ત્રણ ગઝલ ~ યામિની વ્યાસ

હોસ્પિટલની નોકરી સાથે લેખન કરતાં યામિની બહેન એટલે પ્રતિભાશાળી વ્યક્તિત્વ. નાટકો, કવિતાઓ, વાર્તાઓ..એમ બહુવિધ સાહિત્યપ્રકારમાં તેઓની હથોટી છે. યામિની બહેનને ગરબા હોય કે રંગોળી કે પછી રસોઈ એમ બધામાં એટલો જ રસ. વળી દૈનિક કામમાંથી પણ સરસ વિષય લઈને સર્જન કરી જાણે છે.

યામિની બહેન પાસેથી આપણને ‘ફૂલ પણ ઝાકળના પત્રો’, ‘મિલીના ઘર તરફ’, ‘પાંપણને પડછાયે’ જેવા સંગ્રહો તો મળ્યા જ છે સાથે અનેક સામયિકો, દૈનિકોમાં એમનું સર્જન વાચકો માટે છપાતું રહે છે. આવો, આજે યામિની વ્યાસની કેટલીક ગઝલ રચનાઓ વાંચીએ અને વહેંચીએ..

૧.    “રોટલીના લોટમાં……!”

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે  કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી  દીધી મેં રોટલીના લોટમાં

  • યામિની વ્યાસ

૨.     “વાત કર…..!”

કોઈને ભૂલી જવાનું આવડે તો વાત કર
કાચ થઈ તૂટી જવાનું આવડે તો વાત કર

ડોકિયું કરવું જ છે કોઈના દિલમાં તો પછી
આંખમાં ડૂબી જવાનું આવડે તો વાત કર

પ્રેમ શું છે? ડાળ પર દિલની જરા ટહૂકી જવું
ને પછી ઉડી જવાનું આવડે તો વાત કર

તું નહીં તો માત્ર પડછાયો બનીને રહી જશે
ભીંતને કૂદી જવાનું આવડે તો વાત કર

સાધવા નિશાન આંખો પર ભરોસો જોઈએ
તીર થઈ છૂટી  જવાનું આવડે તો વાત કર

  •  યામિની વ્યાસ

તો વાત કર… એવો રદીફ આપીને કવયિત્રીએ અહીં અનેરું પ્રેમ વિશ્વ ઊભું કર્યું છે. આખરે પ્રેમ પણ કાચ જેવો જ હોય છે ને! એના પ્રત્યેક ટુકડામાં ડોકાયા કરતો પ્રિયજનનો ચહેરો માત્ર પ્રેમની સાક્ષી પૂરે છે. આમ તો, ક્ષણભર માટે ટહુકવાની અને ઊડી જવાની ઘટના જેટલો જ નાજુક હોય છે પ્રેમ.

૩.    “સ્ટોકમાં……!”

દર્પણો ચહેરાઓ હાજર સ્ટોકમાં
કેટલી છલનાઓ હાજર સ્ટોકમાં !

એક પંખી બાગમાં પૂછતું હતું
હોય કે ટહૂકાઓ હાજર સ્ટોકમાં?

મૌન બોલે છે તે સમજાતું નથી
ને અહીં પડઘાઓ હાજર સ્ટોકમાં

તે તરફ તો નીંદ સાથે દુશ્મની
આ તરફ શમણાંઓ હાજર સ્ટોકમાં

વાંચતાં અખબાર એવું લાગતું
લાખ કૈં ધટનાઓ હાજર સ્ટોકમાં

ભાઈચારાની ભલે વાતો કરે
કિન્તુ છે સ્પર્ધાઓ હાજર સ્ટોકમાં

આ જગતને કેમ ઓળખવું કહો
છે બધે પરદાઓ હાજર સ્ટોકમાં

શક્યતાની આંગળી પકડો ભલે
આંખમાં શંકાઓ  હાજર સ્ટોકમાં

ડૂબવાની છે મથામણ ‘યામિની ‘
ક્યાં મળે દરિયાઓ હાજર સ્ટોકમાં?

  • યામિની વ્યાસ

અંગ્રેજી શબ્દોનો સફળ પ્રયોગ અહીં થયો છે. હોલ સેલ મૉલમાં મળતા સાબુની જેમ ડગલે ને પગલે એક જ માણસ માત્રમાં કેટલાય છળ કરનારા ચહેરા જન્મતા હોય છે. શકયતા અને શંકા વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવતો શેર પણ ગજબનો છે. આખરે ડૂબવું એટલે જ દરિયો શોધવાનું સાહસ. સ્ટોકમાં ઉપલબ્ધ દરિયામાં આપણો પોતીકો દરિયો શોધી શકાય એ જ મોટી વાત.
(ગુજરાતી – મિડ-ડે ડૉટ કોમના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. “તું નહીં તો માત્ર પડછાયો બનીને રહી જશે
    ભીંતને કૂદી જવાનું આવડે તો વાત કર.” સરસ રચનાઓ.