|

હીરાનું હીર ~  નવલિકા ~ રઈશ મનીઆર

સાલમસિંહે દીવાનને કહ્યું, “આવતા વરસે દીકરીના લગ્ન લેવાના છે. એને માટે આ મલમલ ખરીદી લો!”

સન 1890ની એ સાલ હતી. બંગાળના શહેર મુર્શિદાબાદ નજીકનું જિયાગંજ ગામ એ સમયે મલમલનું કાપડ બનાવવા માટે વિખ્યાત હતું. હા, એજ મલમલ, જેનો આખો પનો એક વીંટીમાંથી પસાર થઈ જાય અને માચીસના એક ખોખામાં આખી સાડી સમાઈ જાય. એવું મુલાયમ મલમલ જિયાગંજના કારીગરો વણતા.

કાઠિયાવાડના એક નાનકડા સ્ટેટ માણેકવાડાના રાજવી સાલમસિંહ રાજકોટ બ્રિટીશ એજંટની ભલામણથી આસામના પ્રવાસે આવ્યા હતા. 1822ની સાલથી કાઠિયાવાડના રજવાડા બ્રિટીશ એજંસીના તાબામાં હતા.

થોડા સમયથી બ્રિટિશરોએ નોંધ્યું હતું કે એશોઆરામ અને અહંકારમાં ડૂબેલા આ અમુક રાજવીઓને શાસનની સૂઝ નથી કે વહીવટની ગતાગમ નથી, એટલે ઉપાયરૂપે એમણે મોટાં રજવાડાંઓના રાજવીઓને વિદેશ પ્રવાસ માટે અને નાના રજવાડાઓના રાજવીઓને દેશના જ દૂરનાં સ્થળોના પ્રવાસ માટે ઉત્તેજન આપ્યું હતું. જેથી તેઓ સંસાર જુએ અને એમની દૃષ્ટિ ઉઘડે.

આ જ યોજના અનુસાર સાલમસિંહ આસામના પ્રવાસે આવ્યા હતા. આસામનો પ્રવાસ પતાવી હવે બંગાળ આવ્યા હતા. કલકત્તા બે દિવસ રોકાઈ કાઠિયાવાડ માણેકવાડા પરત ફરવાના હતા. રસ્તે મુર્શિદાબાદની હસ્તકલાના ઉત્તમ નમૂના જેવું મલમલ જોવા રોકાયા. ત્યારે એમણે દીવાનને કહ્યું, “આ મલમલની સાડીઓ દીકરીના લગ્ન માટે ખરીદી લો.”

દીવાન માયાશંકર મુનશીએ હિસાબ લગાવ્યો. પ્રવાસમાં અત્યાર સુધી ખૂબ ખર્ચ થઈ ચૂક્યો હતો. સાલમસિંહે આસામમાં ગેંડાનો શિકાર કરવાની જિદ માટે ખૂબ પૈસાનું આંધણ કર્યું હતું. ત્યાં બ્રિટીશ એજંસીને દર મહિને દોઢ લાખનું રેવન્યૂ ચૂકવવાનું થતું, એ છેલ્લા 4 મહિનાથી ચૂકવાયું નહોતું. દેશમાં દુકાળના કારણે મહેસૂલની આવક નહોતી, એવામાં મલમલ ખરીદાય એવી કોઈ શક્યતા નહોતી.

સ્થાનિક ગાઈડ સમજાવી રહ્યો હતો, “અહીનું મલમલ સદીઓથી દુનિયાભરમાં જતું. ચાઈનાથી લઈ ગ્રીસ અને યુરોપ સુધી એની માંગ હતી. એક સમયે અંગ્રેજો જ એનો વેપાર કરતાં પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી. બ્રિટને પોતે જ કાપડ બનાવવા માટે કાપડની મિલો શરૂ કરી.

1820ની સાલથી અંગ્રેજોએ પોતાનું સુતરાઉ કાપડ વેચાય, મલમલ સાથે એની હરીફાઈ ન થાય એ માટે અહીંના કારીગરોનાં અંગૂઠા કાપી નાખ્યા હતા. અહીંના અમુક કારીગરોએ ભાગીને ઉત્તરપ્રદેશમાં મહુઆ દાદર નામનું ગામ વસાવ્યું તો ત્યાં પણ બ્રિટિશરોએ વિપ્લવ પછી હત્યાકાંડ કર્યો.

જીવ બચાવી અમુક પરિવારો અહીં આવી ગયા અને એ લોકો હવે આ કામ કરે છે. કારીગરો ઓછા છે, મહેનત બહુ છે, એટલે મલમલ ખૂબ મોંઘુ છે!”

