ચાર ગઝલો – ભાવેશ ભટ્ટ

1.  “ગીતો વગાડો……..!” 

ખુશી ખાતર ગમે તે નામ પાડો
અહીં પ્રત્યેક જગા છે અખાડો

કદી હળવાશ પટકાવા નહીં દે
ભલેને જોરથી પીંછું પછાડો

ટકોરા મારજો મળતાની પહેલાં
ફરે છે સાથમાં લઈને કમાડો

રહ્યો મેદાનમાં સંકોચ થોડો
અહીં પહેલા હતા મોટા પહાડો

ન કર આલોચના કોઈ મૃતકની
પડે ના ક્યાંક આકાશેથી રાડો !

કદી સંવાદ કરવાનું જો છોડે
છબીને સ્હેજ ખૂણામાંથી ફાડો

અજબ છે કે દરદ ભૂલાવવાને
દરદવાળાં તમે ગીતો વગાડો !

– ભાવેશ ભટ્ટ

2.  “અવગણના……!”

બિચારી રોજ હરખથી મળે છે અવગણના
મને જુએ નહીં તો ટળવળે છે અવગણના

કહી શકાય નહીં કે છો અંધ ઈર્ષામાં
તમારી આંખમાં તો ઝળહળે છે અવગણના

નકામા સ્મિતથી એને મળે છે છુટકારો
અજીબ છે કે કોઈને ફળે છે અવગણના

ઘણાય બંધનો એના થકી નથી તૂટ્યા
અતૂટ પ્રેમમાં છાની ભળે છે અવગણના

કશે ઉદાસીને થોડીક વાર સંતાડો
જુએ છે એને તો પાછી વળે છે અવગણના

ઢળે છે આભ કદી ને કદી વરસતું પણ
ધરા તરફથી થતી હરપળે છે અવગણના

તું પક્ષપાતની ફરિયાદ કરવી છોડી દે
સ્વયંની જાતથી પણ ક્યાં ટળે છે અવગણના

મળો પરાણે જઈ કોઈને જો સામેથી
ગણીને જાતને નિષ્ફળ બળે છે અવગણના

– ભાવેશ ભટ્ટ

3.  “રાખે છે…….!”

અચંબો એ રીતે દરિયામાં રાખે છે
તરસ જૂની નવા ખોખામાં રાખે છે

મને અડશો તો ઈજ્જત એની લજવાશે
આ બરબાદી મને કબ્જામાં રાખે છે

ખરું પૂછો તો જેમાં કૈં નથી રાખ્યું
બધાને તું એવી દુનિયામાં રાખે છે

ગયો’તો મંચ ઉપર પહેરીને ઝભ્ભો
હવે તો મંચને ઝભ્ભામાં રાખે છે

રહું છું દૂર કાયમ સર્વ ઘટનાથી
તો મારું નામ દુર્ઘટનામાં રાખે છે

તને જોઈને મોઢું ફેરવે છે જે
હજી તારી છબી પૂજામાં રાખે છે

હટાવે પ્રેમથી કાંટાઓ રસ્તાના
પછી ખુલ્લા પગે તડકામાં રાખે છે

ન હો ક્યારેક જો તલવાર માથે
તો તૂટેલું બટન ખતરામાં રાખે છે

– ભાવેશ ભટ્ટ

4.  “દુનિયા સજાવશે….!”

સૌથી અનોખી રીતથી દુનિયા સજાવશે
આવ્યા અહીં જે રંગ વગર, રંગ લાવશે

ચાલાકી સાથ એમ કલાને મિલાવશે
ઔરંગઝેબનીય લઈ દાદ આવશે

લાગ્યો ન ડર જરા કે ભરોસો છે એટલો
અમને મર્યાની બાદમાં તો તું બચાવશે

તારાથીયે અગાઉ રિસાયા અસંખ્ય છે
તું છે કતારમાં એ તને પણ મનાવશે

કરવી હશે અનાજની જો ઘાલમેલ તો
જાહેરમાં જરૂર સદાવ્રત ચલાવશે

જો ઘાલમેલ કરવી છે એને અનાજની
જાહેરમાં તો એય સદાવ્રત ચલાવશે

તલવાર બાજી વચ્ચે ઊડે છે પતંગિયું
લાગે છે એ જ આજે લડાઈ હરાવશે

એવી ફિકરથી આભ ધરાનું મિલન જુએ
જાણે કે કોઈ કોઈને ચોક્કસ ફસાવશે

– ભાવેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સુંદર ગઝલો….
    વડોદરામાં ગઝલ સાંભળવાની ખોટ રહી હતી તે અહીં પૂરી થઈ