|

“મારું નામ મીરાં….!” ~ જયશ્રી વિનુ મરચંટ

‘શું રંગ છે આજે તો પાર્ટીમાં…!’ ફિલાડેલ્ફિયાના સબર્બ સ્થિત, શાહ દંપતીના આલિશાન મેન્શનમાં પ્રવેશતાં, એક આમંત્રિત પતિ-પત્ની એકબીજાં સામે જોઈને બોલી ઊઠ્યાં. ૧૯૯૧ની સાલની સાંજે શાહના ઘરમાં આજે જાણે રંગીન મેળો ઊમટ્યો હતો. બધાં જ રંગો આજે અહીં ઢોળાયાં હતાં…! પુરુષો મોંઘા સુટમાં અથવા ભારતીય પોષાકમાં સજ્જ હતાં. ક્યાંક ફેરેગામોના શુઝ ચમકતાં હતા. ક્યાંક અરમાનીના ફેન્સી જેકેટ તો ક્યાંક ભારતીય ડિઝાઈનરના ભારતીય પોષાકોની સજ્જતા આંખે ઊડીને વળગતી હતી.  સ્ત્રીઓનાં રંગબેરંગી દુપટ્ટાઓ અને જાજરમાન સાડીઓના ઠસ્સામાં આજે તો જાણે ભારતની વસંત સદેહે શાહ દંપતીના ચાર   મિલીયન ડોલરના મેન્શનમાં હિલોળે ચડી છે…! મહેમાનોની ભીડ જમા થઈ ચૂકી છે એનો અંદાજ વધતી જતી પરફ્યુમની સુંગંધની તીવ્રતાથી આવતો હતો. આ બધાં જ મહેમાનો “Elite” અને “Who is who of the Philadelphia and Tristate Area” ના ખાસ પર્સનાલીટીસ હતાં. એટલું જ નહીં, પણ છેલ્લા વીસ-પચીસ વર્ષોથી અહીં આવેલા ભારતનાં કહેવાતાં બુદ્ધિજીવી વર્ગનું નવનીત હતાં

આ સહુએ એમની પ્રતિભાથી અને મહેનતથી અમેરિકામાં સફળતા અને સિદ્ધિના શિખરો સર કર્યાં હતાં. ધીરે ધીરે, વારે તહેવારે ભારતીય હોવાનું ગૌરવ લેતાં અને લેવડાવતાં એમને ફાવી પણ ગયું હતું. અહીં હાજર રહેલાંઓની વાતોમાં આ હકીકતનો ખ્યાલ આવી જતો હતો.  બધાં જ એકબીજાંને પાવર, પોઝીશન અને પૈસા સાથે પોતે સાહિત્ય, સંગીત અને કળાનાં પણ કદરદાન અને જાણકાર છે એ બાબતે ઈમ્પ્રેસ કરવા માટે અને અન્યોન્ય પર‘ વન અપ’ કરવા માટે હોડમાં ઊતર્યાં હતાં.

“ભાઈ, અમેરિકામાં સફળ થવું હોય તો ‘એઈમ’ તો ઊંચો રાખવો જ પડે ને? જો અહીં નોટિસ લેવડાવવી હોય તો ટોપ ઓફ ધ લાઈન ની રહેણીકરણી રાખવી જ પડે!”

“અરે, એ નહીં ભૂલતાં કે આપણી ભારતીય સાહિત્ય, કલા અને સંસ્કૃતિને સાચવવાની જવાબદારી નિભાવતાં પણ આવડવું જ  જોઈએ! એ આપણો ધર્મ છે!”

“આવા સહુ કાર્યક્રમોમાં જ તો આપણાં સાડી સેલાં પહેરાય છે. નહીં તો ક્યાં આવા મોંઘા દેશી કપડાં પહેરાવાનાં?”

“સાચી વાત, પણ વારે તહેવારે, વીક એન્ડ ટુ વીક એન્ડમાં પહેરેલી આ ભારતીયતાને સાપ કાંચળી ઊતારે એમ, સોમવાર આવતાં જ ઊતારતાં પણ આવડવું જોઈએ!”