મલમલ મૂલ્યવાન હતું અને રજવાડાંના રાજાઓ હવે નામના રાજા હતા. વહીવટ અમુક અંશે નાગર કે કાયસ્થ દીવાનોના હાથમાં રહેતો. અને દીવાને વળી હિસાબકિતાબનો ખુલાસો અંગ્રેજ રેસિડેંટને આપવો પડતો. તેથી દીવાને સાલમસિંહને માંડ સમજાવ્યા અને નારાજ સાલમસિંહ મલમલ ખરીદ્યા વગર મોં ફુલાવી કાઠિયાવાડ પાછા ફર્યા.
*****

કાઠિયાવાડ પરત ફર્યા પછીય એમનું ચિત્ત પેલી મલમલની સાડીઓમાં હતું. વાતે વાતે દીવાનને ઠપકો આપે. ભૂલ ન હોય એવા કામમાં પણ ભૂલ કાઢે. સૌની સામે અપમાન કરે.

દીવાન માયાશંકર મુનશીનું જીવવું દુષ્કર થઈ ગયું. એક તરફથી બ્રિટીશ રેસિડેંટ બાકી રહેલા રેવન્યૂના છ લાખ રુપિયા માટે દબાણ કરતા હતા. અહીં રાજની તિજોરી તળિયાઝાટક હતી. ઉપરથી આવતા વરસે રાજકુમારી જયોતિકાદેવીના લગન હતાં. વ્યવસ્થાનો બધો ભાર દીવાન માયાશંકરના માથે હતો.

સાલમસિંહને ફરિયાદ કરવા જાવ તો એ પ્રજા પાસે કડકાઈથી મહેસૂલ ઉઘરાવવા કહેતા. દુષ્કાળનો માર ખમીને બેવડ વળી ગયેલી પ્રજા પાસે ખાવાને ધાન નહોતું. બાર સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં રાજાએ જિદ પકડી, “બંગાળ જાઓ અને મલમલ લઈ આવો!”
*****

મૂંઝાયેલા માયાશંકર જમતાં જમતાં પત્ની ઉમાદેવીને આખી વાત સમજાવી રહ્યા હતા, “નછૂટકે ફરી બંગાળ જવું પડશે!”

“આવી ગરમી અને બીમારીની હવામાં મુસાફરી કરશો?” ઉમાદેવીએ પંખો વીંઝતાં કહ્યું.

ત્યાં દીવાને જમવાના પાટલા પર પાથરેલું એક ભરતકામવાળું ચોરસ કપડું જોયું.

“આ ક્યારે ખરીદ્યું?”

“આ ખરીદ્યું નથી, આપણા કામવાળા કાળુની દીકરી હીરબાઈ આપી ગઈ!”

દીવાન એ દોઢ બાય દોઢ ફૂટના કાપડના ટુકડા પરનું બેનમૂન ભરતકામ જોઈ રહ્યા. દીવાને વિચાર્યું, કારીગરને આ બનાવતાં સહેજે દોઢ મહિનો થયો હશે. એના પર દાળ કે શાકનો ડાઘ ન પડવા દેવાય!

“ઉમાદેવી તમે આનો ખોટો ઉપયોગ કરો છો!” એમ કહી દીવાને થાળી નીચેથી કાળજીપૂર્વક કપડું ખસેડ્યું. ભીંતે સજાવવા કામ લાગશે કદાચ એમ વિચારી ગડીવાળીને સાચવીને મૂકી દીધું..

જમીને સહેજ આડા પડ્યા જાગ્યા ત્યારે કાળુની દીકરી હીરબાઈ સાફસફાઈ કરતી હતી.

માયાશંકરે ઉમાદેવીને બોલાવીને કહ્યું, “પૂછ આને, આ કપડું ક્યાંથી લાવી?”

ઉમાદેવી ગભરાયા, “પૈસા નથી આપ્યા, એ એમ જ મૂકી ગઈ છે!” પણ પછી હીરબાઈને બોલાવીને પૂછ્યું.

હીરબાઈ બોલી, “ઈ તો અમારા પડોહમાં હીરાભાઈ આહિર રયે છે! ઈ ભરતકામ કરે છે. એની પાહેં બેસી હું શીખું. ચાકળા, ભીંતિયા ને ટોડલિયા! પણ મન હજુ આવડતું નથ, પણ એને હું ઘરકામમાં મદદ કરું એટલે આ એક કકડો એણે મારે હાટુ બનાવી દીધો!”

“તો તારે રાખવો જોઈએ ને? અમને કેમ આપ્યો?”

