ઘાશીરામ કોતવાલ – લેખકઃ વિજય તેન્દુલકર ~ આસ્વાદઃ ઉદયન ઠક્કર
ઘાશીરામ કોતવાલ – લેખકઃ વિજય તેન્દુલકર ~ આસ્વાદઃ ઉદયન ઠક્કર
લેખક, વિજય તેન્દુલકર (૧૯૨૮ – ૨૦૦૮ ) ભારતના મહત્ત્વપૂર્ણ નાટ્યલેખક છે. તેમણે ૫૦થી વધારે મરાઠી નાટકો લખ્યાં છે, જેવાં કે ‘શાંતતા! કોર્ટ ચાલુ આહે,’ (‘ખામોશ, અદાલત જારી હૈ,’) ‘સખારામ બાઇન્ડર,’ ‘ગિદ્ધ, વગેરે.
તેમનું નાટક ‘ઘાશીરામ કોતવાલ’ ૧૯૭૨માં પૂનામાં પ્રથમ વાર ભજવાયું, ત્યારે મરાઠી સમાજમાં ખળભળાટ મચી ગયો. આ નાટકમાં પેશ્વાના અતિ બુદ્ધિશાળી પ્રધાન નાના ફડનવીસની વિકૃત રજૂઆત કરાઈ હોવાનો આક્ષેપ થયો;
તેન્દુલકર, દિગ્દર્શક ડો. જબ્બાર પટેલ અને અભિનેતાઓને કોર્ટમાં ખેંચી જવાયા; તેમના પરિવારજનોને સતાવવામાં આવ્યા; ૧૯ પ્રયોગ પછી નાટકની ભજવણી પર પ્રતિબંધ મુકાયો. (પુસ્તક ઉપર પ્રતિબંધ નથી.)
પ્રસ્તાવનામાં લેખક કહે છે- આ ઐતિહાસિક નાટક નથી, માત્ર નાટક છે. જોકે કાચી સામગ્રી ઇતિહાસમાંથી લેવાઈ છે. ઘાશીરામ કોતવાલની દંતકથા હોવાથી અમે રજૂઆત નૃત્ય-સંગીતમય લોકનાટ્ય તરીકે કરી છે. દિગ્દર્શક જબ્બાર પટેલના શબ્દોમાં- નાના ફડનવીસ જેવા ઇતિહાસ-પુરુષ ગાતાં-નાચતાં આવે, તે મરાઠી પ્રેક્ષકોને ધક્કો પહોંચાડનારો અનુભવ હતો. પ્રથમ અંકના આરંભે કતારમાં ઊભેલા બાર બ્રાહ્મણો, ગણપતિ અને સરસ્વતી સાથે નૃત્ય કરે છે.
“શ્રી ગજરાજ નર્તન કરૈં
હમ તો પૂના કે બ્રાહ્મણ હરૈં
બાજૈં મૃદંગ, ચઢિ રહ્યૌ રંગ
તિરલોક દંગ”
સૌ એક પછી એક, સરકીને નીકળતા જાય છેઃ ‘સ્મશાનમાં જવાનું છે’, ‘દર્શન માટે જવાનું છે’ ‘કથા સાંભળવા જવાનું છે…’ વાસ્તવમાં બધા નાચગાન માણવા બાવનખની નામે ઓળખાતી પૂનાની કોઠીએ જાય છે, જ્યાં ગુલાબી નામે નર્તકી શૃંગારિક હાવભાવ સાથે લૌંડા ઘાશીરામ સાથે નૃત્ય કરે છે.
“મુકુન્દ મુરારી, રાધેકૃસ્ન હરિ,ગોબિન્દ મુરલી
બાવનખની મેં જી બાવનખની
મથુરાજી ઊતરી”
સૌ સિસોટી વગાડે છે.
લાવણી ચાલુ થાય છેઃ
“આસ તેરી આસ, આઈ મૈં પાસ
મન ઉદાસ, જરા પ્યાર કરો”
સૌ ગાય છે,
‘દિલ ખુશહાલ કરો.’
રાત્રિ પસાર થતી જાય છે. ઘરે રહેલી- તરછોડાયેલી સ્ત્રીઓ શું કરે છે? શું કરે છે? કોઈ પ્રતીક્ષા કરતી દેખાય છે. શિન્દેશાહી પાઘડી પહેરેલો સરદાર આવીને કાલ્પનિક દરવાજે ટકોરા મારે છે. સ્ત્રી તેને સત્કારે છે, શૃંગારિક ચેષ્ટા કરતી ઘરમાં લઈ જાય છે.
