“પાંદડી વાયરાને વળગી શું કામ?” ~ પન્ના નાયક ~ આસ્વાદઃ અનિલ ચાવડા
પાંદડી વાયરાને વળગી શું કામ? – પન્ના નાયક ~ આસ્વાદઃ અનિલ ચાવડા
પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળ ઉપર ઝૂલતી ’તી, ડાળ ઉપર ખૂલતી ’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,”
પાંદડી શાને આ વાયરા પર મોહી ’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ?
– પન્ના નાયક
પન્ના નાયકની કવિતા “પાંદડી વાયરાને વળગી શું કામ ?” નો આસ્વાદ – અનિલ ચાવડા
પન્ના નાયક એટલે વિદેશિની. વિદેશની ધરતી પર રહીને તેમણે ગુજરાતી શબ્દને આત્મસાત કર્યો છે. તેમની કવિતામાં કોઈ સંઘર્ષ, વિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં સુસ્તી ને કંટાળો, એ વચ્ચે મૃતપ્રાયઃ બનતી ચેતના ને તેમાંથી જન્મતો વિષાદ દેખાઈ આવે છે. તેમની એક કવિતા જોઈએ.
તેમનાં ઉપરોક્ત ગીતમાં પાંદડીને એક છોકરી તરીકે કલ્પી જુઓ. વાયરો અર્થાત્ કોઈ અલ્લડ છોકરો. પાંદડી વાયરાને કેમ વળગી એનું ગણિત ઉકેલવું અઘરું છે. કેમકે કોઈ વ્યક્તિ કોઈને શું કામ ચાહતી હોય છે તે ચાહનાર વ્યક્તિને પણ કદાચ ખબર નથી હોતી. આમ પણ વિરોધાભાષી પરિસ્થિતિ, સંજોગો કે વ્યક્તિ વચ્ચે સર્જાતો પ્રેમ વધારે મજબૂત હોય છે. કેમ થયો એ પૂછવાનો પ્રશ્ન નથી. બસ થયો. પાંદડી વાયરાને વળગી તો વળગી. ઘણાને પંચાત કરવાની બહુ ટેવ હોય. આમ કેમ થયું તેમ કેમ થયું? આ આને કંઈ રીતે ચાહી શકે, એ તો પેલાને લાયક હતી. તેની માટે જનાબ બેકાર સાહેબ સરસ લખ્યું છે.
“દૃષ્ટિમર્યાદાને તારી શું કહું?
પૂર્વપશ્ચિમ એકતા તો થાય છે
દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે,
એમાં તારા બાપનું શું જાય છે?”
એને ભાવે છે તો ખાય, એને બિસ્કિટ દાળ સાથે ભાવે છે. તો ખાય. એમ, પાંદડી વાયરાને વળગી તો વળગી. બીજાની પંચાત કરનારા તું તારું જોને ભાઈ, ખલીલ સાહેબ પણ યાદ આવે
“પહેલાં તારા પૂર્વજોના મૂળ જો,
એ પછી આવીને મારું કૂળ જો.
મારાં મેલાં વસ્ત્રની ચિંતા ન કર;
તારા જીવતરમાં પડેલી ધૂળ જો.”
પોતાનું જોતો નથી ને ગામની પંચાત કરે છે. પોતાના ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હોય ને બીજાના ઘરની ચિંતા કરતા હોય એવાય ઘણા આપણે ત્યાં છે. એવાને શું ગણકારવાના, કહેનારા તો કહે, પાંદડી વાયરાને વળગી તો વળગી.
પાંદડી તો વૃક્ષ નામના ઘરનું એક આપ્તજન, જાણે એ તો ડાળીની દીકરી! એની કૂખે જ તો અવતરી હતી. એટલે જ ડાળ ઉપર જુલતી ‘તી લીલુંછમ ખૂલતી ‘તી. પાંદડી લીલાશ પકડે એમ જાણે વ્યક્ત થતી હોય એમ લાગે છે. છોકરાને મૂછનો દોરો ફૂટે એમ તે પક્વ થતો જાય છે. પાંદડી લીલાશથી પક્વતા ધારણ કરે છે. પીળાશ એ તેની પ્રૌઢતાની નિશાની છે. પણ અહીં તો પન્ના નાયક લીલીછમ પાંદડીની વાત કરે છે. ડાળ ઉપર ઝૂલતી એ પાંદડી એકાએક ડાળીથી અળગી શું કામ થઈ ગઈ? કેમકે એને વાયરો ગમી ગયો, વાયરાએ એના હાથ ઝાલી લીધો. વાયરાએ પાંદડીનું હૃદય જીતી લીધું. તેથી તે ડાળીથી અળગી થઈ અને નીકળી પડી વાયરા સંગાથે.