હીરબાઈ મુક્તપણે હસી પડી, “ટાલિયાને ઘેર કાંહકો સોભે? અમારું તો કંતાનનું ખોરડું! એમાં આને કાં રાખું? તમારી હવેલીમાં દીવાલે લગાડો તો ઘડીક ઉઠાવ આવી જાય, એમ મનમાં થ્યું તો લાવી”

“કાલે સવારે હીરા આહિરને અહીં લઈ આવજે!” દીવાને વાત પૂરી કરી. આવા કોઈ કલાકારનું નામ પોતે હજું સાંભળ્યું નહોતું, બાકી કલાકારો પોતાની કોઈ કલાકૃતિ લઈ રાજવી પાસે જરૂર આવી જ જાય, હા, માનઅકરામની આશાએ.
*****

બીજા દિવસે બપોરે દીવાન માયાશંકર હીરા આહિરને સાલમસિંહ પાસે લઈ ગયા.

“મહારાજ! આ કચ્છ-સિંધથી આપણા રાજમાં આવીને વસેલો ગરીબ કારીગર છે. આ જુઓ એનું કામ.” દીવાને પેલો દોઢ બાય દોઢ ફૂટનો ચાકળિયો કાઢીને બતાવ્યો. રાજા એનું અદભૂત ઝીણવટભરેલું કામ જોતાં જ રહી ગયા.

“આ તેં કરેલું છે?’

“જી મહારાજ! આ તો બસ ગમ્મતમાં ગમ્મતમાં, પડોહની આ દીકરીને દેવા હાટુ! આ કંઈ બારીક કામ નથ, હજુ આનાથી રૂડું થાય!”

“લગન માટે ચણિયા-ચોળી-ઓઢણી બનાવે?”

હીરા આહિર હસ્યો, “બનાવીએને! પણ આ દુકાળના સમામાં ખરીદે કોણ?”

“સરખો જવાબ આપ ને! કદી આવા ચણિયા-ચોળી-ઓઢણી બનાવ્યાં છે?”

“ઈ બનાવ્યા જ હોયને! અમારી આહિર બહેનો પોતાની દીકરી જન્મે ત્યારથી એને માટે એક જોડ બનાવવાનું શરૂ કરે. રોજ દિવસભર આવા ચાકળા-ભીંતિયા – તોરણિયાનું વેચાઉ કામ પૂરું કરી એક બે કલાક પેલા દીકરીના કામ માટે આપે. ધીમેધીમે બારીકાઈથી કરે. ઈના દોરા અલગ, ઈનો સામાન અલગ ને ઈની કલા અલગ! ધીમેધીમે કામ થાય. રોજ થોડું થોડું કામ કરીએ તંઈ સોળ વરસે દીકરી મોટી થાય ને એને માટે ચણિયા, ચોળી, ઓઢણીની જોડ પણ તૈયાર થઈ જાય! પણ ઈ વેચવા હાટુ નો હોય! એ પોતાની દીકરી માટે હોય!”

દીવાન વચ્ચે બોલ્યા, “મહારાજ! આપણે ત્યાં આવી બેનમૂન કારીગરી હોય તો બંગાળ સુધી શું કામ જવું?”

રાજા મનમાં હજુ પેલું મલમલ લહેરાતું હતું!”

દીવાને મોરચો બદલ્યો, “બંગાળ જ જવું પડશે કેમ કે આ તો વેચવાની ના જ પાડે છે! મને નથી લાગતું કે આપની આજ્ઞા માનીને રાજકુમારી જ્યોતિકાદેવી માટે વસ્ત્રાભૂષણ બનાવે!”

રાજાને હવે રસ પડ્યો. અસંભવ વસ્તુને સંભવ કરવાની હોય તો જરા પડકાર જેવું લાગે. દીવાનને પણ ખ્યાલ હતો કે રાજહઠ જાગ્રત થશે તો પોતાનો બંગાળનો પ્રવાસ ટળી જશે.

“એ ય હીરા! ના પાડે છે તું? મારી દીકરીના લગ્ન છે. એના માટે આવા ભરતકામવાળાં ચણિયા-ચોળી-ચુંદડી મારે જોઈએ! એમા માટે ના પાડે છે તું?”

“મહારાજ.. એ વાત નથી પણ…..”

“કેટલો સમય લાગશે?”

“માલિક, રોજ આઠ કલાક મહેનત કરું તો આઠ મહિના લાગે! ત્યાં સુધી અવસર થોભે? એ ન બને! આ ચાકળો આપ રાખો. દીવાનસાહેબને બીજો બનાવી દઈશ.” કહીને હીરા આહિર રજા લેવા લાગ્યો.

રાજાએ કહ્યું, “ન કેમ બને? દીકરીના લગ્ન તો હજુ નવ માસ પછી છે!” પછી દીવાનને કહ્યું, “એની સાથે પૈસા નક્કી કરો.”

