક રસ્તો દેખાય છે. પછી પાછો એ દૂરબીન વધારે વ્યવસ્થિત કરે છે. એને રસ્તા પર જતો એક માણસ દેખાય છે. એ માણસના માથા પર દૂરબીન લઈ જાય છે અને જુએ છે તો એ માણસનું માથું પારદર્શક છે. એમાં કશું જ નથી. મગજ પણ નથી. કેવળ થાક છે. આખો દહાડો કામ કર્યાનો. ફિલસૂફ એ માણસની પાછળ પાછળ જાય છે. અલબત્ત દૂરબીન વડે. એ જૂએ છે તો થોડેક ગયા પછી પેલો માણસ એકાએક પ્રવાહી બનવા લાગે છે. એનાં કપડાં બાજુ પર રહી જાય છે ને એ માણસ પ્રવાહીની જેમ આગળ રેલાવા લાગે છે. ધીમે ધીમે એ માણસ એક ઢાળ પર જાય છે. ઢાળ પરથી રેલાતો એ એક ખાડામાં ઊતરે છે. પછી એમાંથી એ બહાર આવે છે. આ બધી પ્રવાહીમાનવની લીલા જોઈને ફિલસૂફને આશ્ચર્ય થાય છે. એ તારા, ગ્રહો, ઉપગ્રહો વગેરે જોઈને આ જગતના નિયમો શોધવા માગતો હતો. એને બદલે હવે એ પૃથ્વી પર બની રહેલી એક ઘટનાના આધારે માણસનું સંચાલન કરતા નિયમો શોધવા લાગે છે. એ આ પૂર્વે કદી પણ ન બની હોય એવી ઘટના નોંધે છે અને બીજા જ દિવસે જાહેર કરે છે: પૂર માટે તૈયાર રહો. જગતમાં વિનાશક પૂર આવી રહ્યું છે.

આટલી વાર્તા વાંચતાં તરત જ આપણને ખ્યાલ આવી જાય કે લેખક અહીં બાયબલ સાથે સંકળાયેલું એક પુરાકલ્પન લઈ આવ્યા છે. એમાં પણ પૂર આવે છે અને નોહા એની હોડીની મદદથી બચી જાય છે.

લેખક કહે છે કે ફિલસૂફે આ જાહેરાત કરી એ દરમિયાન સમગ્ર જગતમાં માણસો અને એમાં પણ ખાસ કરીને ગરીબ અને કામદાર વર્ગના માણસો પ્રવાહી બનવા લાગ્યા હતા. એ લોકો રસ્તામાં ચાલતા ચાલતા જ એકાએક પ્રવાહી બનીને રેલાવા માંડતા હતા. એ રેલા ધીમે ધીમે એકબીજા સાથે ભળતા હતા અને એમ એમ રેલા મોટાને મોટા બનતા જતા હતા.

આમ મનુષ્યો એકાએક પ્રવાહી બનવા લાગ્યા એને કારણે કાયદો અને વ્યવસ્થાના પણ પ્રશ્નો ઊભા થવા લાગેલા. એટલે પોલીસે વૈજ્ઞાનિકોને ભેગા કર્યા. કહ્યું: કંઈક કરો. વૈજ્ઞાનિકો પણ મુંઝાઈ ગયા. જો કે, એમને આ પ્રવાહી અને પાણી બન્નેનો સ્પર્શ જુદો અનુભવાતો હતો.

આ પ્રવાહી મનુષ્યો પાછા બરફની જેમ થીજી જતા હતા અને વરાળની જેમ એમનું બાષ્પિભવન પણ થઈ જતું હતું. કેટલાક તો દરિયામાં રેલાઈ ગયેલા અને બાષ્પિભવન થઈને ઉપર વાદળો બનેલા ને પાછા આ પૃથ્વી પર વરસેલા!


