“મેઘધનુષનો આઠમો રંગ, શાયર નિદા ફાઝલી..!” – કૈલાસ પંડિત

“મેઘધનુષનો આઠમો રંગ, શાયર નિદા ફાઝલી..!” – કૈલાસ પંડિત

સંચાલનના શહેનશાહ, રજૂઆતના ખેરખાં અને ઉસ્તાદ ગઝલકાર, નિદાની શૈક્ષણિક સિદ્ધિ બૌદ્ધિકોની યોગ્યતાથી વિશેષ છે. વિદ્યાપીઠના પ્રમાણપત્રોથી ફાટફાટ થતી ફાઈલવાળો નિદા, આજના ચોવટિયા વિવેચકની જેમ ઠાવકા રહી, સંબંધ જાળવી, સર્જકચરિત વિશે કુંડળી માંડતા, લાલ શાહીના લખાણને લોહીસભર કહેવાની, કે, સાબિત કરવાની ક્ષમતા ધરાવે છે, છતાં એ એવું નથી કરતો. નિદા કોઈ પણ વિધાન કરતી વખતે આંખે પાટા બાંધી ત્રાજવા પકડે છે. એને સુગળવા, બ્રાહ્મણિયા, મૌલવિયા, ત્રિફળા કે હીંગોળવા લોકોની સખત સુગ છે. કુદરતી વર્ણન સાથે ઉપાડ કરતી નિદાની કવિતા સમગ્રતા સુધી વિસ્તરી, ધીરેધીરે સ્વયં સુધી પાછી વળે છે. સવારના વર્ણનમાં વ્યક્ત થતો માણસ આસ્તિક, લાગણીશીલ અને રોમેન્ટીક છે. એને ઈશ્વરમાં શ્ર્દ્ધા છે અને ખુદામાં ભરોસો છે.
નીચેની પંક્તિઓ જુઓ –
“વજૂ કરતી સુબ્હેં  (વજૂ – બંદગી કરતા પહેલાં હાથ ધોવાની ક્રિયા)
ખુલી ટહનિયોં તક મુનવ્વર હુઈ!” – (મુનવ્વર – દીપ્ત, રોશન)
**
“ભજન ગાતે આંચલને
પૂજા કી થાલી સે
બાંટે સવેરે”
**
“હૌલે હૌલે
બછિયા કા મુંહ ચાટ રહી હૈ ગાય
સુબ્હ કી ધૂપ, શામ કા રૂપ,
ફાખ્તાઓં કી તરહ, સોચ મેં ડુબે તાલાબ.” – (ફાક્તા – પંડુક નામનું એક પક્ષી, ગાયનના એક તાલનું નામ, પ્રેમી)

કુદરતનું રમ્ય વાતાવરણ તનાવને હળવો કરી આનંદ અને પ્રફુલ્લિતતા પહેરાવે છે. કવિ શાંત અને સ્થિર તળાવને વિચારકની ઉપમા આપે છે. અજાણ્યા શહેરના આકાશને ગ્રંથ તરીકે જુએ છે. ક્લ્પેલી પ્રિયા વિશે દોરેલું ચિત્ર આબેહૂબ બન્યાનું આશ્વર્ય કરતો નથી.
બાળકીથી કુમારી થતા શું થાય એની ઉપમા જુઓઃ

“લાકિટ ચુટલેમેં ફંસ જાયે”
**
“આમને સામને દો ખિડકિયાં,
મશવરા કર રહી હૈં, કઈ રોજ સે.”

જેવી આંખોમાં સ્વપ્ના સજાવી, છમાછમ કૂદતી, દિવાસ્વપ્નમાં રાચતી, ગોળ રોટલી વણતા શીખી ગયેલી, નવયૌવનાને ગમવા માંડેલો એક સંગાથ છૂટી જતા, પડેલી ખાલી જગાને એ જ રીતે ભરી દઈ એકાંતને એકલું પડવા દેતી નથી.
“ફિર યું હુઆ, કિ ધૂપ ખુલી, અબ્ર ચાટ ગયા,
મૈંને વતન સે કોસોં પર, ઘર બસા લિયા,
તુમને પડોસ મેં નયા ભાઈ બના લિયા.”

સમાજ આવા સંબંધોની કુથલી કરે છે, પણ ખાસ ગંભીર ન હોવાથી વાંધો આવતો નથી. એટલે જ ફાટફાટ થતી યુવાનીના દિવસોમાં રચાતા સ્વપ્નાને ઊડવા નાનું સરખું આંગણાં જેવું આકાશ, બારીમાં સમાય એટલો મારગ, આંખોમાં અંજાય એટલું વિસ્મય અવશ્ય મળી રહે છે.