હીરા આહિર સહેલાઈથી માને એમ ન હતો. રકમ એ બોલી જ ન શક્યો. એની જ્ઞાતિમાં રિવાજ હતો ચાકળા તોરણિયા જેવી નાની વસ્તુઓ નિર્વાહ માટે અને ચણિયા ચુંદડી ફક્ત પોતાની દીકરી માટે. એનું મુખ્ય કારણ જ એ કે જેટલો સમય આ બારીક કામ કરતાં થાય એટલી મજૂરી કોઈ ચૂકવવા તૈયાર ન થાય. તેથી માત્ર વાત્સલ્ય ખાતર જ માતા ફક્ત પોતાની દીકરી માટે આ મહેનત કરે.

આ મમતાભરી મહેનતનું કોઈ મૂલ્ય ન હોય. પણ રાજા હઠ પર ચડ્યા હતા.

દીવાને પૂછ્યું, “મહિને તું કેટલા કમાય?”

“ગુજારો થાય એટલા!”

“ગુજારો કેટલામાં થાય?’

“પચાસ રૂપિરડી મહિને!”

“આઠ મહિનાના ચારસો રુપિયા થાય! અને દોરા કાપડ બધુ મળી કેટલાનું થાય?

“સો રૂપિરડી!”

“તો તને તારા પાંચસો રુપિયા દીધા બસ! બીજું બધું કામ બંધ કરી કાલથી કુંવરીબાનું કામ શરૂ!

ત્યાં કુંવરીબા મહેલની મુખ્ય પરસાળમાંથી દોડતી દોડતી પસાર થઈ.

રાજા બોલ્યા, “કુંવરીબાને બોલાવું માપ માટે?”

હીરા આહિર બોલ્યો, “ના, હીરબાઈ જેટલી જ કદ-કાઠી છે, ભાળી લીધું!”

પાંચસો એક રુપિયામાં સોદો નક્કી થયો. સન 1890માં પાંચસો એક રુપિયા એ ખાસી મોટી રકમ હતી પણ આઠ મહિનાની મહેનત પછી એ મૂલ્ય મળવાનું હતું.
******

બીજા દિવસે કાળુની દીકરી હીરબાઈ હીરા આહિરના ઘરે ગઈ. હીરા આહિર એકલો રહેતો હતો. બીજા કચ્છી-સિંધી આહિરોમાં પુરુષો ઢોરઢાંખરનું કામ કરે અને સ્ત્રીઓ ભરતકામ કરે. પણ હીરા આહિર જરા અલગારી હતો. આમેય બહારથી આવી અહીં માણેકવાડામાં વસ્યો હતો. એટલે અહીં કોઈને એના પરિવાર કે વતન વિશે ઝાઝી ખબર નહોતી.

હીરબાઈ નવરી પડે એટલે બાજુના ઘરમાં આવી એનું કામ એની કુશળતા જોતી. એના કામમાં વિરામ ન લેવો પડે એ માટે બે વાર ચા બનાવી દેતી. ઘર સાફસૂફ કરી દેતી.

માણેકવાડાની રવિવારીમાં હીરા આહિરનું બાર-પંદર રુપિયા જેટલું ભરતકામ વેચાઈ જતું. બાકીના છ દિવસ ઘરે રહી ભરતકામ કરતો.

વરસોથી ભરતકામ કરીને આંખો ઝીણી થઈ ગઈ હતી, કપાળ પર કરચલી પડી ગઈ હતી. આંગળા પર સોય વાગી વાગીને ચાંઠા પડી ગયા હતા, સતત નીચે જોવાને કારણે ડોક કાયમી ધોરણે વળી ગઈ હતી. એના એકધારા જીવનમાં ગઈ કાલે નવી વાત બની ગઈ હતી

હવે નાના ચાકળા કે ભીંતિયા નહોતા બનાવવાના. રાજાની કુંવરી માટે વેશસજ્જા તૈયાર કરવાની હતી.

હીરાએ હીરબાઈને કહ્યું, “આ અભરાઈ પરથી પોટલું ઉતારી દે ને! મને ગરદનની તકલીફ છે. બહુ ઊંચે નથી જોવાતું!”

હીરબાઈએ એક કાપડનું પોટલું ઉતાર્યું. ઉપર થોડી ધૂળ બાઝી હતી, એ ખંખેરી દીધી. હીરા આહિરે પોટલું ખોલ્યું. અંદરથી એક લાલ રંગનું કપડું નીકળ્યું. એક ખૂણે થોડું ભરતકામ કરેલું હતું. બાકી આખું કપડું કોરું હતું. સમજો કે રૂપિયામાં બે આની જેટલું કામ થયેલું હતું. ચૌદ આની કામ બાકી હતું.