અને આ વાયરો કેવો? રોક્યો રોકાય નહીં એવો! આમ પણ પવનને કોણ રોકી શક્યું છે? એ તો એની મસ્તીનો રાજા છે, ગમે ત્યાં આવે, ગમે ત્યાં જાય. વાયરો જ્યાં જાય ત્યાં પોતાનું વૈકુંઠ ઊભું કરી લે છે. વાયરો તો જાણે કૃષ્ણ છે અને તેની સાથે ઊડીને ચાલી આવતી પાંદડીઓ ગોપીઓ છે. ગોપી કૃષ્ણનો કેડો ન પકડે તો કોનો પકડે? પાંદડીએ વાયરાનો કેડો પકડ્યો, એ વાયરા પર મોહી પડી, તેની સાથે ચાલી નીકળી તો ડાળીથી અળગી થઈ ગઈ. પણ પછી પન્ના નાયક લખે છે કે આંખડી આંસુમાં ઢળતી શું કામ? કદાચ શક્ય છે ડાળીને પોતાની દીકરી જેવી પાંદડીનો વિરહ નથી ખમાતો, દીકરી ચાલી જાય તે કોને ગમે? ડાળીની આંખ આંસુથી છલકાઈ છે.
પણ વાયરાનો સંગાથ ક્યાં સુધી ચાલે? એ તો સનાતન છે, સદા આમથી તેમ વિહરતો રહેવાનો છે, પણ પાંદડી થોડી શાશ્વત છે? એની પર તો કાળનો ઓછાયો લાગવાનો છે, પીળી પડવાની છે, ઝર્ઝરિત થવાની છે, માટીમાં ભળી જવાની છે. વાયરો તો અલ્લડ હતો, છે, રહેશે. દશે દિશામાં તેની અવર-જવર હતી, છે, રહેશે. તેનો કેડો પકડનાર પાંદડીને આની જાણ ન પણ હોય. આમ પણ કોઈના પ્રેમમાં પડતી વખતે આપણને પ્રેમ સિવાય બીજા કશાની જાણ હોતી નથી. પાંદડી પીળી-ઝર્ઝરિત થઈ ગઈ, તે વાયરા સાથે મહાલી શકતી નથી. વસંત આવે, છતાં તેને મન બધું ઉજ્જડ છે. તેનું ઝર્ઝરિતપણું આ મોસમના મોઘમ અક્ષર ઉકેલી શકતું નથી. તે માટીમાં ભળી જાય છે. ફરીથી એ ઝાડ પર ઊગે છે, ફરીથી વાયરાનો કેડો પકડે છે, ફરી ઝર્ઝરિત થાય છે અને ફરી માટીમાં ભળે છે. આ તો જાણે ભવભવના જન્મારા જેવું થયું. હિન્દુધર્મમાં પુનર્જન્મની બહુ રૂપાળી કલ્પના છે. તેમાં કેટલી કલ્પના છે એ તો ભગવાન જાણે, પણ ગાલીબ કહે છે તેમ, દિલ કો બહલાને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ.
આપણે પણ સમય સાથે પાંદડી જેમ વળગી જઈએ છીએ, આપણે જાણીએ છીએ, સમય સનાતન છે, આપણે નથી, છતાં વળગીએ છીએ. બધાં પાસે સરખો સમય છે, છતાં એક માણસ સફળ છે અને બીજો નિષ્ફળ. વાયરાની પાછળ પાંદડી દોરવાય એમ આપણે સમય પાછળ દોરવાયા કરીએ છીએ. પોતે જ પોતાને ઢસડ્યા કરીએ છીએ. મૃત્યુ સુધી કોઈ છુપા અસંતોષ સાથે જીવીએ છીએ. સંતોષ નામની પડીકી લાધી તેને લાધી. ખબર નથી સંતોષી જીવન જીવવાનો દાવો કરનાર વ્યક્તિ પણ ખરેખર સંતોષી હોય છે કે નહીં? બધાં જ ઇન્કમટેક્ષમાં ઓછી આવક બતાવીને પૈસાની ચોરી કરતા માણસો જેવાં વ્યક્તિત્વો છે. આપણે પણ થોડું સુખ બચાવવા માટે ઘણી જીવનના ટર્નઓવરનો ખોટો ટેક્ષરિપોર્ટ તૈયાર કરતા હોઈએ છીએ.
ખેર, આ કવિતામાં છોકરી, પ્રેમ, જીવન, મૃત્યુ, પુનર્જન્મ વગેરેને જોડીને આ આસ્વાદકે કરેલો આસ્વાદ છે. શક્ય છે કે તમને આનાથી પણ વિશેષ આસ્વાદ્ય વાત મળી આવે. કવિતાને પોતાના આગવા દૃષ્ટિકોણથી ખોલો તો વધારે મજા પડશે. તમને પાંદડી અને વાયરામાં અન્ય સંદર્ભ પણ મળી શકે. ખરા કવિની એ જ તો કમાલ છે કે તમને તે અનેક દિશામાં દોરી જાય. પન્ના નાયકની આ કવિતા તેમની કાવ્યકલાનો હૃદયસ્પર્શી ચિતાર છે. તેમની કવિતા સ્ત્રીભાવનાને સહજ રીતે વ્યક્ત કરી જાણે છે. તેમની જ એક ટૂંકી, પણ સચોટ કવિતાથી લોગ આઉટ કરીએ.
લોગઆઉટઃ
‘આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી!”
– પન્ના નાયક