“મા….!” અને “આજે છે ટર્ન” ~ બે કાવ્યો ~ પ્રાર્થના જ્હા
૧. “મા…”
પૂરતું નથી હોતું ફકત નવરાતથી…..
મા મળી જા તું મને નિરાંતથી….!
નથી ભરવું આ ખોળામાં કશુંએ માંગી માંગીને,
નથી કરવા તમારા જાપ કોઈ વાત રાખીને!
ડોળ, દેખાડા, અને આડંબર તો ક્યા ફાવે મને?
મા, તને પડશે ફરક રજૂઆતથી?
મા મળી જા તું મને નિરાંતથી….
નહીં થાય મારાથી અનુષ્ઠાનો ને ઉપવાસો,
ગજાની બહાર છે સઘળું, ને ગજવામાંય સન્નાટો!!
સમયની સળ પડી વચ્ચે હવે તારા ને મારામાં..
સ્થાપિત ફરીથી કરને, તારા ગર્ભનો નાતો!
મા, શરૂ કરને, બધું શરૂઆતથી!!!
પૂરતું નથી હોતું ફકત નવરાતથી…..
મા મળી જા તું મને નિરાંતથી….
– પ્રાર્થના જ્હા
નવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો એ તો હજુ ગઈકાલની વાત લાગે છે. આપણે જગતજનની માતાજીની ઉપાસના આરાધના અને આરતીઓ નવેનવ રાત માટે કરી. માતાજી શક્તિ આપે એવી પ્રર્થનાઓ ખોળા પાથરી પાથરીને અને માતાજીના રાસ-ગરબા રમીને કરી. પણ, બસ, ઉત્સવ પત્યો નથી કે તરત જ સૌ નિરાંતનો શ્વાસ લઈને ફરી પોતપોતાના કામકાજમાં પ્રવૃત્ત થઈ ગયાં છીએ. શક્તિની પ્રાપ્તિ અને શિવ સાથે શક્તિના સાયુજ્યની સંપૂર્ણ સમજણ માત્ર નવ દિવસોની આરાધના કરવાથી થઈ જાય ખરી?
અહીં કવયિત્રી કહે છે કે, “નવરાત્રીના ઉત્સવના અનુષ્ઠાનો, ઉપવાસો, પ્રાર્થના આ બધા દેખાડામાં હું ખોવાઈ જાઉં છું. મારી મા, મારામાંની ‘હું’ તમને ‘હુંપણું’ બાજુ મૂકીને મળી શકું અને મારું માથું તારા ખોળામાં નિરાંતે મૂકી શકું, એવી રીતે મારે તને મળવું છે. નથી મારે તને મળવા માટે ગર્ભિત અર્થોવાળા મંત્રો બોલવા કે નથી તારા ચરણે વિધવિધ પ્રસાદ ધરવા કે નથી ધ્યાન આપ્યા વગરના તારા નામના લાખો જાપ જપવા. એવું ન થઈ શકે હે જગતજનની મા, તું સમયની તરંગોમાં અટવાયેલી મને બહાર ખંચી લે અને પછી મને શિવની સમજણ સાથે જોડી દે? કારણ, શિવ વિનાની શક્તિ મળે એનાથી કોઈ ફરક પડી શકે નહીં. શિવતત્વ શક્તિને સંપૂર્ણ બનાવે છે અને શક્તિ જ શિવને પૂર્ણતા અર્પે છે. માતા બાળકને સમજે છે, કારણ, એનો બાળક સાથેનો નાતો નાળનો છે. હે જગતજનની, એક રીતે તો તારો નાતો પણ અમારા સૌ સાથે નાળનો છે. તો અમને સહુને ફરી શિવ અને શક્તિની સમજ ગર્ભસંસ્કારથી શરૂ કરીને, એટલે કે ફરી નવેસરથી પ્રારંભ કરીને આપ. નવરાતોની આ સ્થૂળ ઉજવણીમાં હું જ મને પામી નથી શક્તી તો મા, તને, અને તારી શક્તિને, શિવતત્વ સહિત પીછાણવાનો અવકાશ છે જ ક્યાં?”
આથી જ કવયિત્રી કહે છે,
“પૂરતું નથી હોતું ફકત નવરાતથી…..
મા મળી જા તું મને નિરાંતથી..”