હીરા આહિરે કપડું ધીમે રહી સાફ કર્યું, એની કામ કરવાની શેતરંજી પર ફેલાવવાની શરૂઆત કરી પણ શેતરંજી નાની પડી. કાપડનો ઘેરાવો વધુ હતો.

હીરબાઈએ બાજુમાં બીજી ચાદર પાથરી, “આટલા મોટા લૂગડા પર તમને કોઈ દિ ભરતકામ કરતા જોયા નથ!”

હીરા આહિરે કાપડને બન્ને હાથથી ખેંચીને કપડાની મજબૂતાઈ ચકાસી, “પાંચ વરસથી અભરાઈ પર છે પણ એવું ને એવું છે!”

હીરબાઈને યાદ આવ્યું, લગભગ પાંચેક વરસ પહેલા જ હીરા આહિર અહીં આવ્યો હતો. ત્યારનું આ કપડું એમનું એમ કેમ પડ્યું હશે?

હીરા આહિરે ખાટલાની નીચે દબાવેલી એક પોટલીમાંથી ચાંદીના તાર, મોતી, હાથીદાંતથી બનેલા લટકણિયા અને આભલા કાઢ્યા. પછી એક ડબ્બીમાંથી ખૂબ બારીક સોયનું ઝૂમખું કાઢ્યું અને આંખ પર પહેરવાનો કાચ કાઢ્યો. હીરબાઈ હેરતથી જોતી રહી.

હીરા આહિર રોજબરોજના કામમાં આ બધાં સામગ્રી ઓજાર કદી વાપરતો નહીં, હીરબાઈ બોલી, “કુંવરી ભાગશાળી છ!”

હીરા આહિરે કામ શરૂ કર્યું, હીરબાઈ રોજ જોતી પણ આ કુશળતા, આ કસબ એણે છેલ્લા પાંચ વરસમાં જોયા નહોતા. જાણે કોઈ નવા જ હીરા આહિરને એ જોઈ રહી હતી. હીરા આહિર અત્યારે જે બારીક કામ કરી રહ્યો હતો એની સામે અગાઉનું કામ તો બેઆની પણ ન કહેવાય! હીરબાઈ જોતી જ રહી ગઈ.

થોડીવાર રહી હીરા આહિર બોલ્યો, “આજે ચાનું પૂછવાનું ભૂલી ગઈ, હીરબાઈ!”

હીરબાઈ ઝટ દઈ ઊઠી, “આજથી આ કામ ચાલે ત્યાં સુધી ત્રણવાર ચા! બસ!”
*****

પછી તો રોજનો ક્રમ થયો. હીરબાઈએ પણ પોતે કુંવરીના આ કામમાં શું ફાળો આપી શકે એ શોધી લીધું. વધારાના દોરા તોડવાનું કામ, ભરતકામ પતી ગયું હોય એ ભાગને હળવી હથોડીથી ટીપીને સરખો કરવાનું કામ હીરબાઈ કરી આપતી. હીરાની ગરદન પર શેક કરવા માટે હીરબાઈએ રેતીભરેલી એક થેલી સીવીને બનાવી હતી. એને એ રોજ સાંજે કામ પત્યે તાવડી પર શેકી લાવતી.

હીરા આહિર ગરદન પર એ ગરમ રેતીની પોટલી મૂકી દિવસભરમાં થયેલું કામ ચકાસતો. ક્યારેક એને પોતાના કામમાં નાનીશી ભૂલ દેખાતી તો ક્યારેક એ સંતોષનો ઊંડો શ્વાસ લેતો.

ક્યારેક હીરબાઈ જોતી કે હીરા આહિર કાપડ પર મોતી ટાંકતો ક્યારેક એની આંખથી પણ એકાદ મોતી ટપકી જતું.

પણ હીરબાઈ હીરા આહિરને કશું પૂછે નહીં.

કામ અડધા ઉપર થવા આવ્યું ત્યારે એક દિવસ હીરા આહિરે સામેથી કહ્યું, “મારા લગન સોળ વરહ પહેલા થયેલા. લગનની દસ દિવાળી ગઈ, કોઈ ઓલાદ નહીં. દસ વરસ પછી હોળીના મહિને સિકોતર માતાની કૃપા થઈ. દીકરી જન્મી. દીકરી દોઢ મહિનાની થઈ ત્યારથી એની માએ આ કપડું ભરવાનું ચાલુ કરેલું. દીકરી વરહની થઈ અને બળિયા બાપજીના કોપથી ગુજરી ગઈ. દીકરીના આઘાતમાં બે મહિનામાં એની મા પણ પાછી થઈ. દીકરી હોત તો આ હોળી પર છ વરસની થાત!”