હવે લોકો ગમે ત્યારે ગમે ત્યાં પ્રવાહી બની જતા હતા. એને કારણે માછલીઓ અને છોડવા પણ મુંઝાઈ જતા હતા. માછલીઓને ખબર ન હતી પડતી કે એમણે ક્યાં તરવું જોઈએ.

લેખક આ વાર્તામાં મનુષ્યના પ્રવાહીકરણની સાથે સંકળાયેલા કેટલાક અકસ્માતોની પણ વાત કરે છે. એક અકસ્માતમાં એક ફેક્ટરીનો માલિક કૉફીના કપને હોઠ પાસે લઈ જાય છે ને એ સાથે જ એ પણ પ્રવાહી બનીને કૉફીમાં બૂડી જાય છે. કેટલાક લોકો તો આંખના આંસુમાં ડૂબી જાય છે. એથી માણસથી રડાય પણ નહીં. એક ઉદ્યોગપતિ વ્હીસ્કીના જામમાં ડૂબી જાય છે.

આવી બધી ઘટનાઓના કારણે ઘણા લોકો પ્રવાહી માત્રથી ડરવા લાગે છે. એથી કેટલાક તો પાણી પીતાં પણ ડરવા લાગે છે! એને કારણે નિર્જલીકરણનો (dehydration) રોગચાળો પણ ફેલાય છે!


છાપાંવાળા પણ ભાતભાતની ઘટનાઓના અહેવાલો આપે છે. સાથે આ પ્રવાહીકરણની સાથે સંકળાયેલા કેટલાક સિદ્ધાંતોની પણ વાત કરે છે.

આખરે દરેક દેશોના પ્રમુખો અને વડાપ્રધાનોને પણ થાય છે કે હવે પરિસ્થિતિ સાચે જ વણસી ગઈ છે. એમણે એ લોકો વટહુકમો બહાર પાડે છે. પણ, એમ કાંઈ થોડા માણસો પ્રવાહી બનીતાં અટકે? કુદરતી દુર્ઘટનાઓ વટહુકમો વડે ન અટકાવી શકાય. એ લોકો વૈજ્ઞાનિકોને પૂછે છે; ધર્મગુરુઓને પૂછે છે; ભૂતભૂવા પણ કરે છે. પણ કશું થતું નથી. આખા જગતમાં ગરીબો અને કામદારો પ્રવાહી બની રહ્યા છે. હવે ફેક્ટરીઓમાં કામ કરવાવાળા પણ મળતા નથી. કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું કે આપણે અણુશક્તિ વાપરીને માણસોને પ્રવાહી બનતાં અટકાવી શકીએ. પણ, એમની પાસે ય કોઈ નક્કર એવો ઉકેલ તો ન હતો.

હવે તો પ્રવાહીકરણની ઝડપ પણ વધી ગઈ હતી. સમગ્ર જગતમાં જ્યાં જુઓ ત્યાં પ્રવાહી. ત્યાં યાતના અને ત્યાં અશાન્તિ.

આ બધામાં એક જ માણસ શાન્ત હતો. એનું નામ નોહ. પેલી પુરાકથામાં આવતો નોહ. એને આ પહેલાંના પૂરમાં બચી જવાનો અનુભવ હતો. એની પાસે હોડી હતી. જ્યારે એના ઘર પાસે પ્રવાહી આવી ગયું ત્યારે એ પણ એની હોડી લઈને નીકળી પડે છે. પણ, પેલા પ્રવાહી માણસો રેલાઈને એની હોડીમાં જવા લાગે છે. ધીમે ધીમે એની હોડી પેલા પ્રવાહી માણસોથી ભરાઈ જાય છે. એ દરમિયાન ભારે પવન પણ વાય છે ને હોડી પ્રવાહીમાં હાકલડોલક થવા લાગે છે ને અન્તે હોડી પણ ડૂબી જાય છે.

આ રીતે, બીજા પૂરમાં સમગ્ર માનવજાતનો નાશ થાય છે.