મા શિશુને પોતાની છાતીના અમૃત પીવડાવતી વખતે જે નિરાંતથી ખોળામાં લે, એ નિરાંતની વાત અહીં ગોપિત રીતે કરીને, આ
કવિતાને યુવા કવયિત્રી, બહેન પ્રાર્થના અધ્યાત્મની ઊંચાઈ પર લઈ જાય છે. – જયશ્રી વિનુ મરચંટ
૨. “આજે છે ટર્ન….!”
વરસાદે વાછંટો મારી, ને ઓળઘોળ ઉડયોતો એવો પવન….
આંખો મિચકારીને સૂરજને કીધું’તું! વાદળનો આજે છે ટર્ન!!
ઉડી આકાશમાં ચકલીએ જાણે કે આખા ઉનાળાને માર્યો
સૂના આકાશને એવું લાગ્યું કે એક ચકલી એ જન્મારો તાર્યો
ધરતીની કૂખમાં કળીઓ હસી ને પછી તરણાને ફૂટ્યાતા વન …
…..વરસાદે વાછંટો મારી, ને ઓળઘોળ ઉડયોતો એવો પવન….
આંખો મિચકારીને સૂરજને કીધું’તું! વાદળનો આજે છે ટર્ન!!
કાળ ઝાળ તડકો કઈ પારકો ન’તો ,એને ભૂંડો કાંઈ કહેવા ઈરાદો ન’તો
કેરી ને આંબા ને લીંબડાના છાયા માં , જીવ ને જીવાડવાનો વાંધો ન’તો
આ તો ઈશ્વરની ધરતીને એનો વરસાદ, એનો મૂડ અને એનું વર્તન!!
…..વરસાદે વાછંટો મારી, ને ઓળઘોળ ઉડયોતો એવો પવન….
આંખો મિચકારીને સૂરજને કીધું’તું! વાદળનો આજે છે ટર્ન!!
અમે વરસાદે નાચ્યાં તો, એટલો જ પ્રેમ કરી સૂરજના લીધા ઓવારણાં
ચકલીએ ગૂંથેલા સુક્કાભઠ્ઠ ઘાંસમાં લીલું કાંઈ ઉગવાની ધારણાં !!!
ખરવુંને ઊગવું તો આપણો મિજાજ, બાકી રહેવું સદા સનાતન!!
….વરસાદે વાછંટો મારી, ને ઓળઘોળ ઉડયોતો એવો પવન….
આંખો મિચકારીને સૂરજને કીધું’તું! વાદળનો આજે છે ટર્ન!!
– પ્રાર્થના જ્હા
આકાશ, વરસાદ, વાછટ, વાદળ, પવન, તડકો, અને સૂરજ – કુદરતના આ જીવતા અને ધડકતા આકાશી પરમ તત્વો છે, જેને પોતાનો આગવો મિજાજ છે. ધરતીની કૂખમાં લીમડો, આંબો તરુવરો, પર્ણો, તરણાં, ફૂલો, ચકલી ધરતીના ધબકતા શ્વાસો છે. આ કાવ્યગીતને, અપાર્થિવતા અને પાર્થિવતાના એકમેકના લટકાં, મટકાંને ઉજાગર કરતા શબ્દો સાથે માણવાની મઝા જ કંઈ ઓર છે, જેને ન તો શબ્દોમાં ઉતારી શકાય, કે ન તો અર્થો કરીને સમજાવી શકાય. બસ, એક અભિસારિકા જેમ પ્રીતમને મળે એમ આ કાવ્યને મળીને, એની આ મઝાનો અહેસાસ અંતરમાં ઉતારવાનો છે. કવયિત્રીએ આ કાવ્યના શબ્દેશબ્દમાં કુદરતના અભિસારનું રેખાચિત્ર જાણે દોર્યું છે. શ્રી નીનુ મઝમુદારનું ગીત “પંખીઓએ કલશોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો….” યાદ અપાવી જાય એવું સૌષ્ઠવ આ કાવ્યગીતનું છે. યુવા કવયિત્રી બહેન પ્રાર્થના પાસેથી ગુજરાતી સાહિત્યને દીપાવે એવા કાવ્યો અને કૃતિઓ મળતી રહેશે, એની ખાતરી છે. – જયશ્રી વિનુ મરચંટ
ReplyForward |