પહેલા ક્યારેક વધુ કામ હોય તો હીરબાઈ ચા બનાવવાનું ચૂકી જતી. પણ આ વાત સાંભળ્યા પછી એણે ચા બનાવવાનો ને’મ બનાવી લીધો.
*****

ચારેક મહિના સુધી તો હીરા આહિર વાત કરતો જતો અને કામ કરતો. એના દેશમાં જોવા મળતી જુદી જુદી હસ્તકલાઓ સૂફ, જત, ખારેક, મુતવા વગેરેની વાતો કરતો. હીરબાઈને ઝાઝુ સમજાય નહીં પણ એ સાંભળતી. એની વાતોને આધારે આ દીવાળી પર એણે રંગોળી પણ ભરતકામ જેવી કરી.

હીરા આહિર રંગોળી જોઈ હસ્યો, “આટલી મહેનત એક દિવસમાં ભૂંસી નાખવા માટે નો કરાય!” હીરબાઈને થતું સાચી વાત છે, હીરા આહિર બનાવી રહ્યો હતો એવું લૂગડું તો જીવતરમાં કોઈથી એકવાર બને તો બને! એટલે એ ટકવું જોઈએ!”

જેવું કામ પૂરું થવાને આરે આવ્યું એમ હીરા આહિર વાત કરવાનું ઓછું કરી કામમાં ડૂબતો ગયો. કોઈ સાથે ઝાઝી વાત કરતો નહીં. ક્યારેક હીરબાઈ ચા બનાવવા આવતી તો એના ખભે કાપડ મૂકીને જરા દૂર જઈ જોઈ લેતો કે કામ કેવું લાગે છે અને હવે આગળ કોરી જગ્યામાં શું કરવું પડશે!

જમવાનું આમ તો હીરા આહિર જાતે બનાવતો પણ છેલ્લે છેલ્લે કામમાં લીન હોય તો સમયનું ભાન ભૂલી જાય, જમવાનું બનાવે નહીં. તો હીરબાઈ ક્યારેક રોટલો-મરચું મૂકી જાય તો ક્યારેક બે કેળા મૂકી જાય.

અઠવાડિયે એકવાર ભગુ ઘાંયજો આવી હીરા આહિરની વતા કરી જતો, એક મહિનાથી હીરાએ ઘાંયજાને પણ ના પાડી દીધી. એટલો ટે’મ કોની પાસે હતો? મહિનામાં તો હીરા આહિરની દાઢી વધી ગઈ. આંખો મોટી અને લાલ થઈ ગઈ, સતત ઊંચા જીવે રહેવાને કારણે વાળ ઊંચા થઈ ગયા. ચામડી તતડી ગઈ.

રાજાની કુંવરી માટેનું વસ્ત્ર જેમ જેમ વધુ સુંદર થતું ગયું તેમ તેમ હીરા આહિર પોતે જરા જરા કદરૂપો થતો ગયો. એને ખબર નહોતી પણ એણે પોતાના જીવનનું હીર નિચોવીને આ કલાકૃતિમાં નાખી દીધું હતું.
*****

બરાબર આઠ મહિના પછી ચણિયા, ચોળી અને ઓઢણી તૈયાર હતા. એ લઈને કાળુ એની દીકરી હીરબાઈની સાથે વહેલી સવારે જ દીવાન માયાશંકરની ડેલીમાં પહોંચી ગયો.

દીવાન માયાશંકર, નગરશેઠ દેશળજી સાથે વાતોમાં હતા. એટલે ત્રણે ઓટલે બેઠા.

કાળુ હાથ જોડીને ધ્યાન દોરવા ઊભો રહ્યો હતો.

દીવાને જોયું કે કાળુ અને હીરબાઈની સાથે બીજું કોઈ પણ આવ્યું છે. પછી ધીમે રહી ખ્યાલ આવ્યો કે આ તો પેલો હીરા આહિર છે. આઠ મહિનામાં કેટલો બદલાઈ ગયો! દીવાને વિચાર્યું, નગરશેઠ સાથે મહત્વની વાત ચાલી રહી હતી. અત્યારે એ ભલે બેસે.

રાજની તિજોરી ખાલી થઈ ગઈ હતી. સત્તાની દૃષ્ટિએ રાજા સાલમસિંહ મોટા પણ આજની તારીખે નગરશેઠ દેશળજી પાસે રાજા કરતા વધુ ધન હતું. રાજાએ થોડી રકમ નગરશેઠ પાસે ઉધાર લેવી પડે એમ હતું.  નગરશેઠ ઉધાર આપે તો જ રાજના આખા રસાલાનો પગાર થાય.

