|

બે ગઝલો ~ સુધીર પટેલ

૧.      “કોણ ગયું…..?”

સૌ પ્રથમ તો એ જાણ, કોણ ગયું?
જડ મહીં મૂકી  પ્રાણ,  કોણ ગયું?

જાણીને જગ  ફરો  તમે મુસ્તાક,
છેક લગ છો  અજાણ, કોણ ગયું?

વ્યર્થ તું દ્વાર ખોલ-બંધ ન કર,
શોધ ભીતર  પ્રમાણ, કોણ ગયું?

આંખથી પર રહસ્ય અપરંપાર.
રેતીમાં હાંકી વ્હાણ, કોણ ગયું?

આ સફર તો અનંત છે ‘સુધીર’
આદરી એ પ્રયાણ,  કોણ ગયું?
           – સુધીર પટેલ   

૨.    “પાનબાઈ…..!”

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ!
એમ બસ  આઠે  પ્રહરની  મોજ રાખે, પાનબાઈ!

આપણે   ડૂબી   ગયા  ને  એ  તરે  છે  એટલે ,
વિષયોનો ના  કશોયે બોજ  રાખે  પાનબાઈ!

જ્યાં તમે  ને હું પડી  ગ્યાં ત્યાં જ ઊભા એય પણ,
દ્રઢ નિશ્વયની અડીખમ ફોજ  રાખે પાનબાઈ!

વેણ  કૈં  ગંગાસતી   બોલે  નહીં  વારંવાર,
ટેક  લીધી એક’ દી, તે રોજ રાખે, પાનબાઈ!

ફક્ત દીવાથી નહીં, ફેલાય અજવાળું  ‘સુધીર’
વેણ બોલી ઊજળાં, કૈં ઓજ રાખે પાનબાઈ!
    – સુધીર પટેલ   

 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. સમર્થ કવિની સબળ રચનાઓ

  2. બંને ગઝલો ખૂબ સુંદર, અભિનંદન સુધીરભાઈ.

  3. ખૂબ ખૂબ ધન્યવાદ, જયશ્રીબેન અને ‘આપણું આંગણું’ ટીમનો.
    — સુધીર પટેલ