વિભાજનથી વ્યથિત થયેલા નિદાએ પોતાની પ્રતિક્રિયા આંસુ અને આક્રોશ થકી ગઝલ, નઝમ, ગીત અને દોહા દ્વારા સ્પષ્ટ રીતે કહી છે. પોતે જે માટીમાં સંસ્કાર પામ્યો છે એના પ્રતિ એ વચનબદ્ધ છે, છતાં પરાયા દેશે રહેલાં મા-બાપને યાદ કરતાં લખે છે,

  • “ન મેરી મા કભી તલવાર તાને રણ મેં આઈ હૈ,
    ન મૈંને અપની મા કે  સામને બંદૂક  ઉઠાઈ હૈ!”
    **
  • “મૈં રોયા પરદેશ મેં, ભીગા માં કા પ્યાર,
    દુઃખને દુઃખ સે બાત કી, બિન ચિઠ્ઠી બિન તાર!”

ધરમને નામે ધંધો કરતા રાજકરણીઓથી ખુન્નસે ભરાયેલા, જ્યારે નિદા પાકિસ્તાનથી પાછા ફરેલા ત્યારે, હતાશાથી આવરાયેલો એમનો ચહેરો ગુસ્સાથી લાલ થયેલો હતો, આંખના ખૂણે આંસુ થીજેલા હતા અને જબાન પર આ શેર –
* “રહેમાન કી કુદરત હો, કી ભગવાન કી મૂરત,
હર ખેલ કા મૈદાન, યહાં ભી હૈ, વહાં  ભી હૈ!”
**
* “બિસ્માર હો રહી હૈં, દિલોં કી ઈમારતેં,
અલ્લાહ કે ઘરોં કી, હિફાજત નહીં રહી”
**
* “ખુદા કી હિફાજત કી ખાતિર, પુલિસને,
પુજારીકે મંદિરમેં, મુલ્લાકી મસ્જિદ મેં,
પહરા લગાયા.”
**
* “તુમ્હારી જેબ મેં ન ખંજર, ન હાથોં મેં કોઈ બમ થા!
તુમ્હારે રથ પે તો મર્યાદા પુરષોત્તમ કા પરચમ થા!”

પરાયા દેશે મૃત્યુ પામેલા પિતાની સ્મૃતિથી વ્યથિત નિદા, ક્યારેક પોતામાં પિતાના હાવભાવનો, સ્વભાવનો અનુભવ કરે છે. ક્યારેક પિતા જેવું ખિલખિલાટ હસીને ઠાવકા થઈ જવાય છે. એકાંતમાં એ પોતાના પિતાને ઊંઘતા, જાગતા, વિચારતા પિતાને પોતામાં આવજા કરતા તથા સામી ખુરશીએ બેસી વાત કરતા જુએ છે.
“તુમ્હારી કબ્ર મેં દફન હૂં, તુમ મુઝમેં જિંદા હો,
કભી ફુરસત મિલે તો ફાતિહા પઢને ચલે આના!”

દાદીની પૂરી થયેલી વાર્તા પછી વિખરાતાં બાળકોની સ્વાભાવિકતાને કલમથી ટપકાવતો નિદા, પોતે ન માણેલા બચપણને શેરમાં વ્યક્ત કરતા કહે છે –
“મુન્ની કી  ભોલી  બાતોં સે,  ચટકી તારોં કી કલિયાં,
પપ્પુ કી ખામોશ શરારત-સા છુપછુપ કર ઉભરા ચાંદ!”

પરાપૂર્વથી પરિવારથી સાવ વિખૂટા પડી ગયેલા નિદાને બચપણ સતત યાદ આવે છે, અને એને આમ વ્યક્ત કરે છે –
* “મુઠ્ઠી મેં દો જામુન, મુંહ મેં એક ચમકતી સીટી,
આંગન મેં ચક્કર ખાતી હૈ, છોટી સી બરસાત!”
**
* “બચ્ચોં સી ઠુમકતી શબ, ગેંદો સે ઉછલતા દિન” (શબ – રાત)
**
* “સુના હૈ શહેર સે મસ્જિદ હૈ બહુત દૂર,
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે!”
**
* “વક્ત રૂઠા રહા, બચ્ચે કી તરહ,
રાહ મેં કોઈ ખિલૌના ના મિલા!”
**
* “જાદુ ટોના રોજ કા, બચ્ચોં કા વ્યવહાર,
છોટી-સી ઈક ગેંદમેં, ભર દે સબ સંસાર!”
**
* “બચ્ચોં કે છોટે હાથોં કો ચાંદ સિતારે છૂને દો,
ચાર કિતાબેં પઢકર વે ભી, હમ જૈસે હો જાયેંગે!”
**
રમખાણ દરમિયાન કતલ થયેલા પોતાનાં બાળકો વિશે અદાલતમાં સાક્ષી આપતી માની બુદ્ધિમાં, હ્રદયમાં અને જબાનમાં  નિદાનું બિનસાંપ્રદાયિક વિચાર ફલક છે, એટલે જ એ કોઈ ચોક્કસ કોમના લોકો પ્રતિ આંગળી ચીંધવાને બદલે કહે છે
“વહ ઉસ જંગલ સે આયે થે,
જહાંકી ઔરતોં કી ગોદમેં બચ્ચે નહીં હંસતે!”

