|

પાંચ ગઝલો ~ ભાર્ગવી પંડ્યા

૧)  દાખલા સંબંધના….!

દાખલા સંબંધના છે અટપટા ને ભેદમાં,
કૌંસ છોડી બ્હાર કાઢું ને  ઉડાડું  છેદમાં.

કર્મની ન્યારી ગતિનો ખેલ છે તેથી જ તો,
કોઈ છે આનંદમાં ને કોઈ જીવે ખેદમાં.

કોઈ જ્યારે સાવ સીધી વાતમાં સંમત ન હો,
થાય છે  પ્હોળી તિરાડો, ઉગ્ર  કંઈ  મતભેદમાં.

તું  નથી  કે  છે- ના પ્રશ્ને કેમ જગ મૂંઝાય છે,
શ્વાસમાં છે તું  પળેપળ, છે  હ્રદયની  કેદમાં .

ઘા ઉપર ઘા  છતાંયે  વૃક્ષ  તો મલકાય છે!
જાણ છે એને કે કૂ઼ંપળ ફૂટશે વિચ્છેદમાં.
                        – ભાર્ગવી પંડ્યા

૨) ભાર છે….!

છે હલેસાં સત્યનાં તો નાવ પેલે પાર છે,
આમ મૂર્તિમંત હોવું, આમ નિરાકાર છે.

સાવ ખાલીખમ છે ભીતર, ઝીલતા કાગળ બધું,
જીવવા માટે કલમનો  કેટલો આધાર છે.

બંધ શીશીમાં સુગંધો , પણ હવામાં ચોતરફ,
બાગ આખો આખરે તો ફૂલનો વિસ્તાર છે.

એક ક્ષણ જો સાચવી લો જિંદગીની ઠેસને,
આ તરફ છે લાખ સપનાં , ખીણની ત્યાં ધાર છે.

ઘટ્ટ  રંગે  ચીતરેલી  શૂન્યતા  મેં  ચિત્રમાં,
તો ય ઘરમાં લાંગરેલા શ્વાસનો બસ ભાર છે.
                        – ભાર્ગવી પંડ્યા

૩) સમજી શકો

મૌન છું, સંમત નથી, એ ફેર જો સમજી શકો,
ગ્લાસ અડધો છે ભરેલો, ખેર જો સમજી શકો.

સાવ ખરબચડી હથેળી  જિંદગી વેંઢારતી ,
એક સાંધે ત્યાં જ તૂટે તેર જો સમજી શકો.

કોઇ પોતીકું ને અંગત  શું અમીઝરતી  નજર,
શક્ય છે એ આંખમાં હો ઝેર જો સમજી શકો.

કર મથામણ કેટલી પણ, ક્યાં કશું બદલાય છે,
વિસ્તરે છે મૂળથી  અંધેર  જો સમજી શકો.

છો સમજની બ્હાર લાગે, વાંચજો વીત્યો સમય,
ના ગઝલ આખી ભલે એક શેર જો સમજી શકો.
     ‌‌                  – ભાર્ગવી પંડ્યા

૪)  કદી સવારે

કદી સવારે ને સાંજ ઢળતા,
સ્મરણ ક્ષિતિજે મળે વિહરતા.

છે સાદ તારો અહીં હવામાં,
શરમથી ઝાંઝર ધીમે ખનકતા.

છુપાવી પીડા મેં સાવ ઊંડે,
છતાંય દર્પણ રહે મલકતાં.

ઘેરાય પ્હેલાં, પછી તું વરસે,
લે, મન મૂકીને અમે પલળતા.

પડાવ છેલ્લો , ઉભા સવાલો,
સફર સમયની પસાર કરતા.
                    – ભાર્ગવી પંડ્યા

૫)   ગિરનારમાં

દ્રશ્ય  પણ ઝાંખું થશે ગિરનારમાં,
જાતને ભૂલી જશે ગિરનારમાં.

ત્યાં અવાજો સામટા ડૂબી ગયા,
જોઈ સન્નાટો કશે ગિરનારમાં.

ઊતરે છે આવરણ કાળું પછી,
ટૂંક વિસ્તરતી હશે ગિરનારમાં.

સૂર્ય ટોચે ઝળહળે ટપકું બની,
સ્પષ્ટ સઘળું લાગશે ગિરનારમા઼ં.

આખરી ધૂણો સમયનો ત્યાં જલે,
ક્ષણ અધૂરી જાગશે ગિરનારમાં.
    – ભાર્ગવી પંડ્યા

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. આભાર જયશ્રીબેન, આપણું આંગણું બ્લોગ.‌
    આભાર રઈશભાઈ, હિતેનભાઈ આનંદપરા.🙏🙏