“એનો તો ઈસ્યુ જ નથી..! વીક એન્ડનો હેંગ ઓવર ઊતરે એની સાથે ભારતીયતાની કાંચળી પણ ઊતરી જ જવાની..!” બોલનાર વરવું હસતા બોલ્યા.

“આ બોર્ડ જોયું? શાહ કપલની તો વાત જ નિરાળી…! જો, ખાસ ઈન્ડિયાથી આજના સબજેક્ટ વિષે અને સ્પીકર વિષે ગુજરાતીમાં પોસ્ટર કરાવીને મંગાવ્યું છે!”

“હું ભણતો હતો અમદાવાદમાં ત્યારે તો ગુજરાતીમાં આપણા હાયેસ્ટ માર્ક્સ આવતાં હતાં. હવે તો ગુજરાતી વાંચતા પણ ભૂલી ગયો છું, આ પંદર વર્ષોના અહીંના વસવાટ દરમિયાન..! પણ, લેટ મી ટ્રાય..! હસવાનું નહીં હં…!”
ત્યાં સુધીમાં તો લગભગ ત્રીસેક જણાંનું ટોળું બોર્ડની આજુબાજુ જમા થઈ ગયું. પેલા ભાઈ એ પોસ્ટર પરનું લખાણ માંડ વાંચી શકતા હતા. કહેવું મુશ્કેલ હતું કે એ સાચે જ નહોતા વાંચી શકતા કે પછી ન વાંચવાનો અભિનય કરી રહ્યા હતા. જે પણ હતું પણ આસપાસ ભેગા થઈ ગયેલા સ્ત્રી-પુરુષો હાથમાં ડ્રિંક્સ લઈને એમની આ ગુજરાતી વાંચાવાની કોશિશ બદલ બિરદાવીને એમને પાનો ચડાવતાં હતાં.

આમ તો એ પોસ્ટર પર આજના કાર્યક્રમની રૂપરેખા જ હતી. આજનો વિષય હતો, “મીરાં – ભારતીય સંસ્કૃતિની સાદગી અને ભક્તિની પરિસીમા.” દંપતી શાહ સાહેબે ભારતથી ખાસ ચાર ગુજરાતી સાહિત્યકારોને નોતર્યાં હતાં. આ સહુ મીરાં અને એની સાદગી સાથે ભક્તિને મૂલવવાનાં હતાં. વક્તાઓ કેટલું બોલવાના છે એ ટાઈમલાઈન પણ લખેલી હતી. આ સાથે જ ડિનરમાં ગુજરાતી ભાણું અને વેસ્ટ્રર્ન ડિશીસ પણ હતી. ઓફ કોર્સ, ‘ઓપન બાર’ તો ખરો જ જેથી પુરુષો બોર ન થાય!

ત્યાં જમા થયેલા ટોળામાંથી એક સવાલ પૂછાયો,

“ભાઈ ઈન્ટરવલ બીન્ટરવલ જેવું તો છે ને? નહીં તો, એક સાથે ચાર જણને સાંભળવાના તો બહુ ભારી પડે..!”

“હા, પહેલાં બે વક્તાઓ બોલશે ૨૦, ૨૦ મિનિટ અને પછી ડિનર અને પછી બીજા બે વક્તાઓ બોલશે, ૨૦, ૨૦ મિનિટ ઈચ…! ને પછી…!”

પ્રારંભના નાસ્તાનો અને ડ્રિંક્સનો દોર હજુ ચાલુ હતો. કાર્યક્રમ શરૂ થવાને વાર હતી. હજુ તો આમંત્રિત શ્રોતાઓ જ વક્તાઓની ભૂમિકા નિભાવી રહ્યાં હતાં! એ સમયે આવાં કાર્યક્રમોમાં થતું એમ જ અહીં થયું હતું. પુરુષો અને સ્ત્રી, બધાં અલગ અલગ ગ્રુપોમાં વહેંચાઈ ગયાં હતાં.

એક બાજુ થોડીક સ્ત્રીઓ પોતાની વાતોમાં મશગૂલ હતી.

“તારી સાડી તો ખૂબ સરસ છે ને! ક્યાંથી લીધી?”