નવી નસલની નિદાની રચનાઓમાં ચિંતનની અસર હેઠળ જુદાજુદા વિષયોની માંડણી છે. કવિ પોતાના વિચારમાં, જે નથી એવા, પોતાના ખોવાઈ ગયેલા ઘરની સતત શોધમાં છે. એ આ સિમેન્ટના જંગલમાં પહેલા વરસાદથી ઊઠતી સોડમવાળું પોતાનું આંગણું શોધે છે. શહેરના રસ્તાઓ, ચોક અને ગલીઓથી પસાર થતાં પોતાના ગામની શેરી, આવતા વળાંકો અને પાદરે ઊભેલા પીપળાને શોધે છે. એની આ સતત શોધની નિષ્ફળતાને એણે ઉદાસી પહેરીને વર્ણવી છે.
* ”દેર ના કરના, ઘર જાનેમેં,”
* “હર જગહ, ઢૂંઢતા ફિરતા હૈ, મુઝે ઘર મેરા”
* “ઘર કી ચોખટ પર, કોઈ દીપ જલાતે રહિયે”
* “ઘર કી દહેલીજ પુકારેગી, કિધર જાઓગે,”
* “કરીબ ઘર કે રહૂં, ઔર ઘર ન જાઉં મૈં”
* “ખુદ અપને ઘરમેં હી, ઘર કા નિશાં નહીં મિલતા.”

શહેરમાં પોતાનું ઘર બનાવા માટે અપાતી કિંમતને ભરપાઈ કરવા માણસ, દિવસને ચાલીસ કલાકનો બનાવી મજૂરી કર્યા કરે છે. એ માણસ જ્યારે કિંમત ચૂકવી, ઉપર જુએ છે ત્યારે એના રહી ગયેલા વાળ સફેદ થઈ ચૂક્યા છે. આંખે જાડા ચશ્માં અને કરચલીવાળો ચહેરો કાળો થઈ ગયો હોય છે. ફાટી ગયેલાં કપડાં સાથે સાંધેલા ચપ્પલવાળા એ માણસને જોઈ કહેવાઈ જાય છે-
* “ઘર કી દીવારોં ને હી, છીન લિયા ઘર ઉસકા!”
* “જો કઈ દિન ઘર સે ગાયબ રહકર વાપસ આતા હૈ,
વહ જિંદગીભર પછતાતા હૈ,
ઔર ઘર અપની જગહ છોડકર ચલા જાતા હૈ!”

નિદાએ સતત ઘરના અભાવને જૂના વ્યાધિની જેમ જાગતા-સૂતા અનુભવ્યું છે. એનો ઈલાજ કોઈ તબીબ ન કરી શકતા દુઃખી થયો છે અને ઘર થઈ ગયા પછી એની પ્રત્યેક ઈંટને, ખૂણાને, વસ્તુને, બારીને દ્વાર વગેરેને વળગી વળગી, હૈયાફાટ રોતા આ સત્ય બોલ્યો છે કે-
“પથ્થરોં મેં ભી જુબાં હોતી હૈ, દિલ હોતે હૈં,
અપની ઘર કે દરો દીવાર  સજાકર દેખો!”

ઉપરથી સુખી જણાતા દાંપત્યજીવનની ગરિમાને ખોટા દંભે ખૂબ જ હાની પહોંચાડી છે. એકબીજાને સમજી અનુકૂળ થવામાં નાનમ અનુભવતું દંપતી બહારથી લોકોની વચ્ચે આદર્શ લાગે છે, પણ ઘરમાં તો વાત જ જુદી છે. બેઉનાં બેડરૂમ અંદરખાને જુદા જુદા હોવા છતાં એક હોવાનો દેખાવ કરવો પડે છે.
* “કભી તુમકો ભી બુનિયાદોંમેં મિટ્ટી ભરની પડતી હૈ,
કભી મુઝકો દરારોં કી મરમ્મત કરની પડતી હૈ,
પર હમારે ઘર કો જો ભી દેખતા હૈ, રશ્ક કરતા હૈ!”
**
ક્યારેક, આ નિદા, વેશ્યાના કોઠામાં રહેલી બિન સાંપ્રદાયિકતામાં રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ શોધે છે
* “ઉસકે કમરે કી, સી, કુશાદગી (કુશાદગી – વિસ્તાર, વિશાળતા)
મસ્જિદ ઔર મંદિર કે,
આંગનોંમેં કબ પૈદા હોગી?”