છેલ્લે, લેખક કહે છે કે તો પણ જો તમે ગામડાંમાં જઈને ત્યાંના પ્રવાહીના તળીયે જોશો તો તમને ત્યાં કોઈક ચળકતો પદાર્થ દેખાશે. એટલું જ નહીં, એ પદાર્થ તમને ધીમે ધીમે પાસાદાર બનતો પણ દેખાશે. આમ કહીને લેખક કદાચ માનવજાતના પુનરાગમનની વાત કરે છે.


કોબો આબે આ પ્રકારની કથાઓ લખતા લેખક તરીકે ખૂબ જાણીતા છે. એમની ઘણી બધી કથાઓ પરથી ફિલ્મો પણ બની છે. એમાંની Woman in the Dunes ફિલ્મ ખૂબ જાણીતી છે. નવલકથા પણ એ જ નામની છે.

મેં આ પહેલાં પણ કહ્યું છે એમ કેટલીક વાર્તાઓને આપણે રૂપક (allegory) તરીકે પણ વાંચી શકીએ. આ વાર્તા પણ એ રીતે વાંચી શકાય. જો આપણે ધ્યાનથી જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે સૌ પ્રથમ પ્રવાહી બનનાર માણસ એક કામદાર છે. એના માથામાં મગજ નથી. એને બદલે થાક છે. મૂળે કોરિયન પણ જર્મનીમાં ભણેલા અને ત્યાં જ ભણાવતા Byung-Chul Han નામના ફિલસૂફે The Burnout Society નામનું એક સરસ પુસ્તક લખ્યું છે. એ કહે છે કે મુક્ત અર્થંતંત્રના સમાજમાં માણસ દિવસના અન્તે થાકીને લોથપોથ થઈ જતો હોય છે. એને કારણે એ કુટુંબ માટે તથા સમાજ માટે પણ નિરર્થક બની જતો હોય છે. એ બીજા દિવસે કામ કરી શકે એટલા માટે જ ઘેર આવતો હોય છે. Hanએ જે વાત કરી છે એનો નિર્દેષ આ વાર્તામાં મળી આવે છે.

બીજું, બધા માણસો પ્રવાહી બને અને પછી ધીમે ધીમે એ માણસો પૂરમાં ફેરવાઈ જાય. આ ઘટનાને પણ અનેક રીતે વાંચી શકાય. કોઈને કદાચ માર્ક્સ પણ યાદ આવે. કામદારો એક થાય છે. કોઈને કદાચ દાર્શનિક પ્રશ્ન પણ થાય કે માનવજાત માનવ ન રહે ત્યારે જ કેમ એક બનતી હશે?

પ્રવાહીકરણની વાત વાંચતાં મારા જેવાને Zygmunt Bauman જેવા વિખ્યાત સમાજશાસ્ત્રી યાદ આવી જાય. એમણે પણ કહ્યું છે કે મુક્ત અર્થતંત્રને પગલે માનવસમાજ ધીમે ધીમે વધુને વધુ પ્રવાહી બનતો જાય છે. એને કારણે સમાજમાં અનિશ્ચિતતાનું પ્રમાણ પણ વધતું જાય છે.

અને હા, હજી પ્રમુખો અને વડાપ્રધાનો રહી ગયા. આ વાર્તામાં એ લોકો વટહુકમ બહાર પાડવા સિવાય કશું કરતા નથી. કઈ રીતે જોશું આ ઘટનાને?

એ જ રીતે, નોહની હોડીની ઘટના પણ. લેખક કહે છે કે હવે પછી જે પૂર આવશે એમાં નોહની હોડી પણ ડૂબી જશે. ધર્મ કામ નહીં લાગે.

બીજાં પણ ઘણાં અર્થઘટન શક્ય છે. મારો પ્રશ્ન છે: કોરોના આપત્તિ સાથે આ વાર્તાને જોડી શકાય ખરી? હા. તો કઈ રીતે? વિચારજો.

 

આપનો પ્રતિભાવ આપો..