“ભૂલી ગઈ? હજુ ગયા અઠવાડિયે તો ઈન્ડિયાથી પાછી આવી! મારા ભાઈના લગ્ન હતાં. બનારસથી સાચા સોનાના તારમાં બંધાવીને આ વખતે મેં સાડીઓ મંગાવી હતી. ગમી ને?

“તારા કપડાના ટેસ્ટની તો વાત જ શું કરવી?”

“તારો આ સોનાનો નેકલેસ પણ અફલાતુન છે હં..!”

“અરે મારા સોનાના નેકલેસને છોડ…! પેલી નલિનીની હીરાની બે સરની બંગડીઓ જોઈ કે નહીં? આ વખતે જ્યારે ઈન્ડિયા જઈશ ત્યારે મારા પતિદેવ સાથે લડી ઝઘડીને પણ હીરાનો આખો નવો સેટ હું કરાવવાની જ છું.”

“બરબર છે..! અમારે પણ પાર્ટીઓ વિનાનું એકેય વીકએન્ડ ખાલી નથી જતું..! સરખાં કપડાં, દાગીના તો જોઈએ જ ને? એક નું એક પહેરીને એકના એક લોકો સામે કેટલી વાર જવાનું!

”બિલકુલ સાચી વાત..!”

ત્યાં તો બીજો અવાજ ભળ્યો આ વાતચીતમાં, “મૃદુલા આવી છે?”

“લાગતું નથી. મેં સાંભળ્યું છે કે એને અને મિસીસ શાહને કઈંક તો ખટપટ થઈ છે…! આ મને તો સુવર્ણા કહેતી હતી એટલે ખબર..! બાકી હું તો કદી એવી પારકી પંચાતમાં પડતી જ નથી હં…!’

તો બીજી બાજુ, પુરુષોના ગ્રુપમાં આવા સંવાદો કાને અથડાતાં હતાં,

“આજે જે મીરાંને વિષે બોલવા આવ્યાં છે, એમનું કેલીબર કેટલું, મીરાંને સમજવાનું કે મીરાં વિષે સમજાવવાનું? કેલીબર હોય તો પણ ૧૯૯૧ની સાલ છે, માય ફ્રેન્ડ્સ! સાદગી અને ભક્તિ… હુ ધ હેલ હેઝ ટાઈમ હીયર ફોર ધેટ?”

“જરાક ધીરે બોલ, ગૌતમ. આ કઈં તારો કોર્ટનો કેસ નથી, જે તારે જીતવો જ જોઈએ. સારું છે કે સ્પીકર્સ બધાં બીજા રૂમમાં બેઠાં છે, નહીં તો….!”

“તો … શું…? આઈ ડોન્ટ કેર. આપણે તો તડ અને ફડ કરનારા છીએ…! લાઈક ઈટ, ધેન કીપ ઈટ ઓર એલ્સ…..!” અને, બોલનાર ભાઈએ એમના ફેન્સી, ખાલી પ્યાલા સામે જોઈને કહ્યું, ‘કોઈને જોઈએ છે કઈં? હું મારો ખાલી ગ્લાસ ભરાવવા જાઉં છું.” જવાબની રાહ જોયા વિના એ ભાઈએ ચાલવા માંડ્યું.

“આ ગૌતમ છે ને…! ક્યારેક મરાવી દેશે…! મોટો પ્રોસીક્યુટર છે અમેરિકાનો તો શું થયું? કઈંક તો સોશ્યલ ગ્રેસ હોવો જોઈએ કે નહીં?” આસપાસ ઊભેલી એકાદ સ્ત્રીનો અવાજ…

ત્યાં જ બીજી સ્ત્રીનો અવાજ રણક્યો, “સે વોટ એવર, ગૌતમ છે તો બહુ ડેશિંગ… અને ઈન્ટેલેક્ચ્યુઅલ.. ટુ! ટુ બેડ, મારા લગ્ન થઈ ગયાં છે અને બાળકો છે. નહીં તો, હું એને ચોક્કસ લાઈન મારત…!” ને, બે ચાર મહિલાઓના ખડખડાટ હસવાના અવાજો ગુંજી ઊઠ્યાં

અનેક નાનાં નાનાં જૂથોમાં લોકો ટોળે મળીને ખાતાં પીતાં ને અલકમલકની વાતો કરતાં હતાં. થોડાંક આમતેમ દરેક જૂથમાં આંટા મારી રહ્યાં હતાં. વાતો, વાતો અને વાતો….!