અટપટો વિષય હતો એટલે ખાસી વાર થઈ. નગરશેઠ ઊઠયા એટલે હીરબાઈ બોલી, “રાજકુંવરી જ્યોતિકાદેવીની ચુંદડી તૈયાર છે!

દીવાને એક નજર ઉત્સાહિત હીરબાઈ તરફ કરી પછી કાળુને કહ્યું, “હીરા આહિરને કહે કે કાલે આવે, આમેય રાજા આજે કોઈ નવાબ સાથે ગીરના જંગલમાં ગયા છે શિકાર માટે!”

આઠ મહિના પછી હીરા આહિર પહેલીવાર બહાર નીકળ્યો હતો. આઠ મહિનાથી રવિવારી પણ બંધ હતી. આજે બહારના જગત સાથે પહેલી મુલાકાત થઈ અને આમ સાવ કંઈ ઘટના બન્યા વગર ઘરે પરત થવાનું એને અજુગતું લાગ્યું.  ઊભો થતાં થતાં બોલ્યો, “તમે તો જોઈ લ્યો એકવાર! કેવું કામ થયું છે તે!”

મહેલ પર જવાની ઉતાવળ હતી, છતાં નછૂટકે દીવાને હકારમાં ડોકું ધુણાવ્યું.

હીરબાઈએ વસ્ત્રનો પટ લહેરાવી દીધો. એક છેડો પોતાના ડાબા ખભે રાખી જમણો હાથ થઈ શકે એટલો લાંબો કર્યો. બહાર જવા માટે મોજડી પહેરી રહેલા નગરશેઠ દેશળજી અચાનક અટકી ગયા. દીવાનની ફિક્કા પીળા રંગે રંગેલી ડેલીમાં અચાનક વિખરાયેલા આ રંગોની લીલા જોઈને દેશળજી પહેલી જ નજર મુગ્ધ થઈ ગયા!

“આ વેચવાનું છે?”

હીરા આહિર બોલ્યો, “વેચવા માટે નથી, દીકરીને આપવાનું છે!”

હીરા આહિરને મન આ વેચાણ નહોતું. જે રકમ મળવાની હતી એ તો મહેનતાણું હતું. આ કલાની કોઈ કિંમત ન હોય!

“રાજાની કુંવરીના લગ્ન માટે છે!” દીવાને ખુલાસો કર્યો.

“કેટલાનું છે!”

નગરશેઠ દેશળજી હવે મોજડી ઉતારી આ ચુંદડીની અનોખી ભાત જોવામાં વ્યસ્ત હતા, ત્યારે દીવાને હીરા આહિરને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પોતે બોલ્યા, “આઠસોનું થાય!”

નગરશેઠ બોલ્યા, “આવું મને બીજું બનાવી દે, હું આઠસો આપી દઈશ. આવતા અઠવાડિયે મારી દીકરીના લગ્ન છે!”

નગરશેઠને ખ્યાલ નહોતો કે આમાં કેટલો સમય લાગે! કાળુને ખ્યાલ હતો!

કાળુ બોલ્યો, “શેઠ આ એક ઘરચોળું બનતા આઠ મહિના લાગે! અને આખા પંથકમાં હીરા આહિર સિવાય કોઈ નોં કરી હકે આ કામ!” પડોશી તરીકે એને ગર્વ હતો. વળી પોતાની દીકરીની પણ એમાં થોડી મહેનત હતી.

નગરશેઠ દેશળજી ધ્યાનથી કામ જોયું અને દીવાનની સામે ‘કંઈ થઈ શકે કે કેમ?” એવો ઈશારો કર્યો. દીવાને રાજા સાલિમસિંહને યાદ કરીને અક્ષમતા બતાવી. એક વરસ સુધી આવું બીજું ઘરચોળું બનાવવું મુશ્કેલ હતું. નગરશેઠ થોડા નાસીપાસ થઈ ઊભા થયા.
****

ત્રીજા દિવસે સહુ સાલમસિંહના મહેલમાં હતા. રાજા સાલમસિંહ શિકાર કરીને તો ગઈકાલે જ આવી ગયા હતા. પણ સાલમસિંહ ગઈકાલે આખો દિવસ નવાબની સંગતમાં હતા.

હીરા આહિરે ચણિયા-ચુંદડી પર લપેટેલ સફેદ કપડું હટાવ્યું અને ભરતકામ જરાક દેખાય એ રીતે જાજમ પર કપડું ફેલાવ્યું!

પૂરો પટ જોયા વગર જ રાજા બોલ્યા, “વાહ! રાજમાં આવા સુંદર કલાકારો છે! દીવાન, એને એકસોએક રૂપિયા બક્ષિસ આપો!”