અનેક વિષયોને પોતાની કવિતામાં સમાવતો નિદા, પરંપરાના, અતિપરિચિત, પ્રતીકો તેમ જ વિષયોથી દૂર રહ્યો છે, એટલું જ નહીં, પણ, એણે ગામ અને શહેરોને ગાતા ગાતા ક્યારેક અલગઅલગ રાખ્યા છે, તો ક્યારેક ભેળવી દીધા છે. ફાટેલા પહેરણવાળા લંગોટિયાને ન ઓળખી, આગળ નીકળી ગયેલો કવિ ભૂલના અહેસાસ સાથે રાતભર જાગ્યો છે અને કહે છે-
“અબ ક્યા બતાયેં, કિસકો કહાં છોડ આયે હૈં..!”

શહેરમાં જીવવા માટેના નુસ્ખાઓ કવિતામાં ઉતારતા કહે છે-
* ”મિલને જુલને કા સલીકા હૈ જરૂરી વર્ના…”
* “દિલ મિલે યા ન મિલે, હાથ મિલાતે રહીયે..”
* “મુઝે ગિરા કે અગર તુમ સંભલ સકો તો ચલો..”

અને પછી, ગામડામાં સહજપણે દૃશ્યમાન થતાં ચિત્રને વર્ણવતા લખે છે-
* “આંગન આંગન છમછમ, છમછમ, ઘૂંઘટ કાઢે રૂપ..”
* “સીધે સાદે લોગ થે, લેકિન કિતને અચ્છે લગતે થે…!”
* “બૂઢા પીપલ ગાંવ કા, બતિયાયે દિન-રાત,
જો ભી ગુજરે પાસ સે, સરપર રખ દે હાથ!”

નવી શાયરીનું બહુ મહત્વનું નામ ‘નિદા ફાઝલી’ જેના ઉલ્લેખ વિના, જેના સમાવેશ વિના કોઈ પણ ઉર્દુ શાયરીનું કે કવિતાનું સંપાદન અધૂરૂં છે. બેફિકરો, બોલચાલની ભાષાવાળો નિદા, એની સહજ જણાતી વિચારપ્રધાન કવિતામાં એનો મિજાજ, તેવર તથા કહેવાના પોતીકા ઢંગનું પ્રમાણ સમતોલ રાખી શકતો હોવાથી, કવિતાને અઘરી બનતાં અટકાવે છે, અને એ જ એની સિદ્ધિ છે.

નિદાની કવિતામાં સાદગી છે, સચોટતા છે અને અભિવ્યક્તિમાં સરળતાની સાથે ઊંડાણ પણ છે. નિદા આજની ઉર્દુ કવિતાનું ‘વંડર’ નામ છે. એના આ થોડા મને ખૂબ ગમતા શેર ટાંકીને અહીં વિરામ પામીએ.

  • “સૂરજ કો ચોંચમેં લિયે, મુર્ગા ખડા રહા,
    ખિડકી કે પર્દે ખીંચ દિયે, રાત હો ગઈ!”
  • “મુઝસે મુઝે નિકાલ કે, પથ્થર બના દિયા,
    જબ મૈં નહીં રહા હૂં, તો પૂજા ગયા હૂં મૈં!”
  • “ધૂપ મેં નિકલો ઘટાઓંમેં નહાકર દેખો,
    જિંદગી ક્યા હૈ, કિતાબોં કો હટાકર દેખો!
    ફાંસલા નજરોંકા ધોખા ભી હો સકતા હૈ
    વો મિલે યા ન મિલે હાથ બઢાકર દેખો!”
  • “ઘર સે ચલે થે પૂછને મોસમ કે હાલ કો,
    ઝોંકા હવા કા બાલ મેં ચાંદી પિરો ગયા!”
  • “તુમ ભી લિખના, ઉસ શબ કિતની બાર પીયા પાની,
    તુમને ભી તો છજ્જે પર જા કે દેખા હોગા પૂરા ચાંદ!”

નિદા ફાઝલીને સો સો સલામ!

(કૈલાસ પંડિત અને નિદા ફાઝલી દ્વારા સંપાદિત ઉર્દુ સુખનવર શ્રેણી, “નિદા ફાઝલી”ના સૌજન્યથી)

(મશહૂર શાયર નિદા ફાઝલીનું ફેબ્રુઆરી ૮, ૨૦૧૬, સોમવારે નિધન થયું હતું. તેઓ ૭૭ વરસના હતા. એમના જવાથી શાયરીની દુનિયામાં મોટી ખોટ પડી છે. મુશાયરાની જાન એવા આ શાયરે ગઝલો અને કવિતાઓ સિવાય બોલિવુડની અનેક ફિલ્મોમાં ગીતોના ઓજસ પાથર્યા હતા.)

આપનો પ્રતિભાવ આપો..