બીજી બાજુ, ચાંદીની મૂઠવાળી ઘડિયાળ હાથમાં લઈને, કાંડે ગજરો બાંધેલા નાના ફડનવીસ, તાલબદ્ધ નૃત્ય કરતાં ગુલાબીના કોઠે આવી પહોંચે છે. નાના અને નર્તકી ‘રાધેકૃસ્ન હરિ’ના સૂરો સાથે નાચતાં દેખાય છે, સાથે પુરુષો નાચે છે. મંચની બીજી બાજુ સ્ત્રીઓ શિન્દેશાહી પાઘડીધારી પુરુષો સાથે નૃત્ય કરે છે.
નાટકનો હિંદી અનુવાદ વસંત દેવે કર્યો છે. તેમણે શિષ્ટ નહિ પણ તળપદી હિંદી પ્રયોજી છે, જે લોકનાટ્ય સાથે સુસંગત છે. રાધાકૃષ્ણના ઓઠા હેઠળ રતિસુખ માણતા લોકો ઉપર લેખક કટાક્ષ કરી લે છે. ‘મુકુન્દ મુરારી’ વગેરે સંસ્કૃત ધૂનની પડછે ‘દિલ ખુશહાલ કરો’ જેવું ફારસી ગાન સમાજનો દંભ ઉઘાડો પાડે છે. પગ મોચડવવાથી નાના ફડનવીસને પીડા ઊપડે છે.
ઘાશીરામ ઝૂકીને તેમના પગને પોતાની પીઠ ઉપર ધારણ કરે છે. ખુશ થઈને નાના ગળાનો હાર ઘાશીરામને બક્ષિસમાં આપે છે.
દ્રશ્ય બદલાય છે. નાના ફડનવીસ આખ્યાન સાંભળી રહ્યા છે, પણ તેમનું ધ્યાન આખ્યાનમાં નથી. તેઓ એક સુકુમાર કન્યાને તાકી રહ્યા છે. કીર્તન પૂરું થતાં, નાના ગભરાયેલી કન્યાને ઘેરી લે છે, ‘અરી, તૂ તો હમારે લિએ બેટી કી તરહ હૈ, પડોસી કી.’ પેલી નાસી જાય છે. નોકર તરીકે ઊભેલા ઘાશીરામને, નાના હીરાની વીંટી ભેટ આપતાં કહે છે, તેને ગમે ત્યાંથી ગોતી લાવ. કન્યા બીજી કોઈ નહિ, પણ ઘાશીરામની દીકરી લલિતા ગૌરી છે. લાલચમાં આવેલો ઘાશીરામ દીકરીને લઈ આવે છે. નાના અને લલિતા રાધાકૃષ્ણની જેમ નૃત્ય કરે છે.
ઘાશીરામ દીકરીનો સોદો કરીને, નાના ફડનવીસ પાસે પૂનાના કોતવાલપદે પોતાની નિમણૂક કરાવી લે છે. ઢંઢેરો પિટાય છે, નોબત વાગે છે, કોતવાલનો શાનદાર પોષાક પહેરીને, અક્કડ ચાલે ઘાશીરામ આવે છે, જાણે કોઈ બીજો જ માણસ!
તેન્દુલકર નિર્મમ બનીને પાત્રાલેખન કરે છે. ધન અને સત્તા મેળવવા સ્વમાન નેવે મૂકી દેતા ઘાશીરામને તેઓ ઘૂંટણિયે પડતો બતાવે છે. તેન્દુલકરે ‘બેબી’ નામના નાટકમાં નાયિકાને ઝૂંપડપટ્ટીના દાદા સામે પશુની જેમ ચાર પગે ચાલતી બતાવી છે. બહેનની રક્ષા કરવા આવેલો ભાઈ ગુંડાથી ગભરાઈને છુપાઈ જાય અને બહેનનો આબરુભંગ થતો જોઈ રહે એવું દર્શાવ્યું છે. મધ્યમ વર્ગ અથવા ગરીબ વર્ગનું બિન્ધાસ્ત આલેખન તેન્દુલકરનો નાટ્યવિશેષ છે.