દીવાન કહેવા લાગ્યા, “બક્ષિસ! નામદાર! વાત તો એમ થઈ હતી કે આપણે પાંચસો એક રુપિયામાં આ ખરીદીશું! રાજકુંવરીને લગ્નમાં પહેરવા માટે..”

“ઓહો! અચ્છા એમ વાત હતી!” રાજાને યાદ આવ્યું કે આઠ મહિના પહેલા આ વાત થઈ હતી.

“કુંવરીબાને બોલાવી જોઈ લઈએ એમને જચે છે કે કેમ?” દીવાનને વિશ્વાસ હતો કે કુંવરી જોઈને રાજી થઈ જશે. આવા કામ માટે પાંચસો એક રુપિયા કંઈ ન કહેવાય.

રાજા બોલ્યા, “આ તો છે જ સુંદર! જે પહેરશે એને જચશે જ. એમાં કોઈ શંકા નથી. પણ.. આ રહ્યું દેશી ભરતકામ.. અને આપણને જોઈતું હતું ઢાકા પંથકનું મલમલ! દીવાનજી તમને તો ખબર છે કે કાલે નવાબે વિદાય લીધી તે મુર્શિદાબાદના નવાબ હતા. આપણે એમને સિંહના શિકારની વ્યવસ્થા ગોઠવી દીધી એટલે એ ખુશખુશાલ થઈ કુંવરી માટે મલમલની સાડી આપી ગયા! નહીં નહીં તો બે હજાર રુપિયાની સાડી હશે!”

દીવાન બોલ્યા, “વાહ! એથી રૂડું શું કે તમારું મન હતું એ જ મલમલ પણ મળી ગયું. કુંવરી ભાગ્યશાળી છે! હવે એ પણ રાખો, આ પણ રાખો!”

“ના, ના હવે આની જરૂર નથી! આ કપડું એને પરત કરો અને એકસો એક બક્ષિસ આપી રવાના કરો!” રાજાએ વાત પૂરી કરી. એમનો આ સ્વભાવ દીવાન માટે નવી વાત નહોતી. છતાં દીવાનને આઘાત લાગ્યો.
*****

પરત ફરતાં રસ્તે કોઈ એકે અક્ષર બોલ્યું નહીં. ઘર નજીક આવી જરા છોભીલા અવાજે દીવાન બોલ્યા, “તને તો ફાયદો જ છે હીરા! નગરશેઠ આઠસો આપશે ઉપરથી રાજાના એકસો એક!. અત્યારે તો રાજની તિજોરીમાં ઝાઝા પૈસા નથી. પણ હું તને એ એકસો એક પણ વહેલામોડા અપાવીશ!”

દીવાનના ઘરે પહોંચ્યા તો આંગણે જ હીરબાઈ રાહ જોતી હતી. હીરા આહિરના હાથમાં કપડું જોઈ એને નવાઈ લાગી, “કંઈ કામ બાકી નીકળ્યું કે શું?” એ બોલી.

હીરા આહિરે કપડું હીરબાઈના ખભે નાખ્યું, “આ હવે તારું છે દીકરી!”

દીવાન બોલ્યા, “અરે આપણે નગરશેઠના ઘરે જઈએ છીએ, મારા વચનની કંઈ કિંમત હોય કે નહીં?”

“નથી જોઈતા મારે રાજાના કે નગરશેઠના પૈસા. આ વેચવા માટે નથી, અમે આ દીકરીઉં માટે બનાવીએ છીએ. હવે આ કપડાં મારી આ દીકરી પહેરશે એના લગનમાં!”

દીવાન સમજી ગયા કે એ પોતે રાજના નોકર છે, આ કલાકાર રાજનો નોકર નથી!

સહુ સ્તબ્ધ અને સ્થિર હતા, ફક્ત ઘરચોળું હીરબાઈના શરીર પર લહેરાઈ રહ્યું હતું

‘કલાની કદર કરવામાં આ દીકરી રાજા, નગરશેઠ કે દીવાન કરતાં ચડિયાતી છે’, એવું ખુદ ઘરચોળાને લાગ્યું હોય એમ એ હીરબાઈના દેહ પર અનોખો ઉઠાવ આપી રહ્યું.

ઘરચોળાં પરના આભલાં અને મોતીનાં પ્રતિબિંબ હીરા આહિરની ભીની આંખમાં ચમક બની ઝલમલ થતાં રહ્યાં.

~ રઈશ મનીઆર

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. અદ્ભૂત રજૂઆત સાહેબ
    સાચે જ કલા કિંમતી હોય છે.
    યથાર્થ શીર્ષક