‘ભાઈ, સાચું કહું તો અમે તો આ બહાને સોશ્યલાઈઝ કરવા જ આવ્યાં છીએ. બાકી મીરાં તો ભલેને મેવાડમાં જખ મારે …! ચાલો, કઈં નહીં, આ બહાને મીરાંબાઈને પણ આજે યાદ કરી લઈશું! મીરાંબાઈ પણ શું યાદ રાખશે!!”

“અમે તો ખાણી-પીણીનો આનંદ માણવા જ આવ્યાં છીએ. બીસાઈડ્સ, શાહની પાર્ટીમાં આવ્યા વિના કેમ ચાલે? એક અહીં જ એવું લાગે કે હા, વી હેવ અરાઇવ્ડ!”

તો બીજી બાજુ, કોઈકે કંઈ જોક કહ્યો હશે એની પાછી હસાહસ..! ત્યાં તો કોઈક ગુસપુસ કરતાં બોલતું હોય તેમ બોલ્યું, પણ શબ્દો તોયે વેરાયાં વાતાવરણમાં..!

“અલ્યા, તું પાનાની કેટ લાવ્યો છે ને? આપણે પાછળ જ બેસીશું. બોર થવાશે તો બહાર સરકી જઈને પાનાં જમાવીશું.”

“કહેવાની જરૂર જ નથી. મને ખાતરી જ છે કે મજા નથી જ પડવાની….! આપણે તો તીન પત્તી જિંદાબાદ…!”

ત્યાં તો ક્યાંક કોઈ પોતાના ફોરવર્ડ ગણાવવામાં પાછળ તો નથી એની ચિંતામાં રહેતા અને કઈંક આવી વાતો પણ થતી હતી.
“જો ભાઈ, ભણતી વખતે માંડ ૪૦ % ગુજરાતીમાં મળતા પણ સુનયનાને ખાસ આવું બધું સાંભળવું ગમતું હોય છે, એટલે હું તો એને કંપની આપવા જ આવ્યો. વાઈફને પણ પોતાના ગમાઅણગમા તો હોય જ ને? પતિ તરીકે આપણી પણ ફરજ તો ખરી ને? નાઈની્ટીસ નો દોર છે, આપણે બધાં “વિમેન ઈક્વોલિટી”માં હવે “ઈવોલ્વ્ડ” નહીં થઈએ તો ક્યારે થઈશું?” ફોરવર્ડ વિચારધારા પોતે રાખે છે એની પાછળ આવી વિચારધારા રાખનારાઓનો વર્ગ “ક્લાસી” ગણાતો હતો!

કોઈએ સૂર પૂરાવતાં કહ્યું, “આમેય મીરાંબાઈ એટલે બૈરાંઓની વાતો…! આપણને શું મજા પડે…! પણ તમારી વાત સાચી, આ ૨૧મી સદીના આંગણે આપણે પહોંચ્યાં છીએ. સ્ત્રીઓનું સન્માન તો કરવું જ પડે…! વાઈફને ખુશ ન રાખીએ તો શું થાય, એની ખબર તો છે ને ?”” અને પોતે બહુ મોટો જોક માર્યો હોય તેમ હસવા માંડ્યા.

દોઢસો-બસ્સોની આ સજ્જધજ્જ ભીડમાં એક ખૂણામાં ખુરશી પર સફેદ વસ્ત્રો ધારણ કરીને નિરાભૂષણ, ખુલ્લા પગે, ગળામાં તુલસીની કંઠી અને માથે ઓઢીને એક સ્ત્રી સંકોચાતી બેઠી હતી. એના મુખ પર શાંતિ હતી અને હોઠો પર આછું સ્મિત..! અચાનક જ કેટલા લોકોનું એના તરફ ધ્યાન ગયું અને પછી તો ગુસપુસ શરૂ થઈ ગઈ.