બીજા અંકમાં ઘાશીરામનું કુશાસન દર્શાવાયું છે. પત્નીની સુવાવડ માટે રાતે દાયણને બોલાવવા નીકળેલા પુરુષને કોરડા મરાય છે. ઘરમાં ઘૂસીને દંપતી પાસે પરણેલા હોવાનો પુરાવો મગાય છે. મડદા પાસે કૂતરા એકઠા થઈ ગયા હોય તોય અગ્નિદાહનો પરવાનો અપાતો નથી. ઘાશીરામ-રાજ્ય છવાતું જાય છે. નાના ફડનવીસ વિલાસ કરી રહ્યા છે, ત્યાં ઘાશીરામ નાગી તલવારે ધસી આવે છે. તેની દીકરી લલિતા દસ દિવસથી લાપતા છે. ડરેલા નાના કબૂલે છે કે તેને ચન્દ્રા દાઈ પાસે મોકલી દીધી છે. સગર્ભા થયેલી લલિતાનો ઘડોલાડવો કરી નખાયો છે. ઘાશીરામ આગબબૂલો થઈ જાય છે, પણ પોતાની અમર્યાદ સત્તાના પ્રભાવથી નાના તેને વશમાં કરી લે છે, મુજરો- સલામ કરવા મજબૂર કરે છે.
હવે કોતવાલના જુલમ વધતા જાય છે. દક્ષિણથી આવેલા અજાણ્યા બ્રાહ્મણો તેના બાગનાં ફળ આરોગવા લાગ્યા તેથી ઘાશીરામ તેમને નાનકડી કોટડીમાં કેદ કરી લે છે, જ્યાં ગુંગળાઈને બાવીસનાં મોત થાય છે. પૂનામાં બંડ જાગે છે. નાના ફડનવીસને તો એ જ જોઈતું હતું, તે હુકમ આપે છે કે ઘાશીરામને ફજેત કરીને મૃત્યુદંડ આપવો. લોકો ઘાશીરામને ઊંટ પર અવળો બેસાડે છે, હાથીના પગ સાથે બાંધે છે, પથરાઓથી ટીચીને મારી નાખે છે.
ઢોલનગારાંનો અવાજ- ઘાશીરામ ડેથ-ડાન્સ કરે- જનાવરની જેમ ચીસ પાડે- નિશ્ચેષ્ટ થઈ જાય. પાલખીમાં નાના આવે, ભીડને શાંત કરે, ‘નાગરિકો, આજે મહાન સંકટ આપણી ઉપરથી ટળ્યું. પાપી ઘાશીરામના શબને ભલે કાગડા, કૂતરા ચૂંથતા.જે સૂતક પાળશે તેને શૂળીએ ચડાવાશે. ત્રણ દિવસ સુધી પૂનામાં ઉત્સવ મનાવાશે!’
ભીડ ખુશીના પોકારો કરે, લેજિમ વાગે, ગુલાલ ઊડે. નાના અને ગુલાબી, નૃત્ય કરે. ‘બાજૈ મૃદંગ, ચઢિ રહ્યૌ રંગ, તિરલોક દંગ…’
ઘાશીરામના આપખુદ શાસન નિમિત્તે તેન્દુલકર ફાસીવાદી સરકારોની અને ‘મોરલ પુલીસ’ની ટીકા કરી લે છે. નાના ફડનવીસે ઊભો કરેલો ઘાશીરામ નામનો દૈત્ય તેમનો જ વિરોધી થઈ જાય છે. એક ઇન્ટરવ્યુમાં તેન્દુલકરે કહેલું, ‘મેં આ નાટકની પરિકલ્પના તે વેળાની રાજકીય પરિસ્થિતિ પરથી કરી હતી. હું ‘લોકસત્તા’ અખબારમાં કામ કરતો હતો. (સામ્યવાદી) લોકોનો સામનો કરવા તે સમયની સરકારે, શિવસેના પક્ષને ઊભો કર્યો. બાળાસાહેબ અને તેમના સમર્થકો કંઈ ખલનાયક નહોતા. પણ પછી એવું થવા માંડ્યું કે અમે પક્ષપ્રમુખને ‘સેનાપતિ’ ન કહીએ તો મોરચા આવીને આગ ચાંપે, લૂંટફાટ કરે. અમે ભયથી થરથરતા હતા.’
આવી કઠોર વાસ્તવિકતાને ગીત-સંગીત- નૃત્ય શૈલીમાં રજૂ કરીને નાટ્યકારે અસરકારક કોન્ટ્રાસ્ટ રચ્યો છે. જોકે પૂરતાં તથ્યો વગર નાના ફડનવીસના પાત્રનું વરવું અને એકાંગી ચિત્રણ કરવું, સમુચિત લાગતું નથી.
-ઉદયન ઠક્કર