લોકો ત્રાંસી નજરે અને કોઈ તો સીધેસીધું એની સામે જોઈને જ કહેવા માંડ્યાં, “કોણ છે આ બાઈ? મિ. અને મિસીસ શાહ પણ કેવા કેવાઓને પાર્ટીમાં બોલાવે છે?”

“અરે, ભાઈ, કોઈ ગેસ્ટની મેઈડ હશે અને સાથે લઈ આવ્યાં હશે!”

“એના કપડાં પણ કેટલા લઘરવઘર છે? જો મેઈડને લાવે તો સરખા કપડાં તો આપવા જોઈએ કે નહીં?”

“કદાચ તાજેતરમાં જ ઈન્ડિયાથી કામવાળી લઈ આવ્યાં હશે એટલે ઘરમાં પણ એકલી નહીં મૂકી હશે પણ કોની મેઈડ છે?” ત્યાં તો કોઈક બોલ્યું, “અરે ભાઈ, આજે તો ગુજરાતી પ્રોગ્રામ જોવાં આવ્યા છીએ તો ગુજરાતીમાં દાસી બોલો, મેઈડ નહીં..!” અને પાછી હસાહસ…!

એ સ્ત્રીના મુખ પર અજબ શાંતિ હતી. બધાં જ દૂરથી એને જોઈ રહ્યાં હતાં અને એ બાઈ કોણ છે એની ચર્ચા કરી રહ્યાં હતાં, પણ એની પાસે જઈને એને પૂછતાં શરમ આવતી હતી.

અચાનક જ એક અમેરિકન, ગોરો યુવાન એ સ્ત્રી જ્યાં બેઠી હતી ત્યાં જવા માંડ્યો એટલે સહુનું કુતૂહલ વધી ગયું.

“કોણ છે આ ગોરો છોકરો? અહીં શું કરે છે?”

“એ છે ને મિ. શાહના અમેરિકન પડોશી, મિ. ગ્રીન્સબર્ગનો સન છે. મિ. ગ્રીન્સબર્ગ યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયામાં ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. એમનો આ દીકરો યુનિવર્સીટી ઓફ પેનમાં સંસ્કૃત ભાષામાં પી.એચ.ડી. કરે છે. ગુજરાતી અને હિંદી પણ ખૂબ સુંદર બોલે છે!”

તો કોઈ બોલ્યું, “લે, શાહના પડોશીની પણ જાણકારી છે તને! સાચે જ આને તો આખી દુનિયાની ખબર…!”

“અમારે તો શાહ સાથે ઘરનો સંબંધ છે ને, એટલે…!” બોલનારી યુવતીના અવાજમાં અને મોઢા પર તો શાહ દંપતીના પર્સનલ મિત્રોની જાણ હોવાનો એક જાતનો સુપિરિયારીટી કોમ્પ્લેક્સ છલકાતો હતો. અમેરિકામાં, કોઈ અત્યંત પ્રોફેશનલી સફળ મલ્ટી મિલીયનર સાથે ઘરોબો હોવો કઈં જેવી તેવી વાત નહોતી. આટલી મહેનતથી બાંધેલો અને ટકાવેલો સંબંધ જો લોકોની નજરે ન ચડે તો પછી એ શો કામનો?

એટલામાં બે ચાર જણાં કુતુહલથી એ ગોરા છોકરાની પાછળ ગયા.

ત્યાં સુધીમાં તો એ અમેરિકન છોકરો પેલી સ્ત્રી બેઠી હતી તે તરફ જવા માંડ્યો અને ત્યાં પહોંચી, હાથ જોડીને ખૂબ મૃદુતાથી કહે, “નમસ્તે. આપ અહીં નવા લાગો છો. મારું નામ જેક ગોલ્ડસ્મિથ છે.”

એ સ્ત્રી એક સ્મિત આપીને  બોલી, “નમસ્તે. મારું નામ મીરાં!”

(“ગુર્જરી ડાયજેસ્ટ”ના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. અમેરિકન ગુજરાતી સમાજના દંભ પર સુંદર કટાક્ષ કરતી વ્